સવારે ચા સાથે બિસ્કિટ ખાનારા સહુએ જોયા હશે. ચા સાથે ખારી (હવે આ ખારી ગળપણવાળી હોવા છતાં એને ખારી શું કામ કહે છે એ સમજાતું નથી એવું મેં ખોરાકશાસ્ત્રીને પૂછ્યું તો એણે કહ્યું કે નમક સ્વાદમાં ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છીએ એટલે એનો બદલો લેવા મીઠી ખારીને ખારી કહેવાનું ખોરાકના પ્રતિનિધિઓએ નક્કી કર્યું, ઠીક.) તો હા, ચા સાથે બિસ્કિટ ઉપરાંત ખારી, ટોસ્ટ ને નાનખટાઈ સુધ્ધાં ખાતા લોકો આપણી નજરે ચડે છે, પણ સુકેતુલાલને ચા સાથે સૌથી વધારે ભાવતી કોઈ ચીજ હોય તો એ છે છીંક.
એનાં કારણો આપતા સુકેતુલાલ કહે છેઃ કારણ એક કે એ પૈસેથી ખરીદી નથી લાવવી પડતી. કારણ બે એ ખાવા હાથ નથી હલાવવા પડતા અને કારણ ત્રણ ખાધા પછી એને પચાવવા માટે પાછું ચૂરણ પણ નથી ખાવું પડતું. ઉપરાંત, સૌથી મહત્વનું, ચા પીને છીંક ખાઈ સરસ મજાનો મોંફૂંવારો ઊડાવવા તેમ જ નાકપીંચકારી છોડવા મળે છે. એવો અનેરો ધૂળેટીલ્હાવો હોળીની રાહ જોયા વગર રોજેરોજ માણી શકાય છે. જોકે વાત આટલે પૂરી નથી થઈ જતી. છીંકવિદ્યામાં પારંગત થવા માટે ચાર બાબતો ખૂબ જરૂરી છે. એક તો ખખડતા ફેંફસા. બીજું ઘોઘરું ગળું, ત્રીજું નબળું નાક અને ચોથું કઠણ કાળજું. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી જોરથી છીંક ખાવા માટે કઠણ કાળજાની જરૂર પડે પડે ને પડે જ. છીંકને દબાવ્યા કે ટાળવાના પ્રયાસ વગર, મનમાં વીરતાનો ભાવ લાવી, જરીકે સંકોચ વગર ય્હાક છીનો હાકોટો કરી આ જગતને આપણા સચેતન હોવાનો વારંવાર પૂરાવો આપવો એ એક વીરકૃત્ય છે, જેનું મહાભારતમાં વર્ણન કરવાનું વેદ વ્યાસ ચૂકી ગયા હતા. અફસોસ સાથે કહેવું પડે છે કે આજે છીંકક્રિયાને હીનભાવથી જોવામાં આવે છે. મનુષ્યએ એના વીર છીંકકર્મ પછી દિલગીરી વ્યક્ત કરવી જોઈએ એ બાબતને વિવેકનો હિસ્સો ગણવામાં આવે છે એ ખરેખર ખેદજનક છે. માટે જ, આપણા જેવા સર્વે સંસ્કૃતિપ્રેમીઓની લીંટાળી ફરજ છે કે આપણે વ્યાસસાહેબ દ્વારા છીંકાઈ ગયેલી એટલે કે ચૂકાઈ ગયેલી આ બાબત વિશે જાગૃતિ ફેલાવીએ.
બોસ સાથે મીટિંગમાં, તણાવભરેલા એક્ઝામ હોલમાં કે બેસણામાં કે ગમે ત્યાં, નાક સુધી ખેંચાઈ આવેલી છીંકને પાછી મોકલતા પહેલા મારા વીરવાચકો યાદ રાખો ને મનોમન ગણગણી લો, છીંક પછી તમારી સામે ક્રોધભાવે કે અણગમાના ભાવે જોનાર દરેકદરેક પામર મનુષ્યને આ નારો સંભળાવી દો કે, છીંક એ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને એને હું ખાઈને જ રહીશ.