આપણા મહાનગરમાં ‘મહાત્મા’ કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલા? આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પણો પૂરતા જ યાદ કરીએ છીએ, ખરુંને? આખું વિશ્વ જેને એક આદરણીય, પૂજનીય વ્યક્તિ ગણે છે એ ગાંધીજીનું આપણા દેશમાં આટલું જ મહત્ત્વ વધ્યું છે?! તેમની એક હાંકલ પર ઘરપરિવાર છોડીને, વતન માટે બલિદાન દેનારા દેશપ્રેમી યુવાનોની આખી ફૌજ ક્યાં ચાલી ગઈ? એવા દેશપ્રેમીઓની આજે અછત વર્તાય છે. તેમના વિચારો, આચરણ, સ્વદેશપ્રેમ, અહિંસા, સર્વધર્મસમભાવ, શાકાહાર, માતૃભાષાપ્રેમ, સ્વદેશીવસ્તુનો સ્વીકાર, સત્યપ્રિયતા, કૃતનિશ્ચયીપણું વગેરેનો અભાવ સ્વતંત્રતાના સાતમા દાયકે સ્પષ્ટ થઈને દેખાવા લાગ્યો છે. પરદેશમાં લોકો જેના વિચારોને અપનાવી રહ્યાં છે તેને આપણે, આપણા જ દેશમાં અવગણી રહ્યા છીએ.
ગાંધીજીના માતૃભાષા પરના વિચાર કેવા હતા? માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણના કટ્ટર આગ્રહી ગાંધીજીએ લખ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ગાંધીજીએ આત્મકથામાં સ્કૂલ દરમિયાન એમના માથે થોપી બેસાડવામાં આવેલા અંગ્રજીથી પડતી મૂશ્કેલીઓની પણ વાત લખી છે. આત્મકથાનું એક આખું પ્રકરણ એમને આ વિશેના વિચારો-અનુભવોથી હોવા છતાં આજે ગાંધીજીની આત્મકથા જેટલા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે એનાથી અડધા પ્રમાણમાં પણ ક્યાંય એમના વિચારો ફેલાયેલા નથી લાગતા. અને માત્ર વિચારમાં નહીં, આચારમાં પણ ગાંધીજી માતૃભાષાના વપરાશના કટ્ટર આગ્રહી હતા. આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની જાહેર સભામાં ઝીણા જેવા ઝીણા પાસે એમણે ગુજરાતીમાં ભાષણ આપવાનો આગ્રહ કર્યો હતો, તો જ્યાં જાય ત્યાંના લોકો સાથે એમની જ ભાષામાં વાત કરવાના એમણે પ્રયાસ કર્યા હતા.
જોકે ગાંધીજીએ આગાહી કરી હતી એવો પ્રાયશ્ચિત કરવાનો સમય પણ આપણે ગુમાવી રહ્યા છે એમ નથી લાગતું? ગાંધીજીએ બ.ક. ઠાકોરને એક પત્રમાં લખ્યું હતું કે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવી પડશે કે બે ભારતીયો એક ભાષા જાણતા હોવા છતાં અંગ્રેજીમાં લખે કે બીજા સાથે અંગ્રેજી ભાષામાં બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે.
આપણી પોતાની પાર્લામેન્ટ તો આવી ગઈ અને ફોજદારી કાયદાઓમાં પણ આપણા જનપ્રતિનિધિઓના હાથમાં હોવા છતાં હજી ભારતની કોઈ ભાષાઓ, અંગ્રેજી સામે એનું પોતાનું સ્વમાન પણ જાળવી શકે છે ખરી એ પ્રશ્ન કરુણ છે.
કવિ ઉમાશંકર જોશીની ‘તેં શું કર્યું’ કવિતાની પંક્તિઓ આજે પણ કેટલી પ્રસ્તુત છે કે,
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું?
અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી પણ આપણા ભારતવાસીઓ ખરેખર માનસિક ગુલામીમાંથી આઝાદ થયાં છે? સ્પષ્ટ રીતે જવાબ મળશે, ‘ના’. આપણે હજુ પણ ગુલામીની માનસિકતામાં જ જીવીએ છીએ અને દુ:ખની વાત એ છે કે આ ગુલામીની ઝંઝીર હવે કોઠે પડી ગઈ છે. તેને તોડીને બહાર આવવાની કોઈ કોશિશ તો ઠીક, કોઈ એ વિશે વિચારતું પણ નથી. સ્વને મૂકીને દેશનું વિચારનારાઓની નવી પેઢી ફક્ત અને ફક્ત સ્વના વિચારોથી જ જીવે છે. દેશહિત, દેશકલ્યાણ, દેશની પ્રગતિ તો તેઓના શબ્દકોશમાં પણ નથી. જે ગણ્યાંગાંઠ્યાં લોકો ગાંધીના વિચારોને વળગી રહ્યાં છે, તેઓની મજાક ઉડાવવાનું પણ આપણે ચૂકતા નથી! કેવી ગજબની માનસિક ગુલામી જડબેસાલક મગજમાં ઘૂસી ગઈ છે, જેને કાઢવી ખૂબ જ જરૂરી છે. પણ આપણે વિચારીએ છીએ કે પહેલ કોણ કરે? આપણું સાંભળશે કેટલાં? નાહક મશ્કરીને પાત્ર ઠરીશું.
દરેક માનવના જીવનમાં ‘મા’, ;માતૃભાષા’ અને ‘માતૃભૂમિ’નું એક અનોખું સ્થાન હોવું જોઈએ. અહીં ‘હોવું જોઈએ’ સકારણ લખ્યું છે. હાલના સંજોગોમાં આપણે માતૃભૂમિ અને માતૃભાષાને તો કોરાણે મૂકી દીધાં છે. વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે પરદેશમાં ભણવા જઈએ અને ત્યાં જ સ્થાયી થઈએ એટલે એ જ આપણી ભૂમિ! અને જે માતૃભૂમિમાં જન્મ લઈ, બાળપણ, યુવાની વીતાવી પરદેશ જવા લાયક બન્યા તે જ માતૃભૂમિને વગોવતાં – અવગણતાં જરાય અચકાતાં નથી. જ્યારે માતૃભૂમિ માટે સંવેદનહીન છીએ તો માતૃભાષાની તો વાત જ શું કરવી?!
ગાંધીજી માતૃભાષામાં શિક્ષણ પર ભાર દેતા હતા. તેઓએ પોતાનાં બાળકોને પરદેશમાં રહેવા છતાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઘણી જહેમત ઊઠાવી. ગાંધીજી જ્યારે પણ સમભાષી લોકો વચ્ચે હોય તો માતૃભાષામાં જ વાત કરતા, જ્યારે આજે માતૃભાષામાં શિક્ષણ તો બહુ દૂરની વાત છે, માતૃભાષામાં વાતચીત કરવી એ પણ હીનતાની દૃષ્ટિએ જોવામાં આવે છે. કેવી માનસિક ગુલામી કહેવાય આ? આજનાં યુવા વાલીઓને ‘ગુજરાતી’ માતૃભાષાની શાળાઓ હજી કાર્યરત છે એ વિશે અજ્ઞાનતા છે, કદાચ તે જાણવાની કોશિશ જ નથી કરી. આપોઆપ સ્વીકારાયેલી આ અજ્ઞાનતા માતૃભાષા માટે ઘાતક નીવડી રહી છે.
આપણા મહાનગર મુંબઈની જ વાત કરીએ તો કોંક્રિટના જંગલોની સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટયાં છે. એને પોષનારા – વધારનારા આપણાં જ ગુજરાતીઓ આંધળુકિયા કરીને જેલમાં જેમ કેદીઓને રાખવાની સગવડ હોય તેના કરતાં ત્રણ ગણાં, ચાર ગણાં કેદીઓ ભરવામાં આવે તેમ દરેક શાળામાં કુમળાં બાળકેદીઓને ઘેટાંબકરાંની જેમ ભરવાનું અને ફક્ત ‘બેં… બેં…’ કરવાનું નહિ (માતૃભાષા બોલવાનું નહિ) એમ શીખવવામાં આવે છે અને માતૃભાષા બોલવા માટે સજા આપવામાં આવે છે અને આપણાં જ આ ટોળાશાહીમાંથી આર્થિક લાભ લેનારાઓ ભલે ને આ બાળકેદીને પૂરી સગવડ આપે કે ન સારું શિક્ષણ, સમજણ કે સર્જનશીલતા ખીલવે, આપણે સૌ માનસિક ગુલામ ‘ Yes Sir, Okay Sir’ના રટણોથી તેઓને ખુશ કરીએ, રખે ને, બાળકેદીનો જલદી છૂટકારો થઈ જાય તો કોણ રાખશે એ ડરથી!
પણ આ અજ્ઞાનતામાંથી જો બહાર આવીને, આંખો ખોલીને આજુબાજુ નજર ફેરવીએ તો મુંબઈનાં ઘણાં પરાઓમાં આજે પણ માતૃભાષાની (ગુજરાતી) માધ્યમની શાળાઓ બાળપુષ્પોને ખીલવી રહી છે. તેનામાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનું સિંચન કરી,માતૃભાષાની ફોરમ ફેલાવી રહી છે. અજ્ઞાનતાના ઓછાયા હેઠળ આ ફોરમ મુંબઈગરા સુધી પહોંચે તે માટેનાં કાર્યો પણ વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા થઈ રહ્યાં છે.
આમાંનાં ઘણાં સંગઠનો વર્ષોનાં પરિશ્રમ પછી ગુજરાતીઓની અજ્ઞાનતા, જડાતા, ટોળાશાહી, દેખદેખીની માનસિકતા સામે સંજોગવસાત પરિવર્તનશીલ વિચારોમાં શિથીલ થઈને ‘જે બચ્યું તે ઘણું’ના નિશ્ચયે આવી પહોંચ્યા છે, તો ઘણાં સંગઠનો, સંસ્થાઓ ફક્ત સંસ્થાની એક કાર્યસૂચિમાં વધારો કરવા પૂરતી ગણતરીથી કાર્ય કરી રહ્યાં છે. કૃતનિશ્ચયી થઈને સજાગતા કેળવવા, જનજાગૃતિ કરવાની સાચી હકીકતોનો પૂરેપૂરો અભ્યાસ કરી, આ સંજોગો માટેનાં નિષ્કર્ષો પર પહોંચવાની, તેના માટેનાં સકારાત્મક પગલાં ભરવાની હામ જૂજ સંગઠનો જ કરી શક્યાં છે.
‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સગયોગી બને તે માટેનાં આહ્‌વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે.
સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે,જેથી વધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બૉર્ડનાં શિક્ષણ માટે ‘હાય! તોબા!’નાં પ્રત્યાઘાતો મળી રહ્યા છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે.
સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયાનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે – આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર- સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે.
આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણક્ષેત્રે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ માટે કાર્ય કરવું પડશે, જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ.

– મુંબઈ ગુજરાતી સંગઠન