રાજેશનું મૂળ નામ તો રામજી હતું, આઠમી ચોપડીમાં પડ્યો ત્યાં સુધી, પણ પછી એણે જ એ બદલીને રામજીનું રાજેશ કર્યું. શાથી? તો કહે કે રામજી જૂનું છે, એ ન શોભે!
એની મા લખમીને થયું, આવું રૂડું ભગવાનનું નામ, એ હવે જૂનું પડ્યું ! ભગવાનના નામમાં તે વળી જૂનું ને નવું, એવું કૈં હોતું હશે? ભગવાન કે દી હતા ને કે દી નૈં, કે એમનું નામ જૂનું પડે?
લખમીએ પોતે પસંદ કરીને એ નામ પાડેલું ને તે પણ એમ કરીને કે દીકરાને બોલાવીએ તે ભેગું ભગવાનનું નામ પણ લેવાય. એના બાપ નરસૈંને ગળેય એ વાત ઊતરેલી, પણ પછી શું થયું તે એય દીકરાના પક્ષે થઈ ગયા તે રહીરહીને એટલાં વરસે રામજીનું રાજેશ કરવામાં વાંધો ન લીધો.
ભણવાની કો’ક ચોપડીમાં આ નામ આવતું’તું. લખમીએ અરથ પૂછ્યો તો કે’ કે મોટો રાજા.
જો એમ હોય તો પેલું શું ખોટું હતું, રામજીથી મોટો રાજા કોણ? લખમીએ દલીલ કરી પણ ન માન્યો, કહે કે જમાના પરમાણે બધું જોવે.
લખમી તો રામજીને ઝાઝું ભણાવવાના મતની પણ ન હતી…
હા, રામજીએ ભલે રામજીનું રાજેશ કર્યું, પરંતુ લખમી તો એને છેક હમણાં સુધી રામજી જ કહેતી.
છેક હમણાં સુધી એટલે?
એની વાત પછી.
લખતાં-વાંચતાં આવડવું જોઈએ એવો મત તો લખમીનો પણ હતો, કાળા અકશરને કૂટી મારવાના મતની તો એ પણ નહોતી પણ એનું કે’વું એમ હતું કે આ ભણવાનું તો કદી ખૂટે જ નૈ’ એ કેવું!
પરંતુ લખમીએ જોયું કે જેટલી હોંશ રામજીને ભણવાની હતી એથી અદકી નરસૈંને ભણાવવાની હતી. ગામની નિશાળમાં ભણવાનું પૂરું થયું એટલે પડખેના ગામની મોટી નિશાળમાં મૂક્યો.
સવારમાં જાય તે સાંજ પડતાંમાં આવે, પરોઢિયે ઊઠીને ચોપડા લઈને બેસે. નાહીધોઈને જેમતેમ ખાવાનું પતાવીને દોડે. ખાવાનું તો શું હોય એટલા વહેલા? શિરામણ જેવું. તેય અધ્ધર જીવે, બસ ઊપડી જવાની ધાસ્તીમાં ને ધાસ્તીમાં ઘણી વાર તો છેલ્લો કોળિયો પૂરો ગળા હેઠ ઊતર્યો ન ઊતર્યો ને ડેલી બહાર દોટ મૂકે.
લખમી રોકટોક કરે તોય વખતસર ચોપડી મૂકીને ઊભો થાય નહિ, પછી શું થાય? હવે એ ધરાઈને ખાવા પામતો ન હોય પછી લખમીનો જીવ પણ ખાવામાં કેમ રહે? મોંમાં કોળિયો મૂકે ને બધું યાદ આવે.
સાંજેય એવું. પાછા વળતાં કોક વાર બસ ચૂકી જાય કે કોક વાર બીજું કાંઈ. ઘરે પહોંચે ત્યારે આખા દીનો થાક્યોપાક્યો હોય. ખાવા કરવામાં કાંઈ રસ જ પડતો ન હોય એમ મોંમાં કોળિયા મૂકતો જાય. પછી પાછો આંખો બગાડવા બેસે ને એવો ને એવો ઊંઘી જાય.
રામજીને આમ રગદોળાતો જોઈ લખમીનો જીવ બળ્યા કરતો’તો. સામે નરસૈંને હૈયે હરખ માતો ન હોય એમ લાગતું’તું. મોટી નિશાળની છેલ્લી ચોપડીમાં પાસ થયો તૈ’યે એમણે આખા ફળિયામાં જ નૈં, આખી નાતમાં પેંડા વહેંચ્યા.
લખમીને હતું કે રામજી હવે તો કાંક ઠરીઠામ થઈને બેસશે. બાપનો ધંધો સંભાળશે. વરસો જૂની દુકાન હતી. જામેલો ધંધો હતો. આ ઘર ઘરનું થઈ ગયું, ઘરે દુઝાણું થયું, આ બે પાંદડે થયાં તે બધું એમાંથી જ ને?
પણ લખમીના અચંબાનો પાર ન રહ્યો, જ્યારે એણે જાણ્યું કે રામજી તો હવે મોટા શે’રમાં ભણવા જાવાનો છે, અને એ પણ પૂરાં પાંચ વરસ. રે’શે પણ ત્યાં બોર્ડિંગમાં.
લખમીના જીવને કાંઈ કાંઈ થાતું’તું, પણ કે’ કોને? રામજીને કે’વાનો તો કાંઈ અરથ નો’તો, કેમ કે એનો પગ તો હમણાં પટ ઉપર પડતો નો’તો.
‘એ તો છોકરું, પણ આપણે એના પર લગામ રાખવી જોવેને?’
લખમી નરસૈંને સમજાવવાની કોશિશ કરતી’તી, પણ એને લાગ્યું કે એમનો જીવ ઠેકાણે નથી. લખમી જાણે છોકરું હોય એમ એની વાત સાંભળીને હસી પડ્યો. પાછો ઉપરથી કહે છે, તને એમ છે કે એ દુકાનને થડે બેસશે?
લખમીને આ વાતેય આંચકો લાગ્યો’તો દુકાનને થડે બેઠા એમાંથી તો આ બધું સૂઝે છે ને હવે એની જ નાનમ લાગે છે! શું જમાનો આવ્યો છે! પણ એને એટલું સમજાઈ ગયું કે હવે દીકરાની જેમ બાપનેય કે’વાનો કાંઈ અરથ નથી.
રામજીને જાવાની તૈયારીઓ ચાલી.
લખમીએ યાદ કરી કરીને બધી ચીજવસ્તુઓ ભેગી કરી. એક મોટી ટ્રંક, એક ડબ્બો, એક મોટું બેડિંગ પ્રાયમસ, તપેલી, સાણસી, ગ્લાસ, ડિશ વગેરે કેટલુંય.
એ જોઈને રામજી હસ્યોઃ
મા, એ ગામડું ગામ થોડું છે? એ તો મોટું શે’ર છે, શે’ર. ત્યાં બધી ચીજવસ્તુ મલે, પછી નકામો અહીંથી ભાર શું કામ ઉપાડવો?
ને એક બૅગ ઉપાડીને માંડ્યો હાલવા. બધું પડ્યું રહ્યું એમ ને એમ.
નરસૈં પડખેના સ્ટેશન સુધી મૂકી પણ આવ્યો.
રામજીના ગયા પછી લખમીને થોડા દિવસ તો બધું યાદ આવતું રહ્યું. રામજીને દૂધ આપવાનો વખત, રામજીને જમવા બેસવાનો વખત, રામજીને નિશાળેથી આવવાનો વખત… પણ હવે પોતે કાંઈ કરી શકે એમ નહોતી. રામજીના કાગળની રાહ જોયા સિવાય હવે બીજું કાંઈ કરવાનું નો’તું.
રામજી કાગળ નિયમિત લખતો પણ લખમીને તો એમાંય કશા ભલીવાર લાગતા નહિ. ટૂંકો ને ટચ કાગળ. એમાંય ખાસ તો ફરીફરીને એક જ વાત કહેલી હોય, પોતે બરોબર છે ને કોઈ વાતે ચિંતા કરવી નહિ. લખમીને એક વાતની પાકે પાયે ખબર હતી કે એ રાતદા’ડો નીચું ઘાલીને આંખ્યું બગાડતો હશે ને ખાધાપીધાનું ભાન રાખતો નહિ હોય. એ સિવાય કાંઈ ખબર તો હતી નહિ કે સંભારે, અટાણે એ આમ કરતો હશે ને અટાણે એ આમ.
રજા પડે ત્યારે બે વાર એ ઘરે આવતો, પણ એય થોડા દી સારુ, કહે કે હવે તો એ એવી ચોપડિયું વાંચે છે કે એ ચોપડિયું સારુ કરીને પણ શે’રમાં રે’વું પડે ને વાંચવા જાવું પડે.
એ તો જાણે સમજ્યા, જેમ એને ઠીક પડે એમ; પણ ત્યાં રહીને ને ભણીભણીને એ એવો મૂંજી થઈ ગયો છે કે રહે એટલો વખત પણ ખાસ કાંઈ વાત કરે નહિ. બસ, પૂછીએ એટલો જવાબ.
ને આપણેય પૂછીપૂછીને કેટલું પૂછીએ? આપણને એની કાંઈ ખબર હોય તો કાંઈ પૂછવાનું’ય સૂઝેને? અને પાછું એમેય થાય કે બહુ પૂછપૂછ કરીએ તે પાછું એને ગમે કે ન ગમે.
નરસૈં એને સમજાવતો કે એ તો એને વિચારવાનુંય બહુ હોય એટલે આપણને એમ લાગે.
ઠીક ભાઈ!
પણ આ બધામાં લખમીને કાંઈ ઝાઝી ગમ પડતી નૈં.
પણ પછી ધીમેધીમે એના વિચારો પણ ઓછા થતા ગયા. ભગવાન એને સાજોનરવો રાખે ને ભણી રહ્યા કેડે જેવો હતો એવો પાછો ઘરે પહોંચાડે એટલે બસ. ભગવાનનું નામ લેતાં લેતાં લખમીથી મનોમન આવી જ અરજ થયા કરતી.
પણ નરસૈંની હોંશ ઓછી થતી નો‘તી. રામજીનો કાગળ વાંચીને એ લખમીને ઘણી વાર ખબર આપે, રામજી ભણવામાં કેટલો આગળ નીકળી ગયો છે ને ત્યાં કને એનું કેટલું માન છે!
પણ ભગવાને કેવો છે! નરસૈંને લઈ લીધો, અને એ પણ ક્યારે? રામજી પૂરું ભણી ઊતર્યો, એને નોકરીનું બરોબર ઠેકાણું પડવાનું હતું ત્યારે.
નરસૈંએ કેટલા હરખથી દીકરાને મોઢે એ બધી વાતો સાંભળી હતી! પાંચ-સાત મોટામોટા સાહેબોએ ધડાધડ પૂછવા માંડેલા સવાલોના રામજીએ જરાય મૂંઝાયા વગર ફટાફટ જવાબ દીધા હતા. સૌથી મોટા સાહેબ એનાથી એટલા ખુશ થઈ ગયા કે એ ટાણે જ એની નોકરીનું પાકું કરી નાખ્યું; ખાલી ક્યા ગામ એટલું કે‘વાનું જ બાકી રાખ્યું. એ અઠવાડિયા-પંદર દીમાં કે’શે.
આવી બધી વાતું સાંભળીને નરસૈં દુકાને ગયો તે ગયો, પાછો આવ્યો જ નહિ. સમાચાર આવ્યા કે એનો જીવ આ બધી વાતુંમાં જ રમતો’તો. જે આવે એને બધું માંડીને કહે, ને એમ એક જણ કને વાત કરતાં કરતાં અધવચ્ચે અટકી ગયો. પેલાનું ધ્યાન ગયું તો મોઢા પર કાંઈ પરસેવો કાંઈ પરસેવો! ને ખભામાં ભયંકર દુખાવો ઉપડેલો. પેલાએ આજુબાજુથી માણસ ભેગા કર્યા. એક જણ દોડતોકને રામજીને તેડવા આવ્યો. રામજીને ઠીક સૂઝ્યું તે દાક્તરને ભેગો લઈને જ ગયો. ભણેલાનો આ પરતાપ, ખરે ટાણે એની મતિ સવળી રહે, અભણની જેમ એ ઘાંઘા ન થાય. પણ એ પહોંચ્યા ત્યારે તો કાંઈ ન હતું.
નરસૈંનું બારમું પત્યું તેને બીજે જ દી રામજીની નોકરીનું ઠેકાણું પડ્યાનો કાગળ આવ્યો એટલે એને જાવું પડ્યું, પણ અઠવાડિયું’ય નૈં થયું હોય ત્યાં પાછો આવી ગયો.
આવીને તાત્કાલિક જે પતાવવા જેવું હતું તે પતાવવા માંડ્યું. ખાસ તો નરસૈંની પછવાડે જે કારજ કર્યું હતું એની ચીજવસ્તુના જે પૈસા બાકી હતા તે ચૂકવી દીધા અને દુકાનમાં જે માલ ભર્યો હતો તેમાંથી તરત આપી દેવા જોગ હતો તેની ગોઠવણ કરી દીધી. દુઝાણામાં બે ગાય હતી એને હાલ તુરત પરમા પટેલને આંગણે બાંધી ને ઘરમાંય ઢાંકોઢૂંબો કરી દીધો.
લખમી કશું બોલ્યા ચાલ્યા વગર એને આ બધું કરતો જોઈ રહી. મનમાં કાંઈ કાંઈ થાતું હતું પરંતુ કહી શકાતું નહોતું. આ ઘર આ રીતે કોઈ દિવસ સમૂળગું બંધ થયું નથી. આ આંગણું ગાયો વિના કેવું અડવું લાગે છે!
નરસૈંએ આ દુકાન ખરીદી, ધંધો વિકસતો ચાલ્યો અને દુકાન પણ મોટી થતી ગઈ. કેટલાય ઘરાકો સાથે તો જાણે ઘર જેવો સંબંધ બંધાઈ ગયો. ખરીદી કરતી વખતે ભાવેય પૂછે નહિ એટલો વિશ્વાસ. સામે નરસૈં પણ એવા લોકો કને કોઈ દા’ડો ઉઘરાણી કરે નૈં. આખો વહેવાર જીવતો.
લખમીને હજુ એમ થયા કરતું’તું કે આ રામજીની નોકરીમાં માણસ માણસ વચ્ચે આવો સંબંધ ને આવો વહેવાર હશે ખરો? એ શું ભાળીને આ આવું બધું છોડી દેવા તૈયાર થયો હશે એ એને સમજાતું નહોતું.
સાચું પૂછો તો લખમીની પોતાની આ રીતે જાવાની તૈયારીય નહોતી ને એને તો એમ જ હતું કે પોતે તો અહીંયાં જ રે’શે, આ ઘર છોડીને એણે ક્યાં જાવાનું હોય ને જાવું’ય શા સારું જોયે? નરસૈં શું નથી મૂકી ગયો? એણે તો મનોમન બધી ગણતરીય માંડી રાખેલી કે દુકાન કો’કને ચલાવવા દઈ દેવાશે. કો’કને કો’ક એવું મળી રે’શે. આવડા મોટા ઘરનુંય પછી પોતાને એકલીને શું કામ પડવાનું, અડધો ભાગ ભાડે દઈ દેવાશે, કેમ કે રામજી તો હવે અહીંયા રે’વાનો જ નૈં. આવે-જાય તોપણ કેટલા દી? ને દુઝાણું તો છે જ. એમાં દી પણ નીકળશે, ગાયોની તો પોતાને કેટલી મમતા છે!
પણ બધું લખમીની ધારણા બહારનું જ બનતું ચાલ્યું. રામજીએ એને કીધું કે ત્યાં તો એને રે’વાનું મોટું ઘર પણ મળ્યું છે ને કોઈ વાતે તકલીફ નથી. એ તો ઠીક, પણ માને આમ એકલી રે’વા દેવા એ તૈયાર જ નો’તો.
લખમીમાનું છેવટે કાંઈ ન હાલ્યું ત્યારે એ ગયાં. પણ એ વખતેય એમના મનમાં તો એમ જ હતું કે પોતે પાછાં અહીંયાં આવતાં રે’શે. ત્યાં કને તો પોતાને કેટલા દી ફાવે? કાંઈ નૈં તો રામજી પરણશે ને એને ઘરે વહુ આવશે પછી તો પોતે અહીંયાં કને આવીને જ રે’શે.
પણ બન્યું ત્યારે કાંઈક જુદું જ. લખમીમાએ જઈને જોયું તો રામજીનું તો સરસ મજાનું ઘર હતું: બેસવાનો ઓરડો, સુવાનો ઓરડો, ઓફિસ કામનો ઓરડો, નાનકડી અગાસી, રસોડામાંય તમામ સોઈસગવડ.
આવડા મોટા ઘરમાં બે જ જણાંએ રે’વાનું ને તેમાંય રામજી તો લગભગ આખો દી ઘરની બા’ર જ હોય. લખમીમા એકલાં ને એકલાં. ઘડીક આ ઓરડામાં બેસે ને ઘડીક પેલા ઓરડામાં. પાછું એકેએક ઓરડામાં બેસવા-સુવાની સગવડવાળું રાચરચીલું.
એકલાં તો એકલાં, લખમીમાને ગોઠી તો ગયું. રામજીને એમની જે વાતે ખાસ ચિંતા હતી એ વખત ખુટાડવાનો સવાલ પણ એમને ખાસ નડ્યો નહિ. અહીંયાં એ ગામની જેમ બહુ વહેલા જાગી જતાં નહિ. જાગી ગયા પછી પણ સૂઈ રહેવું ગમતું. ગામમાં તો આંખ ઊઘડે પછી પથારીમાં પડી રહેતાં ભારે અસુખ થતું.
દેવદેવલાં એ ગામથી પોતાના ભેગાં લાવ્યાં હતાં અને એક કબાટમાં પધરાવ્યાં હતાં. ઊઠ્યા પછી નાહીધોઈને પૂજાપાઠ માટેનો પૂરતો વખત એમને રહેતો. રામજી ઊઠે એટલે લખમીમા બે જણાંની ચા મૂકે. રામજીને નાસ્તાની ટેવ નો’તી પણ એને ચા મોટા બે કપ ભરીને જોવે. લખમીમા ચા ભેગી રોટલી-ભાખરી કે એવું કાંક લે. લખમીમા બેય ટંક રસોઈ બરોબર કરે. પાસે બેસીને રામજીને જમાડે ત્યાર પછી જ એમને ગળે કોળિયો ઊતરે.
ઘરનું બધું જ કામકાજ કરવા માટે રામજીએ નોકરની વ્યવસ્થા કરી હતી, પરંતુ લખમીમાએ બધું કામ જાતે જ પતાવી લેવા માંડ્યું. ઘર વાળી-ઝૂડીને ચોખ્ખુંચણાક રાખવા માંડ્યું. એમને ઘસીઘસીને પોતાં કરતાં જોઈને રામજીને નવાઈ લાગતી. એ ઘણીવાર કહેતોઃ
‘મા, તમે તો જાણે આપણું પોતાનું ઘર હોય એટલી મહેનત કરો છો!’
લખમીમા સાવ સહજભાવે જવાબ આપતાં:
‘આપણે રહીએ એટલે આપણું ઘર, બીજું શું?’
અને આમ જુઓ તો ખરેખર આ વરસેક દહાડામાં લખમીમાને આ ઘર સાથે મમતા બંધાઈ ગઈ હતી. ઘરમાં ને ઘરમાં આખી દિનચર્યા કેવી ગોઠવાઈ ગઈ હતી અને દિવસ કેવો પસાર થઈ જતો હતો! સવારસાંજ દૂધ લેવા કે લારીવાળા પાસે શાકભાજી લેવા એ બહાર નીકળતાં એ જ, બાકી ઘરમાં ને ઘરમાં અને હવે તો આ દૂધવાળો અને શાકવાળો પણ ઘરના માણસ જેવા થઈ ગયા હતા, છેક બારણે આવીને લખમીમાના નામની બૂમ પાડતા.
લખમીમાને આ રીતે ગોઠવાઈ ગયેલાં જોઈને રામજીનેય નિરાંત થઈ હતી.
ગામમાં દુકાન, ઘર અને ગાયોનો પ્રશ્ન હજુ વિચારવાનો હતો. બહુ વિચિત્ર પ્રશ્ન હતો આ. આમ જોવા જાઓ તો એનો ઉકેલ તદ્દન સરળ લાગતો. એમ સમજાતું કે બધું હવે વેચી નાખવા સિવાય એનો ઉકેલ બીજો શો હોઈ શકે? પણ લખમીમાને ગળે વાત શી રીતે ઉતારવી એવી મૂંઝવણ થાતી હતી અને રહીરહીને એને પોતાનેય કોણ જાણે શાથી એમ તો થયા જ કરતું હતું કે આ રીતે બધું સંકેલી લેવું, ગામ સાથે આટલો જલ્દી-એક જ ઝાટકે છેડો ફાડી નાખવો એ શું ઠીક થશે? પરંતુ આ રીતે વખત વીતવા દેવામાં લાભ પણ શો હતો?
એણે લખમીમા આગળ વાત મૂકીઃ
‘-આ કાંઈ એવી વસ્તુઓ તો છે નહિ કે દાબડીમાં સાચવીને રાખી મુકાય ને મન થાય ત્યારે ઉઘાડીને જોઈ લઈએ. આપણે આટલે દૂર હોઈએ, ત્યાં એ બધાંનું ધણીરણી કોણ? વખત વીતે એમ બધું બગડતું જાય… ને આમ કરતાં આ પૈસા ઊપજે તે આપણને કામ લાગે.’
લખમીમા વિચારી રહ્યાં, રામજીની વાત આમ દેખીતી રીતે ખોટી હોય એમ લાગતું નહોતું. પછી વિચારી વિચારીને કેટલું વિચારે ને શું વિચારે?
એમણે કહી દીધું:
‘ભલે ભાઈ, તને એમ ઠીક લાગતું હોય તો એમ.’
એ પછી તોય થોડા દી તો એમને ચેન ન પડ્યું. એ ઘર, ગાયો, બધું સાંભર્યાં કર્યું, જાણે આજે એ છોડવાનું આવ્યું ન હોય! અત્યાર સુધી જે લાગણી ભારેલી પડી હતી તે જાણે જાગી ઊઠી અને આ બધાં વિનાના જગતમાં જીવવાની વાત વસમી થઈ પડી.
રામજી આ બધું આટોપવા ગામ ગયો ત્યારે લખમીમાને એકવાર એની જોડે જવાની ઈચ્છા થઈ આવેલી. એકવાર બધું મન ભરીને જોઈ લે પરંતુ પછી એમણે મનને માર્યું, એ બધું છોડીને પાછા કેમ અવાશે? અને એમાંય એ બધું વેચાઈ રહ્યું હોય એ વખતે તો…
એવા વિચારથીય એમનું હૈયું ભરાઈ આવ્યું હતું. એમણે એને શાંત કરવા પાછું વિચારવા માંડ્યું, કેટલું ભલું થયું કે એવો પ્રસંગ ઊભો થયો એ પહેલાં જ પોતે અહીંયાં આવી ગયાં! એ વખતે ખાલી જુદા પડવાનો ભાવ મનમાં હતો, કાંઈ છોડવાનો નહિ. આ સઘળું પોતાનું જ છે ને પોતે ફરી પાછાં આ બધાંની વચ્ચે આવવાનાં જ છે એવી લાગણી હતી.
અને હવે?
પાછું બધું ધીમેધીમે ભુલાવા માંડ્યું હતું. જે હતું એની સાથે એવી મમતા બંધાવા લાગી હતી અને દિવસ તો ક્યાં પસાર થઈ જતો હતો એની ખબરે પડતી ન હતી.
એવામાં એક દિવસ એક મહેમાન આવ્યા. રામજી તો ઘરે હતો નહિ. એમણે લખમીમા જોડે જ વાત કરવા માંડી અને વાત કરવાની ઢબ પણ એવી હતી કે જાણે એ પોતાની સાથે જ વાત કરવા આવ્યા હોય એમ લખમીમાને લાગતું હતું.
થોડીવાર આડીઅવળી વાત કર્યા પછી એમણે ફોડ પાડ્યો કે એ તો રામજી માટે પોતાના એક સગાની દીકરી ચેતનાની વાત લઈને આવ્યા છે, ત્યારે લખમીમા અચંબામાં પડી ગયાં. અચંબો એ વાતે કે દીકરાની સગાઈ કરવાની વાત પોતાને કેમ આટલો વખત યાદ આવી નહિ! અને અત્યારેય એમને જવાબ તો એવો જ સૂઝ્યો કે તમે રામજીને મળી વાત કરો.
સજ્જન હસ્યા.
અમારે એક વાર તો તમને જ મળવાનું હોય ને માજી? તમે વિચાર કરો ને ભાઈ સાથે ચર્ચા કરી લો પછી તમે કહો એમ મળવાનું ગોઠવીએ.
પછી પૂછ્યા વિના એમણે કુટુંબની વિગતો આપી. એમાં લખમીમાને રસ પડ્યો. આમ છતાં એ કોઈ પ્રકારની ચર્ચામાં સામે થઈ શક્યાં નહિ.
રામજી ઘેર આવ્યો ત્યારે લખમીમાએ વાત કરી તો એ એમાંનું કંઈ કંઈ જાણતો હોય એમ લાગ્યું, પણ એ ઝાઝું બોલ્યો નહિ એટલે લખમીમાએ ભારપૂર્વક કહ્યું:
‘તને ઠીક લાગતું હોય તો હા પાડી દે.’
રામજીએ ના પાડવાનું કોઈ કારણ નહોતું. ભણતર, દેખાવ, કુટુંબ અંગે પણ કંઈ પ્રશ્ન કરવો પડે એમ નહોતું અને સગાંસંબંધીઓમાં તો કોને પૂછવાનું હતું? વૃદ્ધ કાકા વેપાર કરતા દીકરાઓ સાથે દૂર વસતા હતા એમને ઔપચારિક જાણ કરવાની હતી.
એકાદ મુલાકાત ગોઠવાઈ ને બધું નક્કી થઈ ગયું. એમ લાગ્યું કે સગાઈ એ તો જાણે લગ્નની તિથિ મહિનો નક્કી કરવાનો પ્રસંગ હતો, કન્યાપક્ષની વાતો પરથી એમ લાગ્યું કે એમણે કરેલી પસંદગી પાછળનું આ પણ એક કારણ હતું, આટલી સરળતા, આટલી સાદગી અને સગાંસંબંધીઓની લપછપ નહિ.
લગ્નની ઘટના રામજી કરતાં લખમીમાના જીવનમાં મહત્વની બની ગઈ. કોઈ સાવ અજાણી વ્યક્તિની હાજરીથી પણ વાતાવરણ કેટલું સંકોચાઈ જતું હોય છે, ત્યારે આ તો આખા ઘરમાં હરતી-ફરતી મૂર્તિ?
ઘર મોટું હતું એટલુંય ઠીક હતું, લખમીમા આમતેમ આઘાંપાછાં થઈને એકાંત મેળવી શકતાં હતાં; પણ એમ કર્યાથીય ક્યાં જંપ વળે એમ હતું? કેમ કોઈ વરતાતું નથી? બારણું ખુલ્લું તો નથી રહી ગયુંને? આ શાનો અવાજ થયો? કેટકેટલાં કારણ હતાં વચ્ચેવચ્ચે જુદી જુદી જગાએ જઈને ડોકાં તાણી આવવા માટે?
અને એમ કરવા જતાં જ્યારે ચેતના સામે મળે કે નજરે પડે ત્યારે મારગ રોકાઈ જતો હોય એમ લાગતું હતું!
એવું કેમ લાગતું હતું?
એમનો સંચાર થતાંવેંત કદાચ ચેતના નજર ઊંચી કરીને એમની સામે જોતી હતી એટલે?
લખમીમાના નિત્યક્રમમાં પણ કેટલો બધો ફરક પડી ગયો! સવારની ચાના સમયે શરૂઆતના દિવસોમાં મૂંઝવણ થતી. પહેલાં તો એ રામજી માટે અને પોતાને માટે એક સાથે ચા બનાવતાં. અને હવે? પોતે એકલાં બનાવી કેમ પી લેવાય? થોડા દિવસ તો એમ ને એમ ગયા. ચેતના ચા બનાવતી ત્યારે એમને પણ આપતી. એમણે જોયું કે ચેતનાને ચાની સાથે બ્રેડબટર જોઈએ છે. રામજી પહેલાં તો એકલી ચા જ પીતો પણ હવે એને પણ ચેતનાની જેમ આવા નાસ્તાની ટેવ પડી છે. લખમીમાને તો આવું ક્યાંથ ફાવે? પડીકામાં પીળું પચ માખણ જોઈને એમને તો પોતે છાશ વલોવીને વાડકો માખણ ઉતારતાં એ યાદ આવે. અને આ રોટી પણ કાગળમાં? મજાની તાજી ભાખરી શેકી લેવામાં શો વાંધો?
જમવાની બાબતમાં પણ આમ જ થતું હતું. આખો સ્વાદ જ ફરી ગયો હતો. લખમીમાના મનનો ભાવ વ્યક્ત કરવો હોય તો તો એમ કહેવું જોઈએ કે મીઠાશ જ રહી નહોતી. ખાવામાં ને પીરસવામાં, બન્નેમાં. દાળશાક, બધું મોળું મચ અને રોટલી પણ પૂરી ગણીને જ. વાસણો પણ મોટે ભાગે કાચનાં. હાથમાંથી સરકે કે આવરદા પૂરી! આ એવું જ બન્યુંને પોતાને હાથે બે-ચાર વાર. એટલે તો ખાતી વખતે એવું લાગ્યા કરે કે પોતે ખાય છે એટલી વાર ચેતનાની આંખો વાસણની સંભાળ લીધા કરે છે… એ જોઈને હવે તો કામવાળી પણ પોતે રકાબી કે વાડકો ધોવા જતાં હોય તો ઝપૂ દઈને હાથમાંથી ઝૂંટવી જ લે છે,
રે’વાદો માજી, તમને નૈં ફાવે, ભાંગી પડશે!
હવે શું કે’વું એને?
વાસણો તો પિત્તળનાં! એ…ય લઈને અજવાળવા બેઠાં હોઈએ તો એનું અજવાળું દેખીનેય હાથમાં જોર આવતું જાય.
રસોડામાં કબાટમાં એમણે જાતજાતના તૈયાર ખાવાના ડબ્બા ગોઠવાઈ જતા જોયાઃ કશુંક દૂધમાં નાખીને ખાવાનું, કશુંક ખાલી પાણીમાં નાખીને ઉકાળવાનું…
લખમીમાને ભારે કૌતુક થતું’તું. એની સાથોસાથ એ વાતે પણ અચરજ થતું’તું કે મારા રામજીને આવું બધું શી રીતે ચાલે છે!
ધીમેધીમે લખમીમાને એવો વહેમ પડવા માંડ્યો હતો કે આ બધું બદલાવા લાગ્યું છે એમ શું રામજી પણ બદલાવા લાગ્યો છે? પોતાનું નામ તો એણે વરસો થયાં બદલી નાખ્યું હતું. એ બદલાયેલું નામ લખમીમાના હોઠે આજ સુધી ચઢ્યું નો’તું. એમણે ધાર્યું નો’તું કે એ નામ આમ પરબારી હડી કાઢીને સીધું એમના ઉપર ચઢી બેસશે! ચેતનાને મોંએ એમણે પહેલાં રાજેશ અને પછી રાજુ, એમ બોલાતું સાંભળ્યું હતું ત્યાં સુધી ઠીક, એમણે એ વાતનેય એક કૌતુક લેખી મન મનાવ્યું હતું. પણ પછી તો લખમીમા રામજી કહીને બોલાવે એ સામેય અણગમો દેખાડવા માંડ્યો અને એક વાર રામજીએય હસતાં હસતાં કહી નાખ્યું – જોકે ચેતનાનું નામ લઈને. લખમીમાએય એ વાતને હસવામાં જ લઈ લીધી, એમ વિચારીને કે એને એમ થતું હશે, રખેને લોક જાણી જશે કે એનો વર ગામડિયો છે!
ધારણાની બહાર રોજ કાંઈ ને કાંઈ બન્યા કરતું’તું, પણ કશોક બનાવ બને છે એની કોઈને ખબર સુધ્ધાં પડતી નહોતી! આ લખમીમાએ સાવરણી લઈને ઘર સાફસૂફ કરવા માંડ્યું, ત્યાં ચેતનાએ આવીને એમના હાથમાંથી સાવરણી લઈ લીધી. ને એણે જાતે વાસીદું વાળવા માંડ્યું. લખમીમા જોતાં હતાં કે એને જરાય ફાવતું નહોતું. પણ શું કરે? એણે વાળેલો કચરો ઊડીને પાછો વચમાં આવતો હતો એની એને ખબર જ પડતી હોય એમ લાગતું નહોતું. વચમાં પડેલો કચરો સાવરણીથી ઝપટાઈને રાચરચીલા નીચે પેસી જતો હતો. શું થાય?
આવું જ વાસણ માંજવાની અને કપડાં ધોવાની બાબતમાં પણ થવા લાગ્યું.
ચેતનાને થતું હતું, આ તે કેવું, આ બધાં કામ માટે પણ ઘરમાં નોકર નહિ? એણે રાજેશને કહ્યું:
તમે આટલું બધું કામ માની પાસે કરાવતા હતા! મા આ બધું કરે ને હું બેઠી બેઠી જોયા કરું એમાં મારું કેવું દેખાય?
અને એ પોતે આ બધું કરવા જતાં શારીરિક શ્રમ ને માનસિક તાણથી થાકીને લોથ થઈ જતી હતી.
આ મુદ્દા પર ઘરમાં એક પછી એક વસ્તુ આવવા લાગીઃ વૉશિંગ મશીન આવ્યું, ઘંટી આવી, ગ્રાઈન્ડર-મિક્સર-જ્યૂસર આવ્યું, ફ્રીઝ આવ્યું. અને નોકરબાઈ પણ આ બધી વસ્તુઓની જેમ જ આવી ગઈ… ઘરમાં ચક્રો ફરવા લાગ્યાં અને ઘરઘરાટી સંભળાવા લાગી.
લખમીમાએ એક બાજુ ખસી જઈને આ બધું જોયા કર્યું.
ઘરમાં એકસાથે જાણે કેટલા બધા લોકો આવી ગયા હતા અને એ સાથે કેટલા ફેરફારો થઈ ગયા હતા! સવારે દૂધવાળાએ બૂમ પાડી એ સાથે લખમીમા બારણા તરફ વળ્યાં કે ચેતનાએ બૂમ પાડી;
‘દૂધ લેવાનું નથી, દૂધની કોથળીઓ મગાવી લીધી છે.’
એવું જ શાકવાળી આવી ત્યારે થયું. હવે એક અઠવાડિયાનું સામટું શાક બજારમાંથી આવી જઈ ફ્રીઝમાં સંઘરાઈ રહેતું. શાક કે દૂધ જ શા માટે, બપોરે રાંધી રાખેલી કેટલીક વાનીઓ રાત્રે ખાવામાં પીરસાતી, અરે, છેક બીજે દિવસે પણ પહોંચતી! કશું કરવાનું જ નહીં, બધું સંઘરી રાખવાનું ને થાળીમાં પીરસી દેવાનું. માણસની મોથાજી નહીં.
લખમીમાએ આ બધાંથી ટેવાઈ જવાનો મનસૂબો કર્યો.
ચેતના વૉશિંગ મશીનમાં કપડાં નાખતી, ટાઈમિંગ ગોઠવતી, ગ્રાઈન્ડરની બ્લેડ બદલતી, એનું બટન ફેરવતી, સ્વિચો દબાવતી, એ બધું લખમીમાએ જોવા માંડ્યું. પછી એક વાર ચેતના નહોતી ત્યારે એમણે એવો પ્રયત્ન કરી જોયો; પણ જેવો ઘર્રઘર્ર અવાજ થયો કે ચેતના કોણ જાણે ક્યાંથી હાંફળીફાંફળી દોડી આવી;
‘શું થયું? શું થયું? તમારે શું જોઈએ છે, મા?’
આમ પૂછતાંકની સાથે એણે ફટ્ દઈને સ્વિચ બંધ કરી દીધી ને પેલા ઘર્રઘર્ર અવાજને નાથી લીધો.
ચેતના વધુ કાંઈ પૂછે એ પહેલાં લખમીમા ત્યાંથી ખસી ગયાં. એ કશું પૂછવા એમની પાસે આવી નહિ. પરંતુ રાજેશે પછી એમને સમજ પાડતો હોય એમ કહ્યું:
‘આ બધાં શેતાની સાધનો. આપણને સરત ન રહે તો નકામું એકનું બીજું થાય. એને અડકવું જ નહિ. તમતમારે એકબાજું બેસી રહેવું ને કંઈ કામ હોય તો ચેતનાને કહેવું.’
ઠીક. રામજીને એટલી ખબર છે એય ઘણું કે આ બધું શેતાન છે. એવું સાંત્વન લઈને લખમીમા એક બાજુ બેસી રહેવા લાગ્યાં.
એ કોઈ વાર રસોડા કે બાથરૂમ તરફ જતાં દેખાતાં કે તરત ચેતનાની આંખ એમના પર મંડાઈ જતી. પણ હવે એમને કોઈ વસ્તુમાં ખાસ એવો રસ રહ્યો નહોતો. આ ઘર-એના ઓરડા, એમાંની ચીજવસ્તુઓ, આ બધાંનો સહવાસ પણ એમણે ઓછો કરી નાખ્યો હતો; અને સહવાસ ઓછો થયો એટલે આ બધાં પ્રત્યેની મમતા પણ લોપાવા લાગી હતી.
એમને કશું કરવાનું નહોતું. એ લગભગ આખો દિવસ પોતાની જગાએ બેસી રહેતાં કે સૂઈ રહેતાં.
એમાં ને એમાં એમનું શરીર શોષાતું ચાલ્યું. ખોરાક પણ સરખો લેવાતો નહિ. તબિયતમાં સહેજ ગડબડ થાય તોપણ હવે સહન થતું નહિ. એમાં છેલ્લા કેટલાક દિવસોથી શરીરમાં તાવ ભરાયો.
લખમીમાને થયું, હવે જાવાની વેળા આવી. એમણે જોયું હતું કે ગામમાં તો આવી વેળા પણ જાણે એક પ્રસંગ બની રહેતો. સમાચાર મળે કે સગાંવહાલાં ક્યાં ક્યાંથી ખબર કાઢવા આવે. જીવતરનો સાર સમજાવે ને ધીરજ બંધાવે. કોઈ ભજન સંભળાવે. કોઈ કીર્તન કરે… આ તો કાંઈ નહિ. દીકરો ને વહુ, બેય જણાં પૂરી કાળજી રાખે છે ને દિલથી સારવાર કરે છે એની ના પડાશે નહિ, પણ આવી કાંઈ વાત નહિ.
લખમીમાને હવે મૃત્યુના જ વિચાર આવ્યા કરતા હતા. એમના ગામમાં તો આવી ઘડીઓ અંતિમ સંસ્કાર કરવા વિષેની પણ જાતજાતની વાત થાય. ગામમાં બે સ્મશાન હતાં- જૂનું ને નવું. ડોસાડાંગરાંનો આગ્રહ જૂના સ્મશાન માટે રહેતો. ઘણા તો છેલ્લી ઘડી સુધી એ માટે હઠ કરીને વેણ પણ લેતા. એ સ્મશાન દૂર હતું અને પૂરી સગવડ પણ ત્યાં નહોતી, પણ એ ભૂમિમાં કોણ જાણે શી આસ્થા રોપાઈ ગઈ હતી! શબને ગાડીમાં નાખીને લઈ જવું કે કાંધ ઉપર, એ વિશે પણ ચર્ચા ચાલતી. નસીબદાર માણસ છેક સુધી કાંધ ઉપર ચઢીને જતા. મોટા ભાગનાને ગાડીમાં જ સૂવું પડતું.
અહીં તો આવું કાંઈ સંભળાતું નથી, લખમીમાના મનમાં એ વાતેય ઉદ્વેગ થયા કરતો હતો, પણ છેલ્લી ઘડી આવી ત્યારે આંખ મીંચાતાં પહેલાં એમના કાને પડ્યું:
‘…ઈલેક્ટ્રિક સ્મશાન જ ઠીક પડશે.’
***