ઉમાશંકરઃ ગીત ગોતનાર, ગોતી આપનાર કવિ... - સુનીલ મેવાડા

ચૂંટે તો...

ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.

હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

વાયુરાજ પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું રે ડોડલે.

આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે હોડલે.
હું ય ઝૂલું આંખ શું તારે દેહડોડલે.

માળમાં વીંધીશ મા,
કાંડે ચીંધીશ મા,
મૂકજે આંખોથી કોઈ ઊંચેરે ટોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને ઘૂમજે,
હૈયાની આંખ બની બેસું અંબોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

-ઉમાશંકર જોશી

અલી ઓ બહેન, ખીલવાની આ સુંદર મૌસમ જોઈ વગડે આંટો મારવી નીકળી છે કેમ, ફૂલો-કળીઓ ચૂંટવાનું મન થતું જ હશે ખરુંને? જો એમાં તું, મને ચૂંટવાની હો તો મારી એક જ વિનંતી છે કે...!
જો, હું તો છું અહીં ડાળીએ ઝોલા ખાઈ હસ્યા કરતું એક ફૂલ, ના ના, પૂર્ણ ફૂલ પણ નહીં, મૂળવગર ખીલેલું એક નાનકડું ફૂલડું માત્ર, એટલે, મને ચૂંટે તો તારે અંબોડે, દેહના સર્વોચ્ચ સ્થાને જ મૂકજે હોં વહાલી ! એ જ મારી વિનવણી.
તું તો હમણાં આવી ને કદાચ ચાલી જઈશ, પણ આ અહીં જ પડ્યોપાથરો રહેતો વાયુ હરતા-ફરતા, મારી આંખો લૂછ્યા કરી, એની સાથે હિલ્લોળવા મને પૂછતો રહે છે, પણ એના એવા ફાંસમફાંસ ઘોડિયે મુજ બાળજીવને કેમનું ફાવે? મને તો આ નાનકા ડોડલે જ હીંચવું ગમે. અહીં જ હીંચતાંહીંચતાં મેં આજ તારી આંખમાં મજેદાર ફૂલ જોયાં બેની, હા ખરે જ ! જાણે તારી આંખો જ સોનેરી ફૂલ બની ગઈ ! જો હું પણ પૂર્ણ ફૂલ બનીશ, તો એવું જ અનુપમ-આકર્ષક બનીશ ખરું? એ વિચારીને મારું હૈયું તો, હેતની હોડીમાં બેસી હોડમાં-સ્પર્ધામાં ઊતર્યું કે હાય, હવે ક્યારે આ નાના છોડના જડ-ડોડલામાંથી છૂટું પડી તારા દેહના ચેતન-ડોડલે હું ઝૂંલું-મલકું-ફૂલું, જેમ હાલ તારી આંખો મલકી રહી છે.
-પણ સાથે એક ખુલાસો કરી લઉં હાં, જો ચૂંટ્યા પછી મને વીંધી-ચીંધી આડે હાથે ફગાવી દેવાની હો તો રહેવા દેજે. તારી માળામાં રોપાવાનાં કે કાંડે પરોવાઈ બેસવાનાં ઓરતાં મને નથી, મને કંઈ ખપે તો બસ તારી આ નમણેરી-અનેરી-મને ઘેલી કરનારી આંખો કરતાંય વેંતઊંચું થાનક. એ તો તારે અંબોડલે જ ને? મને ચૂંટે તો ત્યાં જ મૂકજે હો સખી, ચૂંટીને પહેલાં તો મને ચૂમજે, માથે ગૂંથીને ગામભરમાં ગૂમજે, હરખાઈને આંટા મારજે, સૌ છો જોઈને બળતાં, બધાં તને ને તારી આંખોને જોયાં જ કરે છેને, પણ કોઈ તારું હૈયું જોવે છે? તારા હૈયામાં ફૂટતા-ત્રાટકતા ઉમંગોનું નામ કોઈએ પૂછ્યું? ત્યારે, તારા દેહની પ્રતિનિધિ બની જેમ તારી આંખો મલકી-મહોરી-ફૂલી-ઝૂલી રહી છે, એમ હું તારા હૈયાની આંખો બનીને અંબોડલે બેસીશ, ત્યાંથી દેહે ન દેખાતી તારી ભાવનાઓ-ઉમંગો-લાગણીઓનું પ્રતિનિધિત્વ કરીશ, બસ ! પણ સાંભળ બ્હેની, ચૂંટે તો... મને મૂકીશ તો અંબોડલે જ, ને?
આવું ભાવભીનું-મજામજાનું ગીત લખનાર ઉમાશંકરનો પરિચય માત્ર બે અક્ષરનો જ છે, કવિ.
કોઈકના સ્મરણલેખમાં વાંચેલું કે ઉમાશંકર સંસ્કૃતિ સામયિકના પ્રૂફ તૈયાર થઈને ઘરે આવતા ત્યારે ઘણીવાર કહેતા, “પહેલું સુખ તે આવ્યા પ્રૂફ, બીજું સુખ તે ઘરની સાફસૂફ...” ઉમાશંકરને આપણો ઈતિહાસ પણ મોટાભાગે ‘કવિ’ કહીને જ સંબોધે છે એટલે એમના નામને બદલે કવિ સંબોધનથી જ એમની વાત કરવાની ઈચ્છા થાય, આપણા આ કવિ વિશે માનવામાં ન આવે એવી દંતકથાઓ પણ પ્રચલિત છે અને એ બધીય પાછી સાચી છે. એમના સાહિત્યપ્રદાનનો પટ એટલો વિશાળ છે કે એને માપવા-આપવાને બદલે થોડી વધુ સામગ્રી ભેગી કરી સમગ્ર ગુજરાતી સાહિત્યનો પટ આપી દેવો સહેલો છે, કારણ કે એમાંથી ઉમાશંકરના પ્રદાનની વિગતો પણ યથોચિત રીતે ઉલ્લેખી શકાય છે. એમને ન ગમાડનારાઓએ પણ એટલું તો માનવું જ પડે કે આપણે ત્યાં આ ‘કવિ’ એક જ થયા છે ને એક જ રહેશે. કોઈએ કહ્યું હતું એમ એક સદીમાં કવિ તો એક કે બે જ થાય છે, બાકી બધા તો કવિડાઓ...
કવિ, 1911માં બામણામાં જન્મે છે, ભણે છે. પ્રાથમિક શિક્ષણ પત્યા પછી ગામની શાળાને વચન આપે છે કે, ‘શાળા, એક દિવસ તારું નામ ઉજ્જવળ કરીશ’ અને ગામ છોડે છે. ‘શબ્દ’ લઈને અમદાવાદ આવે છે, રબારણોની મોટી બંગડીઓ જેવા બે કાચના ચશ્મામાં રીબાતી એમની બે નબળી આંખો બળ્યા કરે છે, છતાં એ ભણતા રહે છે, લખતા રહે છે, અમદાવાદમાં સ્થાયી થાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, વિદ્યાપીઠમાં જાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, ક્રાન્તિમાં જોડાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, જેલ ભોગવે છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે... શાંતિનિકેતનમાં પહોંચે છે, આઝાદ દેશ માટે સાહિત્ય અકાદમીની સ્થાપનામાં જોડાય છે, રાજ્યસભામાં જાય છે, હોદ્દાઓની જવાબદારી નીભાવે છે, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નરસિંહના શબ્દબ્રહ્મને પોંખે છે.... ને છેક, 1988માં 77 વર્ષે આંખો મીંચાય છે ત્યાં સુધી એ આંખો પોતાની બળતરા નથી મૂકતી, પણ સામે કવિની જીદ પણ ‘શબ્દ’ નથી છોડતી. કવિએ આત્મકથા સિવાય બધું જ આપ્યું અને બીજું ઘણુંબધું લખવાની તમન્નાઓ અધૂરી લઈને ગયા, પણ જે આપી ગયા એ અણમોલ...
આવા આપણા બાળઉમાશંકર જ્યારે ગીતની શોધમાં (ગામેથી શબ્દ લઈને) નીકળે છે, ત્યારે એ ક્યાં-ક્યાં ફરે છે?
(પૂછાપૂછવાળું બાળપણ) અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(કુતૂહલભરી કિશોરાવસ્થા) અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(જોશીલી યુવાની) અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સ્વપનીલ વયસ્કતા) અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(લગ્ન-પ્રણય) અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સંતાન-સંસાર) અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(વડીલાવસ્થામાં આધ્યાત્મિકતા-અભ્યાસનો નીચોડ) અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું...

(પણ, અને....) ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીંચંતું,
કે ગીત અમે…

એટલે કે જીવનભર ગીત(કવિતા) ગોતીગોતીને થાકેલા કવિજીવને અંતે ગીત ક્યાં મળે છે?
“…ઉરે આંસુ પછવાડે હીંચંતું
ને સપનાં સીંચંતું...”
આ જ ને? ગીત માત્રનું (અરે કવિતા માત્રનું) ઠેકાણું અને હોવાપણું... સૂક્કી આંખો રાખીને આંસુ સારતા હૃદયમાં સંતાઈ રહેવું (કવિતાનું ઠેકાણું) અને છતાં, સજીવતામાં શ્રદ્ધા ટકાવી રાખતાં સ્વપ્નો સીંચતાં રહેવું (કવિતાનું હોવાપણું) ! આ મથામણનો ભાવાર્થ એટલો કે અંતે ધમપછાડા મારી, હાથપગમાથું કૂટતાંકૂટતાં ગમે તેટલું શોધીને પણ ગીત(કવિતા) મળતું તો નથી જ, પણ હકીકતે એની શોધમાં નીકળવું એ જ એક મહાન ગીત (કવિતા) છે !


જાણવા અને પારખવા વચ્ચેથી પસાર થઈ જતી કવિતા - સુનીલ મેવાડા

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
........................................નહીં રે અંતર મારું જાણતું;
કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
.......................................નહીં રે અંતર મારું જાણતું;
વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
.....................................મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
....................................મારા રે હૈયાને તેનું પારખું.
– પ્રહલાદ પારેખ

આપણા સહુના સૌભાગ્ય છે કે પ્રહલાદ પારેખની કવિતાઓ લોકજીવનની જુબાની બનીને આપણી પાસે સચવાયેલી છે. અતિશિષ્ટ અને અતિલૌકિક એમ બંને પ્રકારના શબ્દશરીરમાં એમણે કાવ્યભાવોને શણગાર્યા છે એ એમની અનેરી સિદ્ધિ છે. છંદોમાં એમણે કસબ સિદ્ધ કર્યો છે તો લોકલયમાં કલા. લોકોની જીભે રમતા લયમાં ઉન્માદી કાવ્યભાવ પ્રકટાવવાની ફાવટ એમની કલમની જ નહીં, આપણા કાવ્યસાહિત્યની પણ વિશેષ ઉપલબ્ધિ છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી..’ જેવી પંક્તિઓ વાંચીએ ત્યારે સમજાય કે ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખની કવિતાઓને સાચી જ રીતે ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહી છે.
આ કવિતા પણ આમ સામાન્ય છે. સામાન્યતાને સ્પર્શતું રસસિદ્ધ સાહિત્ય અહીં ઝીલાયું છે. લોકોની જીભે ને હૈયે જીવતી રચનાઓમાં એક લક્ષણ મોટાભાગે જોવા મળે છે એ છે કથન. પ્રાસના માધ્યમથી કંઈક રોજિંદા જીવન સાથેની વાત કહેવાય ત્યારે સહજતાથી તે લોકોમાં ઝીલાઈ જાય છે. અહીં પણ વાત, પરંપરાગત ચાલી આવતી, વિરહી પળોની જ છે છતાં એના મિજાજમાં કંઈક જુદું જ તત્વ ઉમેરાયું છે.
વચ્ચેથી ઉપાડ લઈ પહેલા ફક્ત એક જ પંક્તિની વાત કરીએ.
મારા રે હૈયાને એનું પારખું...
સંસારમાં વસ્તુસામગ્રીના પારખા કરીને ઈન્દ્રિય જ્ઞાન મેળવે, મગજ માહિતી મેળવે, પણ ચેતના કે અનુભૂતિના પારખા સરળ નથી. એવી હિંમત કરે તોય માત્ર હૈયું... ત્યાં મગજનું કામ નહીં. જોકે મોટા ભાગે તો તેવા સંવેદનાત્મક પારખા હૈયુંય કરે નહીં, પણ આપોઆપ જ થઈ જાય. આપણે પોતે કોઈ મનુષ્ય સાથે થોડાંક વર્ષો રહીએ એટલે સાયાસ પારખા વગરેય આપણા હૈયાને ખબર પડી જાય છે કે મુજ બાળને પેલાં કાકી તો ઉપરછલો દેખાવપૂરતો જ લાડ કરતાં અને મમ્મી સાચકલો ! એ હૈયાએ અનુભૂતિઓની લીધેલી પરખ છે.
અહીં દેશાવરે ગયેલા પતિ(આપણા નાયક)ને એ જ્યાં સદેહે છે-હતો એની ખાસ માહિતી નથી પણ જ્યાં એની પ્રીત-ગામડે રાહ જોતી-એને ઝંખતી-ઊભી હશે એ સ્થળનું સંપૂર્ણ પારખું છે, કારણ કે ત્યાં એનું ચેતનાતંત્ર એના અંશેઅંશથી જોડાયેલું છે.
હવે ફરી આ કવિતાના એકડા પર આવીએ.
નાયક ઉવાચઃ ક્યારે દીવો બૂઝાયો, ક્યારે રહેવાસ છોડ્યો, ઠંડીગરમી કે ચોમાસામાંથી કઈ મૌસમની આબોહવા વ્યાપી છે કે મારાં ડગલાં કઈ દિશામાં મંડાઈ રહ્યાં છે વગેરેવગેરે બાબતોથી મારું અંતર અજાણ છે. (નાયક એનું અંતર અ-જાણ હોવાની વાત કરે છે, એ અંતર એટલે અનુભૂતિતંત્ર સાચવતું હૈયું નહીં, પણ માહિતીતંત્ર સાચવતું મન છે. એ અંતર પરિસ્થિતિઓ કેવી રીતે સર્જાઈ એનાથી અજાણ છે, જેમ કે ક્યારે ઘર મૂક્યું ને ક્યારે દીવો ઓલવાયો કે ઓલવ્યો?! પછી, આ કઈ ઋુતુ ચાલી રહી છે એમ પૂછવાને બદલે, આભે કઈ ઋતુના વાયરા વાય છે એવો કાવ્યાત્મક પ્રશ્ન કરી નાયક જાહેર કરે છે કે આ ભૌતિક વિગતો વિશે તેને કશી જાણ નથી.)
એ જ રીતે અહીં સુધી પહોંચવામાં કપરી વનવાટ વટાવી, ઊંચા પહાડો ઠેંક્યા ને અંધારાની દીવાલ પણ ભેદી એ ખરું, પણ એ આપણને માહિતી આપવા પૂરતું જ, અગાઉ ઉલ્લેખ્યું એ નાયકનું અનુભૂતિતંત્ર તો એનાથી નિ-સ્પર્શ્ય છે. કશુંક પાર કરીને કશેક પહોંચ્યાની જાણ એને છે, પણ જે પાર કર્યું એ શું હતું ને જ્યાં પહોંચાયું છે એ શું છે, એની કશી નોંધ નાયક પાસે નથી, નાયકની દ્રષ્ટિ સામે તો છે, વગડે ઊભેલી એક માત્ર ઝૂંપડી.
જ્યાં એકલવાસથી કંટાળેલો દીવો થરથર થાય છે, ત્યાં નાયકના જીવનતંત્રના એક માત્ર ચાલકબળ-પ્રીત-નો વસવાટ છે... અને અત્યાર સુધીની જગત માત્રની તમામ બાબતે અજાણ હોવાનું કહી વાત ટાળવા મથતો નાયક, કવિતામાં પહેલીવાર ચોખ્ખો દાવો કરે છે કે હા, હા મિત્રો હા, મારા હૈયાને આ એક બાબતનું પાક્કું પારખું છે. હું એને બરાબર પિછાણું છું, જાણું છું, માણું છું...
એ ઘરના બારણે પગ પડતાંકને કંકણનો સૂર ટહૂકી ઊઠે છે. દરવાજે જેવો કોઈ મૃદુ સ્પર્શ અડે છે કે તરત (આ ક્ષણે દરવાજારૂપી ને એ પહેલાંનાં વિરહરૂપી) તમામ બંધનો તૂટી જાય છે. બંધનમુક્તિ પછી તરત આરંભાય છે બંધનરહિત મિલનોત્સવ. ઘરપ્રવેશ સાથે બહારની દુનિયાને બહાર હડસેલી બારણાનાં બે પડ ભીડવામાં આવે છે અને ખોલવામાં છે હૃદયનાં પડ, જેમાં બહારની એક દુનિયાની અવેજીમાં બીજી હજાર દુનિયા સજીવન થાય છે.
અને હા, એ દુનિયાઓનું પણ પાક્કું-પૂરેપૂરું પારખું (આ વખત ફક્ત નાયકના જ હૈયાને નહીં, પેલા મૃદુ હાથ ધરાવનારી વ્યક્તિના હૈયાનેય ખરું) હોવાનું ! અહીં કવિતા સાથે સંવેદનાને પણ ઉન્માદી ઊંચાઈ લઈ જતી છેલ્લી પંક્તિ તો જાણે કોઈ ઉત્સવ સમાન બની જતી લાગે છે !
1912માં ભાવનગરમાં જન્મેલા આ કવિને શબ્દ પાસેથી કવિતાકામ લેવામાં રસ છે, એને મરોડવા માટે મથવાનો એમનો મિજાજ નહીં. ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ જેવા પ્રખર પંડિતના સાહિત્યસંસર્ગથી શરૂ થઈ એમનું ઘડતર, ગૂજરાત વિદ્યાપીઠ-સ્વાતંત્ર્ય ચળવળથી પસાર થતુંથતું શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની છત્રછાયા સુધી લંબાયું. 50 વર્ષના ન લાંબા-ન ટૂંકા આયુષ્યમાં તેમણે ગુજરાતી કવિતાને નોખી સમૃદ્ધિ આપી છે એ તો કબૂલવું જ પડે. ‘બારી બહાર’ એ એમનો જ નહીં, ગુજરાતી કવિતાના અભ્યાસમાં પણ નોંધનીય કાવ્યસંગ્રહ નીવડ્યો છે. શીર્ષકનું સ્પષ્ટ મહત્વ એમની કેટલીય કવિતાઓમાં તરી આવે છે. એવી જ ટચૂકડો કાવ્યચમત્કાર કરતી એમની ‘અંધ’ શીર્ષક ધરાવતી કવિતા જોઈએ.

નૈન તણાં મૂજ જ્યોત બૂઝાણાં, જોઉં ન તારી કાય
ધીમાધીમા સૂર થતા જે, પડતા તારા પાય
સૂણીને સૂર એ તારા
માંડું છું પાય હું મારા
ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડાં કેરો હાર
સૌરભ કેરો આવતો એનો ઉર સુધી મુજ તાર
ઝાલીને તાર એ તારો
માંડું છું પાય હું મારો
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ
શોધતો એ ફફડાટ સુણી મારા જીવન કેરી વાટ
ધ્રુજંતા પગલાં માંડું
ધીમેધીમે વાટ હું કાપું
સૂર સૂણો, ને આવે ---- ફૂલસુવાસ
વસ્ત્ર તણો ફફડાટ સૂણું હું એટલો રહેજે પાસ
ભાળું ન કાયા તારી
નૈનોની જ્યોત બૂઝાણી...

સ્નેહ છે, સંબંધ છે, સહજીવન પણ છે છતાં બે જન વચ્ચે એક મહાન દૂરતા આવી ગઈ છે. એ દૂરતાના કરુણ દારિદ્રયને અલૌકિક સ્નેહના તંતૂ દ્વારા ભૂલાવવા મથતાં સંવેદનોનું આ કાવ્ય. મારા પ્રિયે, જગતને દ્રશ્યમાન રાખતી મારા નયનોની જ્યોત બૂઝાઈ ગઈ છે, એટલે ભૌતિક-ભૌગોલિક જગતની જેમ જ તારી કાયા પણ હવે હું ભાળી (જોવાની તો વાત જ ન રહી.) શકતો નથી, એનો આકાર દેખવામાં હવે હું સમર્થ છું, આથી જ, તારા પગલાઓની હલચલમાંથી જે ધીમા સૂર પ્રકટે છે, એ પાય-સૂરને સાંભળી-અનુસરીને હું મારા પાય માંડું છું. એટલે કે જીવનના એક માત્ર આધારસમી વ્યક્તિના પગ જ્યાં જ્યાં ફંટાય એ ડગલાના અવાજને પારખી રાખીને એને જ દ્રષ્ટિવિહોણો હું અનુસર્યા કરું છું. એ સૂરના અનુબંધ જેવો જ પ્રિય વ્યક્તિના ગળામાં લટકતા ફૂલના હારની સુવાસનો તાર મારા હૃદય સાથે જોડાયેલો છે. પ્રિય વ્યક્તિનો આભાસ જાણે સૌરભનો તાર થઈ રણઝણાવ્યા કરે છે અને એ તાર ઝાલીને હું પણ સંચાલિત થયા કરું છું. પવન ફૂંકાય છે ત્યારે પ્રિય વ્યક્તિના વસ્ત્રો ફડફડ થાય છે એ વસ્ત્રોના અવાજ પરથી જ હું મારા જીવનનો માર્ગ શોધવાના પ્રયાસ કરતો રહું છું. એટલે કે, એક જીવનદોર સમી પ્રિય વ્યક્તિને ન દેખવા-ન સ્પર્શવા છતાં એના અસ્તિત્વ સાથે મારા અસ્તિત્વની શક્યતાઓ જોડી આમ જીવતા રહી જવાની વિવિશતા હું ઉજવી રહ્યો છું, ત્યારે બસ એક, ફક્ત એક માત્ર નાની વિનંતી એ પ્રિય વ્યક્તિને પણ કરવાની છે. હે પ્રિયે, તારાં પગલાંના સૂર, તારા હોવાની સુવાસ અને તારા વસ્ત્રોના ફફડાટ, આ ત્રણ બાબતોની કાખઘોડી લઈ મારું દ્રષ્ટિહિન પંગુ અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે પ્રિય તું, એ ત્રણેય બાબતોના આભાસવર્તૂળ સુધી હું પહોંચી શકું(ભલે એને સ્પર્શી ન શકું) એટલી નજીક રહેજે, એટલી પાસે રહેજે. હું તને જેમ જોઈ નથી શકતો, એમ તને સ્પર્શવાની, તારા પર સંપૂર્ણ લદાઈ જવાની પણ મને લાલચ નથી, મારી માત્ર એટલી યાચના છે કે તું ભલે મને તારા હોવામાં ન ભેળવ, તારા જીવનમાં ન શણગાર, પણ મારી અપંગતા(દ્રષ્ટિની-મનની-તનની)નું માન જાળવીને પણ તું મને તારી સંભાવનાઓથી દૂર ન કરતી, એક નિશ્ચિત અંતરથી મળતા તારા ભાસ-સહવાસના આધારે પણ મારી અ-દ્રષ્ટ જિંદગી બસર થઈ જશે... આમેય હવે તો, ભાળું ન કાયા તારી, નૈનોની જ્યોત બૂઝાણી !


કવિતામાં કવિતા સિવાયનું બીજુંબધું... - સુનીલ મેવાડા

દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો મણિયારાને હાટે હાલી
ચૂડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
– લોકગીત

લોકસાહિત્યની સમૃદ્ધિ અને સુમધુરતાની ગાથા આપણે અનેકવાર સાંભળી છે. આવાં કેટલાંય ગીતો આપણે સાંભળતાં-માણતાં આવ્યાં છીએ. કોઈકને વળી પ્રશ્ન થાય કે આ લોકગીત ખરું, સારુંય ખરું, પણ એમાં કવિતા ખરી? કોઈ ના પાડવાની હિંમત કરે? કવિતાનિર્ણાયકો કહેતા હોય છે એમ, એમાં નવીનતા શું? ન ભાવનું નાવિન્ય કે ન અભિવ્યક્તિમાં તાજગી, લયપ્રાસ ઠીકઠીક સારા, પણ લયપ્રાસથી (કથિત-કુખ્યાત) કાવ્યતત્વ થોડી સિદ્ધ થાય, પછી એમાં કવિતા ક્યાં? કયું તત્વ સ્પર્શે છે? આખરે ક્યાં ક્યાં ક્યાં, ક્યાં છે કવિતા?
દાડમડીનાં ફૂલ રાતાં રંગનાં છે અને ફળ લીલા રંગનાં છે, (નાચતા હો તો ઝૂલણ લ્યો, ન નાચતા હો તો કંઈ નહીં.) ઓકે, ફાઈન. ચૂંદડી લેવા વાણિયા પાસે ગઈ, ઊભા ઊભા ચૂંદડી જોઈ(નાચતા હો તો, ઝૂલણ.), હેઠે બેસી મૂલ કર્યા (વન્સ અગેઈન ઝૂલણ), ફૂલ રાતાં છે ને ફળ લીલાં છે. ઠીક છે, સમજ્યા. એ જ રીતે સોની પાસે ઝુમરાં, મણિયારા પાસે ચૂડલાં જોયાં-મૂલવ્યાં-લીધાં,(ઝૂલણ-ઝૂલણ-ઝૂલણ) પત્યું. ઠીક છે, તો શું? કવિતા ક્યાં?
શું આ સદી અગાઉ સદીઓથી બાયડીઓ સાવ નવરી હતી એટલે બસ પ્રાસબદ્ધ ગીતો બનાવ્યાં કરતી? નવરાત્રીઆદી નાચવાના પ્રસંગો આવે એટલે સહુના પગમાં થનગાટ ઉમેરવા આ પ્રકારે ઠુમકાબદ્ધ શબ્દો ગોઠવ્યા કરતી? એટલા માત્રથી આ બધાં ગીત રચાયાં? એમાં કૂદાકૂદીની મજા અને આનંદ છે, પણ કાવ્યતત્વ નથી?
લગ્નઆદિ પ્રસંગોમાં ગામની સ્ત્રીઓને ગાણાં ગાતાં સાંભળવાનું (સદભાગ્યે) કેટલીકવાર બન્યું છે, એમાં સાંભળેલી એક પંક્તિ ભૂલાતી નથી, ન ભૂલાય છે એ ગાતી વખતે જોયેલો પેલી સ્ત્રીઓના ચહેરા પરનો ભાવ. એ પંક્તિઃ
“લીંબડાની છાયા,
જેવી માબાપની માયા...
માયા છોડવી પડશે, સાસરે જાવું પડશે....”
સાવ આવી સપાટ બયાની. આમાં કવિતા ખરી? પણ આ ગાતી વખતે પેલી પચ્ચીસથી પિસ્તાલીસ વરસ સુધીની પરણેલી સ્ત્રીઓના ચહેરા જે ભાવ તરવરતો હતો, એ સ્પષ્ટપણે ચાડી ખાતો હતો કે આ પંક્તિ તે બધીઓ માત્ર સાસરે જનારી સ્ત્રીને જ નથી કહેતી, પણ પોતાની જાતને પણ યાદ કરાવ્યા કરે છે કે માબાપના રાજમાં જે જલસો હતો, તે સાહ્યબી હજી ભૂલાતી નથી, મનોમન એમની ખોટ સાલે છે, માબાપની છત્રછાયા સાંભરે છે, પણ હવે આટલેવરસે તો એ બધું ભૂલ ભૂંડી ભૂલ !
દાડમડીનાં ફૂલ ગમેતેવાં હોય ને ફળ ગમેતેવાં હોય, વાણિયા-સોની-મણિયારા પાસે એકએક કરીને શોપિંગ કર્યું હોય કે મોલમાં જઈ સાગમટું કે ઘરેબેઠા ઓનલાઈન ઓર્ડર આપ્યું હોય, કશો ફરક નથી પડતો, મહત્વનું છે માત્ર ઝૂલણ. ઝૂલણ. ઝૂલણ. ગમે તે વાત હોય, ગમે તે શબ્દ હોય, ગમે તે પ્રાસ હોય, ગમે તે કારણ હોય કે કોઈ જ કારણ ન હોય, આજે તો મર્યાદાના વર્તૂળમાંથી બહાર નીકળી ઝૂલણ લઈ થનગનવા મળ્યું છે એટલે બસ ઝૂલણ લ્યો ને ઝૂમો... એ જ જીવનની કવિતા અને એ જ કવિતાનું જીવન ! આવું ધૂળિયું કાવ્ય-લોકગીત ન જાણે કેટલીય સ્ત્રીઓનાં હૈયાંને કેટલાંય વર્ષોથી હચમચાવતું ગરબે ઘૂમતું રહ્યું છે. આમાં કઈ કવિતા અને કયું જીવન? અહીં સુધીમાં તો ખરેખર ચડિયાતું કાવ્ય કેવું હોય ને હોય તો કયું હોય એ પ્રશ્ન પણ સાવ નિરર્થક લાગે એવી વ્યાપક અનુભૂતિ થઈ આવે છે.
-પણ, અહીં શહેરમાં બેઠાબેઠા ઘણીવાર વિચાર આવે છે કે આપણે કવિતાના શા હાલ કર્યા છે?
કેમ હજી આપણે ઊંબરે ઊભા રહી વ્હાલમનાને જ બોલવાનું કહ્યા કરીએ છીએ? કેમ હજી આપણા ભઈલાઓ લીંબડીપીપળી હલાવી વહાલી બેનીને હિંચકે જ ઝૂલાવ્યા કરે છે? કેમ હજી આપણે મધુવનમાં ખોવાયેલા માધવને જ શોધ્યા કરીએ છીએ? કેમ હજી આપણા સાંવરિયાઓ ખોબો માગીએ તો દરિયો જ દઈ દીધા કરે છે?
કારણઃ અનુભૂતિ ! ખરેખર?
અનુભૂતિને અનુસરેલા શબ્દો પંક્તિ સુધી કૂચ કરે, ને એવી પંક્તિઓથી જે કવિતા રચાય, એને વળી ક્યાં પ્રકાર ને બંધારણની ચિંતા રહે? કે પ્રકાર અને બંધારણોના ચોકઠા સમજ્યા પછી જ કવિતા સિદ્ધ થાય છે?
કવિ ધૂમિલની, ‘કવિતા’ નામની એક કવિતામાંની આ એક માત્ર પંક્તિ મૂકી દીધા પછી મારે-તમારે વધારે કશી ફરિયાદ કરવાની નહીં રહે.
“(કવિતા)
વહ કિસી ગંવાર આદમી કી ઉબ સે
પૈદા હુઈ થી ઔર
એક પઢે-લિખે આદમી કે સાથ
શહર મેં ચલી ગઈ...”


એક પંક્તિનું કાવ્ય, શા માટે?

મને ઘૂઘવતા, જળે ખડકનું, પ્રભુ મૌન દો
- સુરેશ દલાલ

એક પંક્તિનાં કાવ્યો આપણે ત્યાં છે, સારાં પણ છે.
જોકે રહસ્ય એ છે કે સમર્થ કવિઓ એકાદી અદભૂત પંક્તિને તો ગમે તે કાવ્યમાં ગોઠવી દઈ શકે, છતાં એને કેમ સ્વતંત્ર પંક્તિકાવ્ય તરીકે જ રહેવા દે?
પૃથ્વી છંદ, સત્તર અક્ષર, બે મરોડદાર યતિ ને આ એક જ પંક્તિ વાંચી આપણે કદાચ નામથી પ્રભાવિત થઈ એવું માની લઈએ કે માત્ર આ એક પંક્તિમાં સમુદ્ર જેવી જ ઊંડીઊંડી વાતો કવિએ કરી હશે, પણ વાત એક જ છે ને એય સાવ સરળ.
બે પંક્તિનો શેર થાય, ચૌદ પંક્તિની સોનેટ થાય, વીસત્રીસ પંક્તિનાં ગીત થાય કે સેંકડો પંક્તિનું ખંડકાવ્ય થાય... એમ છતાં સાહિત્યની સર્વોચ્ચ પદવીધારક ડોક્ટરેટ સુરેશ દલાલ, કવિતાના ખેરખાં, વિદ્વાન પ્રાધ્યાપક, અતિસમર્થ શબ્દકર્તા, લોકપ્રિય કાવ્યકર્તા, આમ એક જ પંક્તિ કેમ મૂકે?
કારણ કે વાત મૌનની છે, અને શબ્દો-પંક્તિઓનો ખડકલો કરી દે તો કવિની અભિવ્યક્તિમાં જ વિરોધાભાસ આવી ન જાય? પછી કવિનું પોતાનું એ પંક્તિ સાથે તંતોતંત જોડાણ કયાં રહે? હુંય આ એક પંક્તિ પર આટલું બધું લખું છું એ તો કવિભાવથી પ્રેરાઈને, એના કવિતાભાવથી પ્રેરાઈને નહીં, કારણ કે કવિતાભાવ તો મૌનની માગણીનો છે, શબ્દોની અતિહાજરી તો એનું અપમાન ગણાય.
હે પ્રભુ, આ સાધનો-ઘટનાઓના સંસારમાં આવીને ઘણું બધું બની શકાયું હોત, પણ અકસ્માતે મારાથી કવિ થઈ જવાયું છે ને કેટલીબધી ઔપચારિકતા કરવી પડે છે જો તો ખરો...
સવારે ગૂડ મોર્નિંગ, જમ્યા કે નહીં, એક ચર્ચગેટ રિટર્ન, બાકી સાંજે મળીએ, સન્ડે પાર્ટી પાક્કું, નેક્સ્ટ યરની પિકનિક તમારે ત્યાં... ને કેટલુંબધું બોલવું પડે છે, કેટલુંબધું કરતા રહેવું પડે છે, કેટલીબધી ચીજને અડવું પડે છે, કેટલાબધા લોકો સાથે હાથ મેળવવો પડે છે. ના ના ના... મારામાંના કવિને આ બધું નથી કરવું, આ સંસારના તરંગો એના પર છો અફળાયા કરે, એને વાંધો નથી, પણ મારામાંના કવિને એ તરંગો સામે પોતાનો પ્રતિભાવ આપવાની જરીકે ઈચ્છા નથી, પ્રતિક્રિયા ને પ્રતિસાદ એના સ્વભાવને માફક નથી, એને તો બસ, જે આવે-જે અફળાય-જે ભેટે, એને ભેટવા દઈ, પોતે સ્થિર રહી, અશબ્દ રહી, અચળ રહી, બધી ભીનાશ પોતાના પર ઝીલ્યા કરવી છે... બસ, બસ, બસ.
ઘૂઘવતા (મૌલિક ધ્વનિ ઉત્પન્ન કરતા) જળથી જરીકે વિચલિત થયા વગર અડગ પડ્યા રહેતા પ્રશાંત ખડક જેવી પ્રતિભાવ-અવસ્થા, સ્થિરપણું, મૌનજીવન મળી રહે એ જ કવિની અંતિમ વિનવણી છે અને એવા મૌનની વિનવણી માટેય કવિ જો એકથી આગળ વધુ પંક્તિઓ લખે, તો સામયિકો છાપી દે, પ્રકાશકો વખાણી દે ને અકાદમીઓ પુરસ્કારી પણ આપે, પરંતુ મૌનનું ઉલ્લંઘન તો ત્યાં જ થઈ ગયું ગણાય, કવિત્વ ત્યાં જ હરાઈ જાય, પછી કવિ પોતાને શું જવાબ આપે? કે હાય કમનસીબી, મેં તો મારા મૌનના ગૌરવ માટેય શબ્દોનો સહારો લીધો? તો મૌનનું ગૌરવ ક્યાં રહ્યું?
હે પ્રભુ, આ આટલા બધા છંદો-લય-પ્રાસોની સમજણોનાં મોજાં મારા કવિત્વ પર પટકાયાં કરે છે એ વચ્ચે મારે તો માત્ર એક અચળ કાવ્યસ્થિતિ જોઈએ છે. (અનુભૂતિઓની) તીવ્ર ભીનાશ ઝીલીને પણ અપ્રતિસાદી રહેતા ખડક(હૃદય)ની કાવ્યસ્થિતિ !
મૌનસ્થિતિની પહેલી શરત જ શબ્દરહિતતા, અને ખરો કવિ એ મૌનની પ્રાર્થનામાં પણ શબ્દપ્રચૂરતા કેવી રીતે લાવે? એ મૌનાર્થીને આ પ્રાર્થનામાં પૃથ્વી છંદના સત્તર અક્ષરોય મનોમન તો કઠતા હશે, અને કહેનારા કહે છે કે આ એક પંક્તિમાં બીજી 13 ઉમેરી આખી સોનેટ લખી નાખી હોત તો શું ખોટું થાત?
ના ભાઈઓ ના. કશું ખોટું ન થાત. આપણે મીટરબદ્ધ ગઝલો ને છંદોબદ્ધ સોનેટો જ વાંચ્યા કરીએ, કવિતા ન વાંચીએ. – સુનીલ.