આત્મ પરિચય - જ્યોતીન્દ્ર દવે

(અનુષ્ટુપ)

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે;
જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે !
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.
તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું – ના જાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ
શૂદ્ર છું : કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી !
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘શાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હુ સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!
વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્ય આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પતું દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પતું ચિંતા, મને પીડા સમર્પતું,
પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ-
ભારહીણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું.
એવું શરીર આ મારું દવાઓથી ઘડાયેલું !

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એકસાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું !
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી;
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે, માગ્યુંય ના ગમે !

(ઉપજાતિ)

સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉં ન હું, કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડેપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યુ ન કોઈએ !
સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી !

(અનુષ્ટુપ)

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

(શાર્દૂલ)

નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કંદુકે.
હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.
કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી.
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.
દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અન્નત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

(અનુષ્ટુપ)

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતિન્દ્ર દવે !

(‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’માંથી)

[download id="392"] [download id="346"]


બે કાવ્યો - પૂજાલાલ

1. સ્નેહ

આ સંસારે સ્નેહ નામથી તને જગત-જન જાણે,
સાચી લક્ષ્મી લોક સકલની તું છે પ્રાણે-પ્રાણે:

પરમ પ્રેમનું તું છે સુકિરણ આ પૃથ્વી પર આવ્યું,
પવિત્રતાના પ્રસાદ પાવન માલિન્યોમાં લાવ્યું:

દુનિયાનું તું દિવ્ય રસાયન સંતાપો સહુ હરતું,
દુઃખોના દાવાનલ પર તું વર્ષા બની વરસતું:

મીઠા સ્વાદો છે હ્યાં મોઘા, છે સસ્તી કડવાશો,
તું છે એવો પાશ અલૌકિક જે કાપે સહુ પાશો:

ભવ-રણમાં તું રક્ષણ દેતો લીલો દ્વીપ રસાળો,
તું છે તેથી અડી શકે ના બાળી દેતી ઝાળો:

જે હૃદયે તું, ઉત્સ તહીંથી અમૃતરસોનો ફૂટે,
માનવ માટી આદ્ર બને ને નંદનનાં વન ત્રૂઠે:

વિહંગમો ત્યા વૈકુંઠોનાં ગાવા માટે આવે,
કિન્નર ને ગંધર્વો કેરાં સંગીતોય ભુલાવે:

મનુષ્ય-પશુ-પંખી ને કીટે પણ છે હાસો તારા,
સૂર્ય-ચંદ્ર-તારકની સાથે સ્પર્ધાઓ કરનારા:

પ્રભાવ તારો ત્રિભુવનવિજયી પ્રભુતાઓ પ્રકટાવે,
તારા મંગલ મંદિરમાં સત્પ્રભુ વસવાને આવે.


2. અખિલેશ્વર

રળી આપશે કોઈ તને ને ભોગવશે તું મોજે,
ફોગટ એવી રાખ ન આશા, રડવું પડશે રોજે.

સ્વાર્થસાધુ સંસાર સકલ આ, માનવ મનનો મેલો,
પ્રવૃત પરહિત અર્થ થનારો લાગે જગને ઘેલો.

એવા વિરલ પુરુષના છે આ દુનિયામાં દુષ્કાળો,
મૃગજળ પાછળ મરવા માટે મૂર્ખ ભરે મૃગફાળો.

દીનહીન નિઃસત્વ જ શોધે પરનો આશ્રય પાપી,
સ્વમાનહાનિ મરણથી ભૂંડી, સત્પુરુષોએ શાપી.

આપબળે આગળ જા, મળશે ભાગ્યતણા ભંડારો,
તાળાં તોડી કાળ-ભિડાવ્યાં, સર કર હિસ્સો તારો.

પર-દીધાનો તજે પરિગ્રહ પૌરુષવંતા પ્રાણો,
પુરુષાર્થી પામે રત્નોની ખાણો ઉપર ખાણો.

પરવશતા જેવી ના પીડા જડે જગતમાં બીજી,
જીવન-ઉષ્મા જતી રહે જ્યાં, સત્વ જતું સહુ થીજી.

પરાધીનતા પશુઓ માટે, દૈવતવંતા દેવો,
મહાપ્રયાસે પૌરુષ યોજી પામે અમરત-મેવો.

સ્વતંત્રતાની લે સરદારી, સત્વે સજ શિવશક્તિ,
પૂર્ણકામ થા, હે ભવ્યાત્મા ! વિશ્વવંદ્ય બન વ્યક્તિ.

મહિમા તારો માપ મહતને માપે, રાજ વિરાટે,
માટીમાંથી થા અખિલેશ્વર, પ્રભુ પૃથ્વીને પાટે.

(કાવ્યસંગ્રહ ‘સોપાનિકા’માંથી.)

[download id="343"] [download id="389"]


ભેદના પ્રશ્ન - ન્હાનાલાલ

મ્હેં તો કુંકુમે લીંપ્યું મ્હારું આંગણું રે લોલ;
કોઈ ભેદું આવો તો ભેદને ભણું રે લોલ.

મ્હારી આંખે અદ્રશ્ય આંસુડાં વહે રે લોલ;
વિધિ જોઈ જોઈને કાં હસી રહે રે લોલ?

આવો શાસ્ત્રી ! સદબોધો મ્હારી આંખડી રે લોલ;
પ્રાણ વારી પૂજીશ પદચાખડી રે લોલ.

મહાગિરિને ગહ્વર ધોધ ઊછળે રે લોલ;
ત્હેના અકળિત નીરઘોર કો કળે રે લોલ?

ત્હોય ધોધ કેરે ધમક જગત ધમધમે રે લોલ;
મ્હને આંસુના એમ અનુકંપ ગમે રે લોલ.

કોઈ સ્નેહીના પાલવ લોચન લ્હુએ રે લોલ;
નીચે ઊછળે ઉરસ્નેહ, આત્મ એ જુએ રે લોલ.

ગાન સ્હમજું ન, ત્હોય ગાન વેદનાં રે લોલ;
રુદન અરુચે, રુચે છે ત્હોય વેદના રે લોલ.

બાળ પજવે, હા ! ત્હોય મ્હારા અંગનાં રે લોલ;
આંખ રડતી, તે ત્હોય પ્રાણઅંગના રે લોલ

જ્ઞાની ! સાધુ ! આવો તો કહું વાતડી રે લોલ;
ઊભા રહો તો ઊઘાડું મ્હારી છાતડી રે લોલ.

કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ?
નયન આવડું, ને જગ તો મ્હોટું બધું રે લોલ.

ગામપાદર બેસી કાં બોલે મોરલા રે લોલ?
ચંદ્રસૂરજ સંતાડે વદન કાં ભલા રે લોલ?

મહાબ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ?
ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ?

આવો સંતો ! તમ પગલે પાવન થવું રે લોલ:
પ્રાણરૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

ખીલી વસંત, ડાળ લૂમખે લચી રે લોલ;
ટૂંકો આંબો, ને લાંબી દ્રષ્ટિ કાં રચી રે લોલ?

વિશ્વ વીંટી આકાશની ઝાડી ઝૂકી રે લોલ;
મધુ વનમાં, મીઠાશ જીભે શે મૂકી રે લોલ?

ઢળે અઢળક રસ મેઘ મહારેલમાં રે લોલ;
સમી સ્હાંઝે ભરું તે મ્હારી હેલમાં રે લોલ;

મ્હારા ઉરની ન હેલ તો મ્હોટી કશી રે લોલ;
ભરું ભરું ત્હોય ખાલી હેલ, ભાગ્ય શી રે લોલ

છતાં શીળો, અગ્નિની ઉપર ચાલવું રે લોલ;
ફૂલ ફૂલે, તો ઘડીનું એ ફાલવું રે લોલ.

તેજ આવે, તો અર્ધ દિવસ આથમે રે લોલ;
જીવન જાગે, તો અર્ધ નીંદમાં શમે રે લોલ.

મોરવર્ણું અખંડ ચાપ ઈન્દ્રનું રે લોલ;
જોવું-રોવું, સૌન્દર્ય એવું કાં બન્યું રે લોલ?

લોક ક્હે છે, પ્રભુના મીઠા બોલડા રે લોલ;
એક લીધા કંઈ મુજ શું અબોલડા રે લોલ?

તેજ-અંધકાર મળી ગૂંથે દિનને રે લોલ;
હસવું-રડવું, ઉભય રચે જીવનને રે લોલ,

મ્હને એટલું –ઓ! એટલું કહો કથી રે લોલ;
દીઠું અદીઠું હો સંત! કાં થતું નથી રે લોલ?

(‘નહાનાલાલનાં કાવ્યો’માંથી)

[download id="339"] [download id="386"]


છાતીએ છૂંદણાં – સુન્દરમ

છાતીએ છૂંદણાં છૂંદાવાં બેઠી, ભરબજારની વચ્ચે, હો
હૈયું ખોલી છૂંદાવવા બેઠી, ભરબજારની વચ્ચે, હો

કૌતુક આયે કારમું લોકો, તાકી તાકી ભાળે, હો
આંખ માંડી, આંખ મારી લોકો, તાકી તાકી ભાળે, હો

“વાહ રે ખરી, શોખની રાણી !” ભાતભાતીનું બોલે, હો
“છાતીએ છાપ છપાવવા બેઠી !” ભાતભાતીનું બોલે, હો

માથે લાંબો ઘૂંઘટો ખેંચી છૂંદણાં જાય છૂંદાવ્યે, હો
છેડલો ખોલી છાતી પરનો છૂંદણાં જાય છૂંદાવ્યે, હો

આંખો ફાડી તાકતી દુનિયા, નજરે એની ના’વે, હો !
ટોળટપ્પાં ને કાંકરા લોકના, નજરે એની ના’વે, હો !

દૂરના મોહલ્લા માંહ્યલું ખોરડું, આંખમાં એની રમે, હો !
ખોરડા માંહ્યલો સાહ્યબો શોખી, આંખમાં એની રમે, હો !

લોકને મૂકી લ્હેકા કરતા, ઝટ ઊઠી એ ચાલી, હો !
છાતીએ છાપી મોર ને કોયલ, ઝટ ઊઠી એ ચાલી, હો !

ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, પૂનમ ચાંદની ખીલી, હો !
રંગ ગુલાબે રંગાઈ રૂડી, પૂનમ ચાંદની ખીલી, હો !

ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં, ઘૂઘરા બાંધી ઘૂમે, હો !
હાથમાં ઠાગા, રંગના વાઘા, ઘૂઘરા બાંધી ઘૂમે, હો !

નાનકડો એક ઢોલિયો ઢળ્યો, ચોકને ખુલ્લે ખૂણે, હો !
ઢોલિયે ઢળ્યાં નર ને નારી, ચોકને ખુલ્લે ખૂણે, હો !

સાયબો પૂછે મૂછમાં મલકી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો !
ફાગ આ પહેલો ખેલવા ગોરી, ગૂજરીમાં શું વ્હોર્યું, હો !

ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, કૈંક સંતાડી હૈયે, હો !
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું, કૈંક સંતાડી હૈયે, હો !

“દાખવો મોંઘા માલ મોતીના !” સાયબો પાલવ તાણે, હો !
“રંગ મોતીના ગોતીએ ગોરી !” સાયબો પાલવ તાણે, હો !

ઢોલની ઢમક, ચાંદની ચમક રંગની રેલમછેલો, હો !
મનામણાં ને રિસામણાંના, રંગની રેલમછેલો, હો !

નાવલિયાના નેહનાં નીરે, ગોરીનાં ઉર ભીંજ્યાં, હો !
રૂમકઝૂમક ફાગના રાગે, ગોરીનાં ઉર ભીંજ્યાં, હો !

હૈયા ચોકમાં મોર નાચે છે, જોઈ લ્યો જેને જોવું, હો !
ઉર ઘટામાં કોયલ ટહૂકે, જોઈ લ્યો જેને જોવું, હો !

આજ નથી શિરે ઘૂંઘટો ઢાળ્યો, ફાગણ ફૂલ્યો ફાગે, હો !
આજ નથી ઉર છેડલો ઢાંક્યો, પૂનમનાં પૂર જાગે, હો !

25 માર્ચ 1939, સુન્દરમ. (‘સુન્દરમની 125 કવિતા’માંથી)

[download id="329"] [download id="382"]