આજે આપણે બધા હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ કે જુઓ તો આપણો સમાજ કેવો થઈ ગયો છે? બધે પૈસાની બોલબાલા છે, સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી રહી; માન, સન્માન, લજ્જા, શરમ શેનીય કોઈને પરવા નથી. ખોટાં કાર્યો, જૂઠ્ઠું બોલવું, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, આ બધું વધતું જ જાય છે. છાપાંઓ ભરી ભરીને આ જ બધું આવે છે, ખરેખર કળિયુગ આવી ગયો છે. બધા પોતાનામાં જ મસ્ત છે સમાજ કે દેશની કોઈને પડી નથી. આ થવાનું કારણ ખરેખર તો આપણી ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા છે. કહેવાય છે ને કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે! અને આપણા સંસ્કાર ઘડતરના પાયામાં જ દુષણો રહેલાં છે.
“આપણી શિક્ષણ વ્યવસ્થાએ આપણને બૌદ્ધિક ગુલામીમાંથી હજુ મુક્ત નથી કર્યાં. સારાં ભવિષ્યના નિર્માણ માટે નાનપણથી જ જે વાતાવરણ, જે કેળવણી બાળકને મળવી જોઈએ તેને બદલે બાળકના શિક્ષણની શરૂઆત ડોનેશન આપીને થાય છે. શિક્ષણના વ્યવસાયીકરણની સાથોસાથ, બાળકોમાં મૂલ્યોનો હ્રાસ થતો જાય છે. બાળક મૂલ્યોને બદલે પૈસાને વધારે મહત્વ અપાતું જુએ છે અને એ જ શીખે છે અને ધીમે ધીમે પોતાની જ સંસ્કૃતિનાં મૂળિયાંથી છૂટું પડતું જાય છે. ગમે તેમ કરીને સારા માર્ક્સ મેળવવાની દોડમાં બાળક ખોટા રસ્તે ફંટાઈ જાય છે અને સારા-નરસાંનો વિવેક ભૂલી જાય છે.
આપણને જો સારો સમાજ જોઈતો હોય તો સારી કેળવણીની જરૂર છે કે જેના વડે ચારિત્રનું ઘડતર થાય, મનની વિચારવાની શક્તિમાં વધારો થાય, બુદ્ધિનો વિકાસ થાય, સ્વ નિર્ભર બનતાં શીખીએ. કેળવણીનો ખરો ઉદ્દેશ્ય મનુષ્યને ખરા મનુષ્ય બનાવવાનો જ હોવો જોઈએ, નહીં કે આર્થિક ઊડાન અને પરદેશગમનનાં સપનાં દેખાડી માનસિક અધઃપતનનો.
આજના સમયમાં સાચી કેળવણી એક લડત છે, જો આ લડતમાં શિક્ષકો પોતાનું મનોબળ તોડી નાખશે તો આ કેળવણી ‘એક પૈડાના રથ’ જેવી થઈ જશે. અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે પ્રખર યુદ્ધ કરવું જ પડશે। હાલના સમાજનાં દૂષણોને દૂર કરવા, એ કપરું કાર્ય છે, તેને માટે ખૂબ ધીરજ જરૂરી છે. આ ધીરજ શિક્ષકો પાસે છે. તેઓ હોંશિયાર, નબળા, શાંત, તોફાની – બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને – તેઓની જરૂરિયાત પ્રમાણે સાંભળતા, સમજાવતા ,સાચવતા હોય છે. આ શિક્ષકો જ સમાજનું નિર્માણ કરે છે. બાળકમાં ચરિત્રનું નિર્માણ કરવું, તેનામાં નીડરતા, પરોપકાર, નિરાભિમાન અને સર્જનશીલતા ખીલાવવાં એ જ શિક્ષકનું ધ્યેય છે. આ માટે આપણી કેળવણી બાળકને સારો માનવ બને એ લક્ષમાં રાખીને બનાવવી જોઈએ.
અભ્યાસક્રમ એ રીતનો બનવો જોઈએ કે સમાજની બદલાતી જરૂરિયાતોને એ સંતોષે, રોજીરોટી માટે એ જ્ઞાન પૂરું પાડે અને આવડતની સાથે નૈતિક મૂલ્યો પણ આપે, એને બદલે આજના શિક્ષણમાં વધારે ગુણ મળે તેની પાછળની દોટ, અથવા જેમાં પૈસા વધારે ચૂકવવાના હોય તે સારું એ માનસિકતા જોવા મળે છે. વિદેશી ભાષામાં વધારે ગુણ મળે છે, પૈસા વધારે મળશે એવી લાલચ દેખાય તો આપણે માતૃભાષાને પણ જાકારો આપી દઈએ છીએ. શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, જેમાં ઘણા ખરા પૈસાના જોરે, ભવિષ્યના સમાજની પરવા ન કરવાવાળા ઘુસી ગયા છે. અને તેઓએ આજનું શિક્ષણ મૂલ્યરહિત અને પૈસાલક્ષી બનાવી દીધું છે.મસમોટી મોટી ફી ભરે, ટ્યુશનમાં જાય, 90/95 ટકા લાવે એ હોશિયાર. વિદેશી ભાષામાં પરાયા વિચારોને ગોખીને ત્રણ કલાકમાં તેની ઉલ્ટી કરી નાખવી એજ આજનું ભણતર એમજ ને… તો શિક્ષાની ઉપલબ્ધિ ક્યાં લાંબી ટકી , આ તો બધું ઉપરછલ્લુંજ ને…
જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓનો અંકુશ ઓછામાં ઓછો
હોય, તો ન્યાયખાતું વધારે સારું અને પારદર્શક રહી શકે તેમ, આપણી બગડેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા,આપણી કેળવણીની નીતિ ઘડનારા પણ રાજકીય નિયંત્રણથી પર
હોવા જોઈએ અને તેઓ સામાજિક દુષણો, તેના કારણો, અને તે માટેના ઉપાયોથી પરિચિત હોવા જોઈએ. તો જ તેઓ સમયાનુસાર લાંબાગાળાની એવી નીતિ બનાવી શકે જેથી
ધીરે ધીરે સમાજમાં પરિવર્તન લાવી શકાય, સારા સાચાં મૂલ્યો પાછાં પ્રસ્થાપિત કરી શકાય।
છેલ્લાં કેટલાય વર્ષોથી આપણી કેળવણીમાં જીવનમૂલ્યોની ફક્ત વાતો જ થઈ છે; પણ તે ખરા અર્થમાં અસ્તિત્વમાં નથી આવી, તેથી જ કેળવણી પાછળ પૈસાનો અને બાળકોના બાળપણનો મોટો ભોગ અપાય છતાંય સમાજ સાચી કેળવણી શું છે એમાં રસ લેતો નથી થયો. કાકા કાલેલકરના શબ્દોમાં કહીએ તો “આપણી પ્રજા એ સમજવું જોઈએ કે જ્યાં
ધર્મસુધારા સફળ નથી થતા, જ્યાં સ્મૃતિઓ કામ નથી કરતી, જ્યાં ઔદ્યોગિક હિલચાલ પંગુ નીવડે છે, જ્યાં સામાજિક સુધારા નિષ્પ્રાણ છે અને જ્યાં રાજદ્વારી હિલચાલ પણ થાકી જાય છે ત્યાં આખરે કેળવણી જ મદદગાર પૂરવાર થાય છે.
કેળવણી જ સમાજને સાવધ કરી સાચી દિશા દેખાડી શકે છે.
આપણે આપણા સમાજને બચાવવું હશે તો જીવનમૂલ્યોનું જતન થાય એવી કેળવણી પર જોર દેવું પડશે,જેની પગદંડી આપણા બાળકોથી શરૂ કરીએ, કારણકે બાળકોજ
આપણું સાચું ભવિષ્ય છે, આપણો ભવિષ્યનો સમાજ છે. માટે બાળકોને કેળવશું તો આપોઆપ પરિવાર સમાજ અને દેશ કેળવાશે।
સમાજની મોટામાં મોટી સંપત્તિ બાળકો છે, બાળકોના સર્વાંગી વિકાસ માટે જીવનમૂલ્યો એ જ સાચું પોષણ છે.બાળકનો સર્વાંગી વિકાસ એટલે … જો તેના અંતરમાં દેશનો
આદર્શ નાગરિક બનીને પોતે સુખી અને બીજાને સુખી કરવાનો ઉમંગ જાગી જાય તો તે જ બાળકનો સર્વાંગી વિકાસ કહેવાય. માટે સારી કેળવણી એ બાળકના સર્વાંગી વિકાસલક્ષી હોવી જોઈએ જે માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે આપી શકાય.

– મુંબઈ ગુજરાતી સંગઠન