ખુલ્લા પત્ર લખવાની કળા દિવસે દિવસે વિકાસ પામતી જાય છે. દૈનિકપત્રમાં લગભગ હંમેશ કોઈ ને કોઈ પ્રકારનો ખુલ્લો પત્ર પ્રગટ થાય છે. વાઈસરૉયથી માંડીને વનિતાવિશ્રામના વ્યવસ્થાપક સુધી સર્વેને ખુલ્લા પત્રો લખવામાં આવે છે. કેટલાક લેખકોને તો જેને તેને પત્રો લખવાની ટેવ જ પડી ગઈ છે. દર બીજે દિવસે તેઓ કોઈને કોઈના ઉપર ખુલ્લો પત્ર લખે છે. એક પ્રસિદ્ધ પુરુષના ખુલ્લા પત્રો હું હંમેશ વાંચું છું. ને હવે એ કોના પર ખુલ્લો પત્ર લખશે, એમ દરેક વખતે એમનો પત્ર વાંચી વિચારમાં પડું છું. હવે એમને પોતાની પત્નીને ખુલ્લો પત્ર લખવાનો રહ્યો છે ને એ કાર્ય એઓ ક્યારે કરે છે તેની હું વાટ જોયા કરું છું.
ખુલ્લા પત્રોની વિશિષ્ટતા એ છે કે જેને માટે એ લખાયેલા હોય છે તેના સિવાયના બધા એ વાંચી શકે છે અને જેને સંબોધીને લખાયેલા હોય છે તે ઘણુંખરું એ વાંચતા નથી. આથી બે પ્રકારનો લાભ થાય છે; પારકા પત્રો વાંચવાની સ્વાભાવિક ને પ્રગતિપોષક ઈચ્છા સંતોષાય છે, અને પોતાના પત્રો વાંચવાના કંટાળાથી બચી શકાય છે. ને લખનારને મોટો લાભ એ થાય છે કે ખાનગી પત્રમાં જે લખવાની હિંમત એની ચાલતી નથી તે જાહેર પ્રજાની સેવાવૃત્તિને નામે એ છડેચોક લખી શકે છે.
આવા અનેક વિચારોને અંતે હું મારા ઘાટીને ખુલ્લો પત્ર લખવાના નિશ્ચય પર આવ્યો છું. મારે એને ઘણું ઘણું કહેવાનું છે પણ સામે મોઢે હું એને કંઈ પણ કહી શકું એમ નથી. અને એનું કારણ, મને મરાઠી-ઘાટીઓ સહેલાઈથી સમજી શકે એવું મરાઠી તો-બિલકુલ આવડતું નથી. એ એક જ નથી. એ ઉપરાંત સબળ કારણ જુદું જ છે.
ઘાટીને તે ખુલ્લો પત્ર હોય? એ કયે દિવસે વાંચવાનો? એવી શંકા કોઈને થશે. પણ ખરું પૂછો તો એ જ કારણથી હું આ પત્ર લખું છું. ઘાટી નહિ વાંચે એવા નિશ્ચાયાત્મક જ્ઞાનના બળ વડે જ હું આ પત્રલેખનની પ્રવૃત્તિ આદરી શકું છું. એ જો વાંચી શકતો હોય તો મારા કોઈપણ લખાણમાં ઘાટી તો શું પણ ‘ઘટ’ શબ્દ પણ ભૂલથી ન વરપાઈ જાય તેની હું ચોક્કસ કાળજી રાખત. વસ્તુસ્થિતિનો લાભ-અથવા ગેરલાભ-લઈને કોઈ મારા ઘાટીને (મેં એને પત્ર લખ્યો છે એ વાત) કહી દેશે, તો હું એ વાતનો ઈન્કાર કરીશ. એટલું જ નહિં, પણ હું એને જણાવીશ કેઃ ‘મેં એ પત્ર તારે માટે નહિ પણ તને જેણે વાત કરી તેના ઘાટીને માટે લખ્યો છે. બધા ઘાટીઓમાં તું અપવાદરૂપ છે. હે ઘાટીશ્રેષ્ઠ! તારે માટે કશી પણ ફરિયાદ નથી.’
આટલી ચોખવટ કર્યા પછી ઘાટી સિવાયના વાચકો માટે જણાવવું જરૂરનું છે કે મારા ઘાટી સંબંધી મારે ફરિયાદ કરવાની છે-સખત કડવા શબ્દોમાં ફરિયાદ કરવાની છે. પુરુરવાની ખાનગી વાત વિદૂષકનું હૃદય ફાડીને મુખ વાટે બહાર આવવા પ્રયત્ન કરતી હતી, તેમ એ ફરિયાદો પણ મારા હૃદયમાં સમાવી શકાતી નથી; મારે કોઈ પણ ઉપાયે એ પ્રગટ કર્યા વગર ચાલે એમ નથી. બીજો કોઈપણ માર્ગ ન હોવાથી મારે ખુલ્લા પત્ર દ્વારા જ મારી ફરિયાદો પ્રગટ કરવી રહી. આ પત્ર શરૂ કરતાં પહેલાં જે ભૂમિકા લખી છે તેનાં દેખીતાં કારણ ઉપરાંત એમાં બીજા ઉદ્દેશ પણ છે. કદાચ મારો ઘાટી અક્ષરજ્ઞાનની કોઈ વિશાળ યોજનાનો લાભ લઈ વાંચતાં શીખી જાય અને એ આ વાંચે અથવા તો કોઈ મારો હિતચિંતક એને આ વાંચી સંભળાવે, તો આટલી ભૂમિકાના ભારથી જ એનું મગજ બહેર મારી જશે, કે ત્યાર પછીનો પત્ર એ જરા પણ સમજી શકશે નહિ. પણ હવે વિસ્તાર કરીશ તો વાચક પણ કદાચ કંટાળી જશે એવા ભયથી હવે હું પત્ર જ આરભું છું.
તુકારામ, સખારામ, ઇઠુ, પાંડુ, ભીખુ અને ખાસ કરીને રામો એવા વિવિધ નામે ઓળખાતા હે ઘાટીશ્રેષ્ઠ! તું અત્યારે મારી પોતાની પેટીમાંથી ચૂનો લઈ મારી નવી ચોપડીના પૂઠા પર તે ચોપડવામાં રોકાયો છે, તે કાર્યમાંથી નિવૃત્ત થઈને તારે માટે જે ફરિયાદો કરવાની છે તે સાંભળ.
હું તારી ફરિયાદ ને વાત જેટલી સાંભળું છું તેટલી મારી વાત કે ફરિયાદ તું સાંભળતો નથી, એ મારી પહેલી ને મોટામાં મોટી ફરિયાદ છે.
હું મોડો ઊઠું છું એ તો તું આટલા અનુભવ પરથી ચોક્કસ સમજ્યો છે. છતાં સવારના પહોરમાં વહેલો આવીને પથારી ઉઠાવવી છે, કચરો કાઢવો છે, એવાં બહાનાં કાઢી તું મને જગાડી મારે છે. તે તરફ હું સખ્ત અણગમો જાહેર કરું છું.
તું મારે ત્યાંથી પાનતંબાકુ લઈ જાય છે તેમાં મારે કંઈ પણ વાંધો નથી. ખરું કહું તો હું એ તારે માટે જ વસાવું છું, પણ તું જઈને તારા મિત્રમંડળને અને આપ્તજન વચ્ચે એની લહાણી કરીને વહેંચીને ખાવાની સદવૃત્તિ દર્શાવે છે, તે મને કંઈક ભારે પડે છે; અને એથી ય વધારે તો, તું બીજા ઘાટીઓ વચ્ચે ‘શેઠને પાન લાવતાં આવડતાં નથી, સોપારી સડેલી લાવે છે. કાથો લોટ જેવો હોય છે,’ એવી બાબતની ચર્ચા ઉપાડે છે, તે સામે મારો વાંધો છે.
મારાં વાસણો તું જ માંજે છે, અથવા માંજવાનો ઢોંગ કરે છે; છતાં ‘શેઠ, તમારા વાસણો ચીકણાં બહુ રહે છે,’ એમ તું મારે મોઢે ફરિયાદ કરે છે, ત્યારે જગતમાં પ્રામાણિકતા, ન્યાય કે સચ્ચાઈ જરા પણ છે કે નહીં એ વિષે મને ઘણો સંદેહ થાય છે. હું જ્યારે જ્યારે તારી સાથે મરાઠીમાં વાત કરું છું ત્યારે મારો ઉદ્દેશ તને હસાવવાનો હોતો નથી. હું તને કંઈક ઉપયોગી કાર્ય કરવા કહું છું એમ સમજી તારે હસવાનું છોડી મારા કહેવા પર લક્ષ આપવું જોઈએ.
હું તારી સાથે મરાઠીમાં બોલું તેથી તારે મારી જોડે ગુજરાતીમાં બોલવાની કંઈ જ જરૂર નથી. મારું મરાઠી તું ભલે નહીં સમજતો હોય, તારી મરાઠી હું સમજી શકું છું. હું જે વસ્તુ જ્યાં મૂકું છું ત્યાંથી તેને ખસેડીને તું બીજે ઠેકાણે મૂકી દે છે. હું પેન્સિલ, ખડિયો, કાગળ વગેરે ટેબલ પર મૂકું છું, તો તું ત્યાંથી તેને ખસેડીને રસોડમાં મૂકે છે, અને તેને બદલે ટેબલ પર કોઈક વાર ધોવાઈને આવેલાં કપડાં ને ઘણી વાર રસ્તામાં ફેંકી દીધેલા જૂના જોડા લાવીને મૂકે છે. ઢાંકણું બરાબર રાખી શકાય તે માટે હું ટ્રંકને ભીંતથી દૂર મૂકું છું તો તું તેને તરત જ ભીંતની અડોઅડ પાછી મૂકી દે છે. મને વહેમ છે – અરે, ખાતરી છે- કે તું આ જાણી જોઈને, મને ચીઢવવાને માટે જ કરે છે. તારે મને ચીઢવવો જ છે; કેમ? તું મને ગુસ્સો જ કરવા માગે છે, ખરું? તો-તો હું તને સાફ સાફ કહી દઉં છું, કે હું એથી જરા પણ ચિઢાતો નથી! હું મોડી રાતે ઘેર આવવાનો હોઉં ત્યારે તું બારણાં આગળ ટેબલ, તેની જોડે ખુરશી, ખુરશી પાસે ત્રણ ટ્રંક ને ટ્રંક પર ગોળી એમ ગોઠવીને દીવો હોલવીને ચાલ્યો જાય છે. હું ઘરે આવું ત્યારે અંધારામાં ટેબલ સાથે પહેલાં મારું માથું કુટાય પછી ખુરસી મારા પગના નાળા ભંગી નાંખે, ત્યાર પછી ટ્રંકના ખૂણા પગમાંથી લોહી કાઢે ને છેવટે ગોળી મારી સાથે ઓરડામાં ગબડવા લાગે, એટલા માટે જ તું એમ કરે છે, એ હું જાણું છું. દુઃખ સાથે હું કબૂલ કરું છું કે તારી એ દુષ્ટ મુરાદ ઘણી વખત બર આવી છે. તારા ઉદ્દેશમાં તે ધારી પણ ન હોય એટલી સફળતા તને મળી છે.
તું બે મહિના આગળ જ તારો પગાર માગે છે. એ તારી રીત ખોટી છે. કોઈ પણ મોટી-મોટી કે નાની-ઓફિસમાં એમ ‘આંગ ઉપર’ પગાર મળતા નથી. મને કોઈ દિવસ એમ પગાર મળ્યો નથી ને મળવાનો નથી. અમને આગળથી નહીં જ, પાછળથી પગાર આપવામાં આવે છે. ઘણી વાર તો બાપનો પગાર, તેના મૃત્યુ બાદ તેના પુત્ર કોર્ટની મદદથી વસૂલ કરી શકે છે.
તું કોઈ વાર દારૂ પીએ છે તે વિષે મારે કંઈ કહેવાનું નથી. પણ તું દારૂ પીને મને પીધેલો શા માટે ઘારે છે તે હું સમજી શકતો નથી. એમાં કાર્યકારણના નિયમનો ભંગ થાય છે એ તો તું કદાચ નહિ સમજે, પણ એમાં મારી આબરૂને, તારા મિત્રમંડળમાં મારી જેટલી આબરૂ તેં રહેવા દીધી હોય તેટલી આબરૂને-હાનિ પહોંચે છે, એ સ્પષ્ટ કરવાની જરૂર છે?
તને મેં સલાહ આપવા રોક્યો નથી, તને આપું છું તેટલા પૈસામાં જ સારી સલાહ આપનારા વકીલો એટલા બધા છે કે તેમને છોડીને મારે તારી સલાહ લેવાની જરૂર નથી. તને વાત કરવાનો અત્યંત શોખ છે. હું કોઈ રસભર્યું પુસ્તક વાંચતો હોઉ ત્યારે મારી સામે બેસીને પાનની પેટી લઈ હાથમાં ચૂનો ને તંબાકુ મસળતો મસળતો તું પાડોશીઓની વાત કરવા બેસે છે, અથવા મારી નાજુક તબિયતને સુધારવાના પ્રાથમિક પ્રયાસો સૂચવે છે, કે મારા ખોરાકમાં કરવા જોઈતા ફેરફારોની યાદી કહી સંભળાવે છે, ત્યારે તારું ને મારું બંનેનું કામ ને મારા એકલાનો મિજાજ બગડે છે, એનો તને ખ્યાલ રહેતો નથી.
તારા અવાજથી, તારા મૂઠી વાળી હાથ હલાવી ધમકી આપવાના અભિનયથી, અને લાગ મળતાં પ્રતિસ્પર્ધીને નળ કે ભીંત જોડે ઘોંચી દઈને અનવરત મુષ્ટિપ્રહાર કર્યા જવાના તારા ચાતુર્યથી અત્યારે નામશેષ થયેલી આર્યોની વીરશ્રીને તેં ટકાવી રાખી છે તે હું જાણું છું, પરંતુ હથિયારના અભાવે, આપણને નિઃશસ્ત્ર કરવાનો કાયદો બ્રિટિશ સરકારે કર્યો છે તે કારણથી, તું મારાં કડછી, તવેથો અને બીજાં વાસણોનો શસ્ત્રાસ્ત્ર તરીકે ઉપયોગ કરી તેમને હંમેશના ઉપયોગ માટે નિરર્થક કરી મૂકે છે, તે કોઈ પણ રીતે વાજબી નથી. પ્રતિસ્પર્ધી સામે પથરો ફેંકે, ઈંટ ફેંકે કે મોટી શિલા ફેંકે તેમાં મારે કંઈ કહેવાનું નથી. પણ તું જ્યારે તને માંજવા આપેલાં મારાં વાસણો ફેંકવા મંડે છે ત્યારે એ દૃશ્ય જોઈને ઘડીભર મારું હૃદય અટકી જાય છે.
મારા ગુણાવગુણો-ખાસ કરીને અવગુણો-મારી રહેણીકરણી ને મારાં સ્નેહીસંબંધીઓ એ સર્વનું ઝીણવટભર્યું, ને ઊંડું પૃથ્થકરણ કરી તે વિષે જાહેરમાં અહેવાલ રજૂ કરવા મેં તને રોક્યો નથી. ‘શેઠ ખાય છે બહું ઓછું, ને ઊંઘે છે બહુ વધારે!’ એમ મારા સંબંધી બધા પાડોશીઓને કહી આવવાની તારે કાંઈ પણ જરૂર નહોતી.
અમને અઠવાડિયામાં એક જ દિવસ રજાનો મળે છે; ઈશ્વરે પણ એક જ દિવસ આરામ લીધો હતો; પણ તું દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ તારી મેળે જ તને રજા આપે છે. અને એ પણ કદાચિત્ ચલાવી લઉ, પણ કયા દિવસે તું નક્કી કરે છે એ સામે મારે સખ્ત વાંધો છે. જ્યારે મારે ખાસ કામ હોય કે મેં ઘરે મિત્રને જમવા બોલાવ્યો હોય ત્યારે જ તું નથી આવતો એ કંઈ આકસ્મિક હોય એમ માનવા હું તૈયાર નથી. મારા મિત્રો આગળ ચાના પ્યાલા ને બીજાં વાસણો માંજવાનું ક્ષુદ્ર કાર્ય મારે કરવું પડે ને તેથી હું હલકો પડું, એ તારો ઉદ્દેશ ચોક્કસ કળી શકું છું.
પણ આ બધું છતાં તું મને એકલો મૂકીને ચાલ્યો ન જતો. માસ્તર, વકીલ, કારકુન વગેરે બધા ધંધાનાં ક્ષેત્રમાં હવે કોઈને માટે જગા રહી નથી. ‘તું નહીં, તો તારા બાપ બીજા!’ એમ સહેલાઈથી અસીલો વકીલને, હેડમાસ્તર અથવા શાળાના સંચાલકો માસ્ટરને, શેઠ કારકુનને કહી શકે છે. ઘાટીને કોઈ એમ કહી શકતું નથી; કારણ કે એક ઘાટી જતાં તેની જગ્યાએ બીજો મળવો મુશ્કેલ છે. અને કદાચ બીજો મળે તો યે તે સ્થિર થઈને તો નહિ જ રહે. મારા એક ઓળખીતાને ત્યાં એક મહિનામાં 28 ઘાટી બદલાયા હતા. 30 નહિ ને 28 જ. તેનું કારણ એટલું જ કે તે ફેબ્રઆરી માસ હતો. એક જાણીતા પત્રના તંત્રીઓ સિવાય આટલા થોડા વખતમાં એક જગ્યાએ આટલા બધા માણસો આવ્યા હોય એ હું જાણતો નથી. આ કારણથી હું ઘાટીને કોઈ પણ રીતે નારાજ કરવા માગતો નથી.
ઘાટી અને શેઠની ફરજ એક જ વાક્યમાં સમજાવવી હોય તો કહી શકાય, કે શેઠની ફરજ એ છે કે ઘાટીને કદી નારાજ ન કરવો, ને ઘાટીની ફરજ એ છે કે શેઠને હંમેશ નારાજ રાખવો.

(‘રંગતરંગ’પુસ્તકમાંથી)