સાહિત્ય સાથે મારું જોડાણ બાળપણથી જ… મને બરાબર યાદ છે કે હું આઠદસ વરસનો હોઈશ ત્યારેય ઘરમાં અઢીથી ત્રણ હજાર જેટલાં પુસ્તકો હતાં, તેનો શ્રેય મારી માતાને. પિતા તો વ્યવસાયે શેરબ્રોકર, તેમને સાહિત્યમાં ખાસ રસ નહીં. માતા પણ ભણેલાં તો સાવ ઓછું, પણ વાંચવાનો ખૂબ શોખ અને માટે જ પિતાએ એ બધાં પુસ્તકો વસાવેલાં. માતાએ એ બધાં પુસ્તકો વાંચી કાઢેલાં. આટલાંબધાં પુસ્તકો ઘરમાં હોય એટલે અમે પણ ઘણાં વાંચ્યા હતાં. માતાને એક મજાની ટેવ, તેઓ એકાદ પંક્તિ કે અવતરણ બોલે અને અમને પૂછે કે બોલો, આ કયા પુસ્તકનો અંશ છે? અને અમે રોમાંચિત થઈ જવાબના તર્ક લગાવવા લાગીએ.
આ મારા ઘડતરની શરૂઆત.
બીજો શ્રેય અમારી સાથે રહેતા ફોઈના દીકરા રમણભાઈને આપવો ઘટે. તેમણે ઘરમાં એક સિરસ્તો ચાલુ કર્યો, રાત્રે સાડા નવ વાગે એટલે એ કોઈ પણ પુસ્તક લઈને જોરથી વાંચતા અને ઘરના બધા લોકો તેમને સાંભળતા. ક્યારેક તો આ વાંચન રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતું. રમણભાઈ કવિતાઓ વાંચે, આત્મકથા વાંચે, ચરિત્રો વાંચે, વાર્તાઓ કે નવલકથાઓ પણ વાંચે, એ સમયના બધાં જ પ્રતિષ્ઠિત સામાયિકો અમારે ત્યાં આવતાં એટલે ક્યારેક તો સામાયિકમાંથી પણ વાંચન ચાલતું… આજે ઘણીવાર મને કોઈ પૂછે કે તમે આ પુસ્તક વાંચ્યું છે એટલે હું અટકી જાઉ અને પછી કહું કે, ‘ના, ના, આ પુસ્તક મેં વાંચ્યું તો નથી, પણ આખું સાંભળ્યુ છે !’ એવું પણ બન્યું હોય કે એમાંના ઘણાં પુસ્તકો ફરી ક્યારેય વાંચવાનો સમય ન પણ મળ્યો હોય, પણ એકવારનું એ સાહિત્ય-શ્રવણ અમારી અંદર એવું ઊતરી જતું કે હજી એમાંનું કેટલુંક યાદ છે. આવું નોખું કૌટુંબિક વાતાવરણ મારા ઘડતરના પાયામાં છે.
બીજો નંબર આવે સ્કૂલનો. મુંબઈની પ્રખ્યાત ‘ન્યુ ઈરા સ્કૂલ’માં ભણવા મળ્યું, શાળામાં પિનાકિન ત્રિવેદી ને સોમભાઈ પટેલ જેવા સંનિષ્ઠ શિક્ષકો. પિનાકિનસાહેબ તો શાંતિનિકેતનના વિદ્યાર્થી એટલું કહેવું જ શું? સોમભાઈએ પણ ત્રણ-ચાર પુસ્તકો લખ્યાં હતાં, છતાં આજે તો એ સાવ ભૂલાઈ ગયા છે. પિનાકીનસાહેબ ક્લાસમાં કદી વાંચીને ન શીખવે, એ ક્લાસમાં આવે, ટેબલ પર પલાઠી વાળી બેસી જાય, ને ગાવા લાગે… અરે! પ્રેમાનંદનું આખું આખ્યાન તેમણે આ રીતે ગાતા ગાતા અમને શીખવ્યું હતું એ બરાબર યાદ છે. ઘરના વાતાવરણે સાહિત્યનાં જે ઊંડાં બીજ રોપ્યાં હતાં, તેને સ્કૂલમાં આવા સંનિષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્તમ પોષણ મળ્યું. પછી કોલેજમાં તો પ્રખ્યાત સાહિત્યકાર મનસુખલાલ ઝવેરી ને વિદ્વાન સંસ્કૃતપંડિત ગૌરીશંકર ઝાલા જેવા પ્રાધ્યાપકો. ગૌરીશંકરસાહેબે ઘણું ઓછું લખ્યું ને ઓછા જાણીતા, પણ મનસુખલાલ તો પ્રતિષ્ઠિત નામ. કોલેજમાં સાહિત્યની દિશામાં એક ડગલું આગળ વધાયું. અત્યાર સુધી ફક્ત વાંચવાનો જ શોખ હતો, પણ હવે વાંચનને કેવી રીતે જોવું તેની દ્રષ્ટિ ઉમેરાઈ. સમીક્ષા કહો કે વિવેચન, તે કઈ રીતે થઈ શકે એ તરફનું વલણ આવા સમર્થ આધ્યાપકોને કારણે કેળવાયું.
કોલેજ પૂરી થયાં પછીનો દાયકો સોમૈયા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ગાળ્યો. ત્યાર બાદ પરિચય ટ્રસ્ટ દ્વારા તે સમયે પ્રકટ થતાં ‘ગ્રંથ’ સામયિકમાં સહાયક તંત્રી તરીકે જોડાયો. આ સામાયિક પુસ્તકોનાં અવલોકનો માટે પ્રતિષ્ઠિત, એટલે અહીં ફરી પેલી સમીક્ષકદ્રષ્ટિને વિકસવાની-વિસ્તરવાની તક મળી. ગ્રંથમાં ત્રણ વર્ષ કામ કર્યું. પછી અમેરિકાની વિશ્વવિખ્યાત ‘લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ’ની દિલ્હી શાખામાં ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે જોડાવવાની તક મળી.
એક રીતે આ લાઈબ્રેરી જગતભરની ભાષાઓના સાહિત્યને સંપાદિત કરે છે. કામના ભાગરૂપે અમારે અહીંથી ભારતની દરેક ભાષાનાં સામાયિકો, અખબારો અને પુસ્તકો ખરીદી-એની સમીક્ષા કરી, એમાંથી પસંદગી કરીને, એ બધું વોશિંગ્ટન મોકલાવવાનું હોય, ત્યાં આ રીતે જગતભરની ભાષાઓની સામગ્રી ભેગી થાય. હું ગુજરાતી અને મરાઠી ભાષા માટે સિલેક્શન ઓફીસર રહ્યો. મને બરાબર યાદ છે કે અમારી ઓફિસ સવારે સાડા આઠ વાગ્યે શરૂ થાય. પહેલું કામ 10 વાગ્યા સુધીમાં 30 જેટલાં છાપાં વાંચી કાઢવાનું હોય. આ કામ દરેક ભાષાના સિલેક્શન ઓફિસર કરતા. જોકે ગુજરાતી અને મરાઠી ભાષા બન્નેની જવાબદારી મારા પર હતી એટલે મારે વધારે છાપા વાંચવા પડતા. સાડા દસ વાગ્યે અમારે એક અહેવાલ આપવાનો, જેમાં છાપામાં આવેલી સાહિત્યને લગતી, પત્રકારત્વને લગતી, પુસ્તકોને લગતી કે નવું સામાયિક આવ્યું હોય તેને લગતી માહિતી આપવી પડતી. એ સમયે ઘણાં પુસ્તકો ખરીદી માટે આવતા. બધાં જ પુસ્તકો વાંચવાનો સમય ન હોય, પણ જોવાં પડે, ઉથલાવવાં તો પડે જ… કારણ કે જો અમે કોઈ પુસ્તક લેવાની હા પાડતા કે ના પાડતા તો તેનું લેખિત કારણ આપવું પડતું. ત્યાં ઈતિહાસ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવાં તમામ વિષયોનાં પુસ્તકો સાથે કામ પાર પાડવાનું બનતું… એટલે કોંગ્રેસ લાઈબ્રેરીનાં એ દસ વર્ષમાં તો વ્યાપક પ્રમાણમાં મને સાહિત્યનો સંસર્ગ મળ્યો.
કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે લખાણ તરફ ઝૂકાવ ઓછો હતો, પણ ગ્રંથ સામાયિકમાં કામ કરતા-કરતા લખવાનું પણ વધ્યું હતું. ગ્રંથમાં તો મારે કામના ભાગરૂપે પણ લખવંક પડતું. એ લખવાની પ્રવૃત્તિને ‘મુંબઈ સમાચાર’માં ‘વર્ડનેટ’ નામે કોલમ શરૂઆત થઈ ત્યારે વગે મળ્યો. એ કોલમ 2000થી 2012 સુધી સતત ચાલી, એમાં મોટા ભાગે સાહિત્ય વિશે ને નવાંજૂનાં પુસ્તકો વિશે લખાયું. એ પછી ‘ગુજરાતમિત્ર’માં લખવાની શરૂઆત થઈ. આ સમય દરમિયાન મેં જે વિવેચનો કર્યાં હતાં એનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
આમ આજે જોઉં છું તો મેં આખું જીવનમાં સાહિત્યમાં જ આળોટતાં-ઓળાટતાં વિતાવ્યું હોવાની અનુભૂતિ થાય છે.
સાહિત્ય વિશે મારી માન્યતા એવી છે કે સૌથી પહેલા તો એમાં મજા આવવી જોઈએ. લોકો એમની રૂચિ પ્રમાણેનું વાંચતા હોય, એટલે એકને ખૂબ જ ગમતું પુસ્તક બીજાને જરીકે ન ગમે એવું બને. જોકે સાહિત્યનું નિયમિત સેવન કરનારી વ્યક્તિની દ્રષ્ટિ, ખાસ તો સમાજજીવન-માનવવિશ્વને જોવાની એની દ્રષ્ટિ ઘણી સંતુલિત થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં એવું આગવું સંતુલન કેળવાય છે કે જેનાથી વ્યક્તિ એકદમ સુખી કે એકદમ દુઃખી ન અનુભવે, એકદમ નારાજીગી કે એકદમ નિરસતા ન અનુભવે. એ સંતુલિત રહી શકે છે. વિવિધ ભાવના-અનુભૂતિઓના વર્તૂળમાં એક સંતુલનબિંદુ શોધી એમાં ટકી રહેવા એનું મન ઘડાય છે. બીજો ફાયદો એ કે સાહિત્યસેવનથી પ્રત્યક્ષ ન અનુભવ્યા હોય એવા અનુભવો મળે છે, એ માનવજીવન બાબતે વિચારો-નિષ્કર્ષો તૈયાર આપે છે કે માણસ આવો હોય ને માણસ આવું કરે, આ આવું છે ને તે તેવું છે, વગેરે વગેરે. મારો કહેવાનો અર્થ એવો નથી કે સાહિત્યવાંચનથી માણસ સ્થિતપ્રજ્ઞ કે સંન્યાસી જેવો થઈ જાય, પણ દરેક સંજોગોમાં, જુદીજુદી સંવેદનાઓને સાચવી રાખીને પણ એ સ્થિરતા કેળવી શકે છે. સાહિત્યસેવનથી કોઈ પ્રકારની એક આંતરિક હિંમત કેળવાય છે.
હા, આજે કદાચ સમાજમાં સાહિત્યની પ્રસ્તુતતા આપણને દેખીતી રીતે ન દેખાય, પણ સાહિત્ય માણસને મદદરૂપ થાય છે એમા કોઈ બેમત નથી. દરેક માટે સાહિત્ય અલગઅલગ રીતે મદદરૂપ બનતું હોય છે એટલે એનો ચિતાર આપવો અઘરો છે. અંગત વાત કરું તો સાહિત્યએ મને બે રીતે મદદ કરી છે. પહેલું તો એ કે સાહિત્યના વ્યાપક સંસર્ગથી મને સમજાયું કે મારા જીવનમાં જે તકલીફો છે એના કરતાં અનેકગણી વધુ તકલીફો માણસને આવી શકે છે, અને બીજું એ કે જો તકલીફો છે તો એનો સામનો કઈ રીતે કરી શકાય એનો જવાબ પણ મને સાહિત્યમાંથી મળ્યો છે. આમ મારા આંતરિક અને બાહ્ય જીવનમાં, સંવેદનો અને સમજણોમાં, હું જે સંતુલન જાળવી શક્યો છું, તે સંપૂર્ણપણે સાહિત્યને આભારી છે.
બીજું તો આજની પેઢી વિશે વાત કરીએ તો મને લાગે છે કે પડકારો તો દરેક પેઢી સામે હોય છે. જોકે એમાં, ક્યાંથી અનુકરણ અટકાવવું અને ક્યાંથી નવો ચીલો ચાતરવો, એ પડકારનો સામનો દરેક પેઢીએ કરવાનો હોય છે. પરંપરાથી વિખૂટા પડી જવાની વાત નથી, પણ નવીનતાની શોધ માટેની વાત છે. આજની પેઢીનો સૌથી મોટો પડકાર જાણ્યે-અજાણ્યે થતું અનુકરણ છે. મૌલિકતાની શોધ માટે કપરાં ચઢાણ ચઢવાને બદલે અનુકરણની લસરપટ્ટી હંમેશાં સરળ ને આકર્ષક રહી છે. જોકે દરેક પેઢી પોતાની રીતે પોતાની સમસ્યાઓના ઉપાય મેળવી લે છે. આજે કદાચ પડકારો વધ્યા છે, તો સામે શક્યતાઓ-તકો પણ એટલી જ વધી છે. હવે નોન-પ્રિન્ટ માધ્યમો, ડિજિટલ રિડિંગ વગેરે જે રીતે વધ્યું છે ને વધી રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે એનાથી શોખીનો માટે વાચનનો અસીમ વ્યાપ થઈ શકશે. હા સાથેસાથે પ્રિન્ટ-માધ્યમ, છપાયેલાં પુસ્તકોનું મહત્વ રહેશે જ, અને હજી વધતું જશે, પણ કમ્પ્યુટરાઈઝેશનને અવગણી ન શકાય. મને આશા છે ગુજરાતી ભાષાનાં સારામાં સારા પુસ્તકો, વહેલામાં વહેલી તકે ઈ-બૂક્સ તરીકે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જશે.
(ચર્ચા – નીરજ કંસારા)