હું સાત પૂંછડિયો ઉંદર છું.
રવિવારથી શનિ સુધીની મને પૂંછડીઓ ઊગે છે અને નથી ઊગતી તોય હું એને કપાવી નાખું છું અને કપાવી નાખતો નથી, મારી પૂંછડીએ પૂંછડીએ ઘડિયાળના કાંટા ને બસમાં આંટા ને ટ્રેનના પાટા કે પૂંછડીએ દોડાદોડી રે લોલ !
મારી પૂંછડીએ પૂંછડીએ ફોનના વાયર ને કારનાં ટાયર, હું કામમાં રિટાયર કે પૂંછડીએ પડાપડી રે લોલ !
એક દિવસ હું જન્મ્યો’તો, મારું નામ પાડ્યું’તું, મારું નામ અ,બ,ક, A,B,C, X,Y,Z, -મારા જનમના પેંડા વહેંચાયા -ને હું મોટો થતો ગયો ને ગાડાનાં પૈડાં ખેંચાયાં રે લોલ !
મને શાળામાં મૂકવામાં આવ્યો’તો, ચોકલેટ વહેંચવામાં આવી’તી, હું થોડો રડ્યો’તો, હું થોડો રમ્યો’તો, થોડું થોડું ભણ્યો’તો, થોડું થોડું પાસ થયો’તો પછી કોલેજ ગયો તો- મારી પૂંછડીએ ડિગ્રી તો લટકે રે લોલ ! મને વિદ્યા મળી છે કટકે કટકે રે લોલ !
પછી મને નોકરી મળી ને મને છોકરી મળી ને મારાં લગન થયાં પછી રિસેપ્શન યોજાયું ને ફોટાઓ પડાયા ને આલબમ બનાવ્યું ને આલબમ જોયું ને બીજાને બતાવ્યું-અમને પૂછો નહીં કેવો કલ્લોલ ફોટામાં અમે હસી રહ્યાં રે લોલ !
મારો એક બેડરૂમ ફ્લેટ, કને નાની-મોટી ભેટ, મારો મુંબઈ નામે બેટ, મારી નોકરી, મારા શેઠ, મારો બાબો, મારી બેબી, અમે ચાર જણાં, ઘણાં. અમને વાતેવાતે મણા. મારો ગુસ્સો નાગની ફણા ! આપણે નથી આપણા રે લોલ ! વાતે વાતે ભડકો બળે ને પછી તાપણાં રે લોલ ! ભેળપૂરી, પાંઉભાજી ને શીંગ-ચણા રે લોલ !
મારાં બૂટ, મારાં મોજાં, મારો નાસ્તો, મારી ચા, બાબાનું પેન્ટ, બેબીનું ફ્રોક, બર્થ-ડે પાર્ટીઓની જોક, પત્નીની સાડી, એની પર્સ, મારી ટાઈ-મારું શર્ટ-ઈચ્છાઓ બધી હેન્ગર પર લટકે રે લોલ ! ઈચ્છાઓ બધી હેન્ગર પર અટકે રે લોલ !
અમે આવ્યા તમારે ઘેર, તમે આવ્યા અમારે ઘેર, અમે પૂછ્યા તમારા ખબર, તમે પીધી અમારી ચા, તમે હસ્યા ને અમે કહ્યું વાહ, અમે હસ્યા ને તમે કહ્યું વાહ-જીવનમાં થઈ વાહ-વા વાહ-વા રે લોલ ! મરણમાં જીવન એક અફવા રે લોલ !
સવારે ગૂડ મોર્નિંગ કહ્યું, બપોરે ગૂડ આફ્ટરનૂન કહ્યું, રાતે ગૂડ નાઈટ કહ્યું, અમે અભિનંદન આપ્યાં, ક્યારેક દિલાસાઓ આપ્યા, ક્યારેક તાર, કોલ કર્યા, ક્યારેક તમે બિલ ચૂકવ્યું, ક્યારેક અમે બિલ ચૂકવ્યું, છાનુંછાનું ગણી લીધું, ધીમેધીમે લણી લીધું, લિયા-દિયા, દિયા-લિયા, પિયા-પિયા-પિયા-પિયા, લિયા-દિયા-લિયા-દિયા કે લાગણીનું તમરાંનું ટોળું રે લોલ ! સર્કલ મારું બહોળું બહોળું રે લોલ ! -સર્કલમાં સેન્ટરને ખોળું રે લોલ !
અમારે વાતે વાતે સોદો, અમને આંખોથી નહીં ખોદો, આજે સાચો કાલે બોદો. ઉંદર ફૂંક મારે ને કરડે, વાંદો મૂછો એની મરડે, તમરાં તીણુંતીણું બોલે, કીડી સાકરની ગૂણ ખોલે, તમારું માથું મારે ખોળે, મારું માથું તમારે ખોળે-તમે ઊંઘો એટલી વાર-પછી ઉંદર તો તૈયાર-ઉંદરને નહીં પીંજરની પરવા-ઉંદર ચાલ્યો બધે ફરવા-ઉંદર અંધારામાં તરવા તરવા આતુર રહે રે લોલ !
ઉંદરને નહીં બિલ્લીની બીક, ઉંદર કરે ઝીંકાઝીંક, ઉંદર પાસે જાદુઈ સ્ટીક, ઉંદર પહેરે કેવાં ચશ્માં, બિલ્લી રહી ઉંદરના વશમાં, ઉંદર સસલું થઈને દોડે, ઉંદર ખિસકોલીને ફોડે-ઉંદર અહીંયા-તહીંયા દોડે, ઉંદર બિલ્લીને અંબોડે મૂકે કાગળનાં ફૂલ ને અત્તર છાંટે રે લોલ ! કોણ કોને આંટે ને કોણ કોને માટે-ખબર કૈં પડતી નથી રે લોલ ! મને મારી પૂંછડી નડતી નથી ને તોય-જડતી નથી રે લોલ !

(‘ઝલક’)
***