વરસાદી જીન - સમીરા પત્રાવાલા
બોરીવલીથી છૂટેલી ટ્રેન જ્યારે ભાવનગર ટર્મિનસ પર અટકી, ત્યાં જ મન વિસામાની વડવાઈઓ પર ઝૂલવા લાગ્યું. દાયકા પછી વતનનો વરસાદ માણવાનો અવસર પ્રક્ટ્યો. આમ તો આખા ભાવેણામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડે, એટલે ચોમાસામાં ત્યાંની માટી સોળ વરસની કાચી કન્યાની જેમ મહેંકી ઊઠે. પલળેલી મેંદી, બોગનવેલ અને ગુલમોહર, ભીંજાયેલા રસ્તાના રંગીન મિજાજને ઓર રંગીન બનાવી દે...
હવામાં ઓગળેલો આવો રોમાંચ શહેરના ખૂણે ખૂણે પોતાની ફોરમ ફેલાવે એ પહેલાં જ શૈશવ રમતું-કૂદતું મારા પર ઓળઘોળ થઈ ગયું. અહીં આકાશ મન ભરીને દેખા દે... ક્યારેક તૂટેલાં વાદળો દેખાઈ આવે તો ક્યારેક આસમાનને લસરકા પાડી મેઘધનુષ ઊભરાઈ આવે. ઉકળાટમાં સીજાયેલી હવા જ્યારે પહેલા વરસાદનો સ્પર્શ પામે, ત્યારે આખું ભાવેણું ચિલમના નશામાં જુમતા જોગીની જેમ જુમી ઊઠે. મુંબઈની કૃત્રિમતાથી ટેવાયેલી આંખો અહીંના વૈભવ પર ઘડીભર આફરીન થઈ ગઈ. આસમાની છાવણીમાં ખેંચાતાં-ઘેરાતાં વાદળો વીજળીના ચમકારે ચોમાસાનો ઘંટનાદ પોકારે ત્યારે આખા ભાવનગરનું રૂંવાડેરૂંવાડું આળસ મરડીને ઊભું થઈ જતું લાગે.
નાનપણમાં દાદીમા જીનની વાતો કરતાં. એ કહેતાં, જીન તો એવા તાકતવર હોય કે જો તમારા ઉપર મહેરબાન થાય તો એક રાતમાં આખો મહેલ ઊભો કરી દે...
આજે મારી સામે આવું જ કોઈ બરકતી જીન જાણે દ્રશ્યોના ચિરાગ લઈને હાજર ન થયું હોય!
દ્રશ્યનો પહેલો ચિરાગ રોશન થયો. ઝરમર વરસાદ સાથે ઓગળેલી હવામાં ગવર્નમેન્ટ કવાટર્સનું રસોડું દેખાયું. રસોડામાં મહામુસીબતે પગ ઊંચા કરીને ઊંચી બારી પર ટેકવાયેલું એક ડોકું બહારના ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીના જમાવડા સાથે તળાવ બનવાની રાહ જોઈ રહ્યું હતું. રસોડામાં ગરમાગરમ ચણાના તીખાં પૂડલાં બની રહ્યાં હતાં. એ પૂડલાં બનતાં ત્યારે છમ્મ અવાજ આવતો, જાણે તવી પર પડતાં અગાઉ કકળાટ ન કરતાં હોય ! વાતાવરણની જેમ અહીંના લોકોય આહલાદક. અહીંની ભાવભીની વસ્તી ભૂકંપથી એટલી ન ડરે જેટલી વાવાઝોડાથી ફફડે. વરસાદ મોટેભાગે પૂરજોર ફૂંકાતા પવન સાથે જ આવે અને ઘણીવાર હળવું ઝાપટું આપે એ પહેલાં વંટોળ બનીને ઓલવાઈ જાય. રેઈનકોટ અને છત્રીના તો રિવાજ જ નહીં. તળાવ બનવાની રાહ જોતી પેલી છોકરી ઓફિસે ગયેલા પપ્પાને વાવાઝોડું ઉડાવી ન જાય એની મનોમન પ્રાર્થના કર્યા કરતી દેખાઈ...
જીને દ્રશ્યનો બીજો ચિરાગ પેટાવ્યો. હવામાં આકાર બદલાયો અને દેખાયો બેઠકનો એક ઓરડો. મુશળધાર વરસાદના છાંટા ઓસરીથી બેઠકખંડ સુધી આવવાની દોડાદોડી કરતા હતા અને એ ઓરડામાં ત્રણ બાળકો લાડકા કાકા સાથે વેપાર રમી રહ્યાં હતાં. પેલી છોકરી હજી આ રમત શીખી નહોતી એટલે કાકાની બાજુમાં બેઠી હતી. ક્યારેક દોડીને રસોડામાં કામ કરતી મમ્મીને ફરિયાદ કરી આવતી તો ક્યારેક ફરફર કે ભજીયાની લહેજત માણતી, ક્યારેક અંદરના કલશોરથી બચીને ઓસરીમાં સાંગોપાંગ પલળતાં હીંચકાને જોતી રહેતી. ક્યારેક તો વળી નીતરતાં નેવાંમાં ભીંજાઈ લપસણી બનેલી સફેદ છાંટણાવાળી ઓસરીમાં ચૂપકેથી વાટકી મૂકી આવતી ને રાહ જોયા કરતી એમાં પાણી ભરાવાની... તો ક્યારેક છત, ઓસરી ને દરેક માળમાંથી પડતા પાણીનાં દદૂડા તાકતી રહેતી. નીચેના ફળિયાનું ઝાડ ઊંચું થઈને ઓંસરીમાં ડાળ લંબાવતું થઈ ગયેલું, એટલે ઉઘાડ આવતા જ લાકડી લઈ પાણીમાં તરબતર ઝાડની ડાળીઓને એ છોકરી એવી રીતે ફટકારતી જાણે પોતાના વાળમાંથી પાણી ઝટકતી હોય... પછી એ છાંટણક્રિડા લાંબી ચાલ્યા કરતી !
દ્રશ્યના ત્રીજા રોશન ચિરાગમાં દેખાઈ એક શાળાની ઈમારત. વરસાદના લયબદ્ધ સંગીતમાં ભીંજાતી ફાતિમા કોન્વેન્ટ પ્રાઈમરી સ્કૂલ...! પળવારમાં ગુલાબી ચેક્સવાળો બાળમંદિરનો યુનિફોર્મ આંખ પર પડદો કરી ગયો. પ્રાર્થના માટે લાઈનબદ્ધ ઊભેલાં પ્રાઈમરીનાં બાળકોમાં ઊંચાઈને લીધે સૌથી છેલ્લી ઊભેલી છોકરીના મનોભાવો બબડી ઊઠ્યા, “આટલી બધી હાઈટ શું કામની કે છેલ્લે જ ઊભું રહેવું પડે?!”
એ ઈમારતની બરાબર સામે ઊભેલી સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલના મેદાનમાં પથરાયેલી મોટી, ગોળ, ઠંડી-ઠંડી રેતી વરસાદમાં પલળતી અનુભવાઈ અને ત્યાં ચૌદ વર્ષની કન્યા વરસ-વરસની રાહ જોઈ પોતાની જાતને પૂછતી સંભળાઈ કે “ હવે હું મોટી ક્યારે થઈશ? મારા વાળ કેડ સુધી લાંબા ક્યારે થશે?” વરસાદમાં પલળતાં-પલળતાં ઘરે જતી બે-ત્રણ સખીઓ દેખાઈ.
ચોથો ચિરાગ ઝળહળ થયો ને ઘડીભરમાં તો શૈશવ ઊગીને વીસ વરસની કન્યા બની બોરતળાવના ખરબચડાં રસ્તે લ્યુના લઈ નીકળી પડ્યું, સાથે હતાં ટી-સ્ક્વૅર અને પ્રોજેક્ટ કન્ટેનર, એન્જિનિયર બનવાનાં સપનાં અને મા-બાપે ગર્વથી થાબડેલી પીઠ પર લદાયેલાં પુસ્તકો. એકાતરે બદલાતા ફેરામાં ક્યારેક પેલી લાંબી છોકરી લ્યુના હંકારતી જાય ને પાછળ માંડ એનાં બાવડે પહોંચતી સખી બેઠી હોય, તો ક્યારેક માંડ-માંડ ધરતીએ પહોંચતા પગ ટેકવી-ટેકવીને એ છોકરી, ક્લાસની સૌથી ઊંચી છોકરીને લ્યુનામાં પાછળ બેસાડી ખેંચતી જાય... સવારમાં કોલેજ સમયસર પહોંચવાની હાયહોય સાંજે બોરતળાવ પાસે ઓગળતા સૂરજના નયનાલિંગનમાં શમી જતી. વરસાદમાં એ બોરતળાવના રસ્તા પર ગારો થઈ જતો, પણ રાતોરાત યુવાન થયેલા તળાવમાં નાના-નાના બતકા એની ટીંગરવેજા લઈને રાજાશાહી લટાર મારતા. કિનારે ઊગેલા સફેદ, લાલ, ભૂરાં, ગુલાબી, પીળાં નાનાં-મોટાં ફૂલો પર ગમ્મત કરતાં પતંગિયા હરખાઈને મોઢે આવી ચડતાં ત્યારે પેલી બીક્ક્ણ છોકરી ખુશ થવાને બદલે ડરીને લ્યુનાને બ્રેક લગાવી દેતી... જોકે ભાવેણું જ્યારે છલકાતું ત્યારે આ રસ્તો બંધ થઈ જતો. દિવસો બાદ પાણી ઓસર્યા પછી રસ્તો ખુલતો ત્યારસુધીમાં તો એ બતકની વણઝાર ક્યાંક બીજે રહેવા ચાલી જતી.
આ પલળતું, વરસતું, મહેકતું ભાવેણું જ્યારે મુંબઈનો વરસાદ બનતું ત્યારે ખબર નહીં કેમ પણ વાંછટો ચાબખાની જેમ વાગતી. મુંબઈનો વરસાદ પણ અહીંની લોકલ જેવો, હંમેશાં ઉતાવળમાં, છતાં મુંબઈની પ્રજા વરસાદ બાબતે વાઘઆળસ ધરાવતી લાગે. ચોમાસું આવે એટલે મુંબઈમાં ફક્ત પાણી જ નથી વરસતું. પણ હોર્નના હોંકારા, હાડમારીમાં ગળતી જિન્દગીના લવકારા, મરેલી ઈચ્છાઓનાં મડદાં અને ક્યાંક પહોંચવાની લ્હાય પણ વરસતી દેખાય. આવે સમયે ખબર નહીં કેમ પણ ઘર-આંગણ, ગલી-કૂચા, સ્ટેશન-વેશન, અંતર-વંતર, બધું ભેદીને મન ફક્ત એક જ જગ્યાએ સ્થિર થવા માગે, નરીમન પોઈન્ટ !
પાંચમા ચિરાગની રોશનીમાં દેખાયું એક નવયુગલ- હાથમાં હાથ પરોવી અફાટ દરિયા પર નજર કરતું. ચહેરા પર છંટાતી વાંછટો વરસાદ બની જાય અને ‘હાઈ ટાઈડ’ ડીકલેર થાય એ પહેલાં ઘૂઘવતા દરિયા પર પોતાનાં સપનાંઓનાં ચિત્રો દોરી છૂ...(ચપટી) થઈ જવા તલપાપડ.
છેલ્લો ચિરાગ ઝળહળા અને બોરીવલીના સિગ્નલ પર સ્કૂટર લઈને રેઈનકોટમાં લપાયેલી એક માતા સમયની પહેલી બસ પકડીને પોતાનાં બાળકને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહી છે, આ સિગ્નલની આંખ હરિયાળી થાય એટલી જ વાર ! ભીડ અને વાહનોના હોંકારા-પડકારા વચ્ચે પણ શાંતિદૂત જેવા વરસતા વરસાદમાં એની નજર રસ્તા પર લયબદ્ધ પડતાં પાણીનાં પગલાં ઉપર મંડાઈ છે. રસ્તાની પેલે પાર એક તંબુમાં જિંદગીને ઢાંકવાનો પ્રયાસ કરતાં બે-ચાર પડછાયા ટોળું વળીને બેઠા છે. વારેઘડીયે સળગતાં-બુજાતાં ચૂલા ઉપર એક રોટલો હારીને અંતે શેકાયા વગરનો રહી જાય છે, ત્યારે એની પાસે દોડી જઈને પૂછવાનું મન થાય છે કે આ પાણીનાં પગલાં તને શુકનિયાળ લાગ્યા કે અપશુકનિયાળ?