શેક્સપિયરે ભલે કહ્યું કે ‘વ્હૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ પણ નામમાં ઘણું બધું છે અને ઉમાશંકરેય આ વાત ઘણી વહેલી જાણેલી. તેમનું મૂળ નામ તો ઉમિયાશંકર. ખુદ એમને જ લાગ્યું કે ઉમિયાશંકર નામ સાથે લખાયેલાં કાવ્યો નહિ જામે, એટલે ઉમાશંકર રાખ્યું. નામ જેવી તકલીફ તેમના ઉપનામમાં પણ પડી છે. તેમણે ઘણા લેખો ‘વાસુકિ” ઉપનામથી લખ્યા છે. ફૂંફાડાભર્યા તેમના સ્વભાવના સંદર્ભમાં જ તેમણે આ ઉપનામ રાખ્યું હોવું જોઈએ. ક્રોધના તે જ્વાળામુખી હોઈ ‘દુર્વાસા’ ઉપનામ પણ તેઓ રાખી શક્યા હોત. ગુજરાતી લેખકોમાં તેમના ગુસ્સાઓનો ભોગ બનેલાઓ કરતાં નહિ બનેલાઓનાં નામોની યાદી આસાનીથી બનાવી શકાય. કવિ જબરા ‘શોર્ટ ટેમ્પર્ડ’ છે. કઈ વાત પર ગુસ્સે થઈ શકે એ કલ્પવું અઘરું છે. ને એક વાર ગુસ્સે થઈ જાય પછી સામી વ્યક્તિને પાણીથીય પાતળી કરી નાખે. તેમનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે લાગે કે ગુસ્સાનો ભોગ બનનારને હવે ભસ્મ થઈ ગયે જ છૂટકો. કહેવાય છે કે એક વાર પોતાના કોઈ સગા પર ‘વિશ્વશાંતી’ના એ કવિ એટલા બધા ગુસ્સે થઈ ગયેલા કે તેને મારવા ઈંટ ઉપાડેલી, પણ જ્યારે ખબર પડી કે આ ઈંટ છે ત્યારે દાઝી ગયા હોય તેમ તરત જ છોડી દીધેલી. ઈંટ તો શું, પણ ફૂલ પણ તે કોઈની પર ફેંકી શકે તેમ નથી. હા, કાંટાળા શબ્દોના મારથી કોઈને ગૂંગળાવી શકે ખરા. એક વખતે કવિ હસમુખ પાઠકને તેમના આ પ્રકારના ગુસ્સાનો લાભ મળેલો. વાત એવી બનેલી કે હસમુખની કોઈ કવિતા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલી. જેમાં એક-બે ઠેકાણે મુદ્રણદોષ રહી ગયેલા. હસમુખે કવિ પર નારાજ થઈને, થોડા આક્રોશથી પત્ર લખ્યો. કવિએ એ કાવ્ય ભૂલો સુધારીને ‘સંસ્કૃતિ’માં પુનઃ પ્રગટ કર્યું. તો પણ હસમુખના મનનું સમાધાન થઈ શક્યું નહિ. વાડીલાલ ડગલીના લગ્નમાં બન્ને કવિ ભેગા થઈ ગયેલા. પેલી કવિતાની વાતના અનુસંધાને ચાર કલાક સુધી કવિએ હસમુખ પર ગાજવીજ કરી. તેમની ગાજવીજને પરિણામે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યાં ને પરિણામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભોજન પતાવીને બધા પોતપોતાને ઘેર જવા માંડ્યા. હસમુખ પાસે જઈને કવિ ચિંતાથી બોલ્યા: ‘આવા વરસાદમાં ઘેર કેવી રીતે જશો? તમે તો છેક મણીનગર રહો છો…’ પછી સલાહ આપીઃ ‘ કોઈ વાહનમાં જ ઘેર જજો, હોં! પૂરતા પૈસા તૌ છે ને?’
કવિ એક વાર ગુસ્સો કરી નાંખે પછી ચંદનલેપ પણ લગાડી આપે. તેમનો ગુસ્સો મા જેવો હોય છે. મા બાળકને ગુસ્સાના આવેશમાં આવી જઈને કથોલું મારી બેસે ને પછી મનમાં ડુમાતી પાટાપિંડી કરે એવું જ આપણા કવિનુંય છે. તેમનો ગુસ્સો ઘણી વાર પ્રેમથી જન્મે છે. સામેની વ્યક્તિને તે પોતાની બુદ્ધિકક્ષાની કલ્પી લે છે; ને તેમની વાત સમજતાં વાર લાગે તો તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠે છે. એક વાર આ રીતે ગુસ્સામાં તેમણે સ્નેહરશ્મિને કહી દીધેલું: ‘તમે ઈન્ટેલેક્ચ્યુઅલ છો કે કેમ એની મને તો શંકા છે.’ તેમના જ હાથ નીચે એમ. એ. થયેલા એક (હવે તો સદગત) લેખકને તે કોઈ વાર કહી દેતા: ‘તમે એમ. એ. થયા છો એવો અનુભવ ક્યારેક તો કરાવો!’
તેમના કેટલાક આગ્રહોને કારણેય ગુસ્સો આવી જાય છે. એક જ પ્રતીક અંગેની મોરારજીભાઈ સાથેની તેમની ટપાટપી તો અખબારોને પાનેય ચમકી ગયેલી. સામેનો માણસ હોદ્દામાં જેટલો ઊંચો એટલી એમની ગુસ્સાની માત્રા પણ ઊંચી. આ પળોમાં કોઈકને કદાચ લાગે કે ઉમાભાઈ (સૉરી ઉમાશંકર, કેમ કે એક વાર પ્રિયકાન્ત મણિયારે તેમને ઉમાભાઈનું સંબોધન કર્યું ત્યારે મોઢું બગાડીને કવિએ કહી નાખેલું:‘મારું નામ ઉમાભઈ નહીં, ઉમાશંકર છે.’) ગુસ્સાની ક્ષણમાં અનબૅલેન્સ્ડ થઈ જાય છે, પણ તરતની ક્ષણમાં તે પાછા નૉર્મલ થઈ જાય છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે છે ત્યારે પેલાં બે બંધ થઈ જાય છે, પણ ત્રીજું બંધ થાય ત્યારે પેલાં બે આપોઆપ ખૂલી જાય છે ને એમાં ક્યારેક પ્રાયશ્ચિત પણ ડોકાય છે. કવિના નામના ઉત્તરાર્ધમાં ‘શંકર’ ન હોત તો કદાચ આવો ગુસ્સો પણ તેમનામાં ન હોત એવું આ લખનાર માને છે.
પણ આ કવિને ગુસ્સો કરતાં આવડે છે એથીય અદકી રીતે પ્રેમ કરતાં આવડે છે. ‘પ્રેમ’ નામના ચલણી સિક્કા પર જ તેમનો વ્યવહાર નભતો હોય છે. પોતાના કોઈ સ્વજનને ત્યાં જશે ત્યારે તે સ્વજનની પત્ની ઉપરાંત તમામ બાળકોનાં નામ પોપટની જેમ બોલી જઈ બધાંની ખબર પૂછી લેશે. જો બાળકો પોણો ડઝન હશે તો પોણોય પોણો ડઝનનાં નામ તેમને મોઢે હશે. તેમની તીવ્ર યાદશક્તિ આદર ઉપજાવે એવી છે. જેને તે પોતીકાં ગણે છે તેની પાસે ખુલ્લાશથી પહોંચી જાય છે. રઘુવીરને નોકરી ન મળે ત્યાં સુધી ચા નહિ પીવાની બાધા શ્રીમતી ચૌધરીએ લીધાનું કવિએ જાણેલું. પછી રઘુવીરને યુનિવર્સિટીમાં નોકરી મળી ત્યારે શ્રીમતી ચૌધરીને બાધા છોડાવવા તે રઘુવીરના ઘેર આવેલા તે વખતે લખનાર ત્યાં હાજર હતા.
પણ આવી કે તેવી બાધા છોડવવામાં પોતે બીજી રીતે ભાગ નહિ ભજવે. મિત્રો-સ્નેહીઓ માટે બધું કરવાને સમર્થ હોવા છતાં તે મિત્રો માટે કશું જ નથી કરતા એવા આક્ષેપ પણ તેમના પર મૂકાય છે. રઘુવીરની ભાષામાં કહીએ તો ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહે છે.’ તેમના આ પ્રકારના વલણથી તેમની નિકટના લોકોને કોઈક વાર એવું પણ લાગે છે કે તેમને અન્યાય થયો છે. (સ્નેહરશ્મિના મનમાં ઊંડેઊંડે એવો ખટકો થયેલો ખરો કે ઉમાશંકર મિત્ર હોવાને કારણે ઉપકુલપતિ થવામાં મને નડ્યા). ગાંધીજીના હાથે સરદારને થયેલો, એવો અન્યાય કવિના મિત્રોને થવાનો સંભવ ખરો. કદાચ અન્યાય ન પણ થાય, પણ ફાયદોય ન થાય. તેનાથી ઊલટું તેમની તરફ કોઈ દુશ્મનાવટભર્યું વર્તન કરનાર જો સમર્થ હોય તો માત્ર વેરભાવને લીધે તેને અન્યાય ન થાય. સુરેશ જોષીએ તેમની વિરુદ્ધ જાહેરમાં સારી પેઠે લખેલું છતા ‘રીડર’ની જગ્યા માટે સુરેશ તથા ‘અનામી’ બંને ઉમેદવાર હતા, ત્યારે નિર્ણાયક સમિતિના કુલ ચારમાંના બે સભ્યોએ ‘અનામી’ને પહેલો ક્રમ આપેલો, ને સુરેશને બીજો. ત્રીજા સભ્યે સુરેશને પહેલો અને ‘અનામી’ને બીજો ક્રમ આપેલો. જ્યારે આ કવિએ માત્ર સુરેશને જ પહેલો ક્રમ આપેલો. બંને ઉમેદવાર વચ્ચે ખાસ્સું લાં…બું અંતર છે એમ ગણીને. દ્વેષમુક્ત રહેવા તે હંમેશાં પ્રયત્ન કરે છે.
પણ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉમાશંકર લે કે લેવા દે એ વાતમાં માલ નહીં. તે જ્યારે ઉપકુલપતિ બન્યા ત્યારે સાથેસાથે અધ્યાપનકાર્ય પણ કરતા. પ્રોફેસરોનો પગાર લગભગ રૂપિયા પંદર સો ને ઉપકુલપતિનો લગભગ પાંચસો હતો. કામ તે પ્રોફેસરનું કરવા છતાં પગાર તો તે ઉપકુલપતિના હોદ્દોનો એટલે કે રૂપિયા પાંચસો જ લેતા. કવિમાં સૂક્ષ્મ વિવેક પણ ઘણો. કહે છે કે ઉપકુલપતિના હોદ્દા પર હતા ત્યારે તેમણે એવો આગ્રહ રાખેલો કે પોતે આ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની કોઈ કૃત્તિ પાઠ્યપુસ્તક તરીકે ન ચાલવી જોઈએ.
‘હર્બર્ટ એ. ડિસોઝા વ્યાખ્યાનમાળા’ માટે તેમને પ્રવચન આપવાનું આમંત્રણ સેન્ટ ઝેવયર્સિ કૉલેજ તરફથી મળેલું. આ પ્રવચનનો પુરસ્કાર પણ લગભગ પાંચસો રૂપિયા જેટલો અપાતો. ઉમાશંકર ઉપકુલપતિ હતા અને ઉપકુલપતિ સંલગ્ન કૉલેજોમાંથી પુરસ્કાર ન લઈ શકાય એવો નિયમ; ને આ લોકો પુરસ્કાર આપ્યા વગર છોડે પણ નહિ. એટલે ‘ફરી ક્યારેક’ એમ કહી પ્રવચન આપવાનું તેમણે ટાળેલું. ગયે વર્ષે ફરી આમંત્રણ આપી તેમને બોલાવ્યા. તેમણે પ્રવચન આપ્યું, પણ પેલો પુરસ્કાર ન લીધો. આ કવિ હાઈટમાં નીચા હોવા છતાં સ્ત્રી ને પૈસાની બાબતમાં ઘણા ઊંચા છે. નામે શંકર છતાં વર્તને વિષ્ણુ છે.
ઉમાશંકરમાં બીજા એક ઉમાશંકર બેઠા છે. એ બીજા ઉમાશંકરની એક આરસની પ્રતિમા આ ઉમાશંકરે ઘડી છે. એ પ્રતિમા ખંડિત થાય એવી કોઈ પણ ચેષ્ટા કવિ સહી શકતા નથી. પોતાના સફેદ સાળુ પર કાળો ડાઘ પડવા ન દે એવી વિધવા બ્રાહ્મણી સાથે કોઈએ તેમને સરખાવ્યા છે. ‘શ્લીલ-અશ્લીલ’ પુસ્તકનું સંપાદન મેં કરેલું. તેમાં તેમની ‘રાહી’ વાર્તા લેવાનું નક્કી કરી તેમને મળ્યો. બે-ત્રણ વખત મને આંટા ખવડાવ્યા; પછી સંમતિ આપી, પણ સાથે ટકોર કરવાનું ન ચૂક્યા: ‘ભાઈ વિનોદ, જે કંઈ કરો તે જાળવીને કરજો. પછી એવું ન બને કે આપણે બધાએ સંતાતા ફરવું પડે.’
કવિ કાજળ કોટડીમાંથી ઊજળા બહાર નીકળનાર કીમિયાગર હતા. નિષ્કલંક જીવન જીવાય એ માટે તે સદાય જાગ્રત રહે છે અને એટલે કવિ સસ્તા બનીને કશું કરતા નથી. બાકી પૈસાની જરૂર કોને નથી હોતી? જેમની પાસે વધારે હોય છે તેમને વધારે હોય છે. કવિનેય હશે! પણ પેલી ઈમેજ! અરીસાને બીજે છેડે ઊભેલા ઉમાશંકર આ ઉમાશંકરને ઠપકો આપે એવું કશું જ તે નહિ કરે. આ ઉમાશંકર પેલા ઉમાશંકરનો ભારે આદર કરે છે. જ્ઞાનપીઠનું રૂપિયા પચાસ હજારનું ઈનામ પોતે ન રાખતાં ટ્રસ્ટ કરી દીધું. કવિ માટે પાંચ આંકડાની આ રકમ નાની ન કહેવાય. વળી, પૈસાનું મૂલ્ય કવિ નથી સમજતા એવુંય નથી. એક વાર મુંબઈના પરાના સ્ટેશને બુકિંગ ઑફિસવાળા સાથે બે પૈસા માટે તે લડી પડેલા. રિક્ષાવાળા સાથે પણ ચાર-આઠ આના માટે નાના-મોટા ઝઘડા તેમણે કર્યા છે. એક વખત તો તેમને ત્યાંથી ચીજ-વસ્તુઓ ચોરી જનાર નોકરનું પગરું શોધતા તે નોકર પાસે પહોંચી ગયેલા ને તેને ફોસલાવીને પોતાનો માલસામાન પરત મેળવેલો.
કંજૂસ લાગે એટલી બધી કરકસરથી તે જીવ્યા છે. ઓગણત્રીસ-ઓગણત્રીસ વર્ષથી ‘સંસ્કૃતિ’ પરના ઘડાનો બ્લૉક પડી ગયેલો હોવા છતાં તેમણે તે બદલ્યો નથી. નિરંજન ભગતે પહેરેલી ચંપલ ગમી જવાથી એ પ્રકારની જોડ ચંપલ લાવી આપવા તેમણે નિરંજનને કહ્યું. નિરંજન ચંપલ લઈ આવ્યા. કિંમત પૂછી. અઠ્ઠાવીસ રૂપિયા.. ‘અઠ્ઠાવીસ રૂપિયા?! આટલી મોંઘી ચંપલ પહેરાતી હશે?’ ને કવિ પોતાની જાત પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં નિરંજનને પૈસા આપવાનુંય તે ભૂલી ગયા… તે છ મહિને આપ્યા.
આમ તો તે વૅલ્યૂઝના માણસ છે. કદાચ એટલે જ ભદ્દાપણાની તેમને ચીડ છે. કદાચ આથી જ, પોતાની ષષ્ટિપૂર્તિ તેમણે ઊજવવા દીધી નથી. આ પ્રકારનું હાસ્યાસ્પદ કામ તેમણે નથી થવા દીધું. ‘માણસ જન્મે ને જીવે તો સાઠનો થાય. એની વળી ઉજવણી શી?’
તેમને સાઠ વર્ષ પૂરાં થતાં’તાં તેની નિરંજન, શિવ પંડ્યા, હસમુખ વગેરે મિત્રોને ખબર એટલે આગલા દિવસે નિંરજને કવિને ફોન કર્યો, ‘તમારું થોડું કામ છે; આવતી કાલે આવું?’ ‘આવો.’ પછી બાર પંદર મિત્રો ઉમાશંકરને ત્યાં ત્રાટક્યા. ઉમાશંકર પરનું કાવ્ય નિરંજને વાંચ્યું. ચા-પાણી વગેરે પત્યા. બધા ઊઠ્યા. ઝાંપા સુધી મિત્રોને વળાવવા જતાં ઉમાશંકરે નિરંજનને પૂછ્યું: ‘તમે આવ્યા ત્યારે સામે લટકમટક ચાલવાળી, નટખટ, જાજરમાન સુંદર સ્ત્રી મળી?’
નિરંજન તો આ વાતથી હેબતાઈ ગયા. (સ્ત્રીની વાત આવે છે ત્યારે નિરંજન હેબતાઈ જાય છે.) આ કવિ સાઠ વર્ષ પૂરાં કર્યા પછી યુવાનીમાં પ્રવેશે છે કે શું?! પ્રકટપણે કોઈ સુંદરીની વાત કરતા હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કવિએ આ શું પૂછ્યું?
‘ના. નથી જોઈ…’ નિરંજન ઉવાચ.
‘ખરેખર?’
‘એટલે?’
‘અરે, હમણાં જ મારા ઘરમાંથી તે વિદાય થયાં. તેમનું નામ ‘બુદ્ધિદેવી’ હતું…’ કવિએ ખુલસો કર્યો.
ઉમાશંકરમાં Keen Sense of humour છે. તેમની સાથેની નાની વાતમાંથી પણ તેમની હાસ્યવૃત્તિ પ્રકટ થયા કરે છે. ટીખળ ‘કરી’ શકે તેમ ‘માણી’ પણ શકે છે. મારો અંગત અનુભવ છે. વાત ઈડરમાં ભરાયેલા જ્ઞાનસત્રની છે. ઈડર પાસેના બામણા ગામના વતની હોઈ કવિ યજમાન હતા ને અમે મહેમાન. પહેલે દિવસે પૂરી-શાક પીરસાયાં. પૂરી ઘણી જ ચવડ ને શાક પણ ધોરણસરનું નહિ. પીરસાયા પછી કવિ પંગતમાં ફરવા નીકળ્યા – બધાને બરાબર પીરસાયું છે કે નહિ તે જોવા. અમારી પંગતમાંથી તે પાછળની પંગતમાં ગયા. મારી બાજુમાં બેઠેલા વિનોદ અધ્વર્યુનાં પત્ની સુરંગીબહેને મને પૂછ્યુઃ ‘હેં વિનોદભાઈ! કહેવત તો એવી છે કે રસોઈ તો ઈડરની! તો પછી આમ કેમ?’
‘બહેન, ઈડરના રસોઈયા સાક્ષર થઈ ગયા છે.’ હું જરા મોટેથી બોલ્યો; એટલે દૂર રહ્યે રહ્યે ઉમાશંકર મને કહ્યું: ‘નૉટી બોય, હું સાંભળી ગયો છું.’(જોકે ઉમાશંકર કવિતા જેટલી જ સારી રસોઈ બનાવી શકે છે.)
ઉમાશંકર ઝીણા બહુ. ભારે ચીવટવાળા. ‘ગુજરાતની હાસ્યધારા’ નામના મારા સંપાદન-સંગ્રહમાં તેમની રચના માટે તેમની અનુમતિ માગતો પત્ર મેં લખ્યો, પણ સ્વભાવ અધીરિયો એટલે ચાર દિવસ પછી ફોન પર તેમની સંમતિ મેળવી લીધી, પણ પછી તે અવઢવમાં પડી ગયા – મને સંમતિ આપી છે કે નહિ એ બાબતે અને તેમણે પત્રોનો જવાબ નહિ આપવાની તેમની આબરૂના ભોગેય મને પત્ર દ્વારા અનુમતિ મોકલી આપી. જોકે પત્રનો જવાબ આપવાની કુટેવ તેમણે પહેલેથી જ નથી પાડી. ‘સંસ્કૃતિ’માં તેમને મોકલવામાં આવેલી કૃતિ મળ્યાની પહોંચ, સ્વીકાર/અસ્વીકાર વગેરે બાબતનો પત્ર લખવાની ઝંઝટમાં તે નથી પડતા. એક લેખિકાએ તેમને કૃતિ સાથે જવાબી પત્ર બીડેલો. જેમાં સ્વીકાર/અસ્વીકાર બધું જ લખેલું. માત્ર ‘ટીક’ કરીને જ પત્ર પરત કરવાનો હતો, પણ આ અઘરું કામ તે કરી શકેલા નહિ.
આપણા આ કવિ જીવનમાં જેટલા વ્યવસ્થિત છે એટલા જ અવ્યવસ્થિત પણ છે. તેમના ટેબલ પર ‘સંસ્કૃતિ’ અંગેનું કોઈ મૅટર મૂકાયું હોય તો તે શોધતાં કમસે કમ પિસ્તાળીસ મિનિટ તો લાગે જ. ને પાછા મજાકમાં કહે પણ કે અહીં કશું ખોવાતું નથી તેમ જલદી જડતું પણ નથી. કેટલીક વાર તો તે ખુદ પોતાનું પુસ્તક પણ ઘરમાંથી શોધી શકતા નથી. એટલે નજીકમાં રહેતા નગીનદાસ પારેખ પાસેથી તે મેળવવું પ઼ડે છે. તેમની પ્રસ્તાવના મેળવવાની ઈચ્છાવાળા ઘણા લેખકોનાં પુસ્તકો વર્ષો સુધી છપાઈને પડી રહ્યાના અનેક દાખલા છે; એટલું જ નહિ, ખુદ તેમનું પોતાનું એક પુસ્તક જ પ્રસ્તાવનાની રાહ જોતું લગભગ આઠેક વર્ષ સુધી છપાઈને પડ્યું રહેલું. આવી કેટલીક ક્ષણોમાં જ તે સાચૂકલા કવિ લાગે. બાકીની ક્ષણોમાં વ્યવહારપટું.
તેમની વાણીમાં ગુસ્સે થવાનું તત્વ છે એટલું પ્રસન્ન કરવાનુંય છે. એક વાર ‘સંસ્કૃતિ’ના પ્રૂફ્સ પ્રેસમાંથી થોડાં મોડાં આવ્યાં. પ્રૂફ લઈને આવનાર માણસ પર ગુરુ ગુસ્સે થઈ ગયા અને પ્રૂફનો જમીન પર ઘા કર્યો. ગુરુના ગુસ્સાથી અજાણ હોઈ એ માણસ જમીન પરથી પ્રૂફ ઉઠાવી તેનો વીંટો કરી ચાલ્યો ગયો. ગુરુએ માન્યું કે એ માણસ હમણાં જ પાછો આવશે, પણ તે પાછો આવ્યો નહિ. એટલે ફોન કરીને તેને બોલાવ્યો. બીજી વાર આવ્યો ત્યારે ગુરુએ પ્રેમથી બેસાડીને ચા પિવડાવી. પછી કહ્યું: ‘તું પ્રેસનો મૅનેજર બનવાને લાયક છે.’
એક વાર કવિ પ્રિયકાંત અને પત્ની રંજનબહને ઉમાશંકરને મળવા ગયાં. વાતમાંથી વાત કાઢીને ઉમાશંકરે રંજનબહેનને કહ્યું ‘પ્રિયકાન્ત તો તમારા વર-કવિ છે, પણ અમારા તો કવિવર છે.’ યોસેફ મૅકવાન સપત્ની કવિ પાસે ગયો તો તેની પત્નીને પણ કહ્યુઃ ‘યોસેફ તમારે મને વર-કવિ હશે, પણ અમારા તો કવિવર છે, હોં!’
પિનાકિન ઠાકોર તાજેતરમાં આકાશવાણી પરથી નિવૃત્ત થયા. (આ વાંચીને કોઈએ મને અભિનંદન આપવાં નહિ.) પત્ની સાથે તે નાટક જોવા ગયેલા ત્યાં ઉમાશંકર મળ્યા. તેમણે શ્રીમતી ઠાકોરને કહ્યુઃ ‘સુનીતાબહેન પિનાકિન હવે તમને આખેઆખા આપ્યા.’
તેમના આ પ્રકારના સ્વભાવની વાત કરતા એક કવિએ મને કહેલું: ‘અમે નાના હતા ને શાળામાં ભણતા ત્યારે શાળાએ જતી વેળાએ એક ઘરડા કાકા અમને બૂમ પાડીને પાસે બોલાવતા ને ખાટી-મીઠી પીપરમિન્ટ આપતા. કોઈને વળી ચૉકલેટ આપતા. ઉમાશંકરને જોઉં છું ત્યારે શાળા સમયના એ કાકા યાદ આવી જાય છે.’
ઉમાશંકરને જોઈને ઘણુંબધું યાદ આવી જાય છે. ખાસ તો એ કે આપણી પાસે એક જ ઉમાશંકર છે. એક અને માત્ર એક જ.
(ઓગસ્ટ, 1978)

(‘વિનોદની નજરે’ પુસ્તકમાંથી)