મને ઘૂઘવતા, જળે ખડકનું, પ્રભુ મૌન દો
– સુરેશ દલાલ

એક પંક્તિનાં કાવ્યો આપણે ત્યાં છે, સારાં પણ છે.
જોકે રહસ્ય એ છે કે સમર્થ કવિઓ એકાદી અદભૂત પંક્તિને તો ગમે તે કાવ્યમાં ગોઠવી દઈ શકે, છતાં એને કેમ સ્વતંત્ર પંક્તિકાવ્ય તરીકે જ રહેવા દે?
પૃથ્વી છંદ, સત્તર અક્ષર, બે મરોડદાર યતિ ને આ એક જ પંક્તિ વાંચી આપણે કદાચ નામથી પ્રભાવિત થઈ એવું માની લઈએ કે માત્ર આ એક પંક્તિમાં સમુદ્ર જેવી જ ઊંડીઊંડી વાતો કવિએ કરી હશે, પણ વાત એક જ છે ને એય સાવ સરળ.
બે પંક્તિનો શેર થાય, ચૌદ પંક્તિની સોનેટ થાય, વીસત્રીસ પંક્તિનાં ગીત થાય કે સેંકડો પંક્તિનું ખંડકાવ્ય થાય… એમ છતાં સાહિત્યની સર્વોચ્ચ પદવીધારક ડોક્ટરેટ સુરેશ દલાલ, કવિતાના ખેરખાં, વિદ્વાન પ્રાધ્યાપક, અતિસમર્થ શબ્દકર્તા, લોકપ્રિય કાવ્યકર્તા, આમ એક જ પંક્તિ કેમ મૂકે?
કારણ કે વાત મૌનની છે, અને શબ્દો-પંક્તિઓનો ખડકલો કરી દે તો કવિની અભિવ્યક્તિમાં જ વિરોધાભાસ આવી ન જાય? પછી કવિનું પોતાનું એ પંક્તિ સાથે તંતોતંત જોડાણ કયાં રહે? હુંય આ એક પંક્તિ પર આટલું બધું લખું છું એ તો કવિભાવથી પ્રેરાઈને, એના કવિતાભાવથી પ્રેરાઈને નહીં, કારણ કે કવિતાભાવ તો મૌનની માગણીનો છે, શબ્દોની અતિહાજરી તો એનું અપમાન ગણાય.
હે પ્રભુ, આ સાધનો-ઘટનાઓના સંસારમાં આવીને ઘણું બધું બની શકાયું હોત, પણ અકસ્માતે મારાથી કવિ થઈ જવાયું છે ને કેટલીબધી ઔપચારિકતા કરવી પડે છે જો તો ખરો…
સવારે ગૂડ મોર્નિંગ, જમ્યા કે નહીં, એક ચર્ચગેટ રિટર્ન, બાકી સાંજે મળીએ, સન્ડે પાર્ટી પાક્કું, નેક્સ્ટ યરની પિકનિક તમારે ત્યાં… ને કેટલુંબધું બોલવું પડે છે, કેટલુંબધું કરતા રહેવું પડે છે, કેટલીબધી ચીજને અડવું પડે છે, કેટલાબધા લોકો સાથે હાથ મેળવવો પડે છે. ના ના ના… મારામાંના કવિને આ બધું નથી કરવું, આ સંસારના તરંગો એના પર છો અફળાયા કરે, એને વાંધો નથી, પણ મારામાંના કવિને એ તરંગો સામે પોતાનો પ્રતિભાવ આપવાની જરીકે ઈચ્છા નથી, પ્રતિક્રિયા ને પ્રતિસાદ એના સ્વભાવને માફક નથી, એને તો બસ, જે આવે-જે અફળાય-જે ભેટે, એને ભેટવા દઈ, પોતે સ્થિર રહી, અશબ્દ રહી, અચળ રહી, બધી ભીનાશ પોતાના પર ઝીલ્યા કરવી છે… બસ, બસ, બસ.
ઘૂઘવતા (મૌલિક ધ્વનિ ઉત્પન્ન કરતા) જળથી જરીકે વિચલિત થયા વગર અડગ પડ્યા રહેતા પ્રશાંત ખડક જેવી પ્રતિભાવ-અવસ્થા, સ્થિરપણું, મૌનજીવન મળી રહે એ જ કવિની અંતિમ વિનવણી છે અને એવા મૌનની વિનવણી માટેય કવિ જો એકથી આગળ વધુ પંક્તિઓ લખે, તો સામયિકો છાપી દે, પ્રકાશકો વખાણી દે ને અકાદમીઓ પુરસ્કારી પણ આપે, પરંતુ મૌનનું ઉલ્લંઘન તો ત્યાં જ થઈ ગયું ગણાય, કવિત્વ ત્યાં જ હરાઈ જાય, પછી કવિ પોતાને શું જવાબ આપે? કે હાય કમનસીબી, મેં તો મારા મૌનના ગૌરવ માટેય શબ્દોનો સહારો લીધો? તો મૌનનું ગૌરવ ક્યાં રહ્યું?
હે પ્રભુ, આ આટલા બધા છંદો-લય-પ્રાસોની સમજણોનાં મોજાં મારા કવિત્વ પર પટકાયાં કરે છે એ વચ્ચે મારે તો માત્ર એક અચળ કાવ્યસ્થિતિ જોઈએ છે. (અનુભૂતિઓની) તીવ્ર ભીનાશ ઝીલીને પણ અપ્રતિસાદી રહેતા ખડક(હૃદય)ની કાવ્યસ્થિતિ !
મૌનસ્થિતિની પહેલી શરત જ શબ્દરહિતતા, અને ખરો કવિ એ મૌનની પ્રાર્થનામાં પણ શબ્દપ્રચૂરતા કેવી રીતે લાવે? એ મૌનાર્થીને આ પ્રાર્થનામાં પૃથ્વી છંદના સત્તર અક્ષરોય મનોમન તો કઠતા હશે, અને કહેનારા કહે છે કે આ એક પંક્તિમાં બીજી 13 ઉમેરી આખી સોનેટ લખી નાખી હોત તો શું ખોટું થાત?
ના ભાઈઓ ના. કશું ખોટું ન થાત. આપણે મીટરબદ્ધ ગઝલો ને છંદોબદ્ધ સોનેટો જ વાંચ્યા કરીએ, કવિતા ન વાંચીએ. – સુનીલ.