વિનોદ પટેલ, 30 વર્ષ.
ફેક્ટરી કામદાર, અમદાવાદ.
શિક્ષણઃ દસ ધોરણ.
* સાહિત્ય તમારી માટે શું છે?
સાહિત્ય શબ્દ સાંભળ્યો છે કંઈ કવિઓનું હોય છે. બાકી એ વિશે વધુ કંઈ ખબર નથી.
* કોઈ પુસ્તક વાંચ્યું છે?
ના. કંઈ વાંચતો નથી. એ અમારે શું કામનું? સમય કેમ બગાડવો? એટલો સમય કામધંધામાં વધારે ધ્યાન આપીએ તો બે પૈસા વધુ કમાઈએ. જોકે વરસો પહેલાં ક્યારેકક્યારેક છાપાં-ચોપાનિયાં ઉથલાવ્યાં છે.
* એટલે ક્યાંક કંઈ વાંચીને કદી ખળભળી જવાયું કે સુન્ન થઈ જવાયું હોય એવું થયું છે?
હા. એકવાર ટ્રક પાછળ વાંચેલું એક વાક્ય બરાબર મગજમાં ચોંટી ગયું છે, ‘તું તારું કર…’ એમ લખેલું હતું. એ કહે છે કે તું મારું ન વિચાર, તું તારા પર ધ્યાન આપ… તારી પોતાની ચિંતા કર.
* કદી કવિસંમેલન-મુશાયરા-કાર્યક્રમમાં ગયા છો?
ના.
* કોઈ કવિતાની પંક્તિઓ યાદ છે? સ્કૂલમાં ભણેલી કે સાંભળેલી?
જળકમળ છોડી જાને બાળા…
* એ નરસિંહ મહેતાની છે, એ કોણ હતા ખબર છે?
હા, એ કૃષ્ણના દૂત હતા.
* બીજી કોઈ પંક્તિઓ?
સોળ(ચૌદ) વરસની ચારણ કન્યા…
* ઝવેરચંદ મેઘાણીને ઓળખો છો?
અમારી આ હિરાવાડીનો ઝવેરી છે કદાચ.
* ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાંભળ્યું છે?
ના.
* સરસ્વતીચંદ્ર સાંભળ્યું છે?
હા, એ કોઈ મોટા માણસ હતા.
* ચંદ્રકાન્ત બક્ષીને જાણો છો?
ચંદ્રકાન્ત પક્ષી? (કંટાળાભર્યું હસે છે.)
* રઘુવીર ચૌધરીનું નામ સાંભળ્યું છે?
એક રઘુવીર રબારીને ઓળખું છું.
* તમને શું લાગે છે આ વાર્તાકવિતાઓને એ બધું લખાવું જોઈએ?
જેમની માટે કામનું હોય એમની માટે ભલે, બાકી એ બધું આપણા કામનું નહીં.
* તમને પુસ્તકો વાંચવાનું કહું તો વાંચો? તમારે પુસ્તકો વાંચવા જોઈએ. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સાહિત્યનું સંવર્ધન પ્રસાર-પ્રચાર કરે છે એ તમારી માટે કરે છે, એના પૈસા તમારા ભરેલા ટેક્સમાંથી આવે છે.
એમ હોય, તો જો સરકાર એવી વ્યવસ્થા કરી આપે કે એ પુસ્તકો વાંચવાથી અમને અમારા ટેક્સના પૈસા પાછા મળી જાય તો પુસ્તકો વાંચી કાઢીએ.
* કવિલેખકો વિશે શું માનો છો? એ લોકો આટલી બધી મહેનત કરીને શું કામ લખતા હશે?
પ્રસિદ્ધિ માટે લખતા હોય બીજું શું. નહીંતર સાથે એમનું નામ શા માટે લખે? લોકો માટે લખતા હો તો નામ લખવાની શી જરૂર છે?