શું તમે કદી એ મૂરખ વિશે નથી સાંભળ્યું? જે પ્રભાતના ઊજળા પહોરમાં પણ ફાનસ સળગાવીને ઊભી બજારે રાડો નાખતો ફરે છે કે ‘હું ઈશ્વરને શોધી રહ્યો છું… હું ઈશ્વરને શોધી રહ્યો છું…’ બજારમાં તો ઈશ્વરમાં ન માનનારા લોકો પણ હોય, જેમના માટે તો આ મૂરખ મશ્કરીનું માધ્યમ જાણે! એક પૂછે: ‘કેમ? તારો ઈશ્વર ખોવાઈ ગયો છે?’ બીજોઃ ‘કે એ નાના બાળકની જેમ માર્ગ ભટકી ગયો છે?’ ત્રીજોઃ ‘કે પછી એ બધાથી છુપાતો ફરે છે? શું એ આપણા બધાથી ગભરાય છે?’ ચોથોઃ ‘શું એ કોઈ મહાન સમુદ્રી સફરમાં નીકળી પડ્યો છે?’ પાંચમોઃ ‘કે એ પરદેશ સ્થળાંતરિત થઈ ગયો છે?’
આમ મૂર્ખ પર હાસ્યની છોળો ઊડતી રહી, પણ ટોળાની વચ્ચે કૂદી પડી, સહુને અચંબિત કરી નાખતી નજરે તાકીને એ ચીસ પાડી બોલ્યોઃ “આખરે ક્યાં છે ઈશ્વર? હું સાચ્ચેસાચ્ચું કહું તમને બધાને? કહું? આપણે એની હત્યા કરી નાખી છે, તમે અને મેં! આપણે સહુ ઈશ્વરના હત્યારા છીએ, તમે અને હું! પણ આશ્ચર્ય છે કે આપણે આ ચમત્કાર કેવી રીતે સર્જ્યો? આપણે કેવી રીતે દરિયો પી ગયા? આખી ક્ષિતિજરેખાને લૂછી નાખે એવું લુછણિયું આપણને કોણે આપ્યું? આ પૃથ્વીને એના સૂર્યથી જુદી પાડી દેવા આપણે શો કરતબ કર્યો? હવે આ પૃથ્વી ક્યાં પ્રદક્ષિણા કરી રહી છે? ક્યાં જઈ રહી છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ હવે? બધા જ સૂર્યોથી દૂર? શું આપણે સતત માત્ર નાસભાગ નથી કરી રહ્યા? આગળ, પાછળ, આસપાસ બધેય, બધી જ દિશામાં બસ દોડાદોડ? શું હજીયે ઉપર અને નીચે એવા ભેદ છે? શું આપણે માત્ર અસીમ ખાલીપામાં રખડી નથી રહ્યા? શું આપણા માથે શૂન્યતા ઉચ્છવાસ નથી છોડી રહી? હવે શું એ વધારે શૂન્યવત્ નથી અનુભવાઈ રહી? હવે શું (એક રાત-એક દિવસના સ્થાને) એક અંધારી રાત પછી એનાથી વધારે અંધારી રાત ને એમ વધારેને વધારે અંધારી રાતોનું જ ચક્ર નથી ચાલી રહ્યું? શું ખરેખર આપણે બધાએ દિવસના પ્રકાશમાં પણ ફાનસો સળગાવવાની જરૂર નથી? શું આપણને ખરેખર હજી કબર ખોદી ઈશ્વરને દાટી રહેલા ડાઘુઓનો અવાજ નથી સંભળાઈ રહ્યો? શું હજી આપણને કોઈ ઈશ્વરીય સડાની ગંધ નથી અકળાવી રહી? કારણ કે ઈશ્વરો સુદ્ધાં સડી જાય છે. ઈશ્વર મૃત્યુ પામ્યો છે. હવે ઈશ્વર માત્ર મૃત સ્વરૂપે જ વધ્યો છે, કારણ કે આપણે એને મારી નાખ્યો છે. આપણે હવે આપણી જાતને દિલાસો પણ શો આપીએ? હત્યારાઓમાં આપણે સૌથી મોટા હત્યારા થયા છીએ. આ જગતે જાણેલા સૌથી પવિત્ર ને શક્તિશાળી તત્વને આપણે આપણા ચાકુઓથી મોતને ઘાટ ઊતારી દીધું. હવે આપણા પર વળગેલા આ લોહીના ડાઘ કોણ લૂછશે? આપણા આ લાંછનને ધોવા આપણા પાસે કયું દિવ્ય જળ છે હવે? એ માટે આપણે હવે કેવા શોકોત્સવ કે પવિત્ર ક્રીડાની શોધ કરવી પડશે? શું આપણા આ કૃત્યની વિરાટતા આપણા માટે વધારે પડતી વિરાટ નથી? તો શું હવે આ પ્રચંડ કૃત્ય આપણે જ કર્યું છે એ સાબિત કરતા રહેવા આપણે પણ પ્રચંડ નહીં થઈ જવું પડે? શું હવે આપણે જ ઈશ્વર નહીં બની જવું પડે? આનાથી મોટી કોઈ ઘટના આજ સુધી ઘટી નથી. આપણા પછી હવે જે કોઈ આ જગતમાં જન્મશે એ આ ઘટનાને કારણે અત્યાર સુધીના તમામ ઈતિહાસો કરતાં ઊંચા દરજ્જાના ઈતિહાસના ગણાશે…” આટલું બોલી મૂર્ખ બોલતો અટક્યો. એણે એના શ્રોતાઓ ઉપર એક દ્રષ્ટિ ફેરવી. સહુ એને આશ્ચર્યભરી નજરે ચુપચાપ તાકી રહ્યા હતા. મૂર્ખે એનું ફાનસ જમીન પર છોડી દીધું. ફાનસ પછડાતાં જ તૂટ્યું ને બુઝાઈ ગયું. પછી એ ફરી બોલ્યોઃ ‘હું બહુ જલદી આવી ગયો છું. હજી મારો સમય નથી થયો. આ રાક્ષસી ઘટના હજી તો એના માર્ગમાં છે. હજી એ પ્રવાસ કરી રહી છે. હજી એ મનુષ્યના કાન સુધી નથી પહોંચી. વીજળીના ચમકારા અને મેઘગર્જનાને સમય લાગે છે. સિતારાના પ્રકાશને સમય લાગે છે. મહાઘટનાઓને સમય લાગે છે, એ ઘટી ગયા બાદ પણ, એને જોઈ શકવા ને સાંભળી શકવા માટે ઘણો સમય લાગે છે. આ ઘટના તો સૌથી દૂરસુદૂરના સિતારા કરતાં પણ ઘણી દૂરની છે, છતાં એ પાર પડી છે.’
આ પછી નોંધાયું છે કે એ મૂર્ખ એ જ દિવસે અનેક દેવળોમાં પણ ગયો અને ત્યાં પણ એ ઈશ્વર માટેનાં એનાં આવાં મરશિયાં ગાતો રહ્યો. બધેથી એને તગેડી મૂકાયો, પણ જ્યારે-જ્યારે એને એના બબડાટનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, ‘હવે આ બધાં દેવળો પણ આખરે શું છે? સિવાય કે ઈશ્વરની કબરો ને પાળિયા…’
(ભાવાનુવાદ – સુનીલ મેવાડા)
***