જીવન, મૃત્યુ અને વેળાસ ! – તુમુલ બુચ
વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે (+મોબાઈલ) નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામી છે. શહેરની રોજિંદી જિંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યાં જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને (-એવામાં)ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય, પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું'તું કે જાવું જ છે, ચાહે કુછ હો જાયે ! અગાઉ બે વાર હું આ જગ્યાએ (-ગયો) જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિશે થોડું...
આ નાનકડું તટવર્તી ગામ કાચબા જન્મ માટે પ્રખ્યાત છે. ભારતના પશ્ચિમ તટ પર ઈંડું મુકવા આવતી માદા કાચબીઓમાંની એંશી ટકા માત્ર આ ગામમાં આવે છે. ઈંડામાંથી નીકળતા નાનકડા બાળ કાચબાઓ પોતાનું પહેલું ડગલું સમુદ્ર તરફ માંડે એ નજારો જોવા અનેક લોકો અહીં ઉમટી આવે છે. દર વર્ષે અહીથી બે-ત્રણ હજાર નવજાત કાચબાઓને સમુદ્રમાં છોડવામાં આવે છે. ઈંડા મુકીને ચાલી (-જતી)ગયેલી માદાની પાછળ ઈંડાને કઈ નુકસાન ન પહોચે તે જોવાની જવાબદારી ગામવાળાઓએ લીધી છે. વિલુપ્ત થઇ રહેલા કાચબાઓના સંવર્ધનને વરેલું અને જન્મનો ઉત્સવ મનાવતું આ ગામ છે.
બીજી તરફ, મારો અને આ જગ્યાનો સંબંધ મૃત્યુના નાજુક દોરે બંધાયેલો છે. અમે બીજી વખત ત્યાં ગયેલા ત્યારે ગામમાં બે મૃત્યુ થયાં હતાં. જેમને ત્યાં ઉતર્યા હતા એ ભાઈનું એક અઠવાડિયા અગાઉ જ બહુ નાની વયમાં મૃત્યુ થયું હતું. પહોચ્યાના બીજા દિવસે પણ હજુ એક જણનું મૃત્યુ થયું. પાછા ફરતા પણ રસ્તામાં ઠેકઠેકાણે લોકોની અંતિમ યાત્રા નીકળી રહી હતી. ત્યાં સુધી કે છેલ્લે મુંબઈ પહોંચીને છુટા પડતી વખતે પણ સ્ટેશન પાસે કોઈનું શબ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ રહ્યું હતું. આમ તો, આ બધી ઘટનાઓ વચ્ચે કોઈ જ તાર્કિક સંબંધ નથી છતાં મનનો સ્વભાવ જ એવો કે એ ચાંદામાં પ્રાણીઓ અને તારાઓમાં નક્ષત્ર શોધે રાખે.
આ વાતનાં બે વર્ષ પછી, ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. પેલી ઉપરાઉપરી મોત અને વેળાસ વચ્ચે સંબંધની કુશંકા પર અત્યાર સુધીમાં ધૂળ જામી ગઈ હતી. એને ઉડાડવા જવાના ત્રણ દિવસ પહેલા જ ફરી મોતની તલવાર ત્રાટકી. અને આ વખતે એ ખુબ નજીક ત્રાટકી. હું અને મારા જે મિત્રો જવાના હતા એમાંના દરેકને કોઈક ને કોઈક નજીકના વ્યક્તિનું ઉપરાઉપરી મૃત્યુ થયું. એક મૃત્યુને લઈને પ્લાન થોડો પાછો ઠેલ્યો ત્યાં બીજું મૃત્યુ, હજુ પ્લાન પાછો ઠેલ્યો ત્યાં ત્રીજું. અને આ તો માત્ર અમારા સગાઓની વાત. થોડા દૂરના સગા કે પાડોશીઓ કે પછી ત્યાં ન આવનારા મિત્રોના સ્વજનો વગેરેના મૃત્યુના સમાચાર તો નોટીફીકેશન વેગે આવી રહ્યા હતા. અંતે જ્યારે ત્યાં પહોચ્યા અને એ જ ઘરમાં રોકાયા ત્યારે ખબર પડી કે ગયા બે વર્ષોમાં એ ઘરમાં હજુ ચાર વ્યક્તિને મૃત્યુ ગ્રસી ગયું હતું. માણસો ઉપરાંત તેમના બે કૂતરાં અને કેટલીક બિલાડીઓ પણ ખતમ થઇ ગયાં હતાં.
બુદ્ધિ કે તર્ક ગમે એટલા તરફડીયા મારે આ બધાં મૃત્યુ વચ્ચે કોઈ કડી નથી એવું માન્યે રાખવાની, પરંતુ મનની સામે તેનું ખાસ કંઈ ઉકળતું નથી. મન તો એમ ધારવા મથે કે વેળાસના ખાતામાં જરૂર કરતાં વધુ જન્મ નોંધાયા છે એટલે સામે એટલાં મૃત્યુ નોંધવા પડશે, એવું હશે? હવે, એ વાત કે જેણે મને આ લખવા માટે ઉશ્કેર્યો...
વહેલી સવારે કાચબા જન્મ જોઇને અમે વેળાસના દરિયેથી ગામ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક મંદિર આવે છે. નવાઈની વાત એ કે ત્રણે વખત મળીને કુલ દસ-બાર વખત ત્યાંથી પસાર થયા હોવા છતાં હજુ સુધી એના તરફ મારું ધ્યાન જ નહોતું ગયું. હજુ વધારે નવાઈની વાત એ કે એને જોઇને અચાનક મને એમાં જવાનું મન થઇ આવ્યું. આમાં નવાઈ એ વાતની કે છેલ્લાં દસેક વર્ષમાં કે કદાચ એથી પણ વધુ સમયથી મને કોઈ મંદિરમાં જવાનું મન જ નથી થયું. મારા મિત્રોને પણ આ વાતની નવાઈ લાગી છતાં હું અને જીગર અંદર ગયા. વેળાસના દરિયાની જેમ મંદિરમાં પણ અમારા સિવાય કોઈ નહોતું. આ પ્રદેશના અન્ય કોઈપણ મંદિર જેવું જ એનું માળખું. એક મુખ્ય મંદિર જેમાં શિવલિંગ અને બાજુમાં બીજું મહાલક્ષ્મીનું નાનું મંદિર. બંનેના ઊંચા ગુંબજ, પ્રવેશદ્વાર પર કમાન અને એમાં કરેલી કોતરણી, ગર્ભગૃહમાં પ્રવેશવાનું દ્વાર ખુબ નીચું અને એમાંય પાછો ઓટલો જેથી માણસે પરાણે નીચા નમીને પ્રવેશવું પડે. જીગરે મહાલક્ષ્મીના દર્શન કર્યા, હું કોતરણી જોતો હતો. પછી અમે મુખ્ય મંદિરમાં પ્રવેશ્યાં જ્યાં શિવલિંગની બાજુમાં બે પાટલા પડ્યા હતા. અમે બંને એની ઉપર બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. અદભૂત શાંતિ હતી એ જગ્યાએ. આવી જ શાંતિ પાછલી રાતે અંધારામાં દરિયે બેઠા હતા ત્યારે પણ અનુભવાઈ હતી. જો કે એ શાંતિ અને આ શાંતિ જુદી હતી. એ શાંતિ એટલા વિસ્તૃત ફલકમાં પ્રસરેલી હતી કે અમને એનો થોડો જ ભાગ મળતો હતો. એ વ્યગ્ર મનને શાંત કરનારી તો હતી, પણ થોડી ઉદાસ કરી મુકનારી પણ હતી. જ્યારે મંદિરની શાંતિ થોડી ઓછી શાંત હોવા છતાં કેન્દ્રિત કરેલી હતી. વ્યગ્ર મનને માત્ર શાંત નહિ, પણ પ્રફુલ્લિત કરી મૂકનારી હતી. એવામાં જીગરે મંત્રોચ્ચાર શરૂ કર્યો. એ હાથ જોડીને આંખો બંધ કરીને મંત્ર બોલી રહ્યો હતો અને હું એને જોઈ રહ્યો હતો. એણે ઉચ્ચારેલા શ્લોકનો ધ્વનિ ઊંચા ગુંબજને અથડાઈને આખા મંદિરમાં ઘૂમી વળ્યો અને મારા પર કબજો જમાવી રહ્યો હતો. જાણે આદેશ આપી રહ્યો હોય કે ખુલ્લી આંખે નહિ આંખ બંધ કરીને જો. મારી આંખો સાચે જ બંધ થઇ. મને શ્લોકની આ પંક્તિઓ સંભળાઈ.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥
કેવો યોગાનુયોગ! મનમાં આટલા સમયથી મૃત્યુના જ વિચારો ઘુમરાઈ રહ્યા હતા અને એમાં જીગર અન્ય કોઈ નહિ પણ મહામૃત્યુંજય મંત્ર બોલી રહ્યો હતો. આ શ્લોકનું મહાત્મ્ય એવું કે એનો જાપ કરનારનું મૃત્યુ પીડારહિત હોય અને એ માણસ જન્મ-મૃત્યુના ફેરામાંથી મોક્ષ પામે. બીજું કઈ નહિ પણ આ શ્લોક સાંભળવાથી મને એવી શાતા વળી કે કેટલાય દિવસોથી મગજમાં ચાલી રહેલા રહેલા મૃત્યુના વિચારોને મોક્ષનો રાહ મળી ગયો. એ મંત્રનું પુનરાવર્તન કરી રહ્યો હતો અને મારામાં એક ભાવની ભરતી ઊઠી રહી હતી, જેનાં ઊલળતાં મોજાં આંખોને કિનારે વસેલા ગામને પૂરેપૂરુ ભીંજવી ગયાં.
કયા કારણથી હું એ મંદિરમાં ખેંચાઈ ગયો અને એ સભર ક્ષણોનો સાક્ષી બન્યો? શું એ માત્ર યોગાનુયોગ હતો કે કોઈ પૂર્વનિર્ધારિત લીલા? શું આ જગ્યાનો અને જન્મ-મૃત્યુનો કોઈ સંબંધ છે? હું નથી જાણતો. કદાચ જાણવા પામીશ પણ નહિ અને જાણવાની ખાસ કોઈ ધગશ પણ નથી. છતાં એટલું જાણું છું કે પ્રવાસ અનેક બારીઓ ઉઘાડી આપતો હોય છે. મૃત્યુ, કે જેનો આકાર ચંદ્રની પાછલી સપાટી જેવો કે બ્રહ્માના ચોથા મુખ જેવો અકળ છે, એને જોવાની પણ એક નવી બારી આ પ્રવાસ મારે માટે ખોલતો ગયો.
પીળા રંગની વેદનાનાં વન - વીનેશ અંતાણી
પત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા માત્ર અને માત્ર જાત સાથે સંવાદ કરે છે. એ સંવાદમાં ભારોભાર અકળામણ ભરી છે. ચારે બાજુ ચાલતા વિવિધ ખેલોમાં એમને પોતાના વ્યક્તિત્વનો હ્રાસ થતો દેખાય છે. અહીં સમજી શકાય નહીં તેવી મૂંઝવણ છે અને અસ્તિત્વનો અર્થ પામવાની મથામણ છે. ભીડથી ઊભરાતા મહાનગરમાં આ નિબંધકાર જાણે અનેક વનમાંથી પસાર થઈ પોતીકી વેલ શોધવા મથે છે, પરંતુ તે વેલ ક્યાંક ગૂંચવાઈ ગઈ છે. ગૂંચ ઊકેલવી સહેલી નથી તે પણ એમને સમજાયું છે. મા સાથે જોડી રાખતી નાળ મુંબઈની લોકલ ટ્રેનોના પાટા સાથે જોડાઈ ગઈ છે. વેદના ક્યારે ઊબકો બની જાય છે તે સમજાતું નથી. આ સર્જક ભાષાની વિડંબના અને સંસ્કૃતિની મૂંઝવણ વચ્ચે પોતાના ખાલીપાને માપવા મથે છે. જીવનની આવી અનેક વિડંબણા વચ્ચે ટકી જવાની મથામણમાંથી શબ્દો જન્મે છે. આ વિડંબણા માતાના ગર્ભમાંથી બહાર નીકળવાની ક્ષણે જ સામે ઊભેલી કાતરની છે. સંવેદન પણ દ્વિધા બને છે. સુનીલ અનુભવે છે ‘કોઈના વગર જીવી શકતો નથી તેમ હું કોઈની માટે પણ જીવતો નથી.’ આ સર્જકને ‘સંભવામિ યગેયુગે’નો સંદેશ અફવા જેવો લાગે છે. પોતાની આગવી કેડી શોધતો આ એવો નિબંધકાર છે, જેના સપનામાં એક ન જન્મેલા કળાકારનો આત્મા છાતી કૂટીને રડે છે. અકળાયેલા – મૂંઝાયેલા સર્જકના ચિત્તમાં જડ થઈ ગયેલી વ્યવસ્થાઓ સામે વિરોધનો સૂર પ્રગટે છે. વિરોધના તારસ્વરે પ્રાગટ્યની વેળાએ જ જુદા જ પ્રકારનો આશાવાદ પણ જન્મે છે. તેથી જ એ કોઈ કાલ્પનિક ક્ષણપ્રદેશની શોધમાં નીકળી પડે છે - એક એવો પ્રદેશ જેની ભોંય ક્ષણિક હોય, છતાં તેમાં કશુંક નવું બનવાની શક્યતા હોય. સુનીલના ક્ષણપ્રદેશમાં ‘પાંખો હશે, નહોર નહીં હોય.’
રૂઢિઓ અને વ્યવસ્થાઓથી ઊબેલો આ સર્જક શબ્દો સાથે ઊભો રહીને પોતાને આગળ લઈ જનારા વાક્યની રાહ જુએ છે. એવાં અનેક વાક્યો સુનીલ મેવાડાને મળે તેવી શુભેચ્છા.
શિક્ષણમાં સાહિત્યકારોની કોઈ જ ફરજ નથી?
આપણે એવું માનવાની ભૂલ ન કરવી જોઈએ કે સાહિત્ય એ એક જુદું ક્ષેત્ર છે ને શિક્ષણ એ જુદું... હા, વ્યવસાય તરીકે એ બે ભિન્ન છે, પરંતુ સમાજઘડતરના મહત્વના અંગ તરીકે સાહિત્ય ને શિક્ષણ એકબીજાના પૂરક હોય એટલા લગોલગ જોડાયેલા છે. સંસ્કૃતિની જાળવણીમાં આજે સૌથી મોટી સત્તા સરકાર-વ્યવસ્થા-સંસ્થાઓ નિષ્ફળ નીવડી રહ્યાં છે તો આ સત્યને અવગણીને નાનાં એકમો તરીકે કોણ-કોણ ફરજ ચૂકી રહ્યું છે?
એક સમય હતો જ્યારે શિક્ષણજગત અને સાહિત્યજગત એકમેક સાથે તંતોતંત જોડાયેલું હતું. મોટા ગજાના સાહિત્યકારો શાળાઓ, વિદ્યાપીઠોમાં શિક્ષક હતા. વિદ્યાર્થીઓને સાહિત્યના આસ્વાદ સાથે સાહિત્યદ્રષ્ટિ પણ મળતી અને એ કારણે જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીઓ સાહિત્યકાર બની જતો, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે સૌંદર્યદ્રષ્ટિ ને સાહિત્યરસ અચૂક સિંચાતા હતા. એનાથી વ્યક્તિમાં સૈદ્ધાંતિક મૂલ્યોનું ઘડતર પણ થતું ને સાહિત્યની સમજ વિકસતી. આને લીધે જીવનમાં ટકી રહેવાની હિંમત તેમ જ ચરિત્રશુદ્ધિ-વિચારશુદ્ધિની ટેક યુવાનોમાં સચવાતી. મૂર્ધન્ય સાહિત્યકારોના હાથ નીચે ભણ્યા હોય એટલે વિદ્યાર્થીઓના મનમાં એ સાહિત્યકારની આજીવન છાપ મૂકાઈ જતી અને સાથે આજીવન એ વિદ્યાર્થી સાહિત્ય સાથે ને સાહિત્યના માધ્યમથી સંસ્કૃતિ તેમ જ ભાષા સાથે જોડાયેલો રહેતો... આ રીતે સંસ્કૃતિનું, સાહિત્યનું, ભાષાનું સૌંદર્યચક્ર ચાલ્યા કરતું અને આ કારણે જ પાછલી પેઢીના આગમન સુધી સંનિષ્ઠ સાહિત્યકારો સાથે આપણને સંનિષ્ઠ વાચકો-સાહિત્યરસિકો-સાહિત્યમર્મીઓ પણ મળતા રહ્યા.
આજે આખું દ્રશ્ય બદલાઈ ગયું છે, સૌંદર્યચક્ર વિષચક્રમાં ફેરવાઈ ગયું છે. આજે ફક્ત વાચકો, ફક્ત સાહિત્યરસિકો, ફક્ત સાહિત્યમર્મીઓ ક્યાં રહ્યા છે? નથી જ નથી. આજે વાચકોની સંખ્યા વધવાના જે દાવા થાય છે એ એકંદરે જે વસતી વધી છે એના પ્રમાણમાં વાચકો-સાહિત્યરસિકોની સંખ્યા વધી છે એના દાવા છે, પણ સરેરાશ નથી વધી એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. ઉપરાંત આપણે જેને આ સુજ્ઞ સાહિત્યરસિક વર્ગ કહીએ છીએ ને જે પુસ્તકોના ખરીદદાર કે કાર્યક્રમોના પ્રેક્ષક મનાય છે, એમાં પચાસ ટકાથી વધુ એવા લોકો છે જે પોતે પણ સર્જનપ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ, સંસ્થાકીય પ્રવૃત્તિ કે આડકતરી રીતે સાહિત્ય-પ્રકાશન કે કાર્યક્રમ સાથે સંપૂર્ણરીતે સંકળાયેલા-જોડાયેલા હોય છે. બાકી વધેલા વર્ગને, જેને ઘણા હજી સંનિષ્ઠ સાહિત્યચાહકો કહે છે, એ ગઈ પેઢીના સાહિત્યરસથી સીંચાયેલા ને નિવૃત્તિ પછી નવરા પડેલા, વડીલો ને વડીલો માત્ર છે.
આ બધાના મૂળમાં અનેક સામાજિક-સાંસ્કૃતિક કારણો છે ને એમાંનું એક કારણ એ પણ છે કે પાછલી પેઢીના સાહિત્યકારોનો પ્રવાહ શિક્ષણ સિવાયની દિશાઓમાં વધુ ફંટાયો છે. વ્યાવહારિક રીતે અયોગ્ય લાગતી હોવા છતાં આપણે આ વાત સ્વીકારવી પડશે, કારણ કે એ કડવું સત્ય છે.
10થી 20 વરસના વિદ્યાર્થીઓ-બાળકોને, એમને ગમી જાય એવા અંદાજમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો, શ્રેષ્ઠ કવિતાઓનો, સાહિત્યના આનંદનો પરિચય કરાવવામાં ન આવે તો એ લોકોમાં સાહિત્ય માટે આકર્ષણ કઈ રીતે જન્મે? હા, સાહિત્ય માટે આદર નહીં, આકર્ષણ જન્મવું વધારે જરૂરી છે. આદર તો પછી આપોઆપ જાગે છે. નામપૂરતું આદર આપીને છૂટ્ટી જઈ શકાય છે, પણ આકર્ષણ જ કોઈ પણ બાબતની સાથે વ્યક્તિને જોડેલું રાખે છે... અને પોતાના સાહિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના હોવાપણા સાથે તંતોતંત જોડાયેલી રહે છે.
-અને જાતજાતની સમસ્યાઓથી ઘેરાયેલી આજની શિક્ષણવ્યવસ્થામાં બધું જ ખાડે ગયું છે ત્યારે આ પ્રકારના દરેક સામાજિક પતન માટે વારંવાર શિક્ષકોને દોષિત ઠેરવી દેવાય છે, પરંતુ એ અભિગમ ખોટો છે. બધી જ ભૂલ એમની નથી. શિક્ષણથી તેમ જ નવી પેઢીના ભાષાઘડતરની સાહિત્યિક જવાબદારીથી દૂર જઈ ઊભી રહી ગયેલી સાહિત્યકારોની જમાતને પણ આ આક્ષેપનો રેલો અડકે છે.
પહેલાના મોટા ભાગના સાહિત્યકારોએ શિક્ષક તરીકે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેટલાક લાંબા ગાળા સુધી તો કેટલાક આજીવન શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા હતા. બળવંતરાય ઠાકોર, સુરેશ હ. જોષી, રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, ધીરુભાઈ ઠાકર, ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ જેવા આપણા અનેક દિગ્ગજ સાહિત્યકારો દાયકાઓ સુધી શિક્ષણમાં રહ્યા, ને બાકી જે સાહિત્યકારો શિક્ષણમાં ન હોય એમને પણ આ સાહિત્યકારો અવારનવાર વિદ્યાર્થીઓ પાસે લઈ આવતા. ટૂંકમાં, જીવનકાર્યનો સારોએવો સમય આ સાહિત્યકારોએ આગલી પેઢીના ઘડતર માટે આપ્યો છે. નવી પેઢીના કૂતુહલને સંતોષ્યું છે ને એમનામાં સાહિત્યબીજ દ્વારા ભાષા-સંસ્કૃતિ માટે આદર-આકર્ષણ રોપ્યું છે. એ પછીની પેઢીમાં આવા સાહિત્યિક વલણનો અભાવ સમાજ તરીકે તો આપણને ભારે પડ્યો જ છે, સાથે આપણી ભાષા-સંસ્કૃતિ માટે પણ નુકસાનકારક પૂરવાર થયો છે એમાં કોઈ બેમત નથી.
આજે કાર્યક્રમ-કવિઓની, સામાયિક-સાહિત્યકારોની ને લખવા પૂરતા જ ભાષા-સંસ્કૃતિના ગુણગાન ગાતા ચિંતકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે, પણ કરુણતા છે કે અનેક સમસ્યાઓ સામે લડી રહેલી શિક્ષણ-વ્યવસ્થા માટે, મર્યાદાઓ સાથે ચાલી રહેલી શાળાઓ માટે, જાતજાતની પરિસ્થિતિથી ઘેરાયેલા વિદ્યાર્થીઓના સાહિત્યઘડતર-શિક્ષણઘડતર દ્વારા જીવનઘડતર માટે સંઘર્ષ કરે એવા સમાજલક્ષી સાહિત્યવીરોની મહાજાતિ હવે દુર્લભ થઈ ગઈ છે.
આ બધી સમસ્યાઓ સામે વ્યવસ્થાપન-સત્તા તો તદ્દન નિષ્ફળ ગયાં છે ને કોઈને દોષ દેવો જ હોય તો સૌથી પહેલાં એમને દઈ શકીએ, બીજી આંગળી પ્રજા તરીકે આપણે પોતાની પર જ ઊપાડવી પડે. એ સિવાય અહીં કોઈ સાહિત્યકારો પર આક્ષેપો કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો હેતુ નથી, પણ એ જ રીતે, ઘરે બેઠાબેઠા ફક્ત ‘મનન-ચિંતન-લેખન’ કરીને ભાષા-સંસ્કૃતિના સંરક્ષક હોવાના દાવા કરનારાઓને માથે ચડાવવા સામે (દુઃખ છે પણ) વિરોધ નથી, બધું બધાની જગ્યાએ બરાબર છે, પણ અહીં તો બસ, સામુહિક-સામાજિક જવાબદારી માટે આજે પણ સતત સંઘર્ષ કરી રહેલા વ્યક્તિત્વો, સંસ્થાઓ, સંગઠનો ને મંડળોનો નગ્ન આક્રોશ છે. એ આક્રોશને નમ્ર ટકોર કે ઉગ્ર વિનંતી ગણીને ગુજરાતીના સાહિત્યિક-સામાજિક પ્રતિનિધિઓ ઈચ્છે તો હજી પણ શહેરની ગુજરાતી શાળાઓના વિકાસ-વિસ્તાર માટે જે-તે રીતે ફાળો આપી શકે છે. ઘણું કરી શકે છે. આજે અંગ્રેજી માધ્યમની શાળાઓની ભલે બોલબાલા રહી, પણ દરેક વાલી મનોમન જાણે છે કે આંતરરાષ્ટ્રીય કે કેન્દ્રીય કે રાજ્ય બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં મૂકેલા એમના સંતાનની હાલ કેવી ભૂંડી થઈ રહી છે, કારણ કે એ માધ્યમોનું શિક્ષણ, શિક્ષણ નહીં, બસ એક સ્પર્ધા જ બની ગયું છે. માતૃભાષાના માધ્યમમાં પણ અનેક મર્યાદાઓ હશે, છે, પણ સંપૂર્ણતા તો જગતની કોઈ સુંદરતામાં નથી એ આપણે ક્યાં નથી જાણતા. ફક્ત સારી ઈમારત ને મોટું મેદાન ને વાતાનુકૂલિત સભાગૃહ ને દરેક વર્ગની કમ્પ્યુટર લેબ ને એવીએવી સુવિધાઓથી શાળા ભરચક હોય એટલે શિક્ષણ સારું જ મળી જવાનું? આજે જે વાલીઓ એમના સંતાનને શાળામાં મૂકવા વિશે મૂંઝાઈ રહ્યા છે એ પોતે એકવાર ફક્ત વિચારે કે એ લોકો પોતે કેવી શાળામાં ભણ્યા હતા? ને અસુવિધા હોવાથી એમનું શિક્ષણ શું કથળી ગયું હતું? સુવિધાઓ શાળાની શ્રેષ્ઠતાનો પુરાવો નથી એટલી સમજ તો ગુજરાતીઓની ચબરાક બુદ્ધિને ન હોય એ કેમ બને?
આજે મર્યાદાઓ સાથે પણ ગુજરાતી માધ્યમ જ શ્રેષ્ઠ ને સક્ષમ છે એ વાત આપણે સ્વીકારવી પડશે. એના પ્રચારપ્રસાર માટે જરૂર છે મોટા પાયે આહવાનની, મોટા વ્યક્તિત્વો-પ્રતિનિધિઓના સ્વીકારની, સહુને એ કહેવાની કે છેલ્લાં વીસ વરસમાં જે આંધળીદોટ મૂકતા મૂકાઈ ગઈ, થતાં થઈ ગયું, આપણી જ ધાંધલે ઘર તોડી નાખ્યું, પણ હવે અહીંથી ઘરને ફરી નવેસરથી ઊભું કરવાની, સજાવવાની તક છે, એ આપણે સહુ ઉપાડી લઈએ અને એના સર્વવ્યાપી આહવાનની જવાબદારી શું સાહિત્યકારો નહીં સ્વીકારે? ગુજરાત-મુંબઈમાં આજે મહિનાભરમાં સેંકડો સાહિત્યિક-સામાજિક કાર્યક્રમો થતા જ રહે છે, નાટકો-ડાયરાની તો વાત જ જવા દો, બીજું કંઈ નહીં તો દર વખતે આ સામાજિક-સાહિત્યિક પ્રતિનિધિઓએ આ કાર્યક્રમો દરમિયાન સતત માતૃભાષામાં શિક્ષણ આપવાનો સંદેશો ફેલાવતા રહેવાની પણ જરૂર છે, મર્યાદાઓ છતાં પણ આપણી ભાષાના માધ્યમની શાળાઓનો પક્ષ લેવો પડશે, પાછી એ સ્પષ્ટતા સાથે કે આ પગલું ભાષા કે સંસ્કૃતિના સંવર્ધન માટે નહીં, પણ આપણા પોતાના અસ્તિત્વ માટે જરૂરી છે. બાકી તો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડ્સ ને જાતજાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના સૈનિકો જેવા અંગ્રેજીમાધ્યમ-પીડિત વિદ્યાર્થીઓને કદી મેદાનમાં રમતા ન જોઈ શકેલો આપણી બિલ્ડિંગનો વોચમેન પણ પ્રશ્ન પૂછતો થઈ ગયો છે કે કશા જ કૂતુહલભાવ વગર ફક્ત સ્કૂલથી ટ્યુશન વચ્ચે લથડિયા ખાતો આ તે બાળક છે કે રોબોટ ? જવાબ તો આપણે બધા જાણીએ જ છીએ.
(જન્મભૂમિમાં છપાયેલો મુંબઈ ગુજરાતી સંગઠનનો લેખ.)
એક પંક્તિનું કાવ્ય, શા માટે?
મને ઘૂઘવતા, જળે ખડકનું, પ્રભુ મૌન દો
- સુરેશ દલાલ
એક પંક્તિનાં કાવ્યો આપણે ત્યાં છે, સારાં પણ છે.
જોકે રહસ્ય એ છે કે સમર્થ કવિઓ એકાદી અદભૂત પંક્તિને તો ગમે તે કાવ્યમાં ગોઠવી દઈ શકે, છતાં એને કેમ સ્વતંત્ર પંક્તિકાવ્ય તરીકે જ રહેવા દે?
પૃથ્વી છંદ, સત્તર અક્ષર, બે મરોડદાર યતિ ને આ એક જ પંક્તિ વાંચી આપણે કદાચ નામથી પ્રભાવિત થઈ એવું માની લઈએ કે માત્ર આ એક પંક્તિમાં સમુદ્ર જેવી જ ઊંડીઊંડી વાતો કવિએ કરી હશે, પણ વાત એક જ છે ને એય સાવ સરળ.
બે પંક્તિનો શેર થાય, ચૌદ પંક્તિની સોનેટ થાય, વીસત્રીસ પંક્તિનાં ગીત થાય કે સેંકડો પંક્તિનું ખંડકાવ્ય થાય... એમ છતાં સાહિત્યની સર્વોચ્ચ પદવીધારક ડોક્ટરેટ સુરેશ દલાલ, કવિતાના ખેરખાં, વિદ્વાન પ્રાધ્યાપક, અતિસમર્થ શબ્દકર્તા, લોકપ્રિય કાવ્યકર્તા, આમ એક જ પંક્તિ કેમ મૂકે?
કારણ કે વાત મૌનની છે, અને શબ્દો-પંક્તિઓનો ખડકલો કરી દે તો કવિની અભિવ્યક્તિમાં જ વિરોધાભાસ આવી ન જાય? પછી કવિનું પોતાનું એ પંક્તિ સાથે તંતોતંત જોડાણ કયાં રહે? હુંય આ એક પંક્તિ પર આટલું બધું લખું છું એ તો કવિભાવથી પ્રેરાઈને, એના કવિતાભાવથી પ્રેરાઈને નહીં, કારણ કે કવિતાભાવ તો મૌનની માગણીનો છે, શબ્દોની અતિહાજરી તો એનું અપમાન ગણાય.
હે પ્રભુ, આ સાધનો-ઘટનાઓના સંસારમાં આવીને ઘણું બધું બની શકાયું હોત, પણ અકસ્માતે મારાથી કવિ થઈ જવાયું છે ને કેટલીબધી ઔપચારિકતા કરવી પડે છે જો તો ખરો...
સવારે ગૂડ મોર્નિંગ, જમ્યા કે નહીં, એક ચર્ચગેટ રિટર્ન, બાકી સાંજે મળીએ, સન્ડે પાર્ટી પાક્કું, નેક્સ્ટ યરની પિકનિક તમારે ત્યાં... ને કેટલુંબધું બોલવું પડે છે, કેટલુંબધું કરતા રહેવું પડે છે, કેટલીબધી ચીજને અડવું પડે છે, કેટલાબધા લોકો સાથે હાથ મેળવવો પડે છે. ના ના ના... મારામાંના કવિને આ બધું નથી કરવું, આ સંસારના તરંગો એના પર છો અફળાયા કરે, એને વાંધો નથી, પણ મારામાંના કવિને એ તરંગો સામે પોતાનો પ્રતિભાવ આપવાની જરીકે ઈચ્છા નથી, પ્રતિક્રિયા ને પ્રતિસાદ એના સ્વભાવને માફક નથી, એને તો બસ, જે આવે-જે અફળાય-જે ભેટે, એને ભેટવા દઈ, પોતે સ્થિર રહી, અશબ્દ રહી, અચળ રહી, બધી ભીનાશ પોતાના પર ઝીલ્યા કરવી છે... બસ, બસ, બસ.
ઘૂઘવતા (મૌલિક ધ્વનિ ઉત્પન્ન કરતા) જળથી જરીકે વિચલિત થયા વગર અડગ પડ્યા રહેતા પ્રશાંત ખડક જેવી પ્રતિભાવ-અવસ્થા, સ્થિરપણું, મૌનજીવન મળી રહે એ જ કવિની અંતિમ વિનવણી છે અને એવા મૌનની વિનવણી માટેય કવિ જો એકથી આગળ વધુ પંક્તિઓ લખે, તો સામયિકો છાપી દે, પ્રકાશકો વખાણી દે ને અકાદમીઓ પુરસ્કારી પણ આપે, પરંતુ મૌનનું ઉલ્લંઘન તો ત્યાં જ થઈ ગયું ગણાય, કવિત્વ ત્યાં જ હરાઈ જાય, પછી કવિ પોતાને શું જવાબ આપે? કે હાય કમનસીબી, મેં તો મારા મૌનના ગૌરવ માટેય શબ્દોનો સહારો લીધો? તો મૌનનું ગૌરવ ક્યાં રહ્યું?
હે પ્રભુ, આ આટલા બધા છંદો-લય-પ્રાસોની સમજણોનાં મોજાં મારા કવિત્વ પર પટકાયાં કરે છે એ વચ્ચે મારે તો માત્ર એક અચળ કાવ્યસ્થિતિ જોઈએ છે. (અનુભૂતિઓની) તીવ્ર ભીનાશ ઝીલીને પણ અપ્રતિસાદી રહેતા ખડક(હૃદય)ની કાવ્યસ્થિતિ !
મૌનસ્થિતિની પહેલી શરત જ શબ્દરહિતતા, અને ખરો કવિ એ મૌનની પ્રાર્થનામાં પણ શબ્દપ્રચૂરતા કેવી રીતે લાવે? એ મૌનાર્થીને આ પ્રાર્થનામાં પૃથ્વી છંદના સત્તર અક્ષરોય મનોમન તો કઠતા હશે, અને કહેનારા કહે છે કે આ એક પંક્તિમાં બીજી 13 ઉમેરી આખી સોનેટ લખી નાખી હોત તો શું ખોટું થાત?
ના ભાઈઓ ના. કશું ખોટું ન થાત. આપણે મીટરબદ્ધ ગઝલો ને છંદોબદ્ધ સોનેટો જ વાંચ્યા કરીએ, કવિતા ન વાંચીએ. – સુનીલ.