મુલાકાતઃ સંજય પંડ્યા-પ્રતિમા પંડ્યા

* હા ત્યારે, શરૂઆત?
સંજય પંડ્યા: પપ્પા(વિઠ્ઠલ પંડ્યા) ફિલ્મક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે એક સાથે કાર્યરત, એટલે ઘરમાં અખબાર-સામયિકો પણ એટલાંબધાં આવે કે એક સાથે બાર-પંદર ધારાવાહિકો અને નવલકથાઓ વાંચતી રહે. લગભગ ૧૦ વર્ષની ઉંમર સુધીમાં અઢળક વાંચી લીધેલું અને ત્યારે એ બધું ખૂબ જ સહજ લાગતું. સ્કૂલમાં લોકો મને પપ્પાના સાહિત્યકર્મને લીધે વિશેષ માન આપતા તો ક્યારેક રેલ્વે સ્ટેશનમાં ટિકિટચેકર ઊભા રહીને એમના ચાહક હોવાની વાત કરતા ત્યારે ખૂબ ગમતું.
પ્રતિમા પંડ્યાઃ ગોંડલમાં જન્મ, મુંબઈ આવી ત્યારે સાત વર્ષની. ઘરમાં કોઈ જ સાહિત્યિક માહોલ નહિ, પણ રોજબરોજના જીવનમાં જેમ અત્યારે ધારાવાહિકોમાં લગ્નપ્રસંગ, તહેવાર, મહેમાન અને સાર-નરસા પ્રસંગો જીવાય છે, એ જીવાતા રહ્યા. પપ્પાને અખબાર વાંચવાની ટેવ અને પછી એમની વાતો, ખાસ કરીને ઐતિહાસિક સંદર્ભોની વાતો સાંભળવી ગમતી, એમની રજૂઆત મને સ્પર્શી જતી. મમ્મી પાક્કા વૈષ્ણવ એટલે ઘરમાં ભજન-કીર્તન પણ ચાલ્યા કરે, જે કાને અથડાતા રહે.

* તો શબ્દપ્રવેશ? આરંભી પ્રેરણા?
સં: પપ્પાની આંગળી પકડીને માણેલા વાર્તાવર્તૂળમાં, દિનકર જોશી, પ્રવીણચંદ્ર રૂપારેલ, ચંદુલાલ સેલારકા તો ક્યારેક સુરેશ દલાલ અને અમદાવાદથી રઘુવીરભાઈના સંસર્ગનો પણ લ્હાવો નાનપણમાં જ મળતો થયો, ત્યાં સુશીલાબેન ઝવેરી મને બાળગીતો સંભળાવતાં. એ લય-કવિતાનો પ્રથમ પરિચય. નાનપણમાં ગામ(કાબોદરા-સાંબરકાંઠા)માં જવાનું બહુ થતું. વેકેશન પડે અને ગામની વાટે ઉપડીએ. ગામથી પચાસ-સો ડગલાં ચાલતાં જ ખેતરો શરૂ થાય. ગામનો વૃક્ષાચ્છાદિત ઝાંપો, કૂવો-જ્યાં કોસ ચાલતો, ત્યાં પાણી ઉલેચાઈને હવાડામાં આવે, પાદર નજીક હનુમાનાજીના મંદિરમાં રાત્રે આરતી કરતાં, જાતે તોડીને કેરીઓ ખાતા, મકાઈના ડોડા ભેગા કરી તાપણામાં શેકતાં, હાથ-ગાડું ચલાવતાં, છાપરે મોર અને કોયલના ટહુકા હોય, ચકલીઓના માળા હોય અને ૩૦૦-૪૦૦ મીટર દૂર કોઈ પંપ ચાલવે ત્યારે જે ‘ભક ભક’ ધ્વનિ ઉત્પન્ન થાય એવા કેટલાયે અવાજો મનમાં લય બની ઘૂંટાતા રહ્યા. મોટાભાગના પ્રલંબલયનાં ગીતો આ સંસ્કારથી લખાયાં. ક્યારેક શહેરની ટ્રેન અને બસની મુસાફરીના સમયનો ધ્વનિ પણ પ્રેરણા આપતો રહ્યો. ગીત પછી અન્ય પ્રકારોમાં પહોંચાયું, જે માણ્યું એ લખાતું રહ્યું.
પ્ર: સ્વાભાવિક રીતે જ રોજબરોજ જોયેલું-સાંભળેલું બધું મનમાં ધરબાઈ રહે. સ્કૂલની મૌખિક પરીક્ષાઓમાં કવિતાઓના મોઢે પાઠ કરવાના હોય એ ખૂબ ગમતું. કોલેજમાં કવિસંમેલનો માણતી થઈ. એકવખત બોર્ડ પર મૂકવાની હિન્દી અછાંદસ કવિતાનો ગુજરાતી અનુવાદ કર્યો, ત્યારે સૌને ગર્વથી કહેતી ફરતી કે આ મેં કર્યું છે. પણ પછીથી વાંચનમાં અલગ-અલગ કવિતાઓ વાંચતી, એમાં શું અલગ કરી શકાય એ વિચાર આવ્યા કરતો અને એ બધામાંથી ‘તલાશ’ નામે પહેલી કવિતાનો પ્રયાસ થયો. આ ઉપરાંત ‘પ્રગતિ’ની બેઠકોનો લાભ મળ્યો. હા, મારા ગુરુ નૌશીલ શાહની પણ ભૂમિકા. શરૂઆતમાં અમૃતા પ્રીતમ અને પન્ના નાયકનાં કાવ્યોથી બહુ પ્રભાવિત રહી. લગ્ન પછી પ્રવૃતિઓ-લેખન બધું થોડું મંદ થયું. પણ એક સમય બાદ ફરી બધું શરૂ થયું.

* અને લગ્ન?
સં: ‘જનશક્તિ’માં સુધીર માંકડ ‘કેન્ટિન કોલિંગ’ નામની કટાર લખતા, જેમાં બે-ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યાં હતાં. એક બીજો મિત્ર મિતુલ અને પ્રતિમા બંનેને કાગળ લખ્યા હતા. બંનેનાં જવાબ મળ્યા. પછી તો કાર્યક્રમોમાં મળતાં રહ્યાં. કાર્યક્રમની માહિતીઓની પણ આપ-લે ચાલી. પાંચેક વર્ષ આમ રહ્યું. એ દરમિયાન ૧૯૮૬-૮૭ની આસપાસ પ્રગતિ મિત્ર મંડળમાં મહિનાના એક શનિવારે કવિઓની બેઠક શરૂ થઈ એમાં પણ સાથે. એ સમયે ‘સમકાલીન’ અખબાર દ્વારા સાહિત્યિક જનરલ નોલેજની સ્પર્ધા યોજાઈ, જેમાં જોડીમાં જ ભાગ લઈ શકાય. એ સ્પર્ધામાં ૬૦૦ જોડીમાંથી ત્રણ જોડી પસંદ થઈ, જેમાં અમેય હતાં. ઈનામરૂપે ૫૦૦ રૂપિયા અને એક નેકલેસ મળ્યા. (હસીનેઃ નેકલેસ પ્રતિમાને આપી દીધો.) ઈનામી રકમ સાહિત્યિક પ્રવૃત્તિ માટે જ વપરાય એવા આશયથી અમે અને દિલીપ રાવલ એસ.એન.ડી.ટી.માં જયંત પાઠક પાસે ગયાં અને એ રકમ ઇનામ તરીકે જ વહેંચી.
પ્ર: અન્ય બેઠકો પણ યોજાતી રહી. મળાતું રહ્યું. આમ એક તરફ વધુને વધુ સહિયારી પ્રવ્રુતિઓને લીધે ઘનિષ્ટતા વધી, બીજી તરફ બંનેનાં ઘરમાં જીવનસાથીની શોધ ચાલી. પાંચ વર્ષની મિત્રતાના પરિણામે ગ્રુપમાં બીજી પણ જોડીઓ બની રહી હતી ત્યારે અંતે અમે પણ પરણવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં પરિવારજનોની નારાજગી વહોરીને પણ પરણ્યાં, ને પડકારો વચ્ચે પણ નવજીવન આરંભ્યું.

* સાહિત્યની ભૂમિકા-પ્રસ્તુતતા બાબતે?
સં.: સાહિત્ય માણસને સંવેદનશીલ બનાવે છે. જીવનને જોવા માટે આગવી દ્રષ્ટિ કેળવી આપે છે. બે વ્યક્તિ વચ્ચે વિચારભેદો-મતભેદો તો રહેવાના જ, એ ભેદો મનભેદ ન બને એ જરૂરી છે, એ સમજ પણ સાહિત્ય કેળવી આપે છે અને અન્ય વ્યક્તિને સમજવામાં ઘણી મદદ કરે છે.
અગાઉ સાધનો વગરના ગ્રામીણ વાતાવરણમાં સાહિત્ય જીવંત હતું, પ્રભાતિયાં, ભજન, લોકગીતો, ગરબા ને દોહરાઓ રૂપે સાહિત્ય લોકોની જીભે જીવંત હતું. સાહિત્યનો ઘણો મોટો હિસ્સો એ જ રીતે સચવાયો છે, લોકો માટે એ જ મનોરંજન પણ હતું. પછી ટેલિવિઝનથી શરૂ થઈને અત્યાર સુધી વિકસેલી ટેકનોલોજી, નવાં સાધનોથી મનોરંજનની નવી પરંપરા શરૂ થઈ. એને લીધે પેલી પરંપરાઓનો સંબંધ કેટલેક અંશે ખોવાયો. એક આખી પેઢી અંગ્રેજી માધ્યમ તરફ ફંટાઈ ગઈ, જેમાંથી ઘણા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષાથી વિમુખ થઇ ગયા. આ પ્રશ્ન દરેક પ્રાંતીય ભાષા સામે છે.
પ્ર.: સાહિત્યનું રસપાન વ્યક્તિની અંદર એક સંસ્કૃતિને સીંચે છે, જે વ્યક્તિને અવિવેકી ને અસમજૂ થતા અટકાવે છે.
સાહિત્ય તરફ બાળકોને ફરી આકર્ષવા માટે સમાજે ત્રણ મોરચે કામ થવું જોઈએ. શિક્ષક – માતાપિતા – સાહિત્યકાર, એમાં માતાપિતાને સમય નથી, શિક્ષકને સમજ નથી ને સાહિત્યકારોને પોતાનું નામ અને દામ કમવામાંથી ફુરસદ નથી. અત્યારે ત્રણેય નિષ્ફળ છે, એટલે બાળકોને જ્યાં દિશા દેખાય ત્યાં એ તરફ વળી જાય છે.
(ચર્ચાઃ સમીરા પત્રાવાલા)