“મુન્નુ પઢતા ડાયમંડ કૉમિક્સ, દીદી પઢતી ડાયમંડ કૉમિક્સ.
પાપા પઢતે ડાયમંડ કૉમિક્સ, મમ્મી પઢતી ડાયમંડ કૉમિક્સ.
મજેદાર હૈં ડાયમંડ કૉમિક્સ…”
રેડિયો પર આવતી આ જિંગલ એવા સમયની યાદ અપાવે છે, જ્યારે આખો પરિવાર મનોરંજનનાં સીમિત સાધનો વચ્ચે પણ સાથે મળી સમય પસાર કરતો હતો.
કૉમિક્સ એટલે આમ તો ચિત્રવાર્તા. બાળકોની કલ્પનાની-રંગીન દુનિયા, જ્યાં લેખકના શબ્દોથી બનેલી વાર્તાના આત્માને ચિત્રકાર ચિત્રરૂપી દેહ આપે છે, એવી ચિત્રકથા એટલે કૉમિક્સ ! જે બાળકોને પોતાની અલગ જ દુનિયામાં લઇ જાય છે. ગુજરાતીમાં ચંપક, ચાંદામામા, ચંદન, ફૂલવાડી, નિરંજન જેવાં બાળ-સામયિકો અત્યારે યાદ આવે, એમાંથી જોકે હવે ઘણાં ખરાં બંધ થઇ ગયા છે.
કૉમિક્સની વાત વધારીએ તો અત્યારે ભારતમાં ડાયમંડ અને રાજ કૉમિક્સ આ બે જ મોટા કૉમિક્સ પબ્લિશર વધ્યાં છે, જે ઓનલાઈન પાયરસીના કારણે હાલક-ડોલક થતાં જઈ, ખોટ ખાતાં જઈને પણ ભારતમાં કૉમિક્સ કલ્ચર સાચવી રહ્યાં છે.
હવે ચાલો થોડા પાછળ જઈએ,
ભારતમાં સૌ પ્રથમ શરૂ થયેલી ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ વિશે અનંત પાઈ કહે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રોટોગ્રેવિયર મશીન, જે મૂળભૂત રીતે કેલેન્ડર છાપતા હતા, એ મશીનને ચાલુ કંડીશનમાં રાખવા માટે જ ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ની શરૂઆત થઇ હતી. પી.કે. રોયએ કેટલાંક વિદેશી કૉમિક્સ કેરેક્ટર્સના રાઈટ ખરીદ્યા અને એ પરથી કૉમિક્સ બનાવવા અનંત પાઈને રોક્યા. ‘લી ફોલ્ક’ના પ્રખ્યાત કેરેક્ટર ફેન્ટમ, મેન્ડ્રેક, અન્ય વિદેશી પાત્રો તથા આબિદ સુરતીના બહાદુરને લઇ શરૂઆત થઇ ઇન્દ્રજાલ કૉમિક્સની.
ફેન્ટમ, હરતો ફરતો પ્રેત ! જે ગાઢ જંગલમાં જાનવરો વચ્ચે રહે, વરુ અને ઘોડો એના સાથી, જંગલના આદિવાસીઓ એને અમર ગણી પૂજે, પણ એનું કાર્યક્ષેત્ર અસીમિત, એ સમુદ્રી ચાંચિયાઓથી લઇ ક્રૂરતાના શાહ સુધીના વિલિનને હંફાવે ! વેતાલ ઊર્ફે ફેન્ટમનું આ કેરેક્ટર દુનિયાની અડધાથી વધારે ભાષાઓમાં અનુવાદ થઇ ચૂક્યું છે. ફેન્ટમ એટલુંબધું લોકપ્રિય પાત્ર બન્યું કે એનાં કારનામાંઓથી પ્રભાવિત થઇ કેરેબિયન દ્વીપના રહેવાસીઓએ ત્યાંના તાનાશાહ સામે આઝાદી માટે ફેન્ટમ નામથી ભૂમિગત અંદોલન શરૂ કરી દીધેલાં. એનાથી ગભરાઈ આર્જેન્ટીનાના તાનાશાહએ એ કૉમિક્સ પર પ્રતિબંધ લગાવી દીધેલો. આ વાત અહી એ માટે કહેવી જરૂરી લાગી કારણ કે ઘણા માને છે કે કૉમિક્સ તો ફક્ત બાળકોના મનોરંજનનું સાધન છે. આ સિવાય આજે ડી.સી. તથા માર્વેલ જેવી વિદેશી કૉમિક્સ કંપનીઓ અફલાતૂન ફિલ્મો બનાવી અઢળક કમાણી કરી રહી છે એ વાત પણ નોંધવી રહી.
ફરી આપણા મુદ્દા પર પાછા આવીએ. અનંત પાઈ ઇન્દ્રજાલથી સંતુષ્ટ તો હતા, પણ એમનું હૃદય જાણતું હતું કે તે કૉમિક્સમાં ભારતીય બાળકોને વિદેશી સામગ્રી આપી રહ્યા છે. એથી એમણે ભારતીય સંસ્કૃતિ પર આધારિત કૉમિક્સ શરૂ કરવાનો નિર્ણય લીધો અને શરૂ થઈ “અમર ચિત્રકથા” ! અમરચિત્રકથામાં દરેક ધર્મની પૌરાણિક કથાઓ, દંતકથાઓ, પશુ-પક્ષી-પ્રાણીઓની બોધ આપતી કથાઓ, ઇતિહાસનાં પાત્રો તથા સ્વતંત્રતા આંદોલનની કથાઓ, વૈજ્ઞાનિક તથા અન્ય મહાન લોકોના જીવનચરિત્ર પર આધારિત કથાઓ રંગબેરંગી ચિત્રકથા સ્વરૂપે આવતા. ભારતભરમાં અમર ચિત્રકથા વિવિધ ભાષાઓમાં રૂપાંતરિત થતી અને લાખોની સંખ્યામાં વેચાતી. આમ ‘અનંત પાઈ’ બાળકોના ‘અંકલ પાઈ’ બની ગયા.
ચાલો, હવે ફરી થોડા ફ્લેશબૅકમાં જઈએ.
અખંડ ભારતમાં લાહોરથી થોડે અંતરે કસૂર નામનું એક નાનકડું ગામ. એ ગામના પોલીસ જમાદારને ત્યાં સાતમા બાળકનો જન્મ થાય છે, એ છોકરો માંડ છ મહિનાનો થયો ત્યાં કાળ એના બાપને ભરખી ગયો, પરિવારમાં કોઈ વધુ ભણેલું નહી, નિરાધાર પરિવારનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું, એવામાં માર-કાપ, બળાત્કાર, માનવોનું પશુતા, નવ વરસની ઉંમરે આ છોકરાએ દેશના ભાગલા જોયા, જીવ બચાવી આખો પરિવાર ગ્વાલિયરમાં આવ્યો, જ્યાં એની સૌથી મોટી બહેનના લગ્ન થયા હતા, ત્યાં ગુજરાન ચલાવવા આર્ટ શીખેલા છોકરાના મોટા ભાઈએ પેઇન્ટિંગ શરૂ કર્યું, જૂના ગામે જે કંઈ થોડું ભણેલા એ તો ઉર્દૂમાં, આથી ગ્વાલિયરમાં જાહેરાતોના બોર્ડ ચિતરવામાં તકલીફ ઊભી થઈ, સૌથી મોટા ભાઈએ હિન્દી શીખવા એ છોકરાને સ્કૂલમાં મોકલ્યો. એ દિવસોમાં આ છોકરો મજૂરને ચાર આના આપવા ન પડે એટલે પેઇન્ટિંગ માટેનું સાઈન બોર્ડ, બળતી બપોરે માથે ઊંચકીને લઈ આવતો. પુસ્તકો ખરીદવાનાં તો પૈસા ન હોય એટલે લાયબ્રેરી ખૂંદી વળતો. ત્યાં એ ભણતરનાં પુસ્તકો સિવાય પણ પુષ્કળ વાંચતો. નાની ઉંમરે એણે ટોલ્સટોય, મેક્સિમ ગોર્કી, પ્રેમચંદ વગેરેને ખૂબ વાંચ્યા. ગ્વાલિયરમાં બી.એ. પૂરું કર્યા પછી એ મોટા ભાઈ સાથે દિલ્હી આવી ગયો. એ અરસામાં ન્યુઝ પેપરમાં આવતી વિદેશી કૉમિક્સ સ્ટ્રીપથી એ પરિચિત થયો. મોટા ભાઈ તરફથી એને પેઇન્ટિંગનો શોખ લાગ્યો. દિલ્હીમાં એણે દિવસ દરમિયાન કૉમિક્સ બનાવવાનું અને સાંજે કેમ્પ કોલેજમાં એમ.એ. ભણવાનું આરંભ્યું. એક કાર્ટૂનના એને સાત રૂપિયા મળતા. એણે રચેલાં જુદાં જુદાં પાત્રોની કૉમિક્સ સ્ટ્રીપ્સ, ‘શંકર’સ વીકલી’ જેવાં સામયિકો તથા અખબારોમાં છપાવાની શરૂઆત થઇ. જેણે ભાગલા વખતે કોમી રમખાણો જોયેલાં એ બાળમાનસની કલ્પના વરસો પછી પાનાંઓ પર કૉમિક્સ બની અવતરી… એમનાં કોમિક પાત્રો ભારતના લોકજીવનમાં ઊંડા ઊતર્યા. લિમ્કા બૂકમાં એમનું નામ નોંધાયું ને અનેક સમ્માનો-એવોર્ડ્સ મળ્યાં. એ છોકરો આમ તો એક સફળ ડ્રોઈંગ ટીચર બની શક્યો હોત, પણ કૉમિક્સની દિવાનગીએ એને ઇન્ડિયાના વોલ્ટ ડિઝની બનાવી દીધા.
એ હતા, ૧૫ ઓગસ્ટ ૧૯૩૮માં જન્મેલા પ્રાણ કુમાર શર્મા !
વેસ્ટર્ન કૉમિક્સ કલ્ચરમાં હિરો લાંબા-તગડા, હેન્ડસમ અને સુપરપાવર ધરાવતા હોય, પણ અહી પ્રાણસાહેબનાં કોમિક પાત્રો એનાથી તદ્દન ઊંધા… જેમ કે, ચાચા ચોધરી એક ઘરડો-ટકલો માણસ, જેનું મગજ કમ્પ્યુટર કરતાં વધારે ઝડપી ચાલે, દરેક સમસ્યાને તે હસતા-હસતા ઉકેલે, એમની સાથે છે, જ્યુપીટર ગ્રહનો રહેવાસી સાબુ તથા એમનો કૂતરો રોકેટ. એ સિવાય પોતાની મૂર્ખાઈથી બધાનું મનોરંજન કરતો મસ્તીખોર ટેણીયો બિલ્લુ, ખિસકોલી લઇ ફરતી નાનકડી બાળકી પિંકી, ગૃહિણી શ્રીમતીજી, સામાન્ય માણસની સામાન્ય મુશ્કેલી સામે ઝઝૂમતો માણસ રમન તથા ચન્ની ચાચી જેવા અન્ય મજેદાર પાત્રો પણ પ્રાણસાહેબે આપ્યાં. પ્રાણનાં બધાં જ પાત્રો મધ્યમવર્ગી અને સંપૂર્ણ ભારતીય, જેથી પ્રાણસાહેબ પોતે, ને એમનાં પાત્રો, બંનેએ લોકોની અનહદ ચાહના મેળવી. પ્રાણના વિચક્ષણ હ્યુમરથી બાળકો જ નહીં, મોટેરા પણ આ કૉમિક્સ વાંચીને મલકી ઊઠતા.
એક જમાનો હતો, જ્યારે ઉનાળાના લાંબા વેકેશનમાં બાળકો મામાના ઘરે કે પરિવાર સાથે ઉપાડતા ત્યારે ટ્રેનના સફર સાથે કૉમિક્સની મઝા લેતા જતાં. હું પણ એમાંનો એક. હું જ્યારે પણ કૉમિક્સ લેતો ત્યારે એ કોરા પુસ્તકને ખાસ સુંઘતો, કોરા પુસ્તકની એ સુગંધ મને તરોતાજા કરી દેતી. એ આદત આજેય જળવાયેલી છે. મારે તો દરેક પુસ્તક સાથે કંઈ કેટલીય યાદો જોડાયેલી હોય છે. મને યાદ છે કે વેકેશનમાં મામાના ઘરે જતા ટ્રેન મોડી હોય, તો હું ટ્રેન ન આવે ત્યાં સુધી સ્ટેશન પરના બૂકસ્ટોલની સામે કલાકો ઊભો રહી ત્યાં લટકાવેલી કૉમિક્સને જોયા કરતો. મને કૉમિક્સ વાંચવી ગમતી, પણ ભણતરનાં પુસ્તકો જ મુશ્કેલીથી મળતાં, ત્યાં શિક્ષણેત્તર સામગ્રી તો ભાગ્યે જ અપેક્ષિત હોય. જોકે કોઈવાર પપ્પા કૉમિક્સ લઇ આપતાં, તો કોઈવાર ટ્રેન આવી જાય એટલે મમ્મીએ મને ખેચી જવો પડતો, મમ્મી મને ટ્રેન તરફ ખેંચતી ને મારી નજરો પાછળ ફરી હજી કૉમિક્સના કવર પરની રંગીન દુનિયામાં ખોવાયેલા રહેવા ટળવળતી…
હવે ભાગ્યે જ બાળકો કૉમિક્સ વાંચતા દેખાય છે. આજે કૉમિક્સ મળતી નથી છતાં પણ ત્યારનું રેલવે સ્ટેશન પરના બૂકસ્ટોલ પર અટવાઈ પડેલું મારું મન, આ ઉમરે પણ મારા પગને એ બૂકસ્ટોલ પર અટકાવી દે છે, અને હજી કૉમિક્સ લેવા લલચાવી લે છે !
કૉમિક્સની વાત આવી એટલે મારું મન હજી બાળપણમાં ફર્યા કરે છે. એક સાંધો ને તેર તૂટતા હોય એવા સમયસંજોગમાં વાચવાનો શોખ કઈ રીતે પૂરો કરવા મેં મૌલિક ઉપાય શોધી રાખેલા. દોરીને છેડે ચુંબક બાંધી ઘસેડતો, જેથી ધૂળ-માટીમાં છુપાયેલી ખીલી, સ્ક્રૂ તથા નકામું લોખંડ એમાં ચોંટી ભેરવાઈ જતું. એ લઇ હું અને મારો મિત્ર લુહારચાલ અને શહેરની ઘણી બધી ગલીઓમાં ખુલ્લા પગે રખડતા. સાંજે જે ભંગાર એકઠું થાય એ વેચી દેવાનું. પછી જુદી જુદી પસ્તીની દુકાને ‘સર્ચ-ઓપરેશન’ ચલાવી, અડધી કિંમતે વેચાતી કૉમિક્સ લેવાની. રાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે મિત્રો સાથે બેસી મોડે સુધી એ વાંચતા… લેતાવેંત વાંચી કાઢતા !
આમ વિવિધ ‘જુગાડ’થી ભેગા થયેલા પૈસાથી એક દિવસ માટે કૉમિક્સ ભાડે વાંચવા લાવતો. ત્યારે ઘણી દુકાનોમાં ભાડેથી કૉમિક્સ મળી જતી. બીજે દિવસે કૉમિક્સ જો પરત ના કરો તો ભાડું વધુ આપવું પડે, માટે સ્કૂલમાં છેલ્લી પાટલીએ સંતાઈને, પાઠ્યપુસ્તકોમાં છુપાવીને, રાતે ચાદર ઓઢી ટોર્ચની લાઈટમાં, વાંચતો… વાંચ્યા કરતો.
મારા શહેરમાં કૉમિક્સ મેળવવી આમ તો મુશ્કેલ કામ હતું. શહેરથી દૂર ખૂણેખાંચરે આવેલી એક-બે દુકાનો સિવાય કૉમિક્સ મળતી નહીં. દર મહીને સેટરૂપે પ્રકાશિત થતી હોવાથી કૉમિક્સમાં પણ કેટલીક વાર્તાઓ બે-ત્રણ ભાગમાં આવતી. મમ્મી એ સીવણના સંચામાં સંતાડેલા, ઘરના ખૂણેખાંચરે જમા થયેલા, ક્યારેક ભૂલથી ખર્ચા કે નાસ્તા માટે મળેલા પૈસા નાસ્તો ન કરી બચાવેલા, સાઇકલ-પંચર કે શૈક્ષણિક સાધનો લાવવાનાં બહાને મેળવેલા, નોટબુકોને કવર-સ્ટીકર નહીં લગાવી બચાવેલા, પપ્પાના ખિસ્સામાંથી સેરવેલા, એમ વિધવિધ રીતે પ્રાપ્ત કરેલા ‘સિક્કાઓ’થી હું કૉમિક્સ લેતો, એ પૈસા લઇ દર બે દિવસે કેટલાય કિલોમીટર સાઇકલ હાંકી, ક્રમશ: કોમિકસનો બીજો ભાગ આવ્યો કે નહિ એ શોધમાં રહેતો. ઘણા ધક્કા પછી જ્યારે એ ભાગ મળતો, ત્યારે રસ્તામાં આવતા એક બાગની લસરપટ્ટી પર બેસી વાંચી જતો. કૉમિક્સની વાંચવાની એ તલબ, એ ઝંખના, એ ઈન્તેજારી, એ ગાંડપણ આજેય બરકરાર છે !
હવે પ્રશ્ન એ કે કોમિકસનો રાગ અહીં શું કામ આલાપવો? તો કે ફેસબૂક-વોટ્સઅપની ભવ્ય ભ્રામિક દુનિયાને લીધે આજે, ગુજરાતી ભાષામાં ‘ઓથરો’ના (માત્ર લેખકો નહીં હોં કે) ફાટી નીકળેલા રાફડામાં સારા વાચકો કેટલા?, એ પ્રશ્ન મને ઘણા સમયથી મૂંઝવી રહ્યો છે. સારું સાહિત્ય ફક્ત સારા સાહિત્યકારો દ્વારા જ ટકે કે સારા વાચકોની પણ જરૂર પડે? હવે જરૂર સારા વાચકોની વધારે લાગે છે. ભલે કૉમિક્સરૂપે, શું આપણે બાળકોને બાળપણથી વાંચવા પ્રોત્સાહિત ન કરી શકીએ?
મારા મતે તો કૉમિક્સથી બાળકો વાર્તા, એની ગૂંથણી, એનું કથન તથા ચિત્રકળા જેવાં કળાક્ષેત્રો તરફ આકર્ષાઈ શકે, કમસેકમ બાળપણથી વાંચનશોખને લીધે એમનામાં કલાપ્રેમનું તો સીંચન થાય જ છે. વાંચનપ્રેમી બાળકો પોતાની કાલ્પનિક દુનિયામાં વિહરતા થઇ મૌલિક પાત્રોનું પણ સર્જન કરે છે, પોતે વાર્તાઓ બનાવે છે, સારી વાતો શીખે છે, કલાપ્રેમી ને સર્જનાત્મક બને છે.
ઉપરાંત હા, આ લેખમાં જેટલી જગ્યાએ ‘હું’ અને ‘મેં’ આવ્યું એ ફક્ત હું નથી, પણ મારા જેવા હજારો કૉમિક્સપ્રેમીઓની આ કથની છે.
-તો આજે જરૂર છે, સારા પુસ્તકપ્રેમીઓની.
એક આડવાત. ૧૯૩૮માં છપાયેલી સુપરમેનની દુર્લભ ગણાતી કૉમિક્સ ૨૦૧૪માં હરાજીમાં ૩,૨૦,૭૮૫૨ ડોલરમાં વેચાઈ, એ કૉમિક્સપ્રેમ ને વાચનપ્રેમનો જ પ્રતાપ ખરોને? ચાલો આ તો વિદેશી થયું, આપણી ભારતીય કૉમિક્સ પણ, જે અપ્રાપ્ય હોય, બંધ થઇ ગયેલા પબ્લિકેશનની હોય ને દુર્લભ હોય, એવી કૉમિક્સ ફેસબુક જેવા માધ્યમથી ૧૦૦ ગણી વધુ કિંમતે વેચાય છે. એમાય લેખક કે ચિત્રકારના ઓટોગ્રાફ વળી પ્રતના ભાવને અનેકગણા વધારી દે છે. એની સામે વાત કરું તો દર રવિવારે બંધ દુકાનો આગળ ફૂટપાથ પર પુસ્તકોનો ઢગલો લઇ કેટલાય પસ્તીવાળા બેસે છે, જેમની પાસેથી જૂનાં અને ઘણાં દુર્લભ પુસ્તકોય મળી રહે છે. કૉમિક્સ અને સાહિત્ય કેટલાક અંશે જુદા છે, છતાં શું આપણા લેખકો કંઈ નબળા છે? આપણા ‘લેજેન્ડરી’ સર્જકોની પ્રારંભિક હસ્તપ્રતો ને પુસ્તકો, કોઈ રસિક એટલી મોઘીં નહી તો કમસે કમ મૂળ કિંમતે પણ ન ખરીદી શકે? ફક્ત પ્રકાશકોના ધંધાર્થે નહીં, પણ એક પુસ્તકપ્રેમી તરફ બીજા પુસ્તકપ્રેમીની કદરદાની ચર્ચા છે. કૉમિક્સના છે એવા જનૂની વાચકો સાહિત્યિક પુસ્તકોના ન હોઈ શકે?
બીજું એક ઉદાહરણ, એક વાચક-ચાહકે બંધ થવાની અણી પર પહોચેલા પબ્લીકેશન પાસે પોતાને ગમતી એક દુર્લભ કૉમિક્સની ૧૦૦૦૦ પ્રતો છપાવડાવી, કેમ કે એ પબ્લિકેશન તો મોટી સંખ્યામાં જ છાપે, અને બીજે ક્યાંયથી એ પ્રત મળે એમ નહોતી. તો શું આ મૂર્ખાઈ છે? હશે. અમુક લોકો માટે એ મૂર્ખાઈ હશે, પણ મારા મતે એ પુસ્તકપ્રેમ છે, કૉમિક્સપ્રેમ છે, એ પુસ્તક સાથે જોડાયેલી એની યાદો છે, એક સારા વાચકની ચાહના છે, વાચક તરફથી સર્જકને ટ્રીબ્યુટ છે, એ પુસ્તકના ચિત્રકાર અને લેખકની કદરદાની છે !
અત્યારે આવા વાચકોની તાતી, અર્જન્ટ, યુદ્ધનાધોરણે જરૂર છે.
‘ઓથર’ તરીકે પ્રસિદ્ધિની ઘેલછા ધરાવનારાઓને લાગે છે કે એકાદ ચોટદાર અને ભાવનાત્મક લખાણ લખવું અને છપાવડાવી દેવું એટલે બની ગયા લેખક !? મનમાં એક નાનકડું છમકલું ફૂટતા, પાનાંનાં પાનાંઓ ભરી નાખતાં આ ઓથરોને, ઓલ ઈન વન ને ઍવરગ્રીન કલાકાર આબિદ સુરતીના એક ઈન્ટરવ્યુનો આ અંશ, મારા જેવા સામાન્ય વાચક-પુસ્તકપ્રેમી તરફથી સાદર અર્પણ.
“में करीब छह या सात साल का था | उन्ही दिनों दुसरे महायुद्ध के सैनिक, जब वे यहाँ से गुजरते थे, बम्बई से बर्मा जाने के लिए| तो यहाँ बम्बई में वो लोग डोक यार्ड में उतरते थे | वहां से एक छोटी सी ट्रेन जो होती थी वो उन्हें वी.टी तक लेकर जाती थी| जो अब वह पटरी भी नहीं रही और ट्रेन भी नहीं रही| वह ट्रेन बहोत ही धीमी गति से चलती थी| और उसमे सारे अंग्रेज या गोरे सैनिक रहते थे | हम सारे बच्चे उस ट्रेन के पीछे दोड़ते थे, भीख मांगते थे, की भाई कुछ पैसे फेंक दो या कुछ खाना फेंक दो | तो ये सैनिक लोगोंने कभी चोकलेट फेंक दी, कभी किसीने कुछ सिक्के फेंक दिए | और हम छिना ज़पटी करते हुए ट्रेन के पीछे दोड़ते रहते थे | तो एक बार एसा हुआ कि एक सैनिक ने एक कॉमिक्स फेंक दिया ट्रेन में से | अब उन दिनों मे कॉमिक्स किसीने देखी ही नहीं थी | क्योंकि इंडिया में कॉमिक्स थे ही नहीं | जो भी कॉमिक्स थे वो कभीकभार कोई यात्री ले आता था विदेश से या इस तरह सैनिक लोग जो आते थे वो कोमिक्स ले कर आते थे | इसके आलावा कोई जरिया नहीं था कॉमिक्स का, के भाई जाके कहीं से खरीद सके या कहीं जाके पढ़ शके | लायब्रेरी में तो कॉमिक्स रखने का चलन ही नहीं था | तो जैसे ही ये पहेला कोमिक्स फेंका गया हम सारे बच्चे टूट पड़े | टूट पड़े तो किसी के हाथ में कुछ आया, दो पन्ने आये, किसी के हाथ में चार पन्ने आये | मेरे हाथ में एक पन्ना आया | वो पन्ना लेके में घर पहोंचा तो मुजे लगा की ये तो मैं भी कर सकता हूं | और मैंने प्रेक्टिस करना शुरू कर दिया | मिकी माउस का कॉमिक्स था वो | तो प्रेक्टिस शुरू की तो मेरा हाथ बेठने लगा कार्टून में | तो वो एक पन्ने की वजह से आज में कार्टूनिस्ट भी हूं |” -અસ્તુ.