આર્ષના પત્રવિશેષાંક માટે પત્ર - સંદીપ ભાટિયા

પ્રિય સુનીલ,

‘આર્ષ’ના પત્ર વિશેષાંક માટે કશુંક મોકલવા તેં કહ્યું, તે ક્ષણે જ વરસોનાં પડળ ખસી ગયાં અને સ્મૃતિની સંદૂકમાં મૂકાઇ ગયેલું અને પત્રવ્યવહારના ભાગ રૂપે લખાયેલું એક ગીત યાદ આવ્યું. આ ગીત મારા અંગત ખજાના શંખલાં, છીપલાં, લખોટી, ચાકના ટુકડાનો એક હિસ્સો છે. જાહેર મંચ પરથી આ ક્યારેય રજૂ કર્યું નથી, પણ તને અને ‘આર્ષ’મિત્રોને વંચાવવું મને ગમશે. એ નિમિત્તે ગીત જે સ્થળ સમય-સંજોગોમાં લખાયું ત્યાં ફરી એકવાર આંટો મારી આવવાની તક પણ ઝડપી શકાશે.
નવોનવો બેંકમાં જોડાયો એ અરસામાં દક્ષિણ મહારાષ્ટ્રના સાતારામાં બદલી મળી. એ વખતે સાતારા ચારેબાજુ સહ્યાદ્રિના ડુંગરાઓની વચ્ચે વસેલું એક નાનકડું ખોબલા જેવડું ગામ હતું. ઑર્ડર હાથમાં આવ્યો ત્યારે પંચગિની અને મહાબળેશ્વરને અઢેલીને આવેલા હિલસ્ટેશન જેવા ગામમાં જવા મળશે એ વિચારે જે આનંદ થયેલો એ ડ્યુટી પર હાજર થતાં જ વરાળ થઇ ગયો. શરુઆતના બેત્રણ દિવસમાં જ ખ્યાલ આવ્યો કે અહીં આસપાસ ગુજરાતી બોલી કે સમજી શકે એવું કોઇ નથી. હિન્દી કે સરખું અંગ્રેજીય બોલી શકે એવું એકાદ જણ મળે તો એને ભેટી પડવાનું મન થાય એવો સીન હતો. ખાતેદારો તો સ્થાનિક અને બેંકનો સ્ટાફ પણ મહદ અંશે સ્થાનિક જ. રોજિંદા જીવનથી લઇને બેંકના કામકાજ સુધી બધે જ મરાઠી ભાષાનું ચલણ. સાતારાની બોલીનો લહેકો ત્યાંની પથરીલી જમીનમાંથી ફૂટતા હાર્ડ વૉટરના ઝરણા જેવો જ ખડકાળ, તો મારા કાન મુંબઇ પુણેની મુલાયમ મરાઠી ક્યારેક ક્યારેક સાંભળવા ટેવાયેલા. ટૂંકમાં બંદાએ ત્યાં જઇને થોડા મહિના ‘કોશિષ’ના સંજીવકુમારની ભૂમિકા ભજવી હતી.
યાદ રહે, બેંકોમાં કમ્પ્યુટર આવ્યા નહોતા અને ઇંટરનેટ એટલે શું અને મોબાઇલ ફોન એટલે શું એ જાણનારા જૂજ લોકો જ દેશમાં હતા એ દિવસોની આ વાત છે. અત્યારે એ બધું યાદ કરું છું તો મને જ રમૂજ થાય છે. પણ દિવસો સુધી પોતાની ભાષાથી દૂર રહેવાની સ્થિતિ કેટલી પીડાદાયક હોઇ શકે એ હું સમજાવી શકતો નથી. નવી જગ્યામાં ગોઠવાવામાં આવતી નાનીમોટી અગવડો પણ એને લીધે વિરાટ દેખાવા લાગતી હોય છે. બે વરસ પછી જ અહીંથી બદલી થઇ શકશે એ ખબર હતી એટલે ઊંઘમાંથી જગાડીને પણ કોઇ પૂછે તોય બે વરસના સાતસોને ત્રીસ દિવસમાંથી હવે કેટલા દિવસ અને કલાક બાકી રહ્યા એ મને યાદ રહેતું. લાંબી સજાના કેદીની કોટડીમાં પણ ચાંદીની થાળી જેવી એક બારી, વાતાયન હોય છે અને એમાં આકાશનો ચોરસ મજાનો ટુકડો પીરસાયેલો હોય છે. એ આકાશના રંગો સતત બદલાતા રહેતા હોય અને એમાં પણ આકાશના આ ખૂણાથી છેક પેલા ખૂણા સુધી એકાદ પંખી ક્યારેક ટહુકો કરતુંક ઊડી જતું દેખાઇ જતું હોય છે.
સુનીલ, હું નસીબદાર છું. એ કપરા સમયમાં પણ રાહતરૂપ કેટલાક મિત્રો મારી સાથે હતા. સાતારામાં વર્ષોપુરાણા કાળા રામમંદિરના પૂજારી શરદભાઇ જાની અને તેમનો પરિવાર મારે માટે ખારા રણમાં વીરડી સમા હતા. ગુજરાતથી આવી પાંચ પેઢીથી મહારાષ્ટ્રના સાતારામાં સ્થાયી થયેલા આ જાનીપરિવારે ઉત્તર ગુજરાતની બોલીને આજ દિન લગી યથાતથ જાળવી રાખી છે. દૂધભાષા ગુજરાતી અને લૂણભાષા મરાઠી એમ બેય તરફનો શરદભાઇનો પ્રેમ વર્ણવવા આ પત્રનું ફલક નાનું પડે. એ વિશે આપણે રૂબરૂ મળીશું ત્યારે નિરાંતે વાત કરીશું.
આ સાથેનું ગીત જેને પત્રમાં લખીને મોકલ્યું હતું એ મારું બીજું રણદ્વીપ. બા, મારા એક ઘનિષ્ઠ મિત્રનાં મમ્મી. મારી શરૂઆતની કવિતાઓના પ્રથમ શ્રોતા, સમીક્ષક. નોકરીના ભાગરૂપ બદલીને કારણે આવેલા ભાષાઝૂરાપા અને ઘરઝૂરાપાને સહ્ય બનાવવા બા દર અઠવાડિયે પત્ર લખતાં. અથાણાની બરણી ખુલ્લી રહી ન જાય એનું ધ્યાન રાખવાની ભલામણથી લઇને હમણાં જ વાંચેલી ટૂંકી વાર્તા વિષે લંબાણપૂર્વક લખતાં. વર્ષો સુધી એમણે અઢળક વાંચ્યું હતું. વિષયોની વિવિધતા અને વિચારોની ગહનતા એમના પત્રોમાં દેખાતી. નવું પુસ્તક વાચવાનું સૂચવતાં. સ્થાનિક લાયબ્રેરીમાંથી મેળવીને વાંચી જવા મરાઠી પુસ્તકોના નામ પણ લખી જણાવતા. શરૂઆતના દિવસોમાં તો ઘરઝૂરાપો એટલો તીવ્ર હતો કે શનિવારે રાતે સાતારાથી એસટી બસ પકડી રવિવારે સવારે મુંબઇ આવતો અને રાતે વળતી એસટીથી પાછો નીકળી સોમવારે સવારે કામે જતો. આઠ કલાક મુંબઇની હવામાં શ્વાસ લેવા એસટીની ખડખડપાંચમ બસનો સોળ કલાકનો પ્રવાસ ત્યારે અગવડભર્યો નહોતો લાગતો એ વાતનું આજે મને જ આશ્ચર્ય થાય છે. ઘણીવારતો લખેલો પત્ર પહોંચે એ પહેલાં જ રૂબરૂ મળવાનું થતું, પણ તોય મળેલા પત્રનો ઉત્તર તો આપવાનો જ એવો વણકહ્યો શિરસ્તો હતો. પત્ર લખીને ટપાલપેટીમાં નાખવો અને પછી મનથી એ પત્રની સાથેસાથે જ એના ગંતવ્ય સુધી જવું, પ્રિયતમાને પત્ર લખ્યો હોય તો ટપાલીની ઇર્ષા કરવી અને પત્રનો જવાબ આવે ત્યાં સુધી કલ્પનાના કિલ્લા બાંધવા, તોડવા, ફરી બાંધવા એનો આનંદ શું હોય એ હાથમાં સ્માર્ટફોન લઇને જન્મેલી પેઢીને નહીં સમજાય. પ્રતીક્ષાનું દુ:ખ એ કેટલું મોટું સુખ હોઇ શકે એનો વ્હૉટ્સઍપ ડુડ્સને ખ્યાલ નહીં આવે.
અવસાદના ભાર તળે દિવસો સુધી કશું જ નહોતું લખાતું ત્યારે બા કહેતાં, આ અવસાદને જ લખ. એ સમયની મન:સ્થિતિનું પ્રતિબિંબ ઝીલતી થોડીક કવિતાઓ લખાઇ એમાંનું એક આ ગીત છે. ગમ્યું કે નહીં એ જણાવજે. (વ્હૉટ્સઍપથી ચાલશે. લોલ)
***

પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

રોજ સૂરજની કાંચળી ઊતરે ને મારી છાતીમાં મ્હોરે છે હાશ
સાતસોને ત્રીસ દિ’નો પર્વત ચઢવામાં દોસ્ત તૂટી ન જાય મારા શ્વાસ

ઊંંબર પર મૂકીને આંખો જીવું છું, આવે શબ્દોની પીળચટ્ટી લહેરખી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સુંવાળી જાળમાં અટકી ને તડપે છે જિજીવિષાની કૂણી માછલી
પળપળના પૈડામાં ખોસી દીધી છે મારાં સપનાંની સોનેરી આંગળી

ટેરવાંની શેરીમાં સોપો ભલેને તોયે આવતી હશે જ તને હેડકી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સપ્રેમ

સંદીપ
25 ડિસેમ્બર, 2017 (મુંબઇ)