અગાઉ ગુજરાતી માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા થઈ છે. આ વખતે જાણીએ કે કેવી કેવી યોજનાઓથી શક્ય છે ગુજરાતી શાળાઓનો સંપૂર્ણ વિકાસ.

અનેક ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થયું છે કે માતૃભાષાની શાળાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા માર્કેટિંગના સહારે ફરી પાછી ધમધમતી થઈ શકે છે, પણ પ્રશ્ન છે આપણી અનેક શાળાઓને ફરી પાછી પ્રવૃત્તિમય અને જીવંત કરવા માટે જે પગલાઓ લેવાની જરૂર છે તે આર્થિક મદદ વગર કેવી રીતે પૂરાં કરી શકાય? આજે મોટાભાગની ગુજરાતી શાળાઓ ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે પછી પાલિકા દ્વારા સહાયપ્રાપ્ત છે. ખાનગી ટ્રસ્ટવાળાઓને તો હવે ગુજરાતી માધ્યમમાં રસ (કે પૈસો) ન દેખાતા તેઓ અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયા છે, અને કેટલાક ઈચ્છુક હોવા છતાં સશક્ત નથી, તેથી શાળાઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકાતી.
વાલીઓ પોતે આર્થિક ભીંસમાં હોય તો પણ પોતાના બાળકને બીજાં બાળકો સાથે હરીફાઈમાં ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. વળી તેમાં પણ અંગ્રેજીનો મોહ અને હાઉ ભળે, એટલે વાલીઓની ઈચ્છા એક ગાંડપણનું સ્વરૂપ લઈને અંગ્રેજી માધ્યમ માટેની આંધળી ઘેલછામાં પરિણમે છે.
તો આ ઘેલછા રોકવા માટેના ઉપાય શું છે? જો આ ઘેલછા રોકવી હોય તો સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતી શાળાઓનો પ્રચાર થવો જોઈએ, જ્યાં માતૃભાષામાં શિક્ષણ મળે સર્વોત્તમ અને અંગ્રેજીની તાલીમ હોય ઉત્તમ. તો ગુજરાતી માધ્યમની શાળાઓ આવી સુવિધા મેળવવા આર્થિક સહાય ક્યાંથી લાવી શકે?
આ લેખની ચર્ચા એ જ મુદ્દા પર છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ જો ધારે તો ઘણા રસ્તાઓથી આર્થિક મદદ મેળવી શકે છે, તો ચાલો જોઈએ કેટલીક યોજનાઓ અને રસ્તા કે જેના દ્વારા અથવા એવી જ બીજી સંસ્થાઓ પાસેથી ગુજરાતી શાળાઓ આર્થિક મદદ મેળવી શકે.
૧. ગુજરાતી માધ્યમ પાસે સૌથી પહેલો સ્રોત છે રાજકીય / કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવો. ઉદાહરણ તરીકે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની વિવિધ યોજનાઓ છે. ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી) દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવી, સ્કુલની માળખાકીય સુવિધા સુધારવા માટેની યોજના, શાળાની વિવિધ સુવિધાઓ જેવી કે લેબ, લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમ વગેરે બનાવવા માટેના પ્રોગ્રામ, ફોરેન લેન્ગવેજ કે અંગ્રેજી શીખવાડવા માટે શિક્ષક નિયુક્ત કરવાની યોજનાઓ. એની પૂરી માહિતી મેળવી એ યોજનાઓના લાભ લઈ શકાય છે. આ તો થઇ સરકારી યોજનાની વિગત.
૨. હવે જોઈએ કેટલીક મલ્ટીનેશનલ તેમ જ નેશનલ કંપનીઓ દ્વારા ચાલતી યોજનાઓ. ઉદાહરણ તરીકે માઈક્રોસોફ્ટ દ્વારા ચાલતા શિક્ષણને લગતા વિવિધ પ્રકલ્પો, ઈન્ફોસીસ દ્વારા શાળાઓને અપાતી ગ્રાન્ટ્સ, વિપ્રો દ્વારા અપાતી સહાય, TCS જેવી કેટલીક કંપનીઓ દ્વારા શાળા માટેના શિક્ષણના પ્રકલ્પો તેમની CSR અંતર્ગત ચાલે છે. આ યોજનાઓની વધુ વિગતો જે તે કંપનીની વેબસાઈટ પર મળી શકે છે, ઉપરાંત વ્યવસ્થિત સંશોધન કરવાથી આવી ડઝનો કંપનીઓના સહાય કાર્યક્રમો મળી રહેશે જે શાળાઓને સદ્ધર કરવામાં મદદરૂપ બને.
3. હવે વાત કરીએ કેટલીક NGOની કે સ્વતંત્ર સંસ્થાઓની જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે ને વિવિધ પ્રકારની યોજના ચલાવે છે. ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે શાળાઓના સ્તરને સુધારવા તેમ જ તેમની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ઉપરાંત બાળકોના સંપૂર્ણ વિકાસને વેગ મળે તે માટેના કાર્યક્રમો યોજતું રહે છે. આવી જ બીજી પણ ઘણી સંસ્થાઓ છે જે વિવિધ યોજનાઓ દ્વારા શાળાઓને મદદ કરતી રહે છે. દરેક શાળામાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન એમાં ઘણું મદદરૂપ થઇ શકે છે. આજે લોકોમાં દાયકાઓ બાદ સ્કૂલી મિત્રો સાથેના મેળાવડાનો-રિયુનયનનો ટ્રેન્ડ છે, ત્યારે શાળાઓએ આવા રિયુનિયન્સને પોતાની શાળાઓ માટે આર્થિક કે અન્ય સહાય કરવા માટે અપીલ કરવી જોઈએ.
4. કંપનીઓ શાળા/શૈક્ષણિક સંસ્થાઓને મફત કે ખુબ જ રાહત દરે નેટ કનેક્શનની સુવિધા પૂરી પાડે છે કે જેથી ગુજરાતી માધ્યમની ખાનગી / સરકારી શાળાઓ પણ ઈન્ટરનેટનો લાભ લઇ શકે અને આજના જમાના સાથેની હરીફાઈમાં ટકી શકે.
5. જેમ આપણે જાણીએ છીએ જે ‘મન હોય તો માળવે જવાય’ આ જ ઉક્તિને સાચ્ચી ઠેરવતી કેટલીક કમાલની સાઈટો છે કે જેને ‘ક્રાઉડ ફંડિંગ’ સાઈટ્સ કહેવાય છે. જેનો મતલબ છે તમારી પાસે કોઈ સારો પ્રોજેક્ટ કે સારા લક્ષ્ય હોય પણ તેને પૂરા કરવાનો આર્થિક સહયોગ ન હોય તો ‘ક્રાઉડ ફંડિંગ’ વેબસાઈટ તમારો પ્લાન / વિચાર લોકો સમક્ષ મૂકે છે અને લોકો પાસેથી તમારી માટે ફાળો મેળવવા અપીલ કરે છે. અને તેના થકી તમે આર્થિક સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે milan.com, wishberry.in જેવી કેટલીયે વેબસાઈટ છે જે તમને ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે.
જ્યાં આટલા બધા રસ્તાઓ છે ભંડોળ / યોજનાઓ માટે તો અડચણ શું હોય? મોટાભાગની યોજનાઓ / ભંડોળ માટે શાળાઓને ખૂબ વ્યવસ્થિત યોજનાઓના પેપર તૈયાર કરવા પડે છે તેમ જ ધીરજ અને સતત ફોલો-અપ માગી લેતી કાર્યપ્રણાલીને અનુસરવું પડે છે. જે માટે શિક્ષકોએ આગળ આવી સારી યોજનાના પેપર બનાવવા તેમ જ પ્રેઝન્ટેશન કરવું વગેરે આવડતો વિકસાવવી રહી, વળી તેનો પણ એક સરળ ઉપાય છે, જો શાળા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનમાંથી આ પ્રશ્નોના નિષ્ણાત વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમની સેવાનો લાભ લઇને વ્યવસ્થિત કાગળિયા બનાવે તો નક્કી દરેક શાળાને ભંડોળ માટે ચિંતા કરવાની ન રહે અને ઓછી ફી સાથે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પણ આપી શકાય.
ઉપર કહ્યું તેમ આ માટેની તૈયારીઓની શરૂઆત કેવી રીતે કરવી? દરેક નવા કાર્ય માટે દૃઢ સંકલ્પ, પૂર્વતૈયારીઓ અને મહેનત જરૂરી છે. શાળાઓ પોતાની દરેક શૈક્ષણિક અને બીજા કાર્યક્રમોની વિગતે રિપોર્ટ બનાવી રાખી શકે એ બહુ જરૂરી છે. દરેક શાળાઓએ પોતાના વેબ પ્રોગ્રામ વધારવા જોઈએ જેમ કે તેમનો બ્લોગ કે વેબસાઈટ બનાવી દરેક કાર્યક્રમની વિગતો – અહેવાલો એના પર મૂકતા રહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. યુ-ટ્યુબ જેવા માધ્યમનો ઉપયોગ કરી શાળાની માહિતી વહેતી મૂકી શકાય છે, તો શાળાઓ માટે આવી ગ્રાન્ટ કે યોજનાઓનો લાભ મેળવવો સરળ બની જાય.
તો શાળાઓને આ માટે તૈયાર કેવી રીતે કરવી?
જે શિક્ષક કે શાળાઓને આવી યોજનાઓ વિષે જાણવામાં વધુ રસ હોય, આવી યોજના માટેની તૈયારી કેવી રીતે કરવી તે માટેની કટિબદ્ધતા હોય તે મુંબઈ ગુજરાતીનો સંપર્ક કરી એમના કાર્યક્રમ આગળ વધારી શકે છે. મુંબઈ ગુજરાતી આ વિષય માટેની નિઃશુલ્ક કાર્યશાળા યોજી શિક્ષકોને વધુ જાણકારી આપી શકે છે.

– મુંબઈ ગુજરાતી સંગઠન