સુનીલ! મને ગમતું વ્યક્તિત્વ. તેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રથમી’ પ્રગટ થઇ રહ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. વ્યક્ત થવું એ સ્વાભાવિક છે, જ્યારે તે કવિકર્મના નામથી થાય ત્યારે સર્જકના મનોજગતમાં લાગણી, કરુણા, અનુકંપા, વ્હાલ, વલોપાત, આશા, નિરાશા, જીવન, મૃત્યુ, ઊર્મીઓ, સંવેદનો વિગેરેનો પારાવાર શબ્દસ્વરૂપે આલેખાય છે.
સુનીલ આ સંગ્રહની શરૂઆત ‘નરસિંહવંદના’થી કરે છે અને અત્યંત સરળ વ્યંજના દ્વારા આ કાવ્યધર્મ અંગે સુપેરે માંડણી કરે છે. આપણે જોઈએ.
‘ રાસ રમે કે પ્રાસ બેસાડે ?
જાપ જપે કે ઝૂલણા પાડે ?
શું ‘ કાનો’ માતર ભણિયો ?
નામ જાણું નરસૈયો !

ગીત રચે કે ગીતા વાંચે ?
ગરબી કહે કે ગરબે નાચે ?
શબ્દ, બ્રહ્મને જડિયો….!
નામ જાણું નરસૈયો !
આ સમજણ રાખી સુનીલ સ્વને નમ્રતાપૂર્વક એ ઉપક્રમે શબ્દબ્રહ્મની ઉપાસના આરંભે છે. આ સંગ્રહમાં ગીત, છાંદસ-સોનેટ, અછાંદસ, અનુવાદ તેમજ અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ થઈ છે. અહીં કાવ્યોની અનુપમ કહેવાય તેવી ચૂંટેલી અભિવ્યક્તિના અવતરણ મૂકી આસ્વાદ કરાવવો નથી. મારા મનોવ્યાપારને સમગ્રપણે આ અભિવ્યક્તિએ જે રીતે ઝંકૃત કર્યો છે તે વાત કરવી છે. સમષ્ટિભાવમાં પરિવર્તિત કરે તો જ આક્રોશ સર્જકનો અંગત ન રહેતાં આપણો બને છે. વિષયવસ્તુ કે ઘટનાનો આધાર પણ એવો જ રહે કે તેની વિષમતા-વલોપાત આપણા હૃદયને પણ વલોવે. જીવનવ્યવહાર અને માનવસંબંધો વ્યવસ્થિત ઘટનાક્રમ નથી. સમય અને મનની ગતિ સમાંતર નથી. સુનીલનાં કાવ્યોએ અનેક સ્થિત્યાંતરોની અસર ઝીલી છે. તે માનસિક અને સામાજિક હોય પરંતુ જીવનના અનુબંધમાં હોય છે. અહીં આનંદ પણ હોય અને આક્રંદ પણ હોય. બન્ને પરિસ્થિતિમાં શબ્દો પાસે કુશળતાપૂર્વક કામ લઇ અંતર સુધી અનુભૂતિ પહોંચાડવાનું કામ સર્જકે કરવાનું છે. અહીં એક વાત કરવાનું મન થાય છે. આનંદ લે છે ત્યારે સુનીલની કવિતા ત્યાં મોટો મુકામ નથી કરતી. આક્રંદ સમયે પણ ચીસો નથી પાડતી, પરંતુ ભૂમિના કઠણ પડને શબ્દસરના સંધાને અર્જુનની જેમ આપણા પાતાળપેટા અંતરજળને અસ્થિર જરૂર કરી દે છે. વ્યંગમાં તો કવિ પૂર્ણ ખીલે છે. મને આ કાવ્યો ગમ્યા છે. નવી કલમની ચેતના મને સદૈવ આકર્ષિત કરે છે. જે કામ કરે તે ભૂલ પણ કરે. દરેક સર્જકનું કામ દરેકને ગમે તે જરૂરી નથી. સુનીલ એક આશાવંત સર્જક છે. તેના ‘પ્રથમી’ને અત્યંત સ્નેહપૂર્વક આવકારું છું અને શુભેચ્છાઓ આપું છું.