સાહિત્ય ! આમ તો આ શબ્દનો પરિચય શાળાના પાઠ્યક્રમનાં વાર્તા-કવિતાને લીધે, પણ એ જ ‘સાહિત્ય’ કહેવાય એવી સમજ તો ત્યારે ક્યાંથી હોય? શાળામાં એ ઓળખ ફક્ત વાંચનના શોખ તરીકે હતી, પણ તેની સાથે પરિણય તો થયો કોલેજથી. કોલેજનાં વરસો દરમિયાન સમજ મળી કે બાળપણથી વાંચેલાં પુસ્તકો એટલે સાહિત્યનો જ ભાગ, એમાં બાળવાર્તાથી લઇ અધ્યાત્મનું વાંચન પણ આવી જાય. સમયની સાથે સાહિત્યની સમજ અને વ્યાખ્યા પણ વિસ્તરતી રહી છે, તો હજીયે સાહિત્યના નવાનવા અર્થો મળતા રહે છે. ઉંમર, અનુભવ અને સમજણ સાથે સાહિત્યની રુચી, ગંભીરતા અને રૂપો પણ બદલાતા રહ્યા છે. બાળપણનું સચિત્ર ને નિર્દોષ હાસ્ય-આનંદ આપનારું સાહિત્યનું વર્તુળ ફિલ્મોથી લઇ બીજાં ઘણાં ક્ષેત્ર તેમ જ વિવિધ ભાષાઓ સુધી વિસ્તરતું રહ્યું છે, તેનો આનંદ છે, તો સાથે આપણા સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ ન કરી શક્યાનો રંજ પણ સતાવે છે.
કાર્યક્ષેત્ર ટેકનોલોજી હોવાને લીધે ગણિત-વિજ્ઞાન-ટેકનોલોજીનાં પુસ્તકોનું વાંચન-અભ્યાસ તો દિનચર્યાનો જ એક ભાગ, જેને લીધે લખાણની હકીકતો, તાર્કિકતા અને વિશ્લેષણાત્મક મુલવણીનો મહાવરો વધ્યો છે. આ મહાવરાને લીધે વાસ્તવિક જગતની જુદી જુદી સ્થિતિઓ અને પ્રસંગોને મુલાવવાનો અને સમજવાનો અભિગમ તથા દ્રષ્ટિકોણ પણ વિકસ્યો છે, આ બધાના પરિપાકરૂપે કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પહેલાં મનોમંથનોની આદત આવી. એથી વિપરીત સાહિત્યનું વાંચન વિચારોની નવીનવી ક્ષિતિજ ખોલતું ગયું, જ્યાં ફક્ત તર્ક-હકીકતોથી કામ નથી ચાલતું, પણ એનાથી આગળ, માનવજગતની મનોભાવનાઓ, આંટીઘૂંટીઓ, ઉર્મીઓ અને લાગણીઓના વિશ્વમાં સાહિત્ય લઇ જાય છે. આ વાંચન બુદ્ધિ કરતાં વધુ હૃદયને સ્પર્શે છે. જગતમાં સૌથી સંકીર્ણ મનોવિશ્વ છે લાગણીઓનું, જ્યાં સાહિત્ય પ્રવેશ કરાવે છે. સાહિત્ય જે રીતે માનવીના સ્વભાવ-અંતરમનના રંગોનો પરિચય કરાવે છે તે કદાચ વિજ્ઞાનથી કે તર્કથી રજૂ કરવું શક્ય નથી. લોકો સાથે સંવાદ સાધવા તેમજ તેમને સમજવામાં સાહિત્ય મદદરૂપ બને છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે માનવસ્વભાવ અને સમાજનું ઘડતર ફક્ત સાહિત્ય જ કરી શકે છે. અન્ય વિદ્યાશાખાઓ બાહ્યજીવન માટે કાર્યરત છે, જ્યારે સાહિત્ય આંતરિકવિશ્વ સાથે સંબંધ ધરાવે છે.
હવે થોડી અંગત વાતો.
સાહિત્યવાંચનને લીધે વ્યવસાયિક જગતમાં જરૂરી મારાં લખાણો-અહેવાલોમાં અલગપણું આણી શકાયું છે એ મારી અંગત પ્રાપ્તિ ગણું છું. એ લખાણોના પ્રતિભાવોમાં મને જાણવા મળ્યું કે ગૂંચવાડાભરી ટેક્નિકલ બાબતોના હોવા છતાં મારા અહેવાલો-લખાણોમાં વાચનારાઓને પ્રવાહિતા ને સરળતા જણાઈ છે, જ્યારે સામાન્યપણે આવાં લખાણો શુષ્ક ને નીરસ માહિતીના ખડકલા જેવા જ બની જતા હોય છે, એ વાચવાયોગ્ય બની શક્યા છે એ વાચકોને મારી ઉપલબ્ધિ લાગશે, પણ અપ્રત્યક્ષ રીતે એ સાહિત્યવાચનની દેન છે. વળી, શિક્ષક-પ્રશિક્ષક તરીકે તાલીમ-પ્રશિક્ષણ આપવાની જવાબદારી આવે, એમાં કથાતત્વ ઉમેરવાના પ્રયોગ મેં કર્યા છે, એ પ્રયોગને લીધે તાલીમાર્થીઓનો રસ વધારવામાં સફળતા મળી એ પણ સાહિત્યને આભારી.
સાહિત્યના નિયમિત વાંચન-અભ્યાસને લીધે બીજા વ્યવસાયિકો તેમ જ લોકો સાથેના સંપર્કસેતુ સાધવામાં પણ સરળતા અનુભવાઈ છે, ખાસ તો સાહિત્યને લીધે બહુવિધ ક્ષેત્રોના મિત્રો મળ્યા છે, તો લોકોને તેમની વિવિધતા અને સારા-નરસા પાસા સાથે સ્વીકારવાની સમજણ પણ આવી છે. સાહિત્યનો સૌથી મોટો પાઠ જાત સાથે સંવાદ સાધવાનો મળ્યો છે. સાહિત્યએ વ્યક્તિદર્શન સાથે સમાજદર્શન પણ કરાવ્યું છે. સાહિત્યને લીધે દેશ-પરદેશના લોકોની સંસ્કૃતિ, મૂલ્યો, રહેણીકરણી, ખાન-પાન વગેરે જાણવાની તક મળી છે. આમ સમગ્રપણે સાહિત્યને લીધે અંગત, વ્યવસાયિક અને સામાજિક જીવનમાં એક ઠરેલપણું લાધ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં કેટલાય લેખકો તેમ જ પુસ્તકોએ જીવન ઘડતરમાં વધતે ઓછેઅંશે પ્રભાવ પાડ્યો છે. ખાસ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ, એમના લખાણમાંની માનવીય સંવેદના, સંબંધો તેમ જ પ્રકૃતિ સાથેનો સંવાદ ઝીલાય છે, તે મનને ઝંકૃત કરી નાખે છે, માંહ્યલાને જીવંત રાખે છે. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો તેમ જ ભાણદેવસાહેબના હિમાલયના પ્રવાસ્સો માનવી તરીકેની મારી અધૂરપને ઉજાગર કરી આપે છે. સ્વામી આનંદ અને ફાધર વાલેસના નાનીનાની પ્રસંગોકથાઓ, પણ માનવીની આંતરિક સુંદરતા પ્રગટાવી પ્રેરણા આપતા રહ્યા છે. ગાંધીજી અને વિવેકાનંદનાં લખાણો સ્વ સાથે સંવાદ કરવાની કળા શીખવે છે. તો હરિભાઈ વ્યાસ અને રમણલાલ સોનીની બકોર પટેલ કિશોર કથાઓ કે અનુવાદો બાળપણની મધુર યાદોમાં ફરી લઇ જાય છે.
મૂળભૂત રીતે પિતાના સાહિત્યવાંચન શોખને લીધે કદાચ મને પણ સાહિત્યનો શોખ વારસામાં મળ્યો છે. ઉચ્ચ અભ્યાસ તેમજ વ્યવસાયિક કારણોસર ઘણા વર્ષો વિદેશમાં એકલા રહેવાનું થયું, જેને લીધે ઘણીવાર એકલવાયાપણું, નિરાશા વગેરે ઘેરી વળતા, ત્યારે પિતા દ્વારા લખાયેલા પત્રો એક નવું જોમ આપી દેતા. પિતા દ્વારા લખાયેલા સરળ અને લાગણીસભર પત્રો એ જીવનનો ભવ્ય વરસો છે. આમ સાહિત્યને લીધે એકદમ અંગત સ્તરે, અમારા પિતા-પુત્રના સંબંધની કડી હંમેશાં મજબૂત રહી છે. વળી આ જ સમયમાં કેટલાંક વર્ષો અનિદ્રાના રોગ રહેતો, ત્યારે ઘણી રાતો ઉજાગરા રહેતા અને દિવસ અકળામણમાં પસાર થતા, તે વખતે પણ સાહિત્યવાંચન અકસીર ઈલાજ બની પડખે રહ્યું, વગર કોઈ દવા કે સારવાર સાહિત્યવાંચનના શોખે ધીમેધીમે એ રોગમાંથી પણ સંપૂર્ણ મૂક્તિ અપાવી.
આ સફરમાં ભારતીય વિચારકો, સાહિત્યકર્મીઓથી લઈ દુનિયાભરના શ્રેષ્ઠ સાહિત્યકારોને વાંચવા, જાણવા અને સમજવાની તક મળી છે. સાહિત્યને લીધે સ્થળ અને સમયના બંધન ન રહેતા, હવે તો પેઢીઓ પહેલાંના અને સમકાલીન સાહિત્યકારોને વાંચવા તેમ જ નવી ટેકનોલોજી દ્વારા સાંભળવા જોવાનો લહાવો પણ મળી રહ્યો છે. સાહિત્ય ભલે દરેક સમસ્યાનો ઉકેલ ન આપી શકતું હોય, પણ ઉકેલ માટે જરૂરી સંવેદના, સમજણ ને દ્રષ્ટિકોણ તો ચોક્કસ આપે જ છે.
ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ગુજરાતી સાહિત્યમાં માસ્ટર્સની પરીક્ષાઓ તો શોખ ખાતર પાસ કરીને ડિગ્રી મેળવી, પણ સાહિત્યનો પદ્ધતિસર-પરંપરાગત અભ્યાસ ન કરી શકવાની થોડી ખટક રહેતી, જે સાહિત્યવાંચન દ્વારા સંતોષાઈ છે. આજે પણ સફારી જેવા સાયન્સ મેગેઝીનથી લઇ નવનીત સમર્પણ-ચિત્રલેખા જેવા સામયિકોનું નિયમિત વાંચન વ્યવસાયિક અને અંગત જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે.
સમાપનમાં એટલું જરૂર કહીશ કે સાહિત્યએ મારા જીવનમાં એક સમતોલપણું આણ્યું છે ! દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી છે. જીવનના ઘણા ચઢાવ-ઉતાર થતા પ્રસંગોમાં ટકી રહેવાની પ્રેરણા અને બળ પૂરું પાડ્યા છે. ઉપરાંત, આજે, આ સાહિત્યની જ દેણ છે કે આપ સહુ સાથે મારો અનુભવ-મારો આનંદ વહેંચી શકું છું. આગળ પણ પ્રભુને એ જ પ્રાર્થના છે કે સાહિત્યવાંચનનો આ પ્રવાસ અવિરત ચાલતો રહે ને જીવનને વધારે ને વધારે સમૃદ્ધ કરતો રહે !