આર્ષસંવાદ

આર્ષસંવાદ-2

આર્ષ સામયિક(www.aarshmagazine.in)ના ઉપક્રમે “ધન્ય નરસૈંયો”ના સર્જકો સાથે સંવાદ…

નરસિંહ મહેતા – ગુજરાતીઓના ભાવજગતનું એવું નામ છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. ગુજરાતી ભાષાને કાવ્યશૃંગારથી સજાવનાર પહેલા શબ્દકાર તરીકે, આદિકવિ તરીકે નરસૈયાને ગુજરાતીઓએ હૈયાસરસો રાખ્યો છે. અને કોઈ પણ ભાષા-સંસ્કૃતિના ઈતિહાસમાં અજોડ કહેવાય, એવી ઘટના આપણે ત્યાં ઘટી છે, પાંચસો વર્ષના લાંબા પટ પછી પણ નરસિંહ મહેતાના પદો હસ્તપ્રતો, પુસ્તકો, લાઈબ્રેરીમાં સીમિત નથી રહી ગયા, પણ આજની તારીખે પણ છેવાડાના ગામડાઓ, તળના લોકોની જીભે રમે છે. સતત સત્કારવાનું મન થાય એવા આપણા આ આદ્યકવિને ફરી સત્કારવા આપણી સાથે છે એક સંગીતકાર બેલડી, હાર્દિક ભટ્ટ અને અપૂર્વ પુરોહિત. આ સંગીતકાર બેલડીએ નરસિંહ મહેતાના ઓછા જાણીતા પદોને સંગીતબદ્ધ કરીને એક આલ્બમ બહાર પાડ્યું છે, ધન્ય નરસૈંયો! પાછલી એક સદીમાં ગુજરાતી સમાજે નરસિંહ તથા તેના પદોને પુસ્તકો, સંશોધનો અને સંગીત દ્વારા ખૂબ ઉજવ્યો છે. ફિલ્મો, ધારાવાહિક ટીવી શ્રેણીઓ, નાટકો, એમ લગભગ દરેક માધ્યમમાં નરસિંહને આપણા કલાસાધકોએ વધાવ્યો છે. અહીં પણ નરસિંહના વધામણાં ગાવા એવા જ બે કલાસાધકો સાથે ગોષ્ઠિ માંડી છે, જેમણે નરસૈયાના અલ્પ-પરિચિત, ઓછા જાણીતાં પદોને સંગીતબદ્ધ કરીને આપણો એક નવા જ નરસૈંયા સાથે મેળાપ કરાવ્યો છે.

 

આર્ષસંવાદ-1

આર્ષ સામયિક(www.aarshmagazine.in)ના ઉપક્રમે આર્ષ સંવાદઃ ગુજરાત, ગુજરાતી, ગુજરાતીતા અને ગુર્જર સંસ્કૃતિનો ઉત્સવ
ગુજરાત અને ગુજરાતી ભાષાના ગૌરવગાન-પરિચયના ઉદ્દેશ સાથે આર્ષ સંવાદ હેઠળ ભાષા-બોલીઓની શ્રેણીનો આ પહેલો મણકો છે. આ શ્રેણીના પહેલા મણકામાં અમે ગુજરાતના વિવિધ વિસ્તારોના મિત્રો સાથે જે પોતપોતાના વિસ્તારની બોલીનો રમૂજી અને રસાળ પરિચય આપવાના પ્રયત્ન કર્યો હતો. સૂત્રધાર નીરજ કંસારાના સંચાલનમાં કચ્છના પ્રતિનિધિ તરીકે ઉત્કંઠા ધોળકિયા, સુરતનાં નેહા ગાંધી, ભાવનગરના જયકિશન ઉમરાળિયા, રાજકોટનાં ચાંદની શુક્લ-પંડિત અને ઉત્તર ગુજરાતના સુનીલ મેવાડા, વગેરે પોતપોતાના ભૂભાગોની બોલીનો પરિચય આપ્યો હતો.