જેવી રીતે ધરતીમાં ઊંડેઊંડે પડેલા બીજને ખાતરપાણી મળતાં મોટું વૃક્ષ ઊગે છે, એ જ રીતે જીવન-સમાજમાંથી સાહિત્યકારને બીજરૂપ વાર્તા મળે છે. સાહિત્યનો જીવન સાથે સંબંધ અવિભાજ્યપણે જોડાયેલો છે. જીવનથી વિમુખ સાહિત્ય હોઈ ન શકે.
મેં પોતે તો આ અનુભવ્યું છે. સમાજના અંધારિયા ખૂણામાં મારા સર્જન દ્વારા હું એક નાનો દીવો પેટાવી શકું, એ તરફ સમાજનું ધ્યાન ખેંચી શકું, બસ એવા પ્રયાસ મેં સાહિત્યસર્જન દ્વારા કર્યા છે. એવો એક પ્રયાસ ‘આતશ’માં છે. વિયેતનામના યુદ્ધનો સિલસિલાબંધ ઈતિહાસ-સત્યઘટનાઓ વાંચી-અભ્યાસી-બધા દેશોનો એના પર અભિગમ તપાસી જઈ, પછી છેક યુદ્ધકથાનો સાર લીધો ને કથા આલેખી. મહાસત્તાઓ યુદ્ધની ઘોડાદોડ રમે છે પણ એમાં સામાન્ય માણસ પીડાય છે. જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે માન્યતા-યુદ્ધ બીજાના હોય પણ હત્યા નિર્દોષોની જ થાય છે. સિદ્ધાંતો બીજાના હોય, લડાઈ બીજાની હોય, પણ ભોગવવાનું હોય છે સામાન્ય માણસે. યુદ્ધની વ્યૂહરચનાઓ તો સદીઓથી થતી આવી છે, યુદ્ધશાસ્ત્રો રચાયાં છે, પણ શાંતિની વ્યૂહરચનાઓ નથી ઘડાઈ. યુદ્ધો ખેલાયા છે ને ખેલાઈ રહ્યા છે, પણ વિશ્વના દેશોએ એક સાથે કેવી રીતે રહેવું, સહજીવનમાં કેવી રીતે જીવવું એ શીખવે એવી વ્યૂહરચનાઓના શાસ્ત્ર નથી લખાયા. માનવીના તૂટેલા છિન્નભિન્ન સંબંધોનો પુલ સર્જકે એની સંવેદનશીલતાથી ફરી જોડી આપવાનો છે. માણસનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી, એમાં ચેતનાની તિરાડ છે.
‘ગાંઠ છૂટ્યાની વેળા’ માટે હું મધ્યપ્રદેશના આદિવાસીઓ વચ્ચે જઈને રહી, ત્યાંથી વાર્તાનું બીજ મેળવ્યું. એમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ કર્યું, વાર્તારસ જળવાઈ રહે એ રીતે મારી વાતને વાર્તાનો ઓપ આપી લોકો સામે મૂકી. મારે સમસ્યાને રજૂ કરવી છે, પણ એ દસ્તાવેજ કે હકીકતરૂપે ન થઈ શકે. એક વાર્તા તરીકે એની તરફ લોકોનું ધ્યાન જાય એ રીતે સમસ્યાને લખી શકાય. આપણે જે વાત કહેવી છે એ વાર્તાના રૂપે લોકો સુધી પહોંચાડવી રહી. (પહેલા કહ્યું એમ અંધારી દિશામાં નાનો દીવો થાય એ રીતે.)
‘ખરી પડેલો ટહૂકો’માં માનસિક રીતે અસ્થિર બાળકની વાત આવી. એ માટે હું પોતે હોસ્પિટલમાં કામ કરવા જતી. માતાઓને મળતી. પીડિત બાળકોની ફિઝિયોથેરપી જોતી. રોજેરોજ માતાઓ સાથે વાતો કરતી. એમની કથાવ્યથા સાંભળતી. એ બધાનાં આંસુઓમાં બોળીબોળીને આખી કથા લખાઈ છે. હકીકત એ છે કે આપણે પોતે નથી અનુભતા ત્યાં સુધી કોઈ પણ દુઃખનો ખયાલ આપણને આવતો નથી. એ દુઃખને સર્વસમભાવે વહેંચવા માટે, એ વ્યથાનો અનુભવ જોઈ-અનુભવી પછી જ લખવા લેવો પડે. ‘અણસાર’ નવલકથા લખવા માટે રક્તપિતના દર્દીઓ સાથે રહી હતી. એ લોકો સાથે તો હજી સંબંધ એવોને એવો છે ને એમના સંપર્કમાં પણ છું. એ કથાના પ્રસંગો-પાત્રો જીવનમાંથી સાચેસાચા આલેખેલા છે. જેલજીવન વિશે ‘બંદીવાન’ લખી, જેલજીવનની ઘટનાઓ નોંધી, સુપ્રિટન્ડેન્ટના જીવનની વાત વગેરે દ્વારા જેલની દીવાલોની ભીતર ડોકિયું કરવાનો એ પ્રયાસ રહ્યો. તાજેતરમાં ‘ક્રોસરોડ’ પ્રકાશિત થઈ. 1922થી 1975 સુધીનો લાંબો સમયગાળો લેતી એ મારી લેટેસ્ટ કૃતિ છે. સશસ્ત્ર ક્રાન્તિવીરોએ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ ભજવ્યો હતો, એમણે પણ શહીદી વહોરી હતી, બલિદાનો આપ્યાં હતાં, મારે એ વાત વણવી હતી, મારા પોતાના અનુભવો મૂકવા હતા, પણ એ પહેલાં આખા ઈતિહાસને દૂર રહી તટસ્થભાવે જોઈ, વાંચી, અભ્યાસી, લાંબા સમય પછી એક નાના પરિવારનું નિમિત્ત લઈ કથા આરંભી. એમાં સ્વતંત્રતા પહેલાં-પછીનું વાતાવરણ લીધું, ત્યારબાદ રાજકારણમાં-દેશમાં-સમાજમાં બનેલી ઘટનાઓની પૃષ્ઠભૂમિ પણ જાળવી, પણ મૂળ વાત ફરીફરી જે પરિવારની કથા કરવાની છે એના પર પાછી લાવી દેવી પડે, કારણ કે આપણી કથાએ સમયના અનુબંધમાં જીવવાનું છે, ત્યાં વેક્યુમમાં નથી જીવવાનું, આ માટે મેં 1922થી 1975 સુધીની ઘટનાઓનો ચાર્ટ બનાવી રાખ્યો હતો. મારી કથાના પરિવારની ઘટનાઓ વખતે જે-તે સમયની રાજકીય-સામાજિક પરિસ્થિતિ, વિચારધારાઓ કેવી હતી એ પ્રમાણે કથા આગળ ચલાવવી પડે, એ માટે એના પણ જુદા જુદા ચાર્ટ બનાવ્યા હતા, કારણ કે આખા સમયનું દસ્તાવેજીકરણ થઈ શકે. મને પોતાને જીવનમાંથી સાંપડેલી નાનીનાની મહત્વની વાતો પણ એમાં વણી લેવી હતી. જેમ કે કથામાં એક ગૌરમહારાજનું પાત્ર છે, જે સર્પદંશ પછી મૃત્યુપથારીએ પડ્યા છે, ઝેર ચડતું જાય છે, છતાં એમના હોઠ ફફડ્યા કરે છે. એ ગૌર સાથે એક ભાઈ હોય તે કહે છેઃ ‘ગૌરમહારાજે યજમાન પાસેથી રુદ્રી પાઠ કરવાના ચાર આના લઈ લીધા છે એટલે એ જ્યાં સુધી છેલ્લો રુદ્રી પાઠ પૂરો નહીં કરે ત્યાં સુધી એમનો જીવ નહીં છૂટે. એ ઋણ લઈને ઉપર નહીં જાય.’ આ જીવંત પાત્ર છે, મારા નજીકના સંબંધીમાંથી મળેલું. જીવનની આવી અદભુત વાત સાહિત્યમાં આ રીતે ડોક્યુમેન્ટ થઈ જાય છે. આ કથા ઈતિહાસની સાચી ઘટનાઓ-તથ્યોના આધારે ઘડાઈ છે. કથાનાં પાત્રોની જીવનઘટનાઓ પાછળની ઐતિહાસિક વિગતો પૂરેપૂરી તપાસીને લખી. કથાના ઘડતર માટે ખૂબ ફરી પણ ખરી. કલકતામાં ગઈ હતી. ત્યાં બડા બજારની ગીચ વસ્તીમાં કયા મકાનમાં મારો નાયક વિષ્ણુ છૂપાઈ શકે એ શોધતી હતી. ત્યાં નાનાકડા દાદરા દેખાયા, એ ચડીને ઉપર ગઈ, આગળ નાનકડી અગાસીએ પહોંચી, ઉપર કોથળા પડેલા હતા અને એ જોતાની ક્ષણે જ મને થયું કે મારો વિષ્ણુ છૂપાય તો અહીં જ છૂપાય…! કલકતામાં જ જૂનાં પુસ્તકો-સામયિકોના થોપલામાંથી કલકતાની ગુજરાતી સ્ત્રીઓએ સશસ્ત્રક્રાન્તિમાં નોંધાવેલા ફાળા વિશેનો એક અમૂલ્ય લેખ મળી આવ્યો. અમૃતસર તો અઠવાડિયું રહી. અમૃતસર મંદિરમાં ક્રાન્તિવીરોની તસવીરો છે, ત્યાં જલિયાંનવાલા બાગમાં જાણે હજી ઈતિહાસ જીવંત છે. મદનલાલ ધીંગરાની પ્રતિમા પાસે ઊભી રહીને રોમાંચિત થઈ જવાયું હતું. મદનલાલના વ્યક્તિત્વની તેજસ્વીતા જાણે હજી સ્પર્શતી હતી. મદનલાલે અંગ્રેજની કત્લ કરેલી અને એને ફાંસી થઈ ત્યારે ચર્ચિલે પણ બ્રિટિશ સંસદમાં એની બહાદૂરીને વખાણી હતી. અમૃતસરમાં સુભાષબાબુની સુંદર પ્રતિમા પણ ખરી. વાઘા બોર્ડરની મુલાકાત લીધી. અમૃતસરનું અઠવાડિયું સમયપ્રવેશનું હતું. સમયપ્રવેશ થયા પછી જ કથાપ્રવેશ કરી શકાય. જે-તે સમયની કથામાં પ્રવેશવા માટે પહેલા એના સમયમાં તો પ્રવેશવું જ પડેને…
આમાં જુઓ, જીવન અને સાહિત્ય તો નિઃશંકપણે જોડાયેલાં જ છેને…
આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સાહિત્ય શૂન્યાવકાશમાં તો ન સર્જી શકાય. સાહિત્ય એટલે સહિત, જે સાથે ચાલે છે એ સાહિત્ય, જે જીવનને સાથે લઈ ચાલે છે તે સાહિત્ય છે. જીવન અને સાહિત્યનો અનુબંધ બહુ દ્રઢ છે. ધરતીમાં બીજ હોય તો જ વૃક્ષ ઊગેને. મૂળ વાત જ એ છે. વાર્તામાં જીવન હોવું જોઈએ. સત્યનું બીજ હોવું જોઈએ. એ સત્યનું બીજ જીવનની ધરતીમાં રોપાયેલું હોવું જોઈએ. પછી એને ખાતર-પાણી-તેજ-જળ-વાયુ મળશે તો સાહિત્યકૃતિનું વૃક્ષ પાંગરશે જ. સાથે એ વાત પણ નોંધવી કે એનાં મૂળ જે ધરતીનાં છે, એ મૂળ પકડી રાખીએ તો કૃતિઓ પણ જીવંત રહેશે. સમયને ઓળંગી જશે. પચાસ-સો વર્ષ જૂની કૃતિઓ પણ આપણને આજે ગમે છે, એ શું કામ? એ આઉડડેટેડ નથી લાગતી, કારણ કે જીવન ક્યારેય આઉટડેટેડ છે જ નહીં. જીવન આઉટડેટેડ કેવી રીતે થાય? એ તો હંમેશાં પ્રસ્તુત જ રહેવાનું, જીવન તો જીવંત જ રહેવાનું છે, માટે એની સાથે જોડાયેલું સાહિત્ય પણ જીવંત રહેશે…