જામનગરથી જ્યોતિબા ને બરકત-બાનો બરવાળાથી
બન્નેના હૈયે છે બંન્ને બચપણવાળા સરવાળાથી

કહેશે નહીં પણ જ્યોતિબાને સેવઈયાના સ્વાદ ગમે છે
બરકતડીને સતનારણના શિરાનો પરસાદ ગમે છે
ચોમાસે વરસાદ પડેને પડતા’તા તે સાદ ગમે છે

 

મોઢાં ઢાંકી કરી હતી તે વાત ગમે છે વરમાાળાની
જામનગરથી જ્યોતિબા ને બરકત-બાનો બરવાળાથી

નંબર બંબર નોંધેલા તે એક ડાયરી ખાનામાં છે
બન્ને માથે જૂ પાસે પણ એક-બીજીના સરનામા છે
મન માલીપા ઊન્ડે ઊન્ડે ધરબાયેલા હક્ક-નામાં છે
આશા રાખે મોબાઈલુમાં કવરેજું પાછાં જડવાની

જામનગરથી જ્યોતિબા ને બરકત-બાનો બરવાળાથી
બન્નેના હૈયે છે બંન્ને બચપણવાળા સરવાળાથી

– ધ્રુવ ભટ્ટ