“પ્રેમ વિના લગ્ન કરવા કરતાં આપઘાત કરીને મરી જવું સારું.”

તે દિવસે સુચીતાએ એના ભાઈ પાસે આ શબ્દો ખુમારીપૂર્વક ઉચ્ચાર્યા હતા. સુચિતા એમ માનતી હતી કે એના ભાઈ કરતાં પોતે વધુ બુદ્ધિશાળી અને વધુ તેજસ્વી હતી. માતાપિતાની માન્યતા કંઈક એવા જ પ્રકારની હતી. કૃપાલ બુદ્ધિશાળી કે તેજસ્વી હોય કે ન હોય પણ જેને ‘સમજ’ કહેવામાં આવે છે તેની તો એનામાં જરીયે ઊણપ નહોતી. બેનના ખુમારીભર્યાં વચન સાંભળીને એણે ધીમેથી કહ્યું હતું :

“જો તિરસ્કાર કે અણગમો ન થતો હોય અને બીજી બધી રીતે સુબન્ધુમાં યોગ્યતા હોય તો આપોઆપ પ્રેમ પ્રગટી આવશે; સહવાસ અને નિકટતામાંથી એક અથવા બીજા પ્રકારની લાગણી જન્મે જ છે.” બેને જવાબ આપ્યો હતો: “એવો પ્રયોગ મારે કરવો નથી. જેને જોતાં હૈયામાં આકર્ષણ જન્મશે અને એ આકર્ષણ મહિનાઓ સુધી ટકી રહેશે તેની સાથે જ હું લગ્ન કરીશ.”

ભાઈએ પછી વિશેષ આગ્રહ કર્યો નહોતો અને માતાપિતાએ પણ એ વિષે મૌન ધારણ કરી લીધું હતું. એ સૌને સુચિતાની શક્તિ વિષે એટલો વિશ્વાસ હતો કે એમની મુદ્દલ સહાય લીધા વિના આ દુનિયાની કપરી સફર એ એકલી જ ખેડી શકે.

કૃપાલે જે સલાહ બેનને આપી હતી તે એણે પોતાના જીવનમાં બીજે જ વર્ષે ઉતારી હતી. માતાપિતા તરફથી એક કન્યાનું સૂચન આવ્યું ત્યારે તેણે પરિચય સાધવાની ઇચ્છા બતાવી હતી. થોડા પરિચયથી એના મનને સંતોષ થયો અને એણે જીવનભરનો સંબંધ જોડવાની માતાપિતા પાસે સંમતિ ઉચ્ચારી દીધી. બેનને આ વાત રૂચી નહોતી અને છેલ્લે દિવસે એણે કૃપાલને પૂછ્યું પણ હતું: “જીવનમાં કોઈ દિવસ ખૂટે નહિ એટલા પ્રમાણમાં તું એના પ્રત્યે પ્રેમ અનુભવે છે?” કૃપાલે ત્યારે જવાબ આપ્યો હતો કે, “એવી રીતે વિચાર કરવાની મને ટેવ જ નથી. મને કન્યા સારી લાગી, એને હું સારો લાગ્યો. અમારી વચ્ચે સુમેળ રહેશે એવી ખાતરી થઈ એટલે મેં સંમતિ આપી”. સુચિતાએ આ ચર્ચાને લંબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કૃપાલે આ વાતને આગળ વધવા દીધી નહોતી.

એક વર્ષ, બીજું પસાર થયું અને સુચિતા એમ.એ. થઈ ગઈ ત્યારે એને સહેજ મૂંઝવણ થઈ કે હવે કરવું શું? પરંતુ એ મૂંઝવણનો ઉકેલ એણે એલએલ.બી. કરવાના નિશ્ચય સાથે શોધી કાઢ્યો. આવતાં બે વર્ષનો કાર્યક્રમ નક્કી થઈ જતાં મૂંઝવણ દૂર થઈ ગઈ અને એનું જીવન પૂર્વવત્ ચાલવા લાગ્યું.

સુચિતાના જીવનમાં આજ સુધી ગંભીર કહી શકાય એવો કશો પલટો આવ્યો નહોતો. નાનપણથી જ માતાપિતાની એ લાડકી પુત્રી હતી. એના બુદ્ધિવિકાસમાં માતાપિતાની લાગણી અને એમણે કરી આપેલી સગવડોનું મહત્વનું સ્થાન હતું. મેટ્રિક પસાર કરીને એ કૉલેજમાં પ્રવેશી ત્યારે એનું વય તો માત્ર સોળ વર્ષનું હતું, પરંતુ એની બુદ્ધિનો વિકાસ એ કરતાં ઘણો વધારે હતો. નાનપણથી વચનનો ગજબ શોખ હતો. ગંભીર પ્રકારનાં પુસ્તકો પણ એ વાંચતી, પરંતુ વિશેષ વલણ વાર્તા, નવલકથા, નાટકો ને કાવ્યો તરફ હતું. ચલચિત્રો અને મુંબઈમાં લગભગ દર અઠવાડિયે થતાં નૃત્ય-નાટકો ને એવા રંજનકાર્યક્રમો તરફ એને વિશેષ પક્ષપાત હતો. ફિલ્મી દુનિયાનાં પાત્રો તરફ એ દિવસોમાં એને ભારે આકર્ષણ હતું. મિત્રોની વચ્ચે એ બોલતી પણ ખરી કે હું ફિલ્મક્ષેત્રમાં જોડાવાની છું. પરંતુ એ ઇચ્છાએ ઊંડા મૂળ તો નહોતાં જ નાખ્યાં. રસ, ગરબા, નૃત્ય, નાટક, સંગીત એવા કાર્યક્રમમાં એ જાતે ભાગ લેતી અને જોનારાઓનો એવો અભિપ્રાય હતો કે લલિતકલાઓ પ્રત્યેનું એનું વલણ સાવ કુદરતી છે.

કૉલેજમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી લગ્ન વિષે એણે ખાસ વિચારો કર્યા નહોતા, છતાં એમ કહેતી ખરી કે હું કુમારિકા જ રહેવાની છું. પુરુષની ગુલામી મને પસંદ નથી. પરંતુ કૉલેજમાં ગયા પછી એવા શબ્દો ઉચ્ચારવાનું બંધ થઈ ગયું હતું. અનેક પ્રવૃત્તિઓ અને અભ્યાસને કારણે જુવાનોના સંસર્ગમાં એ આવવા લાગી અને આસપાસની દુનિયામાં પ્રેમ, મૈત્રી, લગ્નનાં દ્રશ્યો એની આંખ સામે ભજવાતાં અને એવી વાતો કાન સાથે પણ અથડાતી.

વર્તમાન સમાજ અને તેની રૂઢિઓ પ્રત્યે એને ભારે નફરત હતી. પોતે ખાસ અનુભવ લીધો નહોતો તેમ ઊંડું અવલોકન પણ કર્યું નહોતું, પરંતુ વાર્તા, વાચન, ને આછા અવલોકનથી એની એવી માન્યતા બંધાઈ ગઈ હતી કે આ દુનિયા સડી ગઈ છે. ત્યાં જે લોકો જીવે છે તે પ્રાણ વિનાનાં ખોખાં છે, ત્યાં જે ઘર છે તે ઘરમાં ક્લેશ સિવાય બીજું કંઈ નથી. લગ્નો પ્રેમ વિનાનાં હોય છે અને તેનું સુખ સ્ત્રી દાસી અને ગુલામ બને તો જ મળી શકે છે. જૂની માન્યતામાં પરણનાર યુવક-યુવતીનો મુદ્દલ વિચાર કરવામાં આવતો નથી. માબાપના લહાવા લાવારસ બનીને જુવાનોની જિંદગી ભસ્મીભૂત કરે છે.

આ માન્યતાના સમર્થનમાં અનેક સાચા કિસ્સાઓ એ સંભળાતી, જોતી અને વર્તમાનપત્રોનાં પાનાં પર વાંચતી. કેટલાંક કટાક્ષ-નાટકોમાં એવાં દ્રશ્યો ભજવાતાં અને રૂઢીની સામે જ્યારે કોઈ યુવક મંડળની જેહાદ જાગતી ત્યારે એ બધું વિશેષ ભયંકર લાગતું.

આવા વાતાવરણ વચ્ચે પ્રેરણા ઝીલતાં એણે નક્કી કર્યું હતું કે સમાજની આ રૂઢિઓને તાબે હું કદી થઈશ નહિ. મારી ઇચ્છા વિના લગ્ન કરીશ નહિ અને એક પણ જૂના રિવાજને માન્ય રાખીશ નહિ. આ માન્યતામાં ધીમે ધીમે પ્રેમનું તત્વ ઉમેરાયું હતું. આરંભમાં એ પ્રેમ માત્ર કલ્પના જેવો હતો. એમાં એ તન્મય બની જતી હતી. પ્રેમીઓની કથા ને પ્રેમીઓનાં વિરહ કાવ્યો એને હલાવી મૂકતાં. જગત-સાહિત્યની મહાન કૃતિઓ તરફનું એનું આકર્ષણ એ કારણે જ વધતું હતું. એ પોતે મનોમન નવલકથાનું પાત્ર બની જતી અને એવા વિરહમાં ડૂબી જતી.

એ દિવસો પણ પસાર થઈ ગયા. રૂપ, બુદ્ધિ, ખુમારી અને ધનવાન માતાપિતા એને પ્રાપ્ત થયાં હતાં એટલે એની આસપાસ યુવકોનાં વર્તુલો રચાતાં. વિશેષમાં એ નવા વિચારની હતી, ઉત્સવોમાં સક્રિય ભાગ લેતી અને સમાજનિંદાથી મુદ્દલ ડરતી નહિ એટલે એની મૈત્રી આડે કશો અંતરાય નહોતો. આ મૈત્રીના પ્રતાપે એ કલ્પનાના આકાશમાંથી ધીમે-ધીમે ધરતી ઉપર આવતી જતી હતી પરંતુ એના પગ હજી જમીનને સ્પર્શ્યા નહોતા. કોઈની મૈત્રીની અને તે પછી પ્રગટેલી ઈર્ષાની વાતો એ સાંભળતી ત્યારે જરા વિચારમાં પડી જતી. કોઈ વાર એ યુવક અને યુવતીને એ પરમમિત્રો તરીકે ઓળખતી અને એમનાં લગ્ન થશે જ એવી વાત સાંભળતી છતાં એ બંને જુદાં જુદાં સ્થળે ચાલ્યાં જતાં ત્યારે વિચારોમાં ગૂંચ પણ પ્રગટતી. પરંતુ જ્યારે કોઈ કન્યા કે કુમારને એના માતાપિતાએ એની અનિચ્છા છતાં દબાણ લાવીને અમુક જગ્યાએ પરણાવ્યાં એમ એ જાણતી તો એ સળગી જ જતી. એવી રીતે પરણી જનારાંઓ માટે દયા અને તિરસ્કારની મિશ્રિત લાગણી એ અનુભવતી.

એની આસપાસ જે મિત્રમંડળ રચાતું હતું તેમાં ધીમે-ધીમે ફેરફાર થયા જ કરતા. કોઈ નવા આવતા, કોઈ ચાલ્યા જતા, કોઈ વિરોધી પણ બની બેસતા; પરંતુ એમના કોઈ તરફ એને કદી આકર્ષણ થયું નહોતું. બી.એ.ના છેલ્લા વર્ષમાં આવી ત્યારે લગ્નનો સવાલ એ વિચારતી થઈ ગઈ હતી. પરંતુ ‘થઈ રહેશે’ એમ માનીને વધુ મંથનમાં ઊતરતી નહિ. માતાપિતા તરફથી સીધી કે આડકતરી રીતે ચર્ચા થતી ત્યારે ‘હું મારી મેળે શોધી લઈશ’ એવું વાક્ય પણ ઉચ્ચારી નાખતી. મિત્રો સાથેની વાતોમાં એનો એ મત વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતો હતો. એ કહેતી: “લગ્ન પછીના પ્રેમનું મનને મુદ્દલ આકર્ષણ નથી. મારી માન્યતા પ્રમાણે એ પ્રેમ જ ન કહેવાય. લગ્ન પ્રેમમાંથી પરિણમવાં જોઈએ”. કોઈ આ શબ્દોને મજાકમાં ઉડાવતું તોપણ એ ગભરાતી નહિ.

***

એક દિવસ કોઈ સ્ત્રી-મિત્રે એને પૂછ્યું : “પ્રેમ માટે પ્રયત્ન કરવાની જરૂર ખરી કે નહિ?” તે દિવસે ખડખડાટ હસી પડી. ખૂબ હસી લીધા પછી એણે કહ્યું : “પ્રયત્ન કરવો પડે તેને પ્રેમ કહી શકાય?”

આ ચર્ચાને બીજે જ દિવસે એનાં માતાપિતાએ એની સામે એક સૂચના મૂકી હતી અને એણે વાત ઉડાવી નાખી; છતાં એ વિષે માતાપિતાએ આગ્રહ કર્યો હતો. છેવટે એને સમજાવવાનું બીડું કૃપાલે ઝીલ્યું હતું. પરંતુ તેમાં એને સફળતા મળી નહોતી. કૃપાલની વાત ઉપર એણે કાન જ નહોતા માંડ્યા. કૃપાલ પરણી ગયો તેની એને અસર ન થઈ અને પોતે એમ.એ. કરીને એલએલ.બી.નું શરૂ કર્યું ત્યારે પણ આ સવાલે તેને મૂંઝવણ ઊભી ન કરી.

પરંતુ એક દિવસ અચાનક એ મૂંઝાઈ ગઈ. એની સાથે અભ્યાસ કરતા ગાંધી નામથી ઓળખાતા એક વિદ્યાર્થીએ ખાસ વાત કરવા માટે એની પાસે સમય માગ્યો અને એ બન્ને એકલાં મળ્યાં ત્યારે પેલાએ કશાયે થડકાર વિના એને કહ્યું : “હું તને ચાહું છું અને ઈચ્છું છું કે આપણાં બન્નેનાં જલદી લગ્ન થાય”. સુચિતા પહેલી જ વાર ગભરાઈ ઊઠી.

સુચિતા આ વિદ્યાર્થીને સારી રીતે ઓળખતી હતી. એમની વચ્ચે મૈત્રીનો સંબંધ તો નહોતો પરંતુ તેના તરફ સૌની પેઠે સુચિતાને પણ આદર હતો. વર્ગનો એ સૌથી બુદ્ધિશાળી યુવક ગણાતો હતો. એની તંદુરસ્તી કે સૌંદર્ય વિષે કંઈ વાંધો કાઢી શકાય એમ નહોતું. એ આનંદી હતો પરંતુ ઠઠ્ઠામજાકની એને ટેવ નહોતી. એણે જે શબ્દો કહ્યા હતા તે ગંભીરતાથી કહેલા એમ સુચિતા પણ સમજી હતી.

સુચિતા તરત જવાબ ન આપી શકી એટલે ગાંધીએ એ જ સ્વસ્થતા સાથે વાતને આગળ વધારી: “તમને મારી માગણીથી આશ્ચર્ય થયું હશે, પરંતુ હું એમ માનું છું કે યુવકોએ પોતાના પ્રશ્નો જાતે ઉકેલવા હોય તો આ સિવાય બીજો માર્ગ નથી. મૈત્રીની વાતમાં મને દંભ લાગે છે અને પ્રેમ…” એ જરા અટક્યો એટલે સુચિતાએ જિજ્ઞાસાથી ઊંચું જોયું. ગાંધીને એ જ જોઈતું હોય એવી પ્રસન્નતા એના મુખ પર છવાઈ ગઈ. એણે વાક્ય પુરું કર્યું : “પ્રેમ તો પરિચયથી થાય જ”.

સુચિતાની રેખાઓ તરત જ બદલાઈ ગઈ. ગાંધીએ જોયું તો સુચિતાના મુખ પર રોષ હતો. પરંતુ એણે સહેજ પણ ગભરાયા વિના કહ્યું: “એક પક્ષે પ્રેમ હોય તો બીજા પક્ષે એ…”

“મને મુદ્દલ પ્રેમ નથી”. સુચિતા રોષથી બોલી ઊઠી.

“શા ઉપરથી તેમ કહો છો?” ગાંધીએ તરત પ્રશ્ન કર્યો. સુચિતા એવા પ્રશ્નમાં મુર્ખાઈ જોતી હોય એમ કંઈ બોલ્યા વિના તાકી રહી. પરંતુ ગાંધીને કશી ગભરામણ થઈ નહિ. તે બોલ્યો:

“આ પ્રશ્નથી તમને આશ્ચર્ય થાય છે?”

“હું વાત કરવા નથી ઈચ્છતી!” સુચિતા એકદમ ઊભી થઈને ચાલવા લાગી. ગાંધી પાછળ ઊભો ઊભો બોલ્યો: “તમે કશું વિચારવા નથી માગતાં એટલે કે બુદ્ધિનું દેવાળું કાઢો છો”.

સુચિતાએ આ સાંભળ્યું, પણ એ ઊભી ન રહી અને ચાલી ગઈ.

તે દિવસથી સુચિતાના મનમાં અશાંતિએ પ્રવેશ કર્યો. પહેલો પ્રત્યાઘાત તો અપમાનનો હતો. આજ સુધીમાં કોઈ દિવસે આવો ઘા તેણે સહન કર્યો નહોતો. ઘા કરનારને બેવકૂફ માનીને સંતોષ પામી શકાય એમ હતું નહિ. ઘરે આવી ચા પીધી, સાંજના છાપાં વાચ્યાં, ફરવા ગઈ, પરંતુ અશાંતિ દૂર થઈ નહીં. રાત્રે મોડે સુધી તરફડિયાં મારવાં પડ્યાં.

સવારમાં વહેલી જાગી ગઈ. પથારીમાં પડી-પડી એ પ્રસંગ સંભારવા લાગી. ગાંધીનો દોષ નહોતો એવું લાગ્યું. મારા જેવી કન્યા પાસે એ સ્પષ્ટ ચર્ચાની અપેક્ષા રાખે એમાં ખોટું શું? મારે એની સામે દલીલ કરવી જોઈતી હતી. એને ઠસાવવું જોઈતું હતું કે બુદ્ધિ વિનાની વાત કરી રહ્યો છે. સુચિતાના કાનમાં ભણકારા વાગ્યા… ‘એટલે એ બુદ્ધિનું દેવાળું’ શરમથી મન ઘેરાઈ ગયું. એણે એકદમ ઊભી થઈને બત્તી કરી, પળવાર ટેબલ પાસે ઊભી રહી. પછી ખાનામાંથી પેન અને પેડ લીધાં, ચિઠ્ઠી લખવા માંડીઃ

ગાંધી,

ગઈ સાંજના બનાવ માટે દિલગીર છું. જે પ્રશ્ન તમે ઉઠાવ્યો છે તેની ચર્ચા કરવા તૈયાર છું. સમય આપજો.

મનને થોડી શાંતિ થઈ, પરંતુ શાંતિ તો બીજે દિવસે ગાંધીને એ ચિઠ્ઠી એણે પહોંચાડી ત્યારે જ થઈ.

પણ આ શાંતિનું આયુષ્ય બે કલાક કરતાં વધુ નહોતું. બે કલાકે વર્ગ પૂરો થયો ત્યારે ગાંધીએ એની પાસે આવીને હસતાં હસતાં એ ચિઠ્ઠીનો જવાબ આપ્યો. એમાં લખ્યું હતું: “દિલગીર થવા માટે આભાર, હવે ચર્ચા કે મળવાનો કશો અર્થ નથી. પ્રેમ વિના લગ્ન ન કરવાનો તો મારો પણ નિશ્ચય છે અને જે પ્રેમ મારે જોઈએ છે તે તમારામાં નથી એટલી ખાતરી ગઈ કાલે મને થઈ ગઈ છે. પરિણીત જીવન સુખી કરવા માટે જે સામાન્ય અક્કલની જરૂર છે તેની પણ તમારામાં ખામી લાગે છે માટે માફ કરજો. પ્રેમ આકાશમાંથી નથી પડતો એટલું સમજશો તો સુખી થશો”.

સુચિતા જાણે પર્વતના શિખર પરથી નીચે પછડાઈ ગઈ! કાલનું અપમાન આની પાસે કશી વિસાતમાં નહોતું. ગઈકાલે એણે ઈનકાર કર્યો હતો, આજે એ ઈનકારનો ભોગ એ પોતે જ બની ગઈ! અશાંતિની કોઈ સીમા ન રહી.

***

સુચિતા ઘરે ગઈ ત્યારે કૃપાલને સુમિત્રા ચા પીવાનો આગ્રહ કરી રહી હતી. કૃપાલ ના પાડતો હતો. સુમિત્રા સ્નેહભરપૂર સ્વરે સ્મિત વેરતી-વેરતી બોલતી હતી : ‘અર્ધો કપ.. બહુ મઝા આવશે… ઠંડી ઊડી જશે.’ કૃપાલની આંખો હસી રહી હતી. સુચિતાથી આ દૃશ્ય ન જોવાયું.

એ પોતાના ઓરડામાં ચાલી ગઈ, જઈને બબડી: “કોઈ મને સમજતું જ નથી”.

ત્રણેક મહિના પછી ગાંધી એક ગર્વિષ્ટ ગણાતી મધુકાન્તા સાથે પરણી ગયો ત્યારે સુચિતાએ નવો આઘાત અનુભવ્યો. એ મધુકાન્તાએ જ એક દિવસ સવાલ ઉઠાવ્યો હતો કે ‘પ્રેમ માટે પ્રયત્ન કરવાની જરૂર ખરી કે નહિ?’ ત્યારે એ ખડખડાટ હસી પડી હતી. આજે એણે જોયું તો ગાંધી સાથેનો પેલો પ્રસંગ વીત્યા પછી આઠેક દિવસે મધુ અને ગાંધી સાથે ફરવા નીકળ્યાં હતાં. બેક વાર સિનેમામાં દેખાયાં હતાં. ધીમે ધીમે એમનું સાથે રહેવાનું સ્વાભાવિક બની ગયું હતું. બન્ને વચ્ચે ‘કંઈક’ છે એવી વાતો પણ વર્ગમાં સંભળાતી હતી અને જે દિવસે બધાને લગ્નનું આમંત્રણ મળ્યું અને પોતે રહી ગઈ હતી ત્યારે સુચિતાના કાને એવા શબ્દો પણ અથડાયા હતા ‘કે મધુ ફાવી ગઈ. ગાંધી ઉપર તો ઘણીની નજર હતી.’

સુચિતાને આ આઘાત વસમો પડ્યો પરંતુ તેની માન્યતાનો કિલ્લો તૂટ્યો તો નહિ જ. માતા-પિતા તરફથી એક નવી સૂચના એ દિવસોમાં જ આવેલી એનો એ જ ખુમારીથી એણે ઈનકાર કરેલો. કૃપાલ આ વખતે સહેજ ગુસ્સે થઈને બોલી ગયો હતો કે, ‘આમ જ કરશે તો છેવટ રખડી પડશે’. પણ એની કશી અસર સુચિતાએ અનુભવી નહોતી. પરંતુ એ દિવસ, ઓછું ભણેલી સુમિત્રાએ એને ભારે મૂંઝવણમાં નાખી દીધી. સુમિત્રા પોતાના સ્વભાવ મુજબ આજે સુચિતાને ચા પીવાનો આગ્રહ કરી રહી હતી અને તેની સાથોસાથ પોતે કાંઈ જાણતી નથી, સમજતી નથી એવી નમ્રતા બતાવી રહી હતી. સુચિતાને સારું લાગતું હતું અને તેના મોં ઉપર મોટપ અને પ્રેમની રેખાઓ ઊપસી આવતી હતી. ચાનું આમંત્રણ સ્વીકારતાં એ બોલી ગઈ:

“ભાભી, તમારા આગ્રહને કોઈ પાછો ઠેલી શકે નહિ એટલાં તમે મીઠાં છો હો!”

“એમ?” બોલતી સુમિત્રા હસીને ચાલી ગઈ ત્યારે સુચિતા એની પાછળ જોઈ રહી. જાગૃતિ ગુમાવી બેઠી હોય એમ એક વિચાર એના મનમાં પ્રવેશી ગયો: “કેટલા આનંદમાં છે? કેટલી સુખી છે? દિવસ અને રાત આવી જ પ્રસન્નતા… ભાભી ભાગ્યશાળી છે”.

એમ એ જ વખતે કૃપાલ ઘરમાં પ્રવેશ કર્યો. સુચિતા અકારણ ચમકી ગઈ. કૃપાલના હાથમાં શાનુંક બંડલ હતું. નજીક આવ્યો ત્યારે ખબર પડી કે એ અંદર નવી જાતની સાડી વીંટાળેલી છે. સુચિતાએ ગભરામણ ઢાંકવા માટે ફિક્કું હસીને પૂછયું, “ભાભી માટે”

“બીજા કોના માટે?” બોલતો કૃપાલ રસોડ તરફ ગયો. સુમિત્રા હાથમાં ચાનો કપ લઈ સામે આવતી હતી.

“શા…બાશ”” બોલતાં કૃપાલે એ કપ લઈ લીધો અને સુમિત્રા કંઈ બોલવા જાય ત્યાં તો હોઠે પણ માંડી દીધો.

સુચિતા દૂરથી જોઈ રહી ! સુમિત્રા તરત જ પાછી વળી અને બીજો કપ તૈયાર કરી આવી. એના મોં પર જરા શરમ હતી, તે સુચિતાએ જોઈ. સુચિતા વિચારમાં ડૂબેલી હતી એટલે સુમિત્રાએ કહ્યું, “તમારા ભાઈને કશાનું ભાન જ નથી હોં”.

સુચિતા હસી શકી નહિ. કૃપાલે આ સાંભળ્યું અને જોયું એટલે બોલી ઊઠ્યો.

“પ્રેમ વિનાનાં લગ્નમાં આવું જ હોય”.

(‘શ્રી મોહનલાલ મહેતા સોપાનની વાર્તાઓ’માંથી.)

[download id=”339″] [download id=”386″]