1. સ્નેહ

આ સંસારે સ્નેહ નામથી તને જગત-જન જાણે,
સાચી લક્ષ્મી લોક સકલની તું છે પ્રાણે-પ્રાણે:

પરમ પ્રેમનું તું છે સુકિરણ આ પૃથ્વી પર આવ્યું,
પવિત્રતાના પ્રસાદ પાવન માલિન્યોમાં લાવ્યું:

દુનિયાનું તું દિવ્ય રસાયન સંતાપો સહુ હરતું,
દુઃખોના દાવાનલ પર તું વર્ષા બની વરસતું:

મીઠા સ્વાદો છે હ્યાં મોઘા, છે સસ્તી કડવાશો,
તું છે એવો પાશ અલૌકિક જે કાપે સહુ પાશો:

ભવ-રણમાં તું રક્ષણ દેતો લીલો દ્વીપ રસાળો,
તું છે તેથી અડી શકે ના બાળી દેતી ઝાળો:

જે હૃદયે તું, ઉત્સ તહીંથી અમૃતરસોનો ફૂટે,
માનવ માટી આદ્ર બને ને નંદનનાં વન ત્રૂઠે:

વિહંગમો ત્યા વૈકુંઠોનાં ગાવા માટે આવે,
કિન્નર ને ગંધર્વો કેરાં સંગીતોય ભુલાવે:

મનુષ્ય-પશુ-પંખી ને કીટે પણ છે હાસો તારા,
સૂર્ય-ચંદ્ર-તારકની સાથે સ્પર્ધાઓ કરનારા:

પ્રભાવ તારો ત્રિભુવનવિજયી પ્રભુતાઓ પ્રકટાવે,
તારા મંગલ મંદિરમાં સત્પ્રભુ વસવાને આવે.


2. અખિલેશ્વર

રળી આપશે કોઈ તને ને ભોગવશે તું મોજે,
ફોગટ એવી રાખ ન આશા, રડવું પડશે રોજે.

સ્વાર્થસાધુ સંસાર સકલ આ, માનવ મનનો મેલો,
પ્રવૃત પરહિત અર્થ થનારો લાગે જગને ઘેલો.

એવા વિરલ પુરુષના છે આ દુનિયામાં દુષ્કાળો,
મૃગજળ પાછળ મરવા માટે મૂર્ખ ભરે મૃગફાળો.

દીનહીન નિઃસત્વ જ શોધે પરનો આશ્રય પાપી,
સ્વમાનહાનિ મરણથી ભૂંડી, સત્પુરુષોએ શાપી.

આપબળે આગળ જા, મળશે ભાગ્યતણા ભંડારો,
તાળાં તોડી કાળ-ભિડાવ્યાં, સર કર હિસ્સો તારો.

પર-દીધાનો તજે પરિગ્રહ પૌરુષવંતા પ્રાણો,
પુરુષાર્થી પામે રત્નોની ખાણો ઉપર ખાણો.

પરવશતા જેવી ના પીડા જડે જગતમાં બીજી,
જીવન-ઉષ્મા જતી રહે જ્યાં, સત્વ જતું સહુ થીજી.

પરાધીનતા પશુઓ માટે, દૈવતવંતા દેવો,
મહાપ્રયાસે પૌરુષ યોજી પામે અમરત-મેવો.

સ્વતંત્રતાની લે સરદારી, સત્વે સજ શિવશક્તિ,
પૂર્ણકામ થા, હે ભવ્યાત્મા ! વિશ્વવંદ્ય બન વ્યક્તિ.

મહિમા તારો માપ મહતને માપે, રાજ વિરાટે,
માટીમાંથી થા અખિલેશ્વર, પ્રભુ પૃથ્વીને પાટે.

(કાવ્યસંગ્રહ ‘સોપાનિકા’માંથી.)

[download id=”343″] [download id=”389″]