પહાડો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું ગામ હતું. એમાં બહાદુર અને ટોમી નામના કુતરો અને માણસ રહેતા હતા. અરે! એક મિનિટ માણસનું નામ ટોમી અને કુતરાનું નામ બહાદુર છે, હો! ઊંધું ન સમજતા. એ બંને રોજ મળસ્કે માછલી પકડવા જતા. મળસ્કે કોઈ જાતનો અવાજ ન હોય, વાતાવરણ શાંત હોય એટલે માછલી જલ્દી પકડાઈ જાય.
આજે પણ એ બંને પોતાની નાનકડી હોડકીમાં નીકળ્યા હતા. ટોમીસિંઘ માછલી પકડવાના કાંટામાં ચારા તરીકે અળસિયા ભેરવી રહ્યો હતો. એ અળસિયા ખાવા માછલીઓ આવતી અને કાંટામાં ભેરવાઈ જતી. ત્યારે બહાદુર ઊછળકુદ કરતો હોડકીમાં ભમરા પાછળ દોડી રહ્યો હતો. ત્યાં જ અચાનક બહાદુરે જોયું કે એક માથા પર પૂછડીવાળો… અરરર પૂછડી નહિ માથા પર કલગીવાળો બગલો આવીને હોડકી પર બેઠો. ધીમે રહી એ બગલાએ અળસિયાના ડબ્બામાં ચાંચ મારી એક અળસિયું પકડી લીધું. એ જોઈ બહાદુર ભડક્યો અને ભોકવા માંડ્યો એટલે પેલો બગલો ફરરર કરતો ઊડી ગયો. પણ આ તરફ માલિક ટોમીને ખબર પડી નહિ અને અવાજ કરતા બહાદુરને એ ચુપ રાખવા ગુસ્સે ભરાયા. બહાદુર નિરાશ થઇ બેસી ગયો. ત્યાં અચાનક ફરી પેલો ખાઉધરો બગલો આવ્યો અને ફરી અળસિયાના ડબ્બામાં ચાંચ મારી, ફરી બહાદુર ભોકવા માંડ્યો, ભોકવાના અવાજથી ચાર સુધી આવેલી માછલીઓ પાછી વળી જાય એટલે ફરી ટોમી ગુસ્સે ભરાયો અને બહાદુરને હોડીના નાકે ચુપચાપ બેસી જવા કીધું.
થોડીવાર પછી ફરી પેલો બગલો આવ્યો અને જેવો ચાંચ મારી અળસિયું પકડ્યું કે એક તરફથી બહાદુરે તરત ઉછળીને એ અળસિયાને પકડી લીધું. પછી તો બંને એ રબર જેવા લાંબા થતા અળસિયાને પકડી ખેંચ-તાણ કરવા માંડ્યા. એવામાં એ અળસિયું બંનેની પકડમાંથી છૂટી ગયું અને બંને એકબીજાથી દૂર હોડીમાં ફેંકાઈ ગયા. ધક્કો લગતા આ વખતે ટોમીસિંઘ એ બગલાને જોઈ ગયા કે તરત હલેસું લઇ મારવા દોડ્યા અને લગાવી એક જોરથી. એ બગલો તો ગભરાઈને નાઠો. બહાદુર એ બગલાને દૂર સુધી જતા જોઈ રહ્યો. બગલો ઊડી નિરાશ થઇ પાછો માળામાં ગયો, જ્યાં એના ત્રણ બચ્ચા હતા. બચ્ચા ખાવાનું માગવા માંડ્યા. હવે એની પાસે અળસિયા તો હતા નહીં. તો એને પહેલાથી પકડેલી માછલી બચ્ચાઓને આપી પણ બચ્ચાઓથી એ માછલી ગળાતી નહિ એટલે બિચારા રડવા માંડ્યા. એ જોઈ બહાદુરને પસ્તાવો થવા લાગ્યો કે એના લીધે બિચારા પેલા બચ્ચાઓ ભૂખે રહી ગયા હતા.
બહાદુરે ટોમી જોઈ ન જાય એમ અળસિયાના ડબ્બામાંથી બધા અળસિયા કાઢી હોડકીની પાળ પર નાખ્યા અને દૂર ખસી ગયો. એ જોઈ તરત બગલો આવ્યો ને એ બચ્ચા માટે લઇ ગયો. બગલો તો ખુશખુશ થઇ ગયો, પણ બગલો અને એના બચ્ચાઓને ખુશ કરવા જતા બહાદુર હવે ઉદાસ હતો કેમ કે અળસિયા તો બધા એણે બગલાને આપી દીધા હતા અને હજી એક પણ માછલી પકડાઈ તો ન હતીને? એટલે? એટલે કે આજે એના સાથે એના માલિક ટોમીને પણ કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે એમ હતું. એ વિચારોમાં એ નિરાશ થઇ બેસી ગયો. ત્યાં એક અવાજથી એ ઝબકયો. જોયું તો એ જ બગલો ફરી આવ્યો હતો. શું એ પાછો હજી વધારે અળસિયા માગવા આવ્યો હતો? ના, આ વખતે એ પોતાની મોટી ચાંચ ભરીને બહાદુર માટે માછલીઓ લાવ્યો હતો. એ બધી માછલીઓ બહાદુર તરફ નાખી બગલો ઊડી ગયો. અવાજથી માલિક ટોમીસિંઘ પાછળ ફર્યો અને આટલી બધી માછલીઓ જોઈ ચોંકી ગયો. ખુશ થતા થતા એ બહાદુર પાસે આવ્યો અને એને શાબાશી આપવા માંડ્યો. કેમ કે બહાદુરના લીધે જ આટલી બધી માછલીઓ મળી હતી. બહાદુર ફરી ખુશ થઇ હોડકીમાં ઊછળકુદ કરી ભમરાઓ પકડવા માંડ્યો. ત્યારે બહાદુરને સમજાયું કે સાચી ખુશી તો બીજાને ખુશ રાખવામાં જ છે. દૂર સૂરજ ઊગી ગયો હતો અને હોડકી પાછી કિનારા તરફ વળી ગઈ હતી.

***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર થઈ સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો જોવાનો વેબકાંઠો – https://www.youtube.com/watch?v=1lo-8UWhVcg)