ગંગુભઈનું ગામ ગુલાબી

ધોળું નામે એક બટકા ભાઈ. એક વાર એને થયું કે પોતાના જૂના મકાનને રંગરોગાન કરીને વેચી નાખે, પણ એને ખબર નહોતી કે ત્યાં તો બીજું કોઈ રહેવા લાગ્યું હતું.

એનું નામ ગંગુ ગુલાબી!

ગંગુ એક ઘર પાસેથી પસાર થતો હતો. એણે જોયું કે ધોળુ ત્યાં ભૂરો રંગ કરી રહ્યો છે. ગંગુએ એના ડબ્બામાં જોયું. બાપ રે આ શું છે? ગંગુએ તો રંગને જોયો એટલે કશું સમજાયું નહિ. હિંમત કરી એને ચાખી જોયું. બાપ રે આ તો રંગ છે... -પણ આમ કેમ ચાલે મારા ઈલાકામાં કોઈ ભૂરો રંગ કેમ કરે? અહી તો ગંગુ ગુલાબીનું રાજ ચાલે છે તો બધે ગુલાંબી રંગ જ કરવાનો હોય. ધોળુ તો રંગ કરવામાં મશગૂલ ને એવામાં ગંગુ હળવેકથી ભૂરા રંગનો ડબ્બો લઈને એને સ્થાને ગુલાબી રંગ મૂકી ગયો... પડી મજ્જા!

ધોળુ ભાઈ તો પોતાના કામમાં તલ્લીન. જ્યારે રંગ લેવા પાછો પીંછડો રંગમાં બોળ્યો અને દીવાલે ફેરવ્યો તો દીવાલ ગુલાબી થવા લાગી એ જોઈ ધોળુ ગુસ્સે થયો ને આજુબાજુ જોયું. એને સમજાયું કે આ તો ડબ્બો કોઈ બદલી ગયું. કોણે કર્યું આ? એ શોધવા જતાં ધોળુને ખબર પડી કે કોઈકના ભૂરા રંગના પગલા છે, જે એક દરવાજા તરફ જાય છે. દરવાજો ખોલતાં ખુલતો નહોતો. ધોળુભાઈ તો થોડા પાછા ખસ્યા અને જોરથી દરવાજાને ધક્કો મારવા જતા હતા એવામાં જ દરવાજો એની મેળે ખુલી ગયો. ધોળુએ જોયું કે દરવાજા પર જ કોઈકે એના રંગનો ડબ્બો મૂક્યો છે. એણે તો બસ વિચાર્યા વગર હાથમાં રંગ લીધો અને હજી તો કઈ કરે એ પહેલા જ ગંગુએ આવીને દરવાજો એટલા જોરથી ખોલ્યો કે ધોળુ દબાઈને સીધો દીવાલથી જડાઈ ગયો અને ભૂરા રંગનો આખ્ખો ડબ્બો રંગ એના પર ઢોળાઈ ગયો. ઓય રે માડી... આ તો મને આખેઆખું સ્ટીકર બનાવી દીધું. દીવાલ પરથી ધીમે ધીમે સરકતા જતા ધોળુ પાછો એના મૂળભૂત રૂપમાં આવી પટકાયો.

કોણ છે આ જે ધોળુને પડકારે છે? પણ અત્યારે ધોળુને કોઈ દેખાયું જ નહિ. એણે બાંયો ચડાવી, પોતાનો ડબ્બો લઈને દોડી ગયો પોતાનું કામ કરવા... મનમાં ત્રાડુકતો કે હવે જોઉં છું કોણ આડું આવે છે? ધોળુએ તો રંગવા માંડી દીવાલને ભૂરા રંગથી. આ બાજુ ધોળુ ઉપરથી ભૂરો રંગ કરે અને ગંગુ નીચેથી ગુલાબી રંગ રંગતો જાય. છેડે આવીને ધોળુએ નીચે જોયું તો પાછો ગુલાબી રંગ. વિચારે કે આ તો ગડબડ થાય છે ભાઈ. એણે તો માથું નીચું કરી નીચે ભૂરો રંગ કરવા માંડ્યો. પાછો છેડે આવી હાશ કરે છે ત્યાં તો ઉપર ગુલાબી રંગ? હવે તો એને રંગ પર શંકા ગઈ. એણે વધેલો રંગ બહાર ફેંક્યો અને નવા રંગથી બહારનો થાંભલો રંગવા માંડ્યો. આ બાજુ ધોળુ ભૂરો રંગ ઝપટે અને બીજી બાજુએથી રંગ ગુલાબી ચિતરાતો જાય... એકવાર... બેવાર... બંને ગોળ ગોળ ફરી થાક્યા ત્યાં તો ગુલાબી અને ભૂરા રંગની કેન્ડી ઊભી હોય એવા રંગોની સુંદર મજાની ભાત પડી. પણ ધોળુ ગંગુને જોઈ જ ન શક્યો. એ પાછો થાક્યો. ઊભો રહી વિચારે છે કે કોઈક તો છે અહી.

એની નજર અચાનક ગુલાબી રંગના પગલાંની છાપ પર પડી. ધોળુ પગલાનો પીછો કરતો ચાલ્યો તો એને થયું કે આ તો કોઈ ઉંદરનું જ કામ છે. એ જે તરફ આવતો હતો ત્યાં ગંગુ દીવાલને ગુલાબી રંગથી રંગી રહ્યો હતો. ધોળુને જોતાં જ એ દીવાલમાં સ્ટીકરની જેમ ચોંટી ગયો. ગુલાબી દીવાલ અને ગંગુ ગુલાબી – ગંગુ ગુલાબી અને ગુલાબી દીવાલ - કેમ ખબર પડે કોણ શું છે? કોણ ક્યાં છે? ધોળુ ત્યાં ઊભો રહી વિચારતો રહ્યો. પાછો ફરીને જુએ છે તો ગંગુ એને પાછળથી રંગ કરીને જતો રહ્યો હતો. ધોળુને હવે શંકા થઈ આ તો નાનો નહિ, પણ મોટો ઉંદર લાગે છે. એને પકડવા કશુક કરવું જ પડશે. ધોળુ ઉંદર પકડવાનું ટ્રેપ લાવ્યો, પણ એમાં ઉંદર તો ન આવ્યો ને ધોળુભાઈ પોતે જ ફસાઈ પડ્યા. વળી, ટ્રેપ પર મૂકેલી ચીઝ પણ ઉંદર લઈ ગયો.

ધોળુએ બધું છોડી પાછુ રંગવા માંડયું. આ બાજુ ભૂરો દરવાજો કરે ને બીજી બાજુથી ગુલાબી થતો જાય. ભૂરા દાદર રંગે ને નટખટ ગંગુ એના પર ગુલાબી રંગ ઢોળી નાખે. ધોળુએ આખો ઓરડો ભૂરો રંગ્યો તો ગંગુ આવીને ત્યાં ગુલાબી ફુવારો મૂકી ગયો અને આમ ઘર આખું ગુલાબી-ગુલાબી.

હવે ધોળુ ખિજાયો. એક મોટી બંદૂક કાઢી અને દોડ્યો ગંગુ પાછળ. ધાડ-ધાડ ગંગુ આગળ ને ધોળુ પાછળ... ધોળુ માથે ડબ્બો ફેંકી ભાગ્યો અને છેક આવ્યો હવેલી પર જ્યાં ગંગુ સંતાયો હતો. આ હવેલીને ધોળુએ મહામહેનતથી ભૂરી રંગી હતી. છાપરે ચડીને ગંગુએ નીચે પોતાની રાહ જોતા ધોળુને જોયો એટલે એની ખભાને ટેકે રાખેલી બંદૂકનાં નાળચામાં ગુલાબી રંગ નાખી દીધો. હવ ધોળુ જ્યાં પણ ગોળી છોડે ત્યાં બસ ગુલાબી રંગ જ ફેંકાતો જાય... ગંગુભાઈનો પડી ગઈ મજ્જા જ મજ્જા... આખેઆખી હવેલી ગુલાબી રંગાઈ ગઈ. ધોળુએ યુક્તિ કરી. આ ગુલાબી રંગને જ છૂપાવી દઉ તો કેમ થાય? વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે.

ધોળુને આ વિચાર ગમી ગયો. એણે તો ઊંડો ખાડો ખોદ્યો અને બધા જ ગુલાબી રંગનાં ડબ્બા એમાં દાટી દીધા... હાશ! હવે નિરાંત થઈ. ધોળુ ચાલવા માંડ્યો ત્યાં તો આસપાસથી ઘાસ-પાંદડા અને જોતજોતામાં આખેઆખો બગીચો ગુલાબી ઊગી નીકળ્યો. ગંગુ તો આવીને ખૂબ જ ખુશ થયો અને ધોળુનું માથું ચૂમી લીધું. એને શાબાશી આપી. ધોળુએ ઘરબહાર ‘વેચવા માટે’ જે બોર્ડ મૂકેલું, એને પણ ખસેડી દીધું. અંતે,  જતાં-જતાં એણે ગુલાબી પીંછી લીધી અને ધોળુને રંગ લગાવ્યો.... તમે જ કહો એ કયો રંગ હશે?

 

(રૂપાંતર - સમીરા પત્રાવાલા)

***

(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં -www.youtube.com/watch?v=59lKdaXX6Eo )

 


[બાળજગત] ખુશી

પહાડો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું ગામ હતું. એમાં બહાદુર અને ટોમી નામના કુતરો અને માણસ રહેતા હતા. અરે! એક મિનિટ માણસનું નામ ટોમી અને કુતરાનું નામ બહાદુર છે, હો! ઊંધું ન સમજતા. એ બંને રોજ મળસ્કે માછલી પકડવા જતા. મળસ્કે કોઈ જાતનો અવાજ ન હોય, વાતાવરણ શાંત હોય એટલે માછલી જલ્દી પકડાઈ જાય.
આજે પણ એ બંને પોતાની નાનકડી હોડકીમાં નીકળ્યા હતા. ટોમીસિંઘ માછલી પકડવાના કાંટામાં ચારા તરીકે અળસિયા ભેરવી રહ્યો હતો. એ અળસિયા ખાવા માછલીઓ આવતી અને કાંટામાં ભેરવાઈ જતી. ત્યારે બહાદુર ઊછળકુદ કરતો હોડકીમાં ભમરા પાછળ દોડી રહ્યો હતો. ત્યાં જ અચાનક બહાદુરે જોયું કે એક માથા પર પૂછડીવાળો... અરરર પૂછડી નહિ માથા પર કલગીવાળો બગલો આવીને હોડકી પર બેઠો. ધીમે રહી એ બગલાએ અળસિયાના ડબ્બામાં ચાંચ મારી એક અળસિયું પકડી લીધું. એ જોઈ બહાદુર ભડક્યો અને ભોકવા માંડ્યો એટલે પેલો બગલો ફરરર કરતો ઊડી ગયો. પણ આ તરફ માલિક ટોમીને ખબર પડી નહિ અને અવાજ કરતા બહાદુરને એ ચુપ રાખવા ગુસ્સે ભરાયા. બહાદુર નિરાશ થઇ બેસી ગયો. ત્યાં અચાનક ફરી પેલો ખાઉધરો બગલો આવ્યો અને ફરી અળસિયાના ડબ્બામાં ચાંચ મારી, ફરી બહાદુર ભોકવા માંડ્યો, ભોકવાના અવાજથી ચાર સુધી આવેલી માછલીઓ પાછી વળી જાય એટલે ફરી ટોમી ગુસ્સે ભરાયો અને બહાદુરને હોડીના નાકે ચુપચાપ બેસી જવા કીધું.
થોડીવાર પછી ફરી પેલો બગલો આવ્યો અને જેવો ચાંચ મારી અળસિયું પકડ્યું કે એક તરફથી બહાદુરે તરત ઉછળીને એ અળસિયાને પકડી લીધું. પછી તો બંને એ રબર જેવા લાંબા થતા અળસિયાને પકડી ખેંચ-તાણ કરવા માંડ્યા. એવામાં એ અળસિયું બંનેની પકડમાંથી છૂટી ગયું અને બંને એકબીજાથી દૂર હોડીમાં ફેંકાઈ ગયા. ધક્કો લગતા આ વખતે ટોમીસિંઘ એ બગલાને જોઈ ગયા કે તરત હલેસું લઇ મારવા દોડ્યા અને લગાવી એક જોરથી. એ બગલો તો ગભરાઈને નાઠો. બહાદુર એ બગલાને દૂર સુધી જતા જોઈ રહ્યો. બગલો ઊડી નિરાશ થઇ પાછો માળામાં ગયો, જ્યાં એના ત્રણ બચ્ચા હતા. બચ્ચા ખાવાનું માગવા માંડ્યા. હવે એની પાસે અળસિયા તો હતા નહીં. તો એને પહેલાથી પકડેલી માછલી બચ્ચાઓને આપી પણ બચ્ચાઓથી એ માછલી ગળાતી નહિ એટલે બિચારા રડવા માંડ્યા. એ જોઈ બહાદુરને પસ્તાવો થવા લાગ્યો કે એના લીધે બિચારા પેલા બચ્ચાઓ ભૂખે રહી ગયા હતા.
બહાદુરે ટોમી જોઈ ન જાય એમ અળસિયાના ડબ્બામાંથી બધા અળસિયા કાઢી હોડકીની પાળ પર નાખ્યા અને દૂર ખસી ગયો. એ જોઈ તરત બગલો આવ્યો ને એ બચ્ચા માટે લઇ ગયો. બગલો તો ખુશખુશ થઇ ગયો, પણ બગલો અને એના બચ્ચાઓને ખુશ કરવા જતા બહાદુર હવે ઉદાસ હતો કેમ કે અળસિયા તો બધા એણે બગલાને આપી દીધા હતા અને હજી એક પણ માછલી પકડાઈ તો ન હતીને? એટલે? એટલે કે આજે એના સાથે એના માલિક ટોમીને પણ કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે એમ હતું. એ વિચારોમાં એ નિરાશ થઇ બેસી ગયો. ત્યાં એક અવાજથી એ ઝબકયો. જોયું તો એ જ બગલો ફરી આવ્યો હતો. શું એ પાછો હજી વધારે અળસિયા માગવા આવ્યો હતો? ના, આ વખતે એ પોતાની મોટી ચાંચ ભરીને બહાદુર માટે માછલીઓ લાવ્યો હતો. એ બધી માછલીઓ બહાદુર તરફ નાખી બગલો ઊડી ગયો. અવાજથી માલિક ટોમીસિંઘ પાછળ ફર્યો અને આટલી બધી માછલીઓ જોઈ ચોંકી ગયો. ખુશ થતા થતા એ બહાદુર પાસે આવ્યો અને એને શાબાશી આપવા માંડ્યો. કેમ કે બહાદુરના લીધે જ આટલી બધી માછલીઓ મળી હતી. બહાદુર ફરી ખુશ થઇ હોડકીમાં ઊછળકુદ કરી ભમરાઓ પકડવા માંડ્યો. ત્યારે બહાદુરને સમજાયું કે સાચી ખુશી તો બીજાને ખુશ રાખવામાં જ છે. દૂર સૂરજ ઊગી ગયો હતો અને હોડકી પાછી કિનારા તરફ વળી ગઈ હતી.

***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર થઈ સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો જોવાનો વેબકાંઠો - https://www.youtube.com/watch?v=1lo-8UWhVcg)


[બાળજગત] કેકડાભાઈનો ટાપુ

ઘણે દૂરદૂર એક ટાપુ પર નાનકડી ટેકરી હતી. એકદમ દરિયાની લગોલગ ! સોનેરી સરસ મજા રેતીથી બનેલી એ ટેકરી પર રહે એક લાલચટક કેકડાભાઈ. નાનાનાના ધારદાર ચાકુ જેવા આઠ-આઠ પગ, બે મોટી વીંટી જેવી આંખો અને થોડું ઘૂઘરા જેવું લંબગોળ ને થોડું સમોસા જેવું ત્રિકોણઆકાર એમનું શરીર. કેકડાભાઈને તો જમીનમાં પૂરાઈ રહેવાનું કામ. કીડામકોડા ખાવાના ને મજાથી રહેવાનું. એમને એમ કે એમની આ ટેકરી જ આખો ટાપુ છે, જેના એ પોતે માલિક છે. ટેકરી પરથી અવાજ કરીને પવન પણ ફૂંકાય કે જરીક ચહલપહલ થાય કે કેકડાભાઈ ટપટપ કરતા આડા પગે દોડી આવે દરની બહાર... આસપાસ નજર નાખે, પણ બધું શાંત-સ્વચ્છ જુએ એટલે ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !

ઘણીવાર કેકડાભાઈ પોતાના દરમાંથી બહાર આવી જુએ કે પાનપાંદડા કે શંખલા-છીપલા તણાઈ એમના દર પાસે આવી પડ્યા છે, એમની ટેકરીને ખરાબ કરે છે, એટલે કેકડાભાઈને એ ન ગમે. ટેકરીને ચોખ્ખીચણાક રાખવાની એમની હઠ. એ તણાઈ આવતા જાતજાતના ‘કચરા’ને ધકેલીધકેલી ટેકરી પરથી નીચે ગબડાવે ને દરિયામાં વહાવી દે. પછી ‘હાશ.’ અનુભવે ને મજાથી ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
-પણ એક દિવસે તો જબ્બર થયું. બન્યું એમ કે કેકડાભાઈના દર પાસે એક નારિયેળીનું ઝાડ ઊગ્યું હતું. નારિયેળી જેમજેમ મોટી થતી ગઈ એમ હવે એના પર નારિયેળ પાકવા લાગ્યા હતા. એક દિવસ કેકડાભાઈના દરની બરાબર પાસે જ એક નારિયેળ પાકીને પડ્યું નીચે... ભડડમમમ ! ટેકરી ધ્રુજી ગઈ. કેકડાભાઈ તો હાંફળાફાંફળા થઈને બહાર આવ્યા ને જુએ છે કોઈ રાક્ષસી સામાન એમની ટેકરી પર આવી પડ્યો છે. આ છે શું? પહેલાં તો એ જબ્બર મુંઝાયા. આવું પહેલાં કદી બન્યું ન હતું. આવડોમોટો આ કચરો હતો શાનો? આકાશમાંથી પડ્યો કે જમીનમાંથી ફૂટી નીકળ્યો? એ કોઈ રાક્ષસ કે જનાવર તો નથીને? મને મારી ખાવા આવ્યો હશે તો?
કેકડાભાઈ તો કેટલાય વિચારોમાં ગુંચવાયા, પણ એમનો નિયમ તે નિયમ. ટેકરી સાફસુથરી રાખવી. એમના દરની આસપાસ કંઈ ન ખપે. હિંમત કરીને એ તો આડા પગે હળવે-હળવે ગયા નારિયેળ પાસે. પહેલા એને એક પગની અણીથી અડ્યા. કંઈ ન થયું. જોયું કે આ ચીજ છે તો બહુ કડક ને મજબુત. નારિયેળની આસપાસ ફર્યા ને બધે ઠેકાણે અડી જોયું. થોડું ખસેડ્યું તો નારિયેળ ડાળી પરથી જે સ્થાને તૂટ્યું હતું એ સ્થાને થોડાં નિશાન હતાં. એ નિશાન બે આંખ ને એક નાક જેવાં લાગતાં હતાં. તે જોઈને તો કેકડાભાઈને થયું, ‘નક્કી આ તો કોઈ રાક્ષસ જ છે ને આકાશથી નીચે પડીને બેહોશ થઈ ગયો લાગે છે.’ એ હોશમાં આવે એ પહેલાં જલદીજલદી એને દરિયે ધકેલી દેવો પડશે. ભયમાં અને ઉતાવળમાં કેકડાભાઈ તો ફટાફટ પગ હલાવવા માંડ્યા ને નારિયેળને ધકેલવા મથ્યા. ઢાળને લીધે થોડું ધકેલાઈ નારિયેળ એકવાર એમના તરફ પાછું સરકી આવ્યું, ત્યારે તો કેકડાભાઈને થયું, પત્યું, હવે તો મર્યા, પણ નારિયેળ એમનું એમ પડ્યું રહ્યું. કેકડાભાઈ ફરી હિંમત ભેગી કરી ઊભા થયા ને નારિયેળરૂપી રાક્ષસને ટેકરીની ટોચથી દરિયે ફંગોળવામાં લાગ્યા. ધીમેધીમે કરી નારિયેળ ગબડ્યું દરિયાની વાટે... સરરરર... બુડૂક !
દરિયાના પાણીમાં પડતાં જ નારિયેળ પાણીની સપાટી પર તરતું તરતું પ્રવાહ સાથે આગળ વધવા લાગ્યું. કેકડાભાઈ એમના ધારદાર પગને આંખ પર માંડી ગભરામણ અને ઉત્સુકતાભરી આંખે દૂર સુધી નારિયેળને વહી જતું જોઈ રહ્યા. નારિયેળરૂપી રાક્ષસ ન જાગ્યો. કેકડાભાઈના જીવમાં જીવ આવ્યો. બે ક્ષણ શાંતિ છવાઈ એટલે એમણે ફરી રાજી થઈને ગાયુઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
હજી કેકડાભાઈ એમનું ગીત પૂરું કરે ન કરે ત્યાં તો ધરતી ફરી ધૂણી ઊઠી... ભડડમમમ ! કેકડાભાઈના આપણી મુઠ્ઠી જેવડા નાના પેટમાં મોટી ફાળ પડી કે ફરી શું થયું? એમણે પાછળ ફરીને જોયું ને ડોળા પહોળા થઈ ગયા. બીજો એક એવો જ મોટો ‘રાક્ષસ’ કેકડાભાઈની ટેકરી પર, એમના દર પાસે જ પટકાઈ પડ્યો હતો.
એમણે તો ચીસ પાડીઃ અરે! આ પાછો આકાશથી પડ્યો કે ધરતીમાંથી ફૂટી નીકળ્યો? કોઈ કહેશે મને આ શું થઈ રહ્યું છે?
આપણને એવું મન થાય કે કેકડાભાઈને કહીએઃ અરે ઓ અમારા સહુના વહાલા કેકડાઓમાં શ્રેષ્ઠ કેકડાભાઈ, સ્વચ્છતાના આગ્રહી, પોતાના ઘરના નીડર રક્ષક, તમે તમારું ઘર નારિયેળના ઝાડ નીચે કર્યું છે તો આ નારિયેળો તો પાક્યાં કરશે અને પડ્યાં જ કરશેને?
-પણ એ નારિયેળ છે રાક્ષસ નથી એવું એમને કોણ સમજાવશે? છે કોઈ ઉપાય?
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં - https://www.youtube.com/watch?v=am5lKJMibr0)


[બાળજગત] મહાબંદર

જંગલ એક સુંદર, વિશાળ, લીલેરું, એમાં રહેતાં પ્રાણીઓ અનેક રે અનેક રે અનેક રે
સૌથી સુંદર જોકે કોણ હોય બીજું? સાવ ટબુકડા કપિરાજ એક રે એક રે એક રે
બેઠા રહે તૂટેલી ડાળી ઉપર એ, ફાંક્યાં કરે ચોંટેલાં જંતુને જંતુને જંતુને
નાખ્યા કરે આસપાસ, દૂરસુદૂર નજર, જોયા કરે એકએક વસ્તુને વસ્તુને વસ્તુને
એવામાં ધબાંગ કરી થયો ધડાકો ! પડ્યો ત્યાં અંતરિક્ષનો પથ્થર ભૈ પથ્થર ભૈ પથ્થર ભૈ
અડ્યા તો દાઝ્યા! કપિશ્રી તો વીફર્યા ! પધરાવ્યો પેટની અંદર ભૈ અંદર ભૈ અંદર ભૈ
ધબ્બને ધડાકા થયા પેટની અંદર, આંખો તો એમની ચમકતી, ચમકતી, ચમકતી
ચારેતરફ ઊડ્યો પ્રકાશ લીલોછમ ! કપિરાજને મળી નવી શક્તિ નવી શક્તિ નવી શક્તિ
કપિશ્રી તો ઊડ્યા ને પછડાયા ને ઊડ્યા એવા ફરરરરરરરરરરરરરરર
વહેતા પવનની પાંખો પર થયા સવાર જાણે સરરરરરરરરરરરરરરરર

ગમતી કપિરાણીને અડી દઝાડી ને ચરતી બકરી પડી ગબડી ને ગબડી ને ગબડી ને
મહાકાય ગોરિલાની પીઠ ચીરાઈ વળી ઊડતું વિમાન ગયું ઊલળીને ઊલળીને ઊલળીને
પહોંચ્યા ક્યાં? પૂછો તો અંતરિક્ષને છેડે! જ્યાંથી આવ્યો એ પથ્થર હા પથ્થર હા પથ્થર હા
કપિરાજને થયું, આ બધું જ ગળી જાઉં તો? થઈ જાઉં હું શક્તિશાળી મહાબંદર હા બંદર હા બંદર હા?
કૂદ્યા કપિરાજ એ લીલેરા ગોટલામાં ને ફૂટે ફટાકડાં એમ બધું ફૂટ્યું લે ફૂટ્યું લે ફૂટ્યું લે
નવો લીલો ટુકડો ફરી વનમાં પડ્યો, પણ શું હજી સપનું નથી તૂટ્યું કે તૂટ્યું કે તૂટ્યું કે?

***
( આ કાવ્યકથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો માટે પહોંચો- https://www.youtube.com/watch?v=3rsGPNChtVU )


[બાળજગત] ટીંગરટોપી / સમીરા પત્રાવાલા

(આ કાવ્યકથાનું વસ્તુ ‘કેટ ઈન ધ હેટ’ પરથી લેવાયું છે.)
*

હું ને રંજન બારી પાસે બેસી વાતો કરતાં’તાં,
‘ગરમી આવી, ગરમી આવી’ એવી આહો ભરતાં’તાં
કેમ કરીને જાવું રમવા, ઉનાળાના તાપમાં?
ઈસ્ત્રી જેવો લાગે તડકો, ઘરમાં રહેવું બાફમાં.
મમ્મી ગ્યાં છે નાના ઘરે, પપ્પા ગ્યા છે ઓફિસ,
ચાલને ભાઈ કાંઈ ગમ્મત કરીએ, ક્યાં સુધી આમ બેસીશ?
ભાઈને ગમતું ક્રિકેટ રમવું, મને તો સાયકલ વ્હાલી,
તાપ નામના સાપે જોને, રમ્મત પાછી ઠાલી.
પેટ ભરીને ખાધું પછી, ટીવી જોઈનેય થાક્યાં,
રમતાં-ભમતાં-હસતાં-બોલતાં બધું કરીને પાક્યાં.
રવિવારનો દિવસ શું કરવું, એમ વિચારે બેઠાં,
દરવાજે કોઈ ઠકઠક કરતું, કાન થયા સરવા.
ધણધણ કરતી ધરતી બોલી, એવા ટકોરા વાગ્યા,
ચુલબુલ તો પાણીમાં ધ્રુજે, હું ને રંજન ભાગ્યાં.
ભરી બપોરે કોણ આવશે કાકા-મુન્ની-ચુન્નુ?
ચુલબુલ બોલી સાવધ રે’જે, મમ્મી વિણ ઘર સૂનું.
*
હું અને રંજન તો ડરી ગયા. હવે કરવું શું? મચ્છીઘરમાં ચુલબુલ (માછલી) પણ ધ્રુજે છે. આ બહાર જે કોઈ પણ છે એ એટલા જોરથી દરવાજો ખખડાવે છે કે આખું ઘર ધ્રુજે છે. મેં તો કહી દીધું કે દરવાજો જ નથી ખોલવો. રખે ને કોઈ ચોરલૂંટારું હોય, પણ રંજન કહે ચોરલૂંટારું એમ કઈ દરવાજો ખખડાવી થોડા આવે? અને જે રીતે આ કોઈ દરવાજો ખખડાવે છે એ જોતા તો લાગે છે કે કદાચ પપ્પા જ હોય. તને ખબર છે ને પપ્પાને કોઈ મોડો દરવાજો ખોલે તો ગુસ્સો આવે છે? મમ્મી પણ હોઈ શકે કદાચ, વહેલાં આવી ગયાં હોય. રંજને તો દરવાજો ખોલ્યો. અને જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે...
*
સામે એક બિલાડી છે...
જે ઊંચી-લાંબી-કાળી છે....

*
બાપ રે ! આ ભરબપોરે કોણ આવ્યું? મને તો ડર લાગવા માંડ્યો અને આ બિલાડી તો દેખાવે પણ સાવ અલગ જ હતી.
*
લાલ ટોપી પહેરી એણે, ગળે બાંધી ટાઈ,
ચુલબુલ ત્યાંથી ડરતી પૂછે, કોણ આવ્યું છે ભાઈ?
(કોણ આવ્યું છે ભાઈ? બોલો કોણ આવ્યું છે ભાઈ?)
ટોપી ઊંચી કરતા બિલ્લી બોલી હેલ્લો હાય-વાય,
મારું નામ છે ટીંગર ટોપી, સ્વાગત કરો ભાઈ-ભાઈ.
*
બિલ્લી તો ઘરમાં આવી ગઈ. દરવાજા જેવી ઊંચી અને માથે પહેરેલી હેટથી તો એનો ઠાઠ જ અલગ લાગતો હતો. હું ને રંજન તો એને જોતાં જ રહી ગયાં. અને ચુલબુલ એના મચ્છીઘરમાં ડુબુક-ડુબુક કરતાં-કરતાં બૂમાબૂમ કરવા લાગી કે આને ઘરમાં ન આવવા દો. મમ્મી ઘરે નથી અને આમ કેમ કોઈ ઘરમાં આવી શકે? આને બહાર કાઢો. મારી વાત માનો બંને. આમ થોડું ચાલે? મમ્મીની ગેરહાજરીમાં કોઈ ઘરે આવે એને ઘરમાં થોડું ઘુસવા દેવાય? (સવાલ:મમ્મીની ગેરહાજરીમાં કોઈને ઘરમાં ઘુસવા દેવાય?) ત્યાં તો બિલ્લીએ જવાબ આપ્યો...
*
મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે રંજન-ટીના,
ઘરમાં બેઠી થાક્યાં બન્ને, ચાલો રમીએ રંજન-ટીના.
ઘરની બહાર જઈશું નહિ પણ ઘરમાં ગમ્મત કરીશું રે,
ટીંગરટોપી ઘરમાં આવ્યો, પેટ પકડીને હસીશું રે,
ચુલબુલની વાતો ન માનો, એ તો બીક્કણ બચ્ચી રે,
હું તો તમારો દોસ્ત છું પ્યારો, દોસ્તી બડી અચ્છી રે.
*
ચુલબુલને તો ગુસ્સો આવી ગયો. આ બિલ્લી એને જરાય નહોતી ગમતી. એને થયું કે મને બીક્ક્ણ કહે છે આની હિમ્મત તો જો. ટીંગરટોપીએ તો ઘરમાં અહિયાં-તહિયા, આજુબાજુ બધે જ તપાસ કરીને અમુક વસ્તુઓ ભેગી કરવા લાગી. હું અને રંજન કંઈ બોલીએ એ પહેલાં જ એ તો જાણે સરકસનો જોકર હોય એમ ખેલ દેખાડવાની તૈયારી કરવા લાગ્યો. અમે પણ રાહ જોવા લાગ્યા કે આ હવે શું કરશે?
*
મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,
(મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,)
ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.
(ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.)
હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી
(હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી)
ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.
(ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.)
*
કરતબ કરવામાં ટીંગરે પોતાનેય સામેલ કરી છે એ જોઇને ચુલબુલ તો ધુંવાપુવા થઈ ગઈ. એમાં પાછું પોતાની મચ્છીઘરને ટિંગરે ઝૂંપડી કહ્યું એટલે એનો ગુસ્સો તો સાતમે આસમાને જતો રહ્યો. પણ ખૂબ ચડ્યો. એની બૂમાબૂમ ચાલુ થઈ, એલા કોઈ તો આ મૂરખને બોલો કે મને નીચે તો ઉતારે. એલા હું પડી જઈશ, મને વાગી જશે, હું મરી જઈશ...
*
તું બિલ્લી છે કે બંદર, તું બિલ્લી છે કે બંદર?
નથી જોઈતી ગમ્મત તારી, કેમ આવ્યો છે અંદર?
(કેમ આવ્યો છે અંદર? કેમ આવ્યો છે અંદર?)
નીચે ઉતારી દે તું પહેલાં, પછી હું તને જોઉં છું.
છલ્લક છલ્લક પાણી થતું, જોતો નથી હું રોઉં છું?
*
હું ને રંજન તો ગભરાઈ ગયાં. ચુલબુલ રડે છે અને ટીંગર તો એની મસ્તીમાં જ છે. અમે બંને એને કહી છીએ કે...
*
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
*
પણ ટીંગર તો એની મસ્તીમાં જ હતો. એણે તો વાત જ ન માની. ચુલબુલને ગુસ્સો આવ્યો અને એણે એક ઊંચી છલાંગ મારી અને સીધા ટેંકમાંથી લોંગ જંપ (ઊંચો કુદકો) કરીને ટીંગરટોપીનું નાક ખેંચતી પાછી પોતાની મચ્છીઘરમાં જ ડૂબકી મારી... ટીંગરનું તો નાક ખેંચાયું અને પછી...
*
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક...
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક...
*
ટીંગરને એકાએક છીંક આવી એટલે ગડબડ થઈ ગઈ.
*
હાથેથી કપ છૂટયો, ચોપડી પડી,
રંજને ટેંક ઝીલ્યું, બોલ ગયો દડી,
બેલેન્સ ટળ્યું ને બધાં પડ્યાં ધડામ,
ટીંગરે ભોય તળે કર્યા પ્રણામ.
છત્રી આવી મારા માથે ધસી,
ડરી ગઈ હું, થોડી આઘી ખસી,
આઘુ ખસવામાં પગે નીચે બોલ આવ્યો દડી,
-ને પગ તો લપસ્યો... હું ગઈ બારીએ ચડી.
*
હાશ... બચી ગયાં. ચુલબુલના તો જીવમાં જીવ આવ્યો. મારું તો બારી સાથે માથું ભટકાતા રહી ગયું. પણ આ શું? બારી બહાર જોયું તો મમ્મી આવતાં દેખાય છે. આ બિલ્લી ખતરનાક છે મારે કઈક કરવું જ પડશે હવે. મમ્મી પણ આવી રહ્યાં છે અને એમાં પણ આ ઘરમાં વેરવિખેર જોશે તો અમારું તો આવી જ બનશે. મેં તો જઈને સીધો ટીંગરને ભોયતળેથી ઉઠાવ્યો અને કહ્યું...
*
નીકળો હવે, નીકળો હવે, ગમ્મત હવે પૂરી થઈ,
મમ્મી ઘરમાં આવે છે, રમ્મત હવે પૂરી થઈ.
રંજન ચાલ શરૂ કર, બધી વસ્તુઓ સમેટીશું રે,
મમ્મી બધું જોઈ જશે તો મેથીપાક જમીશું રે.
*
મમ્મીનું નામ સાંભળી રંજન પણ સાવધ થયો. ટીંગરને હાથ ખેંચીને બહાર કાઢ્યો અને પછી અમે ઘરમાં બધું ઠીક કરવાં લાગ્યાં, પણ આ બધું એટલું વેરવિખેર થયેલું કે અમને સૂઝ નહોતી પડતી. એવામાં ડોરબેલ વાગી અમારા તો મોતિયા મરી ગયા અને થયું નક્કી મમ્મી આવ્યાં. હવે કોઈ રસ્તો નથી. જે બન્યું એ કહી દઈશું શું કરીએ? અમે ડરતાં-ડરતાં દરવાજો ખોલ્યો અને નીચું જોઈ ગયા. ત્યાં તો...
*
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
*
અમને નવાઈ લાગી આમ કેમ થયું. વળી પાછો કેમ આવ્યો? અમે કંઈ પૂછીએ એ પહેલા જ ટીંગરે એક બટન દબાવ્યું અને જીપના ત્રણેય હાથ કામે લાગી ગયા અને આખું ઘર એક મિનિટમાં જ ઠીક કરી નાખ્યું. અમે તો ખુશ થઈ ગયાં. ટીંગરે ગાડી પાછી વાળતા કહ્યું...
*
આવજે રંજન, આવજે ટીના, આવજે ચુલબુલ પ્યારી રે,
ગમ્મત કરશું ફરી કયારેક, પાક્કી આપણી યારી રે.
મમ્મી ઘરમાં હોય નહિ તો કોઈને ઘરમાં લાવશો ના,
ટીંગરની વાત અલગ છે યારો, સાવધ રહી સાચવશો હા...
*
હું, રંજન અને ટીના તો ખુશ થઈ ગયાં. ટીંગર તો જતાં-જતાં બધું જ ઠીક કરી ગયો અને આમ પણ અમારો સમય પસાર થઈ ગયો હતો. ડર લાગ્યો પણ મજા પણ કરી ને?
થોડીવારમાં મમ્મી આવી ગયાં અને ઘરની સાફસફાઈ જોઈને અમને શાબાશી આપવા લાગ્યા. પછી પૂછ્યું શું કર્યું આખો દિવસ રમ્યાં કે કંટાળ્યાં? હું ને રંજન એક્બીજા સામે જોતાં હતાં અને ચુલબુલ પ્યારી તો... મચ્છીઘરમાં હસતી હતી!

***