ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસએસસી, આઈસીએસઈ કે સીબીએસઈ શાળામાં ભણાવતા વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. આ વાલીઓની મૂંઝવણો અપાર છે. કેટલાક વિરલ ને સમજદાર વાલીઓ આવા આંધળૂકિયામાંથી બહાર આવી શક્યા છે તો મોટાભાગના હજી પીડાઈ રહ્યા છે. આપણી આસપાસ જ બનેલાં ઉદાહરણો દ્વારા જાણીએ અંગ્રેજી માધ્યમની કેટલીક તૂટી રહેલી ભ્રમણાઓ અને સામે આવી રહેલી વાસ્તવિકતાઓ…

પહેલા એક યથાર્થ વાત.
ઘરની સારી સ્થિતિ હોવા છતાં અંગ્રેજી ન ભણવાને લીધે પાછળ રહી ગયાની લાગણી અનુભવતા અને એ માટે આખી જિંદગી પોતાનાં મા-બાપને કોસતા કેટલાય દંપતિઓએ પૂર્વાગ્રહથી પીડાઈને પોતાનાં સંતાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડની શાળામાં મૂક્યાં. પાંચ-સાત વર્ષમાં તો તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આજે તેઓ બાળકોની શાળાની મોંઘીદાટ ફી અને ટ્યુશન પાછળ વર્ષે દોઢ-બે લાખ ખરચતાં હોવા છતાંય દુ:ખી છે, કારણકે મોંઘી ફી અને હાઈફાઈ કલ્ચરવાળી શાળામાં મૂકવાથી પોતાનું સંતાન હોશિયાર થઈ જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે. એટલું જ નહિ, આજે એમની હાલત એવી છે કે નથી તે પોતાના બાળકને આ રીતે અટવાતો જોઈ શકતા કે નથી સાતમા-આઠમા ધોરણમાં આવેલા પોતાના બાળકને ઈચ્છવા છતાં ગુજરાતી માધ્યમમાં ફેરવી શકતા.
વળી, એમને મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે કૉલેજમાં દાખલો લેતી વખતે, બાળક કયા માધ્યમમાંથી ભણીને આવ્યું છે એના કરતાં એને કેટલા વધુ ટકા આવ્યા છે, તે વાત વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પણ ગમે તે માધ્યમ કે બૉર્ડમાં ભણ્યા છતાં કૉલેજ તો બધા વિદ્યાર્થીઓ માટે સરખી જ છે અને તેમને ભણવાનું પણ સરખું જ છે. આ ક્ષણે તેમને અંગ્રેજીના મોહમાં લીધેલા પોતાના નિર્ણય ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો. હવે તો એ દંપતી, જે પણ વાલી મળે તેને એમ સમજાવે છે કે ભાઈ, જો તમારે દસ વર્ષના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન બીજાથી વધારે ઝડપે ગાડી ભગાવ્યા છતાં પણ પછી તો એક જ ફાટક પર ઊભા રહીને બીજાની સાથે આગળ વધવાનું હોય તો નાહક શા માટે બાળકને વહેલાં ફાટક સુધી પહોંચાડવાની જફા વહોરવી??!!
એટલે કે, I.C.S.E, C.B.S.E કે S.S.C. ના અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને કૉલેજમાં તો એકસરખું જ ભણવાનું હોય, તો શા માટે દસ વર્ષ સુધી પોતાના બાળક ઉપર ઉંમર કરતાં આગળનું ભણાવવાનો બોજો નાખવો? અને શા માટે બાળકને એટલું થકવી નાખવું કે જેથી ક્યારેય પાછા ન મળી શકે તેવા બાળપણના દિવસો તે માણી જ ન શકે અને ક્યારેક તો નિરાશાનો ભોગ બનવાની શક્યતા પણ રહે!
આજે, ખરેખર જરૂરી અને સહેલો રસ્તો એ છે કે બાળકને માતૃભાષામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવું અને એ વર્ષો દરમ્યાન બાળકને સારામાં સારું અંગ્રેજી પણ શીખવવું. આ માટે ઘણી ગુજરાતી માધ્યમની શાળાઓએ પહેલ કરી છે, જેથી બાળક કૉલેજમાં આવીને અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને પોતાને બીજાથી ઉતરતા ન સમજે. ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તેમાંથી બહાર આવવાની હિંમત હાલમાં કેટલાક વાલીઓએ દાખવી રહ્યાં છે. પરાગભાઈ ગોરડિયાએ કાંદિવલીની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં મૂક્યા. તેમના પુત્રએ એસ.એસ.સી.માં ૯૦ % લાવીને સૌને આનંદાશ્ચર્યમાં મૂકી દીધાં છે તો પુત્રી પણ અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે સારું ભણી રહી છે. ઘાટકોપરના ગૌતમભાઈ બૂટિયાનાં સંતાનો પણ આ જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરી એમની શૈક્ષણિક કારકિર્દીનું હસતાંરમતાં ઘડતર કરી રહ્યા છે. આ આજની જ વાત નથી થોડાં વર્ષો પહેલાં પણ આવા નોંધપાત્ર કિસ્સા બન્યા છે. નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ ધવલ બાવડના શિક્ષણની શરૂઆત પણ અંગ્રેજી માધ્યમમાં થઈ હતી. જોકે પછી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આજે સીએની ધીકતી પ્રેક્ટિસ ધરાવે છે તો કાંદિવલીનાં એક બહેનનું શિક્ષણ પણ અંગ્રેજીમાં શરૂ થયું અને વચ્ચેથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરીને માતૃભાષામાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. આજે એ બહેન એમની જ શાળાનાં ઉપ-આચાર્યા છે !
આવી સમજણથી પ્રેરાઈને મલાડ ઈસ્ટની જે.ડી.ટી. શાળામાં ગયા વરસે પહેલાથી ચોથા ધોરણ સુધીમાં, પ્રિયંકા યોગેશ વરતડા, છાપીયા સીકા, દરજી જય સતીશકુમાર, વાજાધારા વિપુલ, વાજાધારા આશિષ, ચંદાત શ્રુતિ, ચંદાત દક્ષા વગેરે બાળકોએ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લીધો છે અને એ માટે એમને શાળાના સંચાલકો, આચાર્યા અને શિક્ષકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
આવી જ રીતે, વિરારના એક બહેન મનીષા વ્યાસ, બીજા ધોરણના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક માટે ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા માગતા હતા. તેઓ તો બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વિરાર છોડીને જે તે શાળાની નજીકના પરામાં રહેવા જવા પણ તૈયાર છે. આ પ્રસંગો બતાવે છે કે સાવ ગાડરિયા પ્રવાહમાં તણાવવાને બદલે કેટલાક વાલીઓ જાતઅનુભવે શીખીને, બાળકના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારીને, લોકોની વાતો વિશે ફિકર કર્યા વગર બાળકના હિતમાં હિંમતભર્યો નિર્ણય કરે છે.
તો ચાલો, આપણે પણ આવી હિંમત દેખાડીએ અને માતૃભાષા સિવાયની શાળામાં પોતાના બાળકને મૂક્યો હોય તો જાગ્રત થઈએ અને બાળકને એમનું બાળપણ જીવવા દઈ, આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ તે પૂરવાર કરીએ. જો આપણે માતૃભાષાની જવાબદારી ઊપાડી લઈએ, તો માતૃભાષા પણ આપણા બાળકના સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ઊપાડી લેશે.
દરેક ગુજરાતી માટે જરૂર છે કે તે ગાંધીજીના સ્મારક સામે શ્રધ્ધાંજલિઓ આપી કે મોબાઈલ પર આવ્યે રાખતી ગુજરાતીઓની ખાસિયતના મેસેજ જોઈ, વાંચી કે સાંભળીને માત્ર ગુજરાતી હોવાનો ગર્વ અનુભવવાને બદલે માતૃભાષાની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ કરી ખરું ગૌરવભર્યુ કાર્ય કરે.
2015ની ૨૪ ઓગસ્ટ, નર્મદ જયંતીના દિવસે આવા જ સંકલ્પ સાથે ‘મુંબઈ ગુજરાતી’એ ‘મારી મતૃભાષા, મારી જવાબદારી’ યાત્રાનો શુભારંભ કર્યો હતો જે હજી અવિરત ચાલ્યા કરે છે. આ યાત્રામાં સાથે જોડાવા અને મુંબઈના પરાની વિરારથી ચર્ચગેટ, કલ્યાણ, ડોમ્બિવલી, વી.ટી.થી લઈને થાણા સુધીની તમારા રહેઠાણની નજીકની ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા કે આ પહેલમાં કોઈ પણ રીતે સહયોગ આપવા સંપર્ક કરો.

– મુંબઈ ગુજરાતી સંગઠન