પીળા રંગની વેદનાનાં વન - વીનેશ અંતાણી

પત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા માત્ર અને માત્ર જાત સાથે સંવાદ કરે છે. એ સંવાદમાં ભારોભાર અકળામણ ભરી છે. ચારે બાજુ ચાલતા વિવિધ ખેલોમાં એમને પોતાના વ્યક્તિત્વનો હ્રાસ થતો દેખાય છે. અહીં સમજી શકાય નહીં તેવી મૂંઝવણ છે અને અસ્તિત્વનો અર્થ પામવાની મથામણ છે. ભીડથી ઊભરાતા મહાનગરમાં આ નિબંધકાર જાણે અનેક વનમાંથી પસાર થઈ પોતીકી વેલ શોધવા મથે છે, પરંતુ તે વેલ ક્યાંક ગૂંચવાઈ ગઈ છે. ગૂંચ ઊકેલવી સહેલી નથી તે પણ એમને સમજાયું છે. મા સાથે જોડી રાખતી નાળ મુંબઈની લોકલ ટ્રેનોના પાટા સાથે જોડાઈ ગઈ છે. વેદના ક્યારે ઊબકો બની જાય છે તે સમજાતું નથી. આ સર્જક ભાષાની વિડંબના અને સંસ્કૃતિની મૂંઝવણ વચ્ચે પોતાના ખાલીપાને માપવા મથે છે. જીવનની આવી અનેક વિડંબણા વચ્ચે ટકી જવાની મથામણમાંથી શબ્દો જન્મે છે. આ વિડંબણા માતાના ગર્ભમાંથી બહાર નીકળવાની ક્ષણે જ સામે ઊભેલી કાતરની છે. સંવેદન પણ દ્વિધા બને છે. સુનીલ અનુભવે છે ‘કોઈના વગર જીવી શકતો નથી તેમ હું કોઈની માટે પણ જીવતો નથી.’ આ સર્જકને ‘સંભવામિ યગેયુગે’નો સંદેશ અફવા જેવો લાગે છે. પોતાની આગવી કેડી શોધતો આ એવો નિબંધકાર છે, જેના સપનામાં એક ન જન્મેલા કળાકારનો આત્મા છાતી કૂટીને રડે છે. અકળાયેલા – મૂંઝાયેલા સર્જકના ચિત્તમાં જડ થઈ ગયેલી વ્યવસ્થાઓ સામે વિરોધનો સૂર પ્રગટે છે. વિરોધના તારસ્વરે પ્રાગટ્યની વેળાએ જ જુદા જ પ્રકારનો આશાવાદ પણ જન્મે છે. તેથી જ એ કોઈ કાલ્પનિક ક્ષણપ્રદેશની શોધમાં નીકળી પડે છે - એક એવો પ્રદેશ જેની ભોંય ક્ષણિક હોય, છતાં તેમાં કશુંક નવું બનવાની શક્યતા હોય. સુનીલના ક્ષણપ્રદેશમાં ‘પાંખો હશે, નહોર નહીં હોય.’
રૂઢિઓ અને વ્યવસ્થાઓથી ઊબેલો આ સર્જક શબ્દો સાથે ઊભો રહીને પોતાને આગળ લઈ જનારા વાક્યની રાહ જુએ છે. એવાં અનેક વાક્યો સુનીલ મેવાડાને મળે તેવી શુભેચ્છા.


એક વિશિષ્ઠ નવલકથાકારનો પ્રવેશ - કિરીટ દૂધાત

સુનીલ મેવાડા જાણીતા પત્રકાર છે. મિત્રો સાથે મુંબઈમાં ઘણો સમય શાળાઓનાં શિક્ષણમાંથી ગુજરાતી ભાષા ન ભુલાય તે માટે જુદી જુદી શાળાઓમાં રૂબરૂ જઈને સતત મથ્યા છે. મિત્રો સાથે ‘આર્ષ’ નામના ઈ-મેગેઝિનનું અગાઉથી નક્કી કરીને ફક્ત બાર અંક સુધી સંપાદન કરીને બંધ કરી દીધું છે. હવે એ પોતાની પ્રથમ નવલકથા લઈને આવે છે ત્યારે વાચકને ઉપરની માહિતી ન આપી હોય તો એના લેખક આ જ છે એવો અંદેશો પણ ન આવે, એવી કથાવસ્તુમાં અહીં એમણે હાથ નાખ્યો છે. આજકાલ બીજો ગમે તે હોય પણ નવલકથાનો નાયક લેખક હોય એવી કથાઓ ખાસ લખાતી નથી. અગાઉની પેઢીમાં મુરબ્બી મોહમ્મદ માકડને આ થીમ બહુ પ્રિય હતું અને એમણે ‘ધુમ્મસ’. ‘ખેલ’ અને ‘અશ્વદોડ’ જેવી ઉત્તમ નવલકથાઓ આપી છે. લેખક સમાજના સંપર્કમાં મુકાય અને જે વિનાશક પરિણામો આવે એનાં સરસ ચિત્રણ આ કથાઓમાં છે. પછી એ તંતુ તૂટી ગયો હતો હવે એ સુનીલની નવલકથામાં ફરી સંધાય છે. અહીં લેખક નીશકુમાર છે અને એનો પુત્ર ઉરવ છે.
અહીં લેખકના પાત્રને શોભે એ રીતે કથાનો મોટો ભાગ લેખકની ડાયરી રોકે છે. એના પુત્રની ડાયરી એમાં ઉમેરો કરે છે. ચંદ્રકાંત બક્ષીને પોતાનાં પાત્રો જીવનમાં નિષ્ફળ ગયાં હોય અને એ કારણે જુદા જુદા મુદ્દાઓ વિશે વાચકને ચોંકાવી મૂકે એવાં વિધાનોમાં કોઈ ને કોઈ તત્વજ્ઞાન રજુ થતું રહે એવું આલેખન કરવાનું ખૂબ ગમતું, કહો કે બક્ષીને એમાં અંગત ધોરણે પોતાની મર્દાનગી લાગતી. અહીં પિતાના પાત્રની ડાયરી અને ચર્ચાઓમાં વાચકને બક્ષીની એ લાક્ષણિકતાની પણ યાદ આવશે, જેમ કે ઉરવ અને એની સાથીદાર નિસ્વાર્થ ભાવે માનસિક રીતે પરેશાન લોકોને મદદ કરવા એક વેબસાઈટ અને એક આશ્રમ ચલાવે છે તે એના પિતાને ગળે નથી ઊતરતું. એ કહે છે,
‘અન્યોની સેવા જેવું કંઈ હોઈ જ ન શકે. વૃત્તિહીન પ્રવૃત્તિ જેવું જ કશું ન હોઈ શકે તો વૃત્તિહીન કે વૃત્તિપ્રેરિત ન હોય એવાં સેવાકાર્યની કલ્પના જ હાસ્યાસ્પદ છે ભાઈ. સોશિયલ સર્વિસ મારી દૃષ્ટિએ એવી ખણ-ચાટ પ્રવૃત્તિથી વિશેષ કશું નથી.’
કે પછી બીજા એક પ્રસંગે કહે છેઃ
‘ગાલીબની પેલી બેબુનિયાદ પંક્તિઓ છે ને, આગ કા દરિયા, ડૂબ કે જાના, એ આમ તો બકવાસ છે, પણ સાહિત્યસર્જનના ઉદાહરણમાં વાપરી શકાય એવી છે. સુખીસુખી જિંદગી જીવતા લેખકોને જોઈ મને સર્કસમાં કામ કરતાં હિંસક પ્રાણીઓ યાદ આવી જાય છે. મારે હવે મારું નિષ્ફળતાનામું લખી કાઢવું છે.’
પછી તો બક્ષી છૂટથી આવા વિચાર મૌક્તિકો એમની કથાઓમાં વહેતાં મૂકતા. અહીં નીશકુમારના મોટા ભાગના વિચારો અને સંવાદોમાં વાચકને એક લેખકના તેજાબી વિચારોનો પરિચય થશે. મજા એ છે કે લેખકની આ પહેલી નવલકથા હોવાથી વાચકને આવા વિચારોમાં એક અપક્વ કેરીનો ખટમધુરો સ્વાદ પણ આવશે. (અહીં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે ‘આગ કા દરિયા હે....’ શેર ‘જિગર’ મુરાદાબાદીનો છે.)
અહીં પિતા અને પુત્ર બંનેની કરુણાંત પ્રેમકથાઓ છે જેમાં વાચકને ખૂબ રસ પડશે. ખાસ કરીને પિતાની કથામાં વાસ્તવિકતાની તળભૂમિ પર સુનીલ ચાલ્યા છે, એટલું જ નહીં પણ બંને પાત્રોની સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ હોવા છતાં ગરીબી ને અભાવ કોઈ પણ સંબંધને કેવી રીતે વેરવિખેર કરી નાખે છે એનું ચિત્રણ લેખકની કલમે એક સિદ્ધહસ્ત નવલકથાકારની ખૂબીથી થયું છે, તો પુત્રની પ્રેમકથામાં મહાદેવી વર્માની કવિતામાં હોય એવી ઊર્મિશીલતા છે, ઉરવની પ્રેમિકા વૃંદા મહાદેવીની કવિતાની આકંઠ ચાહક છે અને એનાં કાવ્યોનું સજ્જ ભાવકની હેસિયતથી વિશ્લેષણ કરી શકે છે, વિશ્ર્લેષણ શબ્દ વાપરવા કરતાં કહોને કે એ જ મનોભૂમિમાં શ્વાસ લે છે. મહાદેવીની એકલદોકલ પંક્તિઓ ટાંકવાને બદલે સુનીલે અહીં આત્મવિશ્વાસથી એમનાં અનેક ઉત્તમ કાવ્યોની પંક્તિઓથી વૃંદાની ભાવભૂમિ રચી આપી છે, જે વાચકને મંત્રમુગ્ધ કરી દેશે. જો કે એની આ ભૂમિકા પાછળનું જે શારીરિક કારણ આપ્યું છે ત્યાં વાચકની ધારણા મુજબનું છે પણ ઘણા સમય પછી ગુજરાતી નવલકથામાં આવી ભાવનાશીલ નાયિકાનું આટલી વાસ્તવિકતાથી નિરૂપણ થયું છે એ માટે સુનીલને અભિનંદન આપવા જેવા છે. તો સામે પક્ષે પિતા નીશકુમારની પ્રેમિકા અને પત્ની તારિકાનું પાત્ર પણ એટલું જ વાસ્તવિક થયું છે. એના ભાગે ગરીબી અને સંઘર્ષ વધુ આવ્યાં છે એટલે પતિના સ્વપ્નશીલ વ્યક્તિત્વની સામે એનું ધીરગંભીર વ્યક્તિત્વ ઊભું થાય છે, જે વાચકના મનમાં કાયમી છાપ છોડી જાય છે. ભાવનગર હોય કે મુંબઈની ચાલી કે થોડા સમય માટે કોઈ વેશ્યાની ખોલીમાં આશરો લેવો પડે, આ બધી પરિસ્થિતિઓમાં એની દૃઢતા અને પોતે પસંદ કરેલા પુરુષની પડખે ઊભા રહેવાની જે ત્રેવડ દાખવે છે તેમ જ એની નિષ્ફળતા પણ એક ધીરગંભીર વ્યક્તિની હાર છે એવું પ્રતીત થયા વિના રહેતું નથી, જેનાથી વાચકના મનમાં એની છાપ લાંબા સમય સુધી રહેશે. સુનીલનાં બે પુરુષપાત્રોની સરખામણીએ બંને સ્ત્રીપાત્રો વધારે તેજસ્વી થયાં છે.
આ કથા બે શહેરોમાં આકાર લે છે, મુંબઈ અને કોલકત્તામાં. જેમાંથી મુંબઈનું વાતાવરણ, ખાસ કરીને સ્થળો અને સામાન્ય પરિસ્થિતિમાં જીવતાં નિમ્નસ્તરનાં લોકોના વર્ણનમાં સુનીલની હથોટી દેખાઈ આવે છે, અહીં મુંબઈ એની બધી ઋતુઓ અને પરિસ્થિતિઓમાં કેવું હોય એ લેખક બરાબર આલેખી શક્યા છે, એ રીતે કોલકત્તામાં પણ કથા આગળ ચાલતી હોવા છતાં એનું વર્ણન ખાસ આવતું નથી. કારણ એ હોઈ શકે કે લેખકને મુંબઈનો જાત અનુભવ છે પણ કોલકત્તાનો નથી. છતાં એમની કલમ એવી છે કે કોલકત્તાના વર્ણનમાં એમણે કલ્પનાથી કામ લીધું હોત તો પણ વાચકને એ શહેરનો કરકરો અનુભવ કરાવી શક્યા હોત. અજાણ્યાં પાત્રોમાં લેખક જેમ પરકાયા પ્રવેશની કરે છે એમ સ્થળ વિશે પણ એમણે આ તરેહ અપનાવવા જેવી હતી.
એ રીતે કથાની ગૂંથણી ડાયરી અને સંવાદો દ્વારા એ રીતે થઈ છે કે જેમાં વાચકનો કથારસ અખંડ જળવાઈ રહે છે. હા, ક્યાંક ચર્ચા વધારે પડતી લાંબી થઈ જાય છે પણ વાચક એના પ્રવાહમાં તણાયા વગર નહીં રહે.
છેલ્લે, મારી જેમ કોઈ કોઈ વાચકને પ્રશ્ન થશે કે અહીં પાત્રો ખાસ કરીને પુરુષપાત્રો ચોક્કસ મૂલ્યો અને સલામતીભરી જિંદગીમાં નથી માનતાં અને પોતાના અભિપ્રાય બેબાકીથી રજૂ કરે છે પણ એમનાં પ્રેમ વિશેનાં મૂલ્યો અને માન્યતાઓ સાવ પરંપરાગત છે એ વિરોધાભાસ કહેવાય કે નહીં? જેમ કામુની ‘Outsider’ નવલકથામાં નાયક માતાના મૃત્યુ પછી એક છોકરી સાથે ફિલ્મ જોવા અને ફરવા જાય છે ત્યારે છોકરી એને પ્રશ્ન પૂછે કે ‘તું મને પ્રેમ કરે છે?’ ત્યારે નાયક જવાબ આપે છે કે ‘કદાચ હા કે ના, પણ મને ચોક્કસ ખાતરી નથી.’ અહીં વાચકને આવું વલણ માન્ય હોય કે નહીં, પણ માતાનું મૃત્યુ અને એનો તુરંત સ્ત્રીમિત્ર સાથેનો સહવાસ કે ખૂનનો આરોપ હોવા છતાં સમાજને માન્ય ન હોય એવી, પણ પોતાને જે લાગે છે તે કહેવાનું કે કરવાનું નિશ્ચિત વલણ આપણે પ્રમાણ્યા વગર રહેતા નથી. એવાં વધુ બૌદ્ધિક ખુમારીવાળા અસ્તિત્વવાદી કે બીજી કોઈ પણ વિચારસરણીવાળાં પાત્રોની સુનીલ પાસે અપેક્ષા રાખીએ તો એ પૂરી કરવાની એનામાં ક્ષમતા છે. એટલે કોઈ લેખક વાસ્તવિક પાત્રો, પ્રમાણભૂત લોકાલ અને સતત ચાલતો રહે એવો કથારસ એની પહેલી નવલકથામાં લઈને આવે તો એનું સ્વાગત જ હોય એ રીતે ગુજરાતી નવલકથામાં સુનીલ મેવાડા અને એની પહેલી નવલકથાનું હું સ્વાગત કરું છું.


તાજગી અને નાવિન્યસભર વાર્તાઓ - સંજય પંડ્યા

ટૂંકી વાર્તાનું સ્વરૂપ વાર્તાકારની સર્જકતાને ચકાસે એવું હોય છે. નાના ફલકમાં એક-બે(કે ક્યારેક ત્રણ) ઘટનાની આસપાસ વાર્તાનું શિલ્પ ઘડાતું જાય. બહુ મુખર થયા વગર પાત્રો વાચકની આંખ સામે ઉઘડતાં રહે. આધુનિક વાર્તાકારે જે લખ્યું છે એના કરતાં જે નથી લખ્યું એ વાચકના મનઃચક્ષુ સમક્ષ ખુલતું રહે. નવી શૈલી, ભાષા પાસેથી આગવું કામ લેવાની વાર્તાકારની સજ્જતા વાચકને પણ જલસા કરાવી દે. જરૂરી હોય એટલો જ કરેલો વાર્તાનો વિસ્તાર વાચકને હૈયે ટાઢક પ્રસરાવે.
એક સારી વાર્તા લખવા માટેની સજ્જતા યુવા મિત્ર સુનીલ મેવાડાએ કેળવી છે, એનો આનંદ છે. બહુ થોડા શબ્દોમાં વાર્તાને અનુરૂપ વાતાવરણ સુનીલ સર્જે છે. એનાં પાત્રો સાથે વાચક પોતાપણું અનુભવે છે. સુનીલની શૈલીમાં તાજગી છે અને વિષયનું નાવિન્ય પણ છે. હું વિનીત નથી, એક નિષ્ફળ વાર્તાની વાર્તા, શણગારેલું હાર્મોનિયમ, નાગાત્મકતા, પકડેલો હાથ જેવી વાર્તાઓ નોંધનીય છે અને પાત્રોના માનસશાસ્ત્રીય સ્તરે આલેખાયેલી વાર્તાઓ છે.
પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ લઈને આવતા સુનીલ મેવાડા ઘણી બધી અપેક્ષા જન્માવે છે. ગુજરાતી વાર્તાસાહિત્યના એક વળાંક પર એમની વાર્તાઓની ધજાઓ લહેરાતી રહે એવી સુકામનાઓ!


પુરાતન કવિઓના પ્રખર પ્રભાવને લીધે અલગ પડતો આજનો કવિ – હિમાંશુ પ્રેમ

‘કાવ્યપદારથ પીધું પટપટ...’
‘વળગણ થયું દિશાનું ને મારગ છૂટી ગયો.’
એકલતાના સાત કિનારે કોઈ નથીના મારગ પર ક્યાંય નથીનું જીવન લઈને ક્યાંય નહીં જવાનો મુસલસલ વિચાર કવિના મનમાં ચાલે છે. જ્યારે જીવતરની ડાળી પકડે છે ત્યારે કવિની નસનસને વાણી ફૂટે છે. સુનીલ ગુજરાતી કવિતાની કેડી પર ચાલતી વખતે વ્યક્તિગત વેદનાને વાચા આપે છે. એક તરફ પુરાતન યુગના કવિઓની શૈલીનો પ્રખર પ્રભાવ તેની કવિતાઓને આજના કવિઓથી અલગ તારવે છે. વ્યક્તિ તરીકે આનંદી, મોજીલો સ્વભાવ ધરાવતા કવિને પ્રણય-પથ હચમચાવી નાખતો હોય એમ જણાય છે. જિંદગીનું સ્વરૂપ જ એવું છે કે વિરોધાભાસી તત્ત્વોની વચ્ચેથી આપણે સૌ પસાર થતા હોઈએ છીએ.
એકલપંથ રાહી રહેવાની વાત લઈને પોતાના પોચા પોચા જીવના પોલાદી જીવનથી કવિ અવારનવાર થાકી જતો જણાય છે. ક્યારેક તો કવિ દ્રવી ઊઠે છેઃ
‘હવે પછીથી મળજો ન કોઈ
રહી ન સંબંધની એક ઈચ્છા’
તો બીજી તરફ માગણી કરે છેઃ
‘સુક્કી ભવની ડાળી પર શણગારી આપો પંખી રે
રોજ ટહુકતી ઈચ્છા ત્યાં લીલપને રહે છે ઝંખી રે’
ને વળી કહે છેઃ ‘પાંસળીઓમાં પરોવી લાવ્યા ઈચ્છાઓનો રોગ’
કવિ શબ્દોના નગરમાં વસે છેઃ અરંગ શબ્દો... અઢંગ શબ્દો... અને એમાંથી બ્રહ્મને જડી જાય છે.
નરસિંહ મહેતાની કરતાલને વખાણતા કવિને ઝળહળ તિરાડો દૃશ્યમાન થાય છે. એવી એકાદ રોમાંચક પળને છેટે કવિના મુખમાંથી સરી જાય છેઃ ‘ચલો, ખભે અંધાર ઉપાડો !’
પ્રેમથી શરૂ થયેલાં કાવ્યત્વ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ તરફ ધસમસે છે. કવિના હૃદયમાં ઝાંખી જોઈએ તો, અંદર ‘દૃશ્ય ફાટફાટ થાય’ છે.
સુનીલને હૃદયપૂર્વકની અઢળક શુભેચ્છાઓ.


સામાજિક સરોકારના તેજસ્વી શબ્દો - સંદીપ ભાટિયા

વાર્તાસંગ્રહ ‘ઉત્તરજીવી’માં સાવ નજીક આવી પહોંચેલા એક બહુ જ સારા વાર્તાકારનો પગરવ સંભળાય છે. સુનીલે પોતાની વાર્તાઓમાંથી આંગળીને વેઢે ગણી શકાય એટલી જ વાર્તાઓ સંગ્રહ માટે પસંદ કરી ને એમાં અલગ અલગ શૈલીમાં લખાયેલી વાર્તાઓનું વૈવિધ્ય જાળવવાનો ઉપક્રમ રાખ્યો છે. પ્રયોગશીલ અભિગમથી પ્રેરાઇને લખાયેલી 'હું વિનીત નથી' કે 'એક નિષ્ફળ વાર્તાની વાર્તા' કૃતિઓથી લઇને 'પકડેલો હાથ' કે 'શણગારેલું હાર્મોનિયમ' જેવી પરંપરાગત વિષયવસ્તુ સાથેની પરંતુ હ્રદયના તાર ઝણઝણાવી દેતી રચનાઓ સુનીલની એક સક્ષમ વાર્તાકાર તરીકેની ઓળખ આપે છે.
સુનીલે હજી થોડા વખત પહેલાં જ અભ્યાસ પૂરો કર્યો છે. પોતાની આસપાસના વાતાવરણને એણે સાહજીકપણે જ વાર્તાઓમાં મૂક્યું છે. એક વિચારશીલ તરૂણના દ્રષ્ટિકોણથી કૌટુંબિક અને સામાજિક સંબંધોની અભિવ્યક્તિ અહીં રસપ્રદ અને તાજગીભરી બની રહી છે. બાળપણથી જ આસપાસની કૌટુંબિક, સામાજિક ઘટનાઓ તરફની નિસબત અને સંવેદનશીલ મન મળ્યા હોવાને કારણે એનો માતૃભાષાપ્રેમ એને સર્જનાત્મક અભિવ્યક્તિ તરફ ખેંચી ગયો છે. સુનીલ શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું ઉત્તમ લખાણ વાંચી સંભળાવવાની અને એને વિશે બાળકો સાથે વાતો કરવાની પાયાની પ્રવૃત્તિ પણ નિયમિતપણે કરે છે. આ સામાજિક સરોકારે એના શબ્દમાં તેજ પૂર્યું છે, પરંતુ ક્યાંક ક્યાંક દેખાયા કરતું પ્રયોગશીલતા તરફનું કૃત્રિમ ખેંચાણ દૂધિયા દાંતની જેમ થોડા વખતમાં જ ખરી પડશે એ પછી જે ચોવીસ કેરેટની વાર્તાઓ સુનીલ પાસેથી મળશે એની પ્રતિક્ષા કરવા જેવી છે. ત્યાંસુધી ઉત્તરજીવીની વાર્તાઓને હ્રદયપૂર્વક આવકારું અને વધાવું છું.


વાંચવા જેવું કથાનક - ધ્રુવ ભટ્ટ

લાંબે સુધી સંવાદોથી ચાલતી આ કથા આગળ જતા મનુષ્યજીવનના વિવિધ આયામોને કલાત્મકરૂપે રજૂ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિના કેન્દ્રમાં અંતે તો મનુષ્ય અને મનુષ્યજીવન જ હોય છે તેવું છાતી ઠોકીને કહેતું આ કથાનક સૌએ વાંચવા જેવું છે.


વારંવાર વાંચવી ગમે એવી કવિતાઓ - હેમંત કારિયા

યુવાનોમાં આજે ગઝલનું ખૂબ ઘેલું છે અને એટલે જ ગઝલ લખવી એ ફેશન પણ છે. એવા વાતાવરણમાં યુવાપ્રતિભા સુનીલ મેવાડા એક કાવ્યસંગ્રહ લઈને આવે છે જેમાં એક પણ ગઝલ નથી. એવું નથી કે એમને ગઝલલેખનનું જ્ઞાન નથી પણ એમણે એમના હૃદયની વાત સાંભળીને, ગઝલો તરફ ન વળતા, જેમાં શબ્દોની રમત ન હોય પણ હૃદયના ભાવોનો શબ્દાલેખ હોય એવાં કાવ્યો તરફ પોતાની જાતને વાળી ત્યારે આનંદ તો થાય જ.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સ્થાયી થયેલા વ્યવસાયે પત્રકાર એવા સુનીલ મેવાડા સાથે મિત્રતાનો સંબંધ. એ મુંબઈ હતા ત્યારે સાહિત્યના કાર્યક્રમોમાં મોટે ભાગે એમને મળવાનું થતું. એ કાર્યક્રમ પતે પછી અમારો ‘ચહાનો કાર્યક્રમ’ થાય જેમાં સતીશ વ્યાસ, સંદીપ ભાટિયા વગેરે મિત્રો પણ હોય. ઘણી વાર એ કાર્યક્રમ રાતના બાર વાગ્યા સુધી પણ ચાલે. સાહિત્ય વિશે વિસ્તૃત ચર્ચા થાય. વિચારોનું આદાનપ્રદાન થાય, જે ઘણું જ સમૃદ્ધ હોય.
સુનીલ મેવાડા જેટલા પ્રતિબદ્ધ પોતાના વ્યવસાય પત્રકારત્વ પ્રત્યે એટલા જ પ્રતિબદ્ધ કવિતા ક્ષેત્રે પણ. કવિતા ક્યારે ‘શબ્દોની રમત’ થઈ જાય એ વાત તે સારી રીતે જાણે છે અને એટલે જ એમની કવિતા એ ‘શબ્દોની રમત’ નથી. કોઈ પણ જાતના બીબામાં નથી ઢળી પડ્યા એટલે તેઓ એમની કવિતામાં વિવિધતા લાવી શક્યા છે. એમની કવિતામાં મૃદુતા છે તો સાથે સાથે શબ્દોની સાથે રમત કરનારાઓ સામે આક્રોશ પણ છે. એમની કવિતામાં અનુભવનું ભાથું છે ને કવિતા સાથેનો ભારોભાર પ્રેમ છે. જીવનને જોવાની આધ્યાત્મિક દૃષ્ટિ પણ એમની પાસે છે જે એમની કવિતામાં નજરે ચડે છે. ગુજરાતી માધ્યમમાં ભણતર અને એમ.એ.ના શિક્ષણને લીધે એમની પાસે શબ્દોને જોવાની એક સાહિત્યિક નજર પણ છે, જે એમની કવિતાને રસસભર બનાવે છે. મહત્ત્વની વાત એ પણ છે કે યુવાનોની કવિતામાં ભાગ્યે જ જોવા મળતાં સંસ્કૃત છંદોનો એમણે અહીં સફળ ને સરસ પ્રયોગ કર્યો છે.
આજના સાહિત્યજગત પર નજર કરતા સ્પષ્ટ રીતે જણાય કે રાહ ભૂલેલા, નવયુવાન સર્જકોને માર્ગદર્શન કરવાવાળું કોઈ નથી, એટલે શાળાકીય સ્તરે વિદ્યાર્થીઓને સાહિત્યની સાચી સમજ આપવાનું એમણે અને ડૉ. વર્ષા પટેલ (વલસાડ) એ બીડું ઝડપ્યું અને વલસાડમાં 2017માં ‘ડૉ. વર્ષા સાહિત્યશાળા’ની શરૂઆત કરી છે. હેતુ પણ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં એ શાળામાંથી જે વિદ્યાર્થીઓ બહાર આવે એ તમામ સાહિત્યની એક સમજ લઈને આવે. જો એ વિદ્યાર્થીઓમાં કોઈ સર્જક હોય તો એનું સર્જન એક ચોક્કસ રાહનું હોય. જો એ સર્જક ન હોય તો પણ સારો ભાવક તો બની જ શકે. મુંબઈમાં ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ના એક સ્થાપક તરીકે પણ સુનીલ ગુજરાતી ભાષા, માધ્યમ અને સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા છે. એમણે અંતરંગ મિત્રો સાથે મળીને ‘આર્ષ’ નામે એક ઓનલાઈન સાહિત્યિક માસિક પણ એક વર્ષ ચલાવ્યું. જેમાં જૂની સાહિત્યિક કૃતિઓને ફરી જીવંત કરી.
આ સંસ્થાઓનો ઉલ્લેખ કરવો અહીં એટલે જરૂરી લાગ્યો કે સાહિત્ય પ્રત્યેનું એમનું વલણ સ્પષ્ટ છે, એમની સમજ સ્પષ્ટ છે અને એથી એ વાત પણ સ્પષ્ટ છે કે એમણે લખવા ખાતર કે પ્રસિદ્ધિ ખાતર નથી લખ્યું પણ લખ્યા વિના નથી રહેવાયું એટલે લખ્યું છે. સાહિત્ય પ્રત્યે આવી સૂઝ, સભાનતા અને દાઝ ધરાવનાર કોઈ પોતાના સાહિત્ય સાથે આવે તો એ ચોક્કસ વિશેષ આનંદનો વિષય બને. ભવિષ્યમાં સુનીલ મેવાડા એ ગુજરાતી સાહિત્યનું મોટું નામ બની શકવાની શક્તિ ધરાવે છે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.
વારંવાર વાંચવી ગમે એવી કવિતાઓ લઈને આવતા સુનીલ મેવાડાનું આખું આકાશ ભરીને શુભેચ્છાઓ સાથે સ્વાગત છે.


કશાક બહેતરની મથામણો – નંદિની ત્રિવેદી

સુનીલ મેવાડાને આઠેક વર્ષથી જાણું છું. થોડું-ઘણું ઓળખી પણ શકી છું સાહિત્યના આ જીવને. સુનીલે એનાં પુસ્તકોના ડ્રાફ્ટ મૂલવવા માટે મને મોકલી આપ્યાં પરંતુ એ પુસ્તકો વિશે થોડું અને એના પુસ્તકપ્રેમ વિશે ઝાઝું લખીશ. સુનીલનાં એક સાથે ચાર પુસ્તકો-નવલકથા, નિબંધ, વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ-પ્રગટ થઈ રહ્યાં છે એ બદલ સૌપ્રથમ તો અભિનંદન. નાની વયમાં સાહિત્યના આ ચાર પ્રકારોમાં ખેડાણ કરવું એ જ મોટી વાત છે. શબ્દયાત્રાની હજુ તો શરૂઆત છે છતાં ક્યાંક ક્યાંક પીઢતા દેખાય છે એ દર્શાવે છે કે સુનીલની આ શબ્દયાત્રા ભાષાકીય મૂલ્ય ધરાવતી સાહિત્યિક યાત્રા સુધી જરૂર વિસ્તરશે. મુંબઈ સમાચારની ઑફિસમાં પહેલી વાર મળી ત્યારે મૂછનો દોરોય ફૂટ્યો ન હોય એવા આ ઊગતા યુવાનમાં ભાષા પ્રત્યેનો અપાર પ્રેમ, દાહક જુસ્સો જોઈને આનંદ અને આશ્ચર્ય થયાં હતાં. ભાષાના સંવર્ધન માટે સુનીલ સતત મથી રહ્યો છે. પંદરેક વર્ષનો તેનો શબ્દસંઘર્ષ હવે પુસ્તકાકારે આકારાઈ રહ્યો છે એનો આનંદ તો છે જ પરંતુ, સ્વ-ખર્ચે પ્રકાશિત થઈ રહેલાં આ ચાર પુસ્તકોનાં વેચાણ દ્વારા 'સાહિત્યશાળા' માટેનું ભંડોળ ભેગું કરવાનો ઉમદા ઉદ્દેશ વિશેષ સરાહનીય છે.
વાર્તાઓ નોખા વિષયની છે. અમુક કવિતામાં ખાસ્સા ચમકારા દેખાય છે. સુનીલના કહેવા મુજબ, માતૃભાષા, સાહિત્યશાળા, મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા બહેતર જગત નિર્માણ કરવાની, મળ્યું છે એમાં કશુંક ગુણવત્તાયુક્ત ઉમેરી જવાની આ તેની મથામણો માત્ર છે. લેખક માટે આવી મથામણો જરૂરી છે જેના દ્વારા શબ્દરૂપે અથવા કર્મરૂપે સાહિત્યપ્રેમ ને કલાસાધનાની સાર્થકતા લેખક પોતે અને વાચક બન્ને અનુભવી શકે. ભાષા, સમાજ પ્રત્યેનું દાયિત્વ સ્વેચ્છાએ સ્વીકારનારાં તરવરિયાં યુવક-યુવતીઓ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે માતૃભાષાને જિવાડવાની ચિંતા કરવાની જરૂર નથી. સુનીલ મેવાડાને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન.


આશાવંત સર્જકને આવકાર – કનુ સૂચક

સુનીલ! મને ગમતું વ્યક્તિત્વ. તેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રથમી’ પ્રગટ થઇ રહ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. વ્યક્ત થવું એ સ્વાભાવિક છે, જ્યારે તે કવિકર્મના નામથી થાય ત્યારે સર્જકના મનોજગતમાં લાગણી, કરુણા, અનુકંપા, વ્હાલ, વલોપાત, આશા, નિરાશા, જીવન, મૃત્યુ, ઊર્મીઓ, સંવેદનો વિગેરેનો પારાવાર શબ્દસ્વરૂપે આલેખાય છે.
સુનીલ આ સંગ્રહની શરૂઆત ‘નરસિંહવંદના’થી કરે છે અને અત્યંત સરળ વ્યંજના દ્વારા આ કાવ્યધર્મ અંગે સુપેરે માંડણી કરે છે. આપણે જોઈએ.
‘ રાસ રમે કે પ્રાસ બેસાડે ?
જાપ જપે કે ઝૂલણા પાડે ?
શું ‘ કાનો’ માતર ભણિયો ?
નામ જાણું નરસૈયો !

ગીત રચે કે ગીતા વાંચે ?
ગરબી કહે કે ગરબે નાચે ?
શબ્દ, બ્રહ્મને જડિયો....!
નામ જાણું નરસૈયો !
આ સમજણ રાખી સુનીલ સ્વને નમ્રતાપૂર્વક એ ઉપક્રમે શબ્દબ્રહ્મની ઉપાસના આરંભે છે. આ સંગ્રહમાં ગીત, છાંદસ-સોનેટ, અછાંદસ, અનુવાદ તેમજ અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ થઈ છે. અહીં કાવ્યોની અનુપમ કહેવાય તેવી ચૂંટેલી અભિવ્યક્તિના અવતરણ મૂકી આસ્વાદ કરાવવો નથી. મારા મનોવ્યાપારને સમગ્રપણે આ અભિવ્યક્તિએ જે રીતે ઝંકૃત કર્યો છે તે વાત કરવી છે. સમષ્ટિભાવમાં પરિવર્તિત કરે તો જ આક્રોશ સર્જકનો અંગત ન રહેતાં આપણો બને છે. વિષયવસ્તુ કે ઘટનાનો આધાર પણ એવો જ રહે કે તેની વિષમતા-વલોપાત આપણા હૃદયને પણ વલોવે. જીવનવ્યવહાર અને માનવસંબંધો વ્યવસ્થિત ઘટનાક્રમ નથી. સમય અને મનની ગતિ સમાંતર નથી. સુનીલનાં કાવ્યોએ અનેક સ્થિત્યાંતરોની અસર ઝીલી છે. તે માનસિક અને સામાજિક હોય પરંતુ જીવનના અનુબંધમાં હોય છે. અહીં આનંદ પણ હોય અને આક્રંદ પણ હોય. બન્ને પરિસ્થિતિમાં શબ્દો પાસે કુશળતાપૂર્વક કામ લઇ અંતર સુધી અનુભૂતિ પહોંચાડવાનું કામ સર્જકે કરવાનું છે. અહીં એક વાત કરવાનું મન થાય છે. આનંદ લે છે ત્યારે સુનીલની કવિતા ત્યાં મોટો મુકામ નથી કરતી. આક્રંદ સમયે પણ ચીસો નથી પાડતી, પરંતુ ભૂમિના કઠણ પડને શબ્દસરના સંધાને અર્જુનની જેમ આપણા પાતાળપેટા અંતરજળને અસ્થિર જરૂર કરી દે છે. વ્યંગમાં તો કવિ પૂર્ણ ખીલે છે. મને આ કાવ્યો ગમ્યા છે. નવી કલમની ચેતના મને સદૈવ આકર્ષિત કરે છે. જે કામ કરે તે ભૂલ પણ કરે. દરેક સર્જકનું કામ દરેકને ગમે તે જરૂરી નથી. સુનીલ એક આશાવંત સર્જક છે. તેના ‘પ્રથમી’ને અત્યંત સ્નેહપૂર્વક આવકારું છું અને શુભેચ્છાઓ આપું છું.


કાઝી દુબલે ક્યોં ? -આર્ષમિત્રો

વર્ષ 2013, સાહિત્ય અકાદમીના ૪૩મા અધિવેશનમાં, આણંદમાં અમે મળેલા ને સાહિત્ય-સાહિત્યકારોની ચર્ચા કરતા મોડે સુધી જાગેલા. સુનીલે ત્યારે સંભળાવેલી કવિતા આજે પુસ્તકરૂપે આવીને વિમોચનમંચ સુધી પહોચી ગઈ છે. ‘એક સરકારી શનિવાર’ નામની હિન્દી વાર્તાથી સુનીલની વાર્તાઓ વાંચવાની શરુઆત કરેલી. (પુસ્તકમાં એ વાર્તાનું ગુજરાતી રૂપાંતર છે.) ત્યાર બાદ વાર્તાઓ વિશે ચર્ચા વધતી ગઈ. અલબત્ત, મને સુનીલની વાર્તાઓ ઘટનાપ્રધાન કરતાં ભાવનાપ્રધાન વધારે લાગી છે. પુસ્તકની અગિયાર વાર્તાઓમાંથી ઘણી ખરી સામયિકોમાં છપાઈ છે, ત્રણેક વાર્તાઓ સ્પર્ધાઓની વિજેતા અથવા પછીના સ્થાને આવેલી કૃત્તિઓ છે, છતાં અગિયાર વાર્તાઓમાંથી મારી સૌથી પ્રિય વાર્તા છે ‘નાગાત્મક્તા’, કારણ કે એમાં માણસોની છતી થતી નાગાત્મકતાને કપડાં પહેરાવવાનો પ્રયત્ન નથી કર્યો ને છતાં કપડાં ન પહેરાવ્યા હોય એવી અભદ્રતા પણ નથી લાગતી.
સુનીલની વિવિધ સાહિત્યિક રચનાઓ વાંચવામાં હું પ્રથમ રહ્યો છું એનો આનંદ છે. એના ફેકી દેવા યોગ્ય લખાણથી માંડી ચીથરામાં લખાયેલી અદભુત રચનાઓ પણ મેં વાચી છે. સુનીલની અપ્રગટ લઘુનવલ ‘નવા સૂર્યની શોધમાં’ (કે જે કદાચ અપ્રગટ જ રહેશે), એ પણ મેં જ સૌથી પહેલા વાંચેલી. સાહિત્ય વિશે સુનીલ પાયાથી જે વિચારધારા ધરાવે છે, સાહિત્યમાં વ્યાપેલાં દુષણો અને એનાથી સર્જાયેલી ગંભીર સ્થિતિ વગેરે બધું એણે એની છેલ્લી નવલકથા ‘કથાનક’માં અદભુત રીતે વણી લીધું છે, જે જાગરુક વાચકોને જરૂર ગમશે.
જોકે સુનીલે અજમાવેલા તમામ સાહિત્ય પ્રકારમાંથી મને જે સૌથી વધુ ગમે છે એ છે એના ધારદાર નિબંધો (જેને એ માત્ર ગદ્યખંડો જ કહે છે) જે હૃદયસોંસરવા ઉતરી જાય છે. એક અલગ જ ભાવવિશ્વમાં ઘસડી લઇ જાય છે. ‘કૃષ્ણપક્ષ’ તમને વેદનાની બેડીઓમાં જકડી રાખે છે તો ‘શુક્લપક્ષ’ના ગદ્યખંડોના તૂટેલા શબ્દો તમને પોતાને સાંધતા અનુભવાશે. મુંબઈમાં સુનીલ અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે. અમારા આર્ષ મેગેઝીનનો પણ એ પાયો રહ્યો છે તથા હવે ગુજરાતમાં ‘સાહિત્યશાળા’ જેવાં ઉત્તમ કાર્યોમાં પણ એ મશગુલ છે. સ્નેહભર્યા માનવી તરીકે મિત્રોનો પ્રેમ તો એને મળે જ છે, સાથેસાથે સારા સાહિત્યકાર તરીકે પણ એ પોંખાય એવી આશા છે.
આજે, નામની અને કમાવવાની ઘેલછા ધરાવતા વાતાવરણમાં આ પુસ્તકો દ્વારા ભેગી થનારી રકમથી એક કાયમી સાહિત્યશાળા સ્થાપવાનો હેતુ એણે રાખ્યો છે. એ વાત એના આ આખા સાહિત્ય-સંઘર્ષના પાયામાં છે, આ બાબત મહત્વની છે!
રાહુલ કે. પટેલ
***

સુનીલની મિત્રતા 2012થી. પછી તેના સર્જન સાથે પણ પરિચય વધતો ગયો. (આજે ભલે તે ગઝલોનો વિરોધી હોય પણ તેની ગઝલો મેં સાંભળી છે. એની ઘણી કવિતાઓનો પહેલો શિકાર હું બન્યો છું, પણ એ સામે મેં બદનક્ષીઓ મેળવી લીધી છે.)
સુનીલનાં સર્જનમાં અમારી પેઢીનું ચિંતન છે. રસ્તા પર આપણી બાજુમાં જ ચાલતા સામાન્યમાં સામાન્ય માણસની વ્યથા છે તે આ સર્જનોમાં પકડવા સુનીલ મથ્યો છે. સર્જન જીવનની નજીક હોય તો જ જીવંત બને છે એ આ બધા પાછળ(સુનીલનાં સર્જનોમાં જ નહીં, બીજી પ્રવૃત્તિઓમાં પણ) પાયાની વાત છે. તેની વાર્તાઓ, કવિતાઓ, નિબંધો તમામ જીવનમાંથી આવે છે અને જીવનમાં જ સમાઈ જાય છે. આ (દુબળો કાજી) ઘણી જગ્યાએ તમને પુરાતન લાગશે, પરંતુ એટલો જ આધુનિક પણ છે. કવિતાઓમાં તેનું રોમેન્ટિક પાસું છે, તો વાર્તા અને નિબંધમાં સતત ચિંતન અને મનોમંથન. ક્યાંક એના સર્જન પર તેના વ્યક્તિગત જીવન અને સંઘર્ષની પણ છાંટ દેખાઈ આવે છે. વાર્તાઓમાં શહેરીજીવનની વ્યથા ને વિવશતા બન્ને છે. શહેરોની મશીની સંસ્કૃતિને તે જીવવા તે મથ્યો છે, પણ મશીન બનીને નહીં, માણસ રહીને જ...
તેની કૃતિઓ વાચકો-ભાવકો સુધી પહોંચે તે માટે મારે, (રાહુલે, તુમુલે ને સમીરાએ,) શંકર બની ઘણું કરવું પડ્યું છે. શંકરે સમુદ્રમંથન સમયે પોતે વિષ ધારણ કરીને વિશ્વને અમૃત આપ્યું હતું, તેમ એના સર્જનોમાંની ઘણી કડવાશ અમે દબાવી રાખી છે અને તમારી સામે જે મૂક્યું છે તે આ...

- નીરજ કંસારા
***

સુનીલ સાથે પહેલો પરિચય એક કાર્યક્રમમાં થયેલો અને એનું વક્તવ્ય સાંભળીને ત્યાં જ એની સાહિત્યપ્રતિભાની આછી ઝલક પણ મળી ગયેલી, ત્યારે ખબર નહિ કે ભવસાગરમાંથી છૂટા પડેલાં મોતીની જેમ કિનારે તણાઈ આવનાર, મિત્રતાની મીઠી સુગંધ ફેલાવનાર એ વ્યક્તિ આગળ જતાં મારો ‘સાહિત્યિક સિબ્લિંગ-સહોદર’ બની જશે. એની વાર્તાઓ અને કવિતાઓ જ્યાં એની ભાષાકીય સભાનતા અને ઊંડા સાહિત્યાભ્યાસનો પરચો આપે છે, ત્યાં જ વનશ્રેણીના નિબંધો એના અંતરવિશ્વનું સ્પષ્ટ અને સુરેખ ચિત્ર ઊભું કરે છે. એની મોટાભાગની કૃતિઓ કોઈને કોઈ રીતે સ્પર્શી હોવા છતાં વનશ્રેણીના નિબંધો આગળ બાકીના સર્જન ક્યાંક ઉતરતા લાગે, કારણ અંગત પરિચય પણ હોઈ શકે. જયારે પણ વનશ્રેણી વાંચી છે, ત્યારે અંતે નિ:શબ્દ બની જવાની સંતુષ્ટિ પ્રાપ્ત થઈ છે. વનશ્રેણી અનુભૂતિઓના વિવિધ સ્તરોમાંથી પસાર થાય છે. કોઈ જગ્યાએ અધૂરું જીવવું પણ આત્મકથા આખી લખવાનો થાક વર્તાય છે તો કોઈ જગ્યાએ ‘સ્ત્રીનો સ્પર્શ કોઈ પણ સંજોગોમાં સામાન્ય નથી હોતો.’(જોકે આ નિબંધ પુસ્તકમાં નથી લીધો) જેવું વિચારસૌન્દર્ય પ્રગટ થાય છે. આ કૃતિઓમાં સંવેદનનો અતિ-સૂક્ષ્મ તાર પણ ઝણઝણાવી દેવાની ક્ષમતા છે અને અંતે થતી રસનિષ્પતિ બાદ પ્રતિભાવોમાં જે જન્મ્યું છે, એ આવા કેટલાય વિચારોનું પ્રતિબિંબ બનીને જ બહાર આવ્યું છે.
‘એકાંતવન’માં આલેખાયેલા આ વિચારો, ચિંતન, વ્યથા, પીડા કુલ મળીને સુનીલના સમગ્ર વ્યક્તિત્વનો ચિતાર આપે છે. ક્યારેક એ સખત નિરાશ, ઉદાસ અને જીવનચક્રમાં અટવાયેલી સામાન્ય વ્યક્તિ લાગે છે, તો ક્યારેક વિચારશુદ્ધ, સિદ્ધાંતવાદી અને સભાનતાપૂર્વક જિંદગી સામે અડીખમ લડનાર વીર યોદ્ધો બની જાય છે. તમામ સર્જનો વાંચ્યા પછી બાકી રહેલો સુનીલ બાહ્યજગતમાં જીવ્યા કરે, પણ અંગત પરિચયને આધારે જે મિત્ર-બંધુ-ભાઈને પામ્યો છે એ તો ફક્ત અને ફક્ત આ એકાંતમાં જીવ્યો છે અને એટલે જ વનશ્રેણીને મળેલું આ શીર્ષક ‘એકાંતવન’ યથાવત લાગે છે.
છેલ્લે, આર્ષના સૂત્રધાર તરીકે એના ઊંડા સાહિત્યાભ્યાસ અને સર્જનાત્મકતાનો ખૂબ જ નજીકથી પરિચય થયો છે, એ છોગામાં મળેલું સૌભાગ્ય જ છે. આ કૃતિઓ દ્વારા ઉદ્ગમિત થતી સાહિત્યધારા અનેક વાચક-ભાવકના જીવનમાં સુખકારક અને ઉપકારક નીવડે એવી દુઆઓ.
-સમીરા પત્રાવાલા.
***
છવ્વીસ-સત્તાવીસ વર્ષનો સુનીલ - મારા કરતાં ત્રણેક વર્ષ નાનો, પણ અમે લગભગ એક જ પેઢીના ગણાઈએ એટલે મારી સમગ્ર પેઢી વતી બોલવાનો હક હું જાતે જ લઇ લઉં છું. (અગાઉની પેઢીના લોકો "તમારી પેઢી તો સાવ આવી" અને "અમારા વખતમાં તો આમ થતું" એવું કહી જતા હોય તો આટલો હક તો મને છે જ, નહિ?) અમારી પેઢીના મોટાભાગના યુવાનો જ્યારે સામાજિક /રાજકીય / નૈતિક / સાહિત્યિક જવાબદારીઓથી વિમુખ અને નિસ્બતોથી નિસ્પૃહ રહીને મોજમજાને પરમોધર્મ અને વિકેન્ડને ખુદા માનવામાં ગળાડૂબ છે, ત્યારે જૂજ લોકો એવા છે જેમને આ બાબતો સ્પર્શે છે, પરંતુ તેઓ પણ કમાવવાની ભીંસમાં કે કળાના રોમાન્સથી અંજાઈને કે જીવન સાથે તડજોડ કરવામાં માંહ્યલાને આ વિશાળ મશીનરીમાં હોમી દઈ ટીસ્યુ પેપરથી હાથ લૂછીને આગળ વધી જતા હોય છે. સુનીલ લાખ કોશિશ છતાં એ નથી કરી શક્યો. તેને જાણતા બધા જ લોકો ક્યારેક ને ક્યારેક તેની આ લગભગ કટ્ટર ગણી શકાય એવી હાડોહાડ સાહિત્યિક નિસ્બતને લગતી લાંબીલાંબી એકોક્તિઓના સાક્ષી બન્યા જ હશે. તેમાંના કેટલાકનો એવો મત રહે છે કે "કલા પોતાનો માર્ગ જાતે શોધી લેતી હોય છે". સુનીલ માટે આ બાબતે સહમત થઈને અદબપલાંઠી મારીને બેસી જવું શક્ય નથી. કમસેકમ છવ્વીસ વર્ષે તો નહિ જ. (એની ટેરેસ પર સૂતાં-સૂતાં એકવાર એણે અજ્ઞેયનું એક વાક્ય સંભળાવેલું, મેરા વિરોધ ગલત હો સકતા હૈ, પર મેરી પીડા સચ્ચી હૈ!)
એ ઈચ્છે છે અને તેની પૂરી કોશિશ છે કે જો કળા પોતાનો માર્ગ જાતે શોધતી હોય તો પણ એ માર્ગ તેનામાંથી પસાર થઈને જવો જોઈએ ! અને એ માટે એ ખુંવાર થઇ જવા પણ તૈયાર છે. ઘણું એ માટે દાવ પર લગાવી ચુક્યો છે એ... આ બધું હું તે એક મિત્ર છે એટલે નથી લખતો; અલબત્ત આ બધું તેનામાં છે એટલે જ તે આટલો પાક્કો દોસ્ત બન્યો છે.
અમદાવાદ સ્થાયી થયો હોવા છતાં એ મનથી હજુ મુંબઈગરો જ છે. એક વખત રાતે બે - અઢી વાગે અમે જુહુના દરિયાકાંઠે બેઠા હતા. અમારા સિવાય ખાસ કોઈ લોકો હતા નહિ. પોતપોતાના મનનો ઉભરો ઠાલવી લીધા પછી અમારી વાતો ક્યારની ખૂટી ગઈ હતી; દરિયાના મોજાનો મંદ રવ સંભળાતો હતો, સુનીલ પોતાની લખેલી તેમ જ અન્ય કવિઓની પણ તેની પ્રિય કવિતાઓ “ગાઈ” રહ્યો હતો. બંને ધ્વનિ એકબીજામાં ભળીને રાતની શાંતિને સાર્થકતા બક્ષતા હતા. સાહિત્યિક મથામણો અને બળાપા જેના હૃદયમાં સતત ચાલ્યા કરે છે એવા સુનીલની આ પણ એક બાજુ છે, પરિવાર ને મિત્રોને ભીંજવી જતાં સ્નેહ અને કાળજી!
તેના નાનપણનાં 'અડવાનાં પરાક્રમો' જેવી વાતો પરથી સમજાય કે તે હંમેશાંથી આવો નહિ હોય, પરંતુ જીવન અને સાહિત્ય બંને દ્વારા સરખે હિસ્સે ઘડાઈ ઘડાઈને તે અહી સુધી પહોચ્યો છે.
થોડા મહિનાઓ પછી અમે મિત્રો અમદાવાદમાં ગાંધીઆશ્રમના બગીચામાં બેઠા હતા. સુનીલ સહુને એક પછી એક "તને જીવન સાર્થક ક્યારે લાગ્યું છે?" એમ પૂછી રહ્યો હતો (હા, આ જ શબ્દો. આવી શુદ્ધ, લખવાવાળી ગુજરાતીમાં વાત કરતા લોકો ક્યાં મળે છે આજકાલ?) મારો જવાબ હતો કે પેલી જુહુના દરિયે માણેલી આલ્હાદક ક્ષણો જેવી અનુભૂતિઓમાં મને જીવનની સાર્થકતા લાગે છે. સુનીલને શેમાં લાગે છે એ તેણે નહોતું કહ્યું. પણ કદાચ તેને 'આગામી પેઢીને શું આપીને જઈશું' એ ખોજમાં જીવવાની મજૂરી અર્થપૂર્ણ જણાય છે.
મુંબઈ ગુજરાતી સંગઠન, આર્ષ સામયિક, સાહિત્યશાળા અને તેનું અંગત સાહિત્ય - આ ચારેય પાછળ આવનારી પેઢીને કંઇક એવું આપી જવાની અભીપ્સા દેખાય છે, જેની તેને હંમેશાં ખોટ વર્તાઈ છે અને તેને લીધે જ અગાઉની પેઢી સામે ફરિયાદ પણ રહી છે.
સુનીલ સામટાં ચાર પુસ્તકો આપે છે એ ઘટના પણ તેના સાંપ્રત સાહિત્યમાં જે ચાલી રહ્યું છે તેની સામેની પ્રતિક્રિયા સમાન છે. તેની નવલકથા 'કથાનક'માં સાંપ્રત સાહિત્યની, સાંપ્રત જીવનની અને બંને વચ્ચેના સેતુની કે તેના અભાવની વાત છે. સાહિત્ય અને જીવનનો સંબંધ એ સુનીલના માનસિક સંઘર્ષમાં પાયાનો પ્રશ્ન રહ્યો છે. તેની આ મથામણ ભરેલી બાજુ, તેની સ્નેહાળ બાજુ, તેની ભાષા અને શૈલીમાં સતત પ્રયોગશીલ રહેવાની પ્રતિબદ્ધતા, તેની જીવનદ્રષ્ટિ આ બધું જ દેખાશે તેના વાર્તાસંગ્રહ 'ઉત્તરજીવી'માં ! પણ ચારેય પુસ્તકોમાં મને અંગતરીતે પ્રિય તેનો નિબંધસંગ્રહ 'એકાંતવન', જેમાં તમને એક માણસ પોતાના સમગ્ર જીવનકાળમાં અનુભવી શકે એ બધી જ સંવેદનાઓના શેડ્સ જોવા મળે છે. એક બેઠકે કે રોજેરોજ વાંચીને પણ આ પુસ્તક પૂરું કરી નાખવા જેવું નથી. આ નિબંધોને સારા પ્રસંગે પહેરવા રાખેલાં કપડાંની જેમ સાચવી સાચવીને કાઢવાં જેવાં છે. જ્યારે તેમાં રહેલી તીવ્ર સંવેદનાને અનુભવવાની તમારી તૈયારી હોય ત્યારે જ. આ નિબંધોમાં તેના અંગત પ્રસંગો અને વ્યક્તિઓ આવતી હોવા છતાં તે ડાયરી કે આત્મકથનાત્મક બનીને નથી રહેતા. મૈત્રેયીદેવી કૃત 'ન હન્યતે'ના એક વિધાન "વ્યક્તિગત વસ્તુને નૈર્વ્યક્તિક બનાવી દેવી એ જ સાહિત્યનું કામ છે" પર સુનીલના આ નિબંધો ખરા ઉતરે છે.
ખુબ સ્નેહ. ખુબ શુભેચ્છા.
- તુમુલ બુચ