ભેદના પ્રશ્ન - ન્હાનાલાલ

મ્હેં તો કુંકુમે લીંપ્યું મ્હારું આંગણું રે લોલ;
કોઈ ભેદું આવો તો ભેદને ભણું રે લોલ.

મ્હારી આંખે અદ્રશ્ય આંસુડાં વહે રે લોલ;
વિધિ જોઈ જોઈને કાં હસી રહે રે લોલ?

આવો શાસ્ત્રી ! સદબોધો મ્હારી આંખડી રે લોલ;
પ્રાણ વારી પૂજીશ પદચાખડી રે લોલ.

મહાગિરિને ગહ્વર ધોધ ઊછળે રે લોલ;
ત્હેના અકળિત નીરઘોર કો કળે રે લોલ?

ત્હોય ધોધ કેરે ધમક જગત ધમધમે રે લોલ;
મ્હને આંસુના એમ અનુકંપ ગમે રે લોલ.

કોઈ સ્નેહીના પાલવ લોચન લ્હુએ રે લોલ;
નીચે ઊછળે ઉરસ્નેહ, આત્મ એ જુએ રે લોલ.

ગાન સ્હમજું ન, ત્હોય ગાન વેદનાં રે લોલ;
રુદન અરુચે, રુચે છે ત્હોય વેદના રે લોલ.

બાળ પજવે, હા ! ત્હોય મ્હારા અંગનાં રે લોલ;
આંખ રડતી, તે ત્હોય પ્રાણઅંગના રે લોલ

જ્ઞાની ! સાધુ ! આવો તો કહું વાતડી રે લોલ;
ઊભા રહો તો ઊઘાડું મ્હારી છાતડી રે લોલ.

કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ?
નયન આવડું, ને જગ તો મ્હોટું બધું રે લોલ.

ગામપાદર બેસી કાં બોલે મોરલા રે લોલ?
ચંદ્રસૂરજ સંતાડે વદન કાં ભલા રે લોલ?

મહાબ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ?
ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ?

આવો સંતો ! તમ પગલે પાવન થવું રે લોલ:
પ્રાણરૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

ખીલી વસંત, ડાળ લૂમખે લચી રે લોલ;
ટૂંકો આંબો, ને લાંબી દ્રષ્ટિ કાં રચી રે લોલ?

વિશ્વ વીંટી આકાશની ઝાડી ઝૂકી રે લોલ;
મધુ વનમાં, મીઠાશ જીભે શે મૂકી રે લોલ?

ઢળે અઢળક રસ મેઘ મહારેલમાં રે લોલ;
સમી સ્હાંઝે ભરું તે મ્હારી હેલમાં રે લોલ;

મ્હારા ઉરની ન હેલ તો મ્હોટી કશી રે લોલ;
ભરું ભરું ત્હોય ખાલી હેલ, ભાગ્ય શી રે લોલ

છતાં શીળો, અગ્નિની ઉપર ચાલવું રે લોલ;
ફૂલ ફૂલે, તો ઘડીનું એ ફાલવું રે લોલ.

તેજ આવે, તો અર્ધ દિવસ આથમે રે લોલ;
જીવન જાગે, તો અર્ધ નીંદમાં શમે રે લોલ.

મોરવર્ણું અખંડ ચાપ ઈન્દ્રનું રે લોલ;
જોવું-રોવું, સૌન્દર્ય એવું કાં બન્યું રે લોલ?

લોક ક્હે છે, પ્રભુના મીઠા બોલડા રે લોલ;
એક લીધા કંઈ મુજ શું અબોલડા રે લોલ?

તેજ-અંધકાર મળી ગૂંથે દિનને રે લોલ;
હસવું-રડવું, ઉભય રચે જીવનને રે લોલ,

મ્હને એટલું –ઓ! એટલું કહો કથી રે લોલ;
દીઠું અદીઠું હો સંત! કાં થતું નથી રે લોલ?

(‘નહાનાલાલનાં કાવ્યો’માંથી)

[download id="339"] [download id="386"]


છાતીએ છૂંદણાં – સુન્દરમ

છાતીએ છૂંદણાં છૂંદાવાં બેઠી, ભરબજારની વચ્ચે, હો
હૈયું ખોલી છૂંદાવવા બેઠી, ભરબજારની વચ્ચે, હો

કૌતુક આયે કારમું લોકો, તાકી તાકી ભાળે, હો
આંખ માંડી, આંખ મારી લોકો, તાકી તાકી ભાળે, હો

“વાહ રે ખરી, શોખની રાણી !” ભાતભાતીનું બોલે, હો
“છાતીએ છાપ છપાવવા બેઠી !” ભાતભાતીનું બોલે, હો

માથે લાંબો ઘૂંઘટો ખેંચી છૂંદણાં જાય છૂંદાવ્યે, હો
છેડલો ખોલી છાતી પરનો છૂંદણાં જાય છૂંદાવ્યે, હો

આંખો ફાડી તાકતી દુનિયા, નજરે એની ના’વે, હો !
ટોળટપ્પાં ને કાંકરા લોકના, નજરે એની ના’વે, હો !

દૂરના મોહલ્લા માંહ્યલું ખોરડું, આંખમાં એની રમે, હો !
ખોરડા માંહ્યલો સાહ્યબો શોખી, આંખમાં એની રમે, હો !

લોકને મૂકી લ્હેકા કરતા, ઝટ ઊઠી એ ચાલી, હો !
છાતીએ છાપી મોર ને કોયલ, ઝટ ઊઠી એ ચાલી, હો !

ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, પૂનમ ચાંદની ખીલી, હો !
રંગ ગુલાબે રંગાઈ રૂડી, પૂનમ ચાંદની ખીલી, હો !

ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં, ઘૂઘરા બાંધી ઘૂમે, હો !
હાથમાં ઠાગા, રંગના વાઘા, ઘૂઘરા બાંધી ઘૂમે, હો !

નાનકડો એક ઢોલિયો ઢળ્યો, ચોકને ખુલ્લે ખૂણે, હો !
ઢોલિયે ઢળ્યાં નર ને નારી, ચોકને ખુલ્લે ખૂણે, હો !

સાયબો પૂછે મૂછમાં મલકી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો !
ફાગ આ પહેલો ખેલવા ગોરી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો !

ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, કૈંક સંતાડી હૈયે, હો !
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું, કૈંક સંતાડી હૈયે, હો !

“દાખવો મોંઘા માલ મોતીના !” સાયબો પાલવ તાણે, હો !
“રંગ મોતીના ગોતીએ ગોરી !” સાયબો પાલવ તાણે, હો !

ઢોલની ઢમક, ચાંદની ચમક રંગની રેલમછેલો, હો !
મનામણાં ને રિસામણાંના, રંગની રેલમછેલો, હો !

નાવલિયાના નેહનાં નીરે, ગોરીનાં ઉર ભીંજ્યાં, હો !
રૂમકઝૂમક ફાગના રાગે, ગોરીનાં ઉર ભીંજ્યાં, હો !

હૈયા ચોકમાં મોર નાચે છે, જોઈ લ્યો જેને જોવું, હો !
ઉર ઘટામાં કોયલ ટહૂકે, જોઈ લ્યો જેને જોવું, હો !

આજ નથી શિરે ઘૂંઘટો ઢાળ્યો, ફાગણ ફૂલ્યો ફાગે, હો !
આજ નથી ઉર છેડલો ઢાંક્યો, પૂનમનાં પૂર જાગે, હો !

25 માર્ચ 1939, સુન્દરમ. (‘સુન્દરમની 125 કવિતા’માંથી)

[download id="329"] [download id="382"]


ગુજરીની ગોદડી - ઉમાશંકર જોશી

રોજ રાતે ખાવાપીવાનું પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણો સાફ કરી નાખતા અને પછી ઓરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા મંડી જતા. રાંધતી વખતે એવી ગણતરીની જરૂર રહેતી નહિ, કારણ કે આ સદીમાં પણ અમારી તપેલી અક્ષયપાત્ર હોવાનો દાવો કરી શકતી. ત્રણ ભાઈઓને માટે રાતે એટલી ખીચડી બસ થતી. હું તો નવો જ આવેલો, અને ભાઈઓ કહેતા કે એ બે જણા પણ ભરીને જ ખીચડી ઓરતા. પરમ દિવસે મળવા આવેલા એક મિત્રને અમે મદદમાં લીધા તોપણ તપેલી હારી નહિ. અને આજે જ્યારે અમે પાંચ સૂનારા છીએ એમ નીકળ્યું ત્યારે શી રીતે સૂઈશું એનું મને આશ્ચર્ય ન થયું, પણ પાંચ જણને તપેલીએ ખીચડી ક્યાંથી પૂરી એનો જ હું વિચાર કરવા મંડી ગયો. નાનાભાઈ જ હંમેશાં પીરસતો અને તપેલી કરતાં એની પીરસવાની શક્તિમાં જ કંઈ રહસ્ય છે એવું કંઈ માન્યા વગર છૂટકો ન હતો. કેમ કે આવું હોય ત્યારે એને કાં તો પેટમાં કંઈ થતું હોય કે પછી નિશાળથી આવતાં કોઈ મિત્રને ત્યાં અમારા લાભમાં એણે નાસ્તો કર્યો જ હોય. આજે સારું હતું કે બપોરની એકાદ ભાખરી પડી હતી.Read more


વરપ્રાપ્તિ – સુરેશ જોષી

હું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપોય પરની ફૂલદાનીમાં, ઘૂંટણિયે બેસીને, મૅગ્નોલિયાનાં ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે, પણ એ એણે મને જાણવા દીધું નહિ. મૅગ્નોલિયાની પાંખડીઓ વચ્ચે સંતાઈ જતી અને પ્રગટ થતી એની આંગળીઓને હું જોઈ રહ્યો. નમતી સાંજની વેળાએ ઓરડામાં પડતા વસ્તુઓના પડછાયા વચ્ચે એ પોતે પણ જાણે એક પડછાયાની જેમ લુપ્ત થઈ ગઈ હતી. લવંગિકાની આ એક ખૂબી છે. પોતાના વ્યક્તિત્વનો અંચળો ગમે ત્યારે ઉતારી નાખીને એ આપણી વચ્ચે હોવા છતાં દૂર સરી જઈ શકે છે. એની પાંપણો હાલે, પણ તે તો પવનને કારણે હાલતી હશે એવું તમને લાગે. બારી પરના પડદાની ઝૂલ પવનમાં હાલે ત્યારે એની સાડીનો પાલવ પણ ફરફરે. પણ એ બે તરફ આપણું ખાસ ધ્યાન ખેંચાય નહીં. અંધારું સહેજ ગાઢું થયું. એની આકૃતિની રેખાઓ જ માત્ર દેખાતી હતી. એ ઊભી થઈ. બોલી: દીવો કરું? એ પ્રશ્ન કાંઈ મને શોધતો આવ્યો હોય એવું મને લાગ્યું નહીં. એથી મને કશું બોલવાનું મન ન થયું. એણે ઉત્તરની રાહ પણ ન જોઈ. દીવી લીધી, ઘીનું પૂમડું મુક્યું, ઘી પૂર્યું (આ વિગતો કાંઈ મને દેખાતી નહોતી, એની ક્રિયાનો આભાસ જ હું તો વરતી શકતો હતો) ને દીવો સળગાવ્યો. નાની શી જ્યોતથી એની ચિબુકથી તે સીમન્તરેખા સુધીની સીધી લીટીમાં પ્રકાશની ધાર અંકાઈ ગઈ. એની આજુબાજુના ભાગમાં એના ગાલ અને એની આંખોનું સૂચન હતું. થોડી વાર એ દીવા પાસે એમની એમ ઊભી રહી. પછી એ સહેજ એ તરફ વળી. આથી પ્રકાશ એની એક આંખ પર પડ્યો. એની ઢળેલી પાંપણો ઊંચી ન થઈ. ખભા પરથી સરી ગયેલો છેડો સરખો કરતાં કે પછી હોઠ પર વળેલો પરસેવો લૂછવા જતાં ઝાપટ વાગવાથી દીવો ઓલવાઈ ગયો. એણે એ ફરી સળગાવ્યો નહીં. મારાથી થોડે દૂર, પશ્ચિમની ખુલ્લી બારીની પાળ પર એ બેઠી ને જાણે એની દ્રષ્ટિનાં ટેરવાંથી બહારના અંધકારના ઘટ્ટ પોતને સ્પર્શી રહી. હું નર્યો અંધકારમય હોત તો કદાચ એની દૃષ્ટિ મારી તરફ વળી હોત.Read more


ત્રણ પત્રો – હોરાસિયો ક્યૂરોગા (અનુવાદ: સતીશ વ્યાસ)

મહોદય શ્રી,

હું આપને કેટલાક પેરેગ્રાફ્સ મોકલાવું છું. અને આશા રાખું છું કે તમે તમારા નામથી છપાવવાની મહેરબાની કરશો. આ વિનંતી હું એટલા માટે કરું છું કે મને કહેવામાં આવ્યું છે કે જો હું મારા નામથી મોકલાવીશ તો કોઈ અખબાર પ્રગટ નહીં કરે. મારા વિચારોને પુરુષે લખ્યા હોય એવું લગાડવા માટે જો જરૂર લાગે તો તમે એમાં ફેરફાર કરી શકો છો. મને ખાત્રી છે કે એનાથી ફાયદો જ થશે.Read more


માનવતા – ર. વ. દેસાઈ

સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ.

બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી હતી. કૉલેજમાં તેમની કાવ્યપ્રવૃત્તિ તેમને સઘળા વિદ્યાર્થીઓના આશ્ચર્યનું રૂપ આપી રહી હતી. અને કૉલેજ બહાર નીકળતાં સાહિત્યસૃષ્ટિએ આ ઊગતા કવિને વધાવી લીધા હતા. તેમનાં કાવ્યો માસિકોમાં પ્રગટ થવા માંડ્યાં અને કાવ્યરસિકો તેમની આતુરતાથી રાહ જોવા લાગ્યા. વિવેચકોએ તેમનાં કાવ્યો ઉપર પ્રશસ્તિઓ લખવા માંડી, અને જોતજોતમાં સનતકુમાર એક ઉચ્ચ કક્ષાના કવિ તરીકે જનતાનું માન પામ્યા. આ સત્કારથી તેમને શરૂઆતમાં ઊપજેલા આશ્ચર્ય અને આહલાદ શમી ગયા, અને પોતાને મળતું માન તેમના મનમાં હકરૂપ બની ગયું.Read more


સૂરજ ઊગશે – કુન્દનિકા કાપડિયા

રખડતાં રઝળતાં હું છેવટ કુલૂની ખીણમાં જઈ પહોંચી હતી, જેને લોકો દેવોની ખીણ કહે છે. ત્યાની ધરતી સુંદર છે અને ચારે તરફથી બરફછાયા ઊંચા પહાડો તેને સ્નેહની દ્રષ્ટિથી નિહાળી રહે છે. બીજો કોઈ સમય હોત તો હું ત્યાનું સૌન્દર્ય માણી શકી હોત, અને કદાચ એનો થોડો અંશ મારી અંદર ભરી શકી હોત. પણ અત્યારે મારી પાસે એ આંખો નહોતી, જેના વડે હું તેની સુંદરતાના આ નીલમસરોવરને જોઈ શકું, અને એ હ્રદય નહોતું, જેમાં હું તેના ઝગમગતાં શિખરોનું પ્રતિબિંબ ઝીલી શકું. હું તો કેવળ મારા દુઃખને ભૂલવા માટે મેં આદરેલી રઝળપાટમાં જ ત્યાં જઈ ચડી હતી. અને મને ખબર હતી કે, હું દૂર સુધી સફર કર્યા જ કરું, એક પછી એક ખીણ અને એક પછી એક ઊંચાં બરફમય શિખરોને ઓળંગી પેલી પાર, સ્પિતિ અને લાહોલના નિર્જન વૈભવમાં થીજી ગયેલા મુલ્કોમાં પહોંચી જાઉં, તોપણ મારા હ્રદયની, બિયાસના પાણીની જેમ સદા ઘૂઘવતી પીડા મારી સાથે ને સાથે જ આવવાની.Read more


વરસાદ - રમણ પાઠક ‘વાચસ્પતિ’

કમોસમના પ્રેમની જેમ કમોસમનો વરસાદ પણ વ્યર્થ અને અકળાવનારી વસ્તુ છે. વળી પ્રેમ અને વરસાદ ગમે ત્યારે આવી પડે છે એમાં ભાગ્યે જ આપણું કશું ચાલે છે. આજ સાંજે, શિયાળાની ગમગીન ઠંડી સાંજે જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મને યાદ છે ત્યાં સુધી આકાશ અર્થ વગરની જિંદગી જેવું ખુલ્લું અને સફાચટ હતું. કદાચ ક્ષિતિજ પર વાદળાં ઘેરાતાં પણ હોય, પણ એવી બાબતો તરફ ધ્યાન આપવાની ટેવ આજે વરસો થયાં છૂટી ગઈ હતી - એમાં કશો રસ જ પડતો નથી.Read more


રાતે વાત - હીરાલાલ ફોફલીઆ

‘મોટીબેન સાસરે ગઈ.’ બધા કહે છે, ‘તું પલાશને ઘેર હતો ને ત્યારે.’

‘મને બોલાવવો’તો ને?’ મેં બાને કહ્યું, ‘કહેત, કેવી જુઠ્ઠી!’

બા રોજ કે’તી, ‘તું મોટી થઈ. સાસરે જવું પડશે.’

એ અંગુઠો બતાવતી. કહેતી, ‘જાય મારી બલા!’

અને સાચેસાચ સાસરે ગઈ !

ખોટાબોલી !

Read more


માસ્તરડો ને માસ્તરડો - નટવરલાલ પ્ર. બુચ

બીજી બધી છોકરીઓની જેમ દુર્ગા પણ નાની હતી ત્યારે, ભાવિ જીવનનાં સપનાં સેવતી. ક્યારેક પોતાને મિલમાલિક પતિ મળે તેમ ઈચ્છતી, તો ક્યારેક વળી તેનાથી નીચે ઊતરી પોતાનો પતિ કોઈ ઉચ્ચ સરકારી અમલદાર હોય તેમ પણ ઈચ્છતી; પણ એથી નીચલી કક્ષાના પતિનો તો વિચાર જ ન કરતી. અને, વિચાર આવતો તો તેને, રખડુ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢીએ તેમ, મનમાંથી હાંકી કાઢતી. તેવા ઊંચા મોંભાના પતિને લાયક કન્યા બનવા માટે તે બી.એ. થવા સુધીનાં સ્વપ્ન પણ સેવતી. પોતાને હીરામોતીનાં ઘરેણાં, નાઈલોનની સાડી અને પ્લાસ્ટિકના પ્લેટફોર્મ ચંપલ પહેરીને પોતાના શેઠ કે અમલદાર પતિ સાથે મોટરમાં કે સિનેમાઘરમાં અંગ્રેજીમાં વાતો કરતી કલ્પી તે રાચી ઊઠતી, ને ક્યારેક એકાંતમાં નાચી પણ ઊઠતી.Read more