દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો મણિયારાને હાટે હાલી
ચૂડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
– લોકગીત

લોકસાહિત્યની સમૃદ્ધિ અને સુમધુરતાની ગાથા આપણે અનેકવાર સાંભળી છે. આવાં કેટલાંય ગીતો આપણે સાંભળતાં-માણતાં આવ્યાં છીએ. કોઈકને વળી પ્રશ્ન થાય કે આ લોકગીત ખરું, સારુંય ખરું, પણ એમાં કવિતા ખરી? કોઈ ના પાડવાની હિંમત કરે? કવિતાનિર્ણાયકો કહેતા હોય છે એમ, એમાં નવીનતા શું? ન ભાવનું નાવિન્ય કે ન અભિવ્યક્તિમાં તાજગી, લયપ્રાસ ઠીકઠીક સારા, પણ લયપ્રાસથી (કથિત-કુખ્યાત) કાવ્યતત્વ થોડી સિદ્ધ થાય, પછી એમાં કવિતા ક્યાં? કયું તત્વ સ્પર્શે છે? આખરે ક્યાં ક્યાં ક્યાં, ક્યાં છે કવિતા?
દાડમડીનાં ફૂલ રાતાં રંગનાં છે અને ફળ લીલા રંગનાં છે, (નાચતા હો તો ઝૂલણ લ્યો, ન નાચતા હો તો કંઈ નહીં.) ઓકે, ફાઈન. ચૂંદડી લેવા વાણિયા પાસે ગઈ, ઊભા ઊભા ચૂંદડી જોઈ(નાચતા હો તો, ઝૂલણ.), હેઠે બેસી મૂલ કર્યા (વન્સ અગેઈન ઝૂલણ), ફૂલ રાતાં છે ને ફળ લીલાં છે. ઠીક છે, સમજ્યા. એ જ રીતે સોની પાસે ઝુમરાં, મણિયારા પાસે ચૂડલાં જોયાં-મૂલવ્યાં-લીધાં,(ઝૂલણ-ઝૂલણ-ઝૂલણ) પત્યું. ઠીક છે, તો શું? કવિતા ક્યાં?
શું આ સદી અગાઉ સદીઓથી બાયડીઓ સાવ નવરી હતી એટલે બસ પ્રાસબદ્ધ ગીતો બનાવ્યાં કરતી? નવરાત્રીઆદી નાચવાના પ્રસંગો આવે એટલે સહુના પગમાં થનગાટ ઉમેરવા આ પ્રકારે ઠુમકાબદ્ધ શબ્દો ગોઠવ્યા કરતી? એટલા માત્રથી આ બધાં ગીત રચાયાં? એમાં કૂદાકૂદીની મજા અને આનંદ છે, પણ કાવ્યતત્વ નથી?
લગ્નઆદિ પ્રસંગોમાં ગામની સ્ત્રીઓને ગાણાં ગાતાં સાંભળવાનું (સદભાગ્યે) કેટલીકવાર બન્યું છે, એમાં સાંભળેલી એક પંક્તિ ભૂલાતી નથી, ન ભૂલાય છે એ ગાતી વખતે જોયેલો પેલી સ્ત્રીઓના ચહેરા પરનો ભાવ. એ પંક્તિઃ
“લીંબડાની છાયા,
જેવી માબાપની માયા…
માયા છોડવી પડશે, સાસરે જાવું પડશે….”
સાવ આવી સપાટ બયાની. આમાં કવિતા ખરી? પણ આ ગાતી વખતે પેલી પચ્ચીસથી પિસ્તાલીસ વરસ સુધીની પરણેલી સ્ત્રીઓના ચહેરા જે ભાવ તરવરતો હતો, એ સ્પષ્ટપણે ચાડી ખાતો હતો કે આ પંક્તિ તે બધીઓ માત્ર સાસરે જનારી સ્ત્રીને જ નથી કહેતી, પણ પોતાની જાતને પણ યાદ કરાવ્યા કરે છે કે માબાપના રાજમાં જે જલસો હતો, તે સાહ્યબી હજી ભૂલાતી નથી, મનોમન એમની ખોટ સાલે છે, માબાપની છત્રછાયા સાંભરે છે, પણ હવે આટલેવરસે તો એ બધું ભૂલ ભૂંડી ભૂલ !
દાડમડીનાં ફૂલ ગમેતેવાં હોય ને ફળ ગમેતેવાં હોય, વાણિયા-સોની-મણિયારા પાસે એકએક કરીને શોપિંગ કર્યું હોય કે મોલમાં જઈ સાગમટું કે ઘરેબેઠા ઓનલાઈન ઓર્ડર આપ્યું હોય, કશો ફરક નથી પડતો, મહત્વનું છે માત્ર ઝૂલણ. ઝૂલણ. ઝૂલણ. ગમે તે વાત હોય, ગમે તે શબ્દ હોય, ગમે તે પ્રાસ હોય, ગમે તે કારણ હોય કે કોઈ જ કારણ ન હોય, આજે તો મર્યાદાના વર્તૂળમાંથી બહાર નીકળી ઝૂલણ લઈ થનગનવા મળ્યું છે એટલે બસ ઝૂલણ લ્યો ને ઝૂમો… એ જ જીવનની કવિતા અને એ જ કવિતાનું જીવન ! આવું ધૂળિયું કાવ્ય-લોકગીત ન જાણે કેટલીય સ્ત્રીઓનાં હૈયાંને કેટલાંય વર્ષોથી હચમચાવતું ગરબે ઘૂમતું રહ્યું છે. આમાં કઈ કવિતા અને કયું જીવન? અહીં સુધીમાં તો ખરેખર ચડિયાતું કાવ્ય કેવું હોય ને હોય તો કયું હોય એ પ્રશ્ન પણ સાવ નિરર્થક લાગે એવી વ્યાપક અનુભૂતિ થઈ આવે છે.
-પણ, અહીં શહેરમાં બેઠાબેઠા ઘણીવાર વિચાર આવે છે કે આપણે કવિતાના શા હાલ કર્યા છે?
કેમ હજી આપણે ઊંબરે ઊભા રહી વ્હાલમનાને જ બોલવાનું કહ્યા કરીએ છીએ? કેમ હજી આપણા ભઈલાઓ લીંબડીપીપળી હલાવી વહાલી બેનીને હિંચકે જ ઝૂલાવ્યા કરે છે? કેમ હજી આપણે મધુવનમાં ખોવાયેલા માધવને જ શોધ્યા કરીએ છીએ? કેમ હજી આપણા સાંવરિયાઓ ખોબો માગીએ તો દરિયો જ દઈ દીધા કરે છે?
કારણઃ અનુભૂતિ ! ખરેખર?
અનુભૂતિને અનુસરેલા શબ્દો પંક્તિ સુધી કૂચ કરે, ને એવી પંક્તિઓથી જે કવિતા રચાય, એને વળી ક્યાં પ્રકાર ને બંધારણની ચિંતા રહે? કે પ્રકાર અને બંધારણોના ચોકઠા સમજ્યા પછી જ કવિતા સિદ્ધ થાય છે?
કવિ ધૂમિલની, ‘કવિતા’ નામની એક કવિતામાંની આ એક માત્ર પંક્તિ મૂકી દીધા પછી મારે-તમારે વધારે કશી ફરિયાદ કરવાની નહીં રહે.
“(કવિતા)
વહ કિસી ગંવાર આદમી કી ઉબ સે
પૈદા હુઈ થી ઔર
એક પઢે-લિખે આદમી કે સાથ
શહર મેં ચલી ગઈ…”