સુનીલ મેવાડા જાણીતા પત્રકાર છે. મિત્રો સાથે મુંબઈમાં ઘણો સમય શાળાઓનાં શિક્ષણમાંથી ગુજરાતી ભાષા ન ભુલાય તે માટે જુદી જુદી શાળાઓમાં રૂબરૂ જઈને સતત મથ્યા છે. મિત્રો સાથે ‘આર્ષ’ નામના ઈ-મેગેઝિનનું અગાઉથી નક્કી કરીને ફક્ત બાર અંક સુધી સંપાદન કરીને બંધ કરી દીધું છે. હવે એ પોતાની પ્રથમ નવલકથા લઈને આવે છે ત્યારે વાચકને ઉપરની માહિતી ન આપી હોય તો એના લેખક આ જ છે એવો અંદેશો પણ ન આવે, એવી કથાવસ્તુમાં અહીં એમણે હાથ નાખ્યો છે. આજકાલ બીજો ગમે તે હોય પણ નવલકથાનો નાયક લેખક હોય એવી કથાઓ ખાસ લખાતી નથી. અગાઉની પેઢીમાં મુરબ્બી મોહમ્મદ માકડને આ થીમ બહુ પ્રિય હતું અને એમણે ‘ધુમ્મસ’. ‘ખેલ’ અને ‘અશ્વદોડ’ જેવી ઉત્તમ નવલકથાઓ આપી છે. લેખક સમાજના સંપર્કમાં મુકાય અને જે વિનાશક પરિણામો આવે એનાં સરસ ચિત્રણ આ કથાઓમાં છે. પછી એ તંતુ તૂટી ગયો હતો હવે એ સુનીલની નવલકથામાં ફરી સંધાય છે. અહીં લેખક નીશકુમાર છે અને એનો પુત્ર ઉરવ છે.
અહીં લેખકના પાત્રને શોભે એ રીતે કથાનો મોટો ભાગ લેખકની ડાયરી રોકે છે. એના પુત્રની ડાયરી એમાં ઉમેરો કરે છે. ચંદ્રકાંત બક્ષીને પોતાનાં પાત્રો જીવનમાં નિષ્ફળ ગયાં હોય અને એ કારણે જુદા જુદા મુદ્દાઓ વિશે વાચકને ચોંકાવી મૂકે એવાં વિધાનોમાં કોઈ ને કોઈ તત્વજ્ઞાન રજુ થતું રહે એવું આલેખન કરવાનું ખૂબ ગમતું, કહો કે બક્ષીને એમાં અંગત ધોરણે પોતાની મર્દાનગી લાગતી. અહીં પિતાના પાત્રની ડાયરી અને ચર્ચાઓમાં વાચકને બક્ષીની એ લાક્ષણિકતાની પણ યાદ આવશે, જેમ કે ઉરવ અને એની સાથીદાર નિસ્વાર્થ ભાવે માનસિક રીતે પરેશાન લોકોને મદદ કરવા એક વેબસાઈટ અને એક આશ્રમ ચલાવે છે તે એના પિતાને ગળે નથી ઊતરતું. એ કહે છે,
‘અન્યોની સેવા જેવું કંઈ હોઈ જ ન શકે. વૃત્તિહીન પ્રવૃત્તિ જેવું જ કશું ન હોઈ શકે તો વૃત્તિહીન કે વૃત્તિપ્રેરિત ન હોય એવાં સેવાકાર્યની કલ્પના જ હાસ્યાસ્પદ છે ભાઈ. સોશિયલ સર્વિસ મારી દૃષ્ટિએ એવી ખણ-ચાટ પ્રવૃત્તિથી વિશેષ કશું નથી.’
કે પછી બીજા એક પ્રસંગે કહે છેઃ
‘ગાલીબની પેલી બેબુનિયાદ પંક્તિઓ છે ને, આગ કા દરિયા, ડૂબ કે જાના, એ આમ તો બકવાસ છે, પણ સાહિત્યસર્જનના ઉદાહરણમાં વાપરી શકાય એવી છે. સુખીસુખી જિંદગી જીવતા લેખકોને જોઈ મને સર્કસમાં કામ કરતાં હિંસક પ્રાણીઓ યાદ આવી જાય છે. મારે હવે મારું નિષ્ફળતાનામું લખી કાઢવું છે.’
પછી તો બક્ષી છૂટથી આવા વિચાર મૌક્તિકો એમની કથાઓમાં વહેતાં મૂકતા. અહીં નીશકુમારના મોટા ભાગના વિચારો અને સંવાદોમાં વાચકને એક લેખકના તેજાબી વિચારોનો પરિચય થશે. મજા એ છે કે લેખકની આ પહેલી નવલકથા હોવાથી વાચકને આવા વિચારોમાં એક અપક્વ કેરીનો ખટમધુરો સ્વાદ પણ આવશે. (અહીં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે ‘આગ કા દરિયા હે….’ શેર ‘જિગર’ મુરાદાબાદીનો છે.)
અહીં પિતા અને પુત્ર બંનેની કરુણાંત પ્રેમકથાઓ છે જેમાં વાચકને ખૂબ રસ પડશે. ખાસ કરીને પિતાની કથામાં વાસ્તવિકતાની તળભૂમિ પર સુનીલ ચાલ્યા છે, એટલું જ નહીં પણ બંને પાત્રોની સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ હોવા છતાં ગરીબી ને અભાવ કોઈ પણ સંબંધને કેવી રીતે વેરવિખેર કરી નાખે છે એનું ચિત્રણ લેખકની કલમે એક સિદ્ધહસ્ત નવલકથાકારની ખૂબીથી થયું છે, તો પુત્રની પ્રેમકથામાં મહાદેવી વર્માની કવિતામાં હોય એવી ઊર્મિશીલતા છે, ઉરવની પ્રેમિકા વૃંદા મહાદેવીની કવિતાની આકંઠ ચાહક છે અને એનાં કાવ્યોનું સજ્જ ભાવકની હેસિયતથી વિશ્લેષણ કરી શકે છે, વિશ્ર્લેષણ શબ્દ વાપરવા કરતાં કહોને કે એ જ મનોભૂમિમાં શ્વાસ લે છે. મહાદેવીની એકલદોકલ પંક્તિઓ ટાંકવાને બદલે સુનીલે અહીં આત્મવિશ્વાસથી એમનાં અનેક ઉત્તમ કાવ્યોની પંક્તિઓથી વૃંદાની ભાવભૂમિ રચી આપી છે, જે વાચકને મંત્રમુગ્ધ કરી દેશે. જો કે એની આ ભૂમિકા પાછળનું જે શારીરિક કારણ આપ્યું છે ત્યાં વાચકની ધારણા મુજબનું છે પણ ઘણા સમય પછી ગુજરાતી નવલકથામાં આવી ભાવનાશીલ નાયિકાનું આટલી વાસ્તવિકતાથી નિરૂપણ થયું છે એ માટે સુનીલને અભિનંદન આપવા જેવા છે. તો સામે પક્ષે પિતા નીશકુમારની પ્રેમિકા અને પત્ની તારિકાનું પાત્ર પણ એટલું જ વાસ્તવિક થયું છે. એના ભાગે ગરીબી અને સંઘર્ષ વધુ આવ્યાં છે એટલે પતિના સ્વપ્નશીલ વ્યક્તિત્વની સામે એનું ધીરગંભીર વ્યક્તિત્વ ઊભું થાય છે, જે વાચકના મનમાં કાયમી છાપ છોડી જાય છે. ભાવનગર હોય કે મુંબઈની ચાલી કે થોડા સમય માટે કોઈ વેશ્યાની ખોલીમાં આશરો લેવો પડે, આ બધી પરિસ્થિતિઓમાં એની દૃઢતા અને પોતે પસંદ કરેલા પુરુષની પડખે ઊભા રહેવાની જે ત્રેવડ દાખવે છે તેમ જ એની નિષ્ફળતા પણ એક ધીરગંભીર વ્યક્તિની હાર છે એવું પ્રતીત થયા વિના રહેતું નથી, જેનાથી વાચકના મનમાં એની છાપ લાંબા સમય સુધી રહેશે. સુનીલનાં બે પુરુષપાત્રોની સરખામણીએ બંને સ્ત્રીપાત્રો વધારે તેજસ્વી થયાં છે.
આ કથા બે શહેરોમાં આકાર લે છે, મુંબઈ અને કોલકત્તામાં. જેમાંથી મુંબઈનું વાતાવરણ, ખાસ કરીને સ્થળો અને સામાન્ય પરિસ્થિતિમાં જીવતાં નિમ્નસ્તરનાં લોકોના વર્ણનમાં સુનીલની હથોટી દેખાઈ આવે છે, અહીં મુંબઈ એની બધી ઋતુઓ અને પરિસ્થિતિઓમાં કેવું હોય એ લેખક બરાબર આલેખી શક્યા છે, એ રીતે કોલકત્તામાં પણ કથા આગળ ચાલતી હોવા છતાં એનું વર્ણન ખાસ આવતું નથી. કારણ એ હોઈ શકે કે લેખકને મુંબઈનો જાત અનુભવ છે પણ કોલકત્તાનો નથી. છતાં એમની કલમ એવી છે કે કોલકત્તાના વર્ણનમાં એમણે કલ્પનાથી કામ લીધું હોત તો પણ વાચકને એ શહેરનો કરકરો અનુભવ કરાવી શક્યા હોત. અજાણ્યાં પાત્રોમાં લેખક જેમ પરકાયા પ્રવેશની કરે છે એમ સ્થળ વિશે પણ એમણે આ તરેહ અપનાવવા જેવી હતી.
એ રીતે કથાની ગૂંથણી ડાયરી અને સંવાદો દ્વારા એ રીતે થઈ છે કે જેમાં વાચકનો કથારસ અખંડ જળવાઈ રહે છે. હા, ક્યાંક ચર્ચા વધારે પડતી લાંબી થઈ જાય છે પણ વાચક એના પ્રવાહમાં તણાયા વગર નહીં રહે.
છેલ્લે, મારી જેમ કોઈ કોઈ વાચકને પ્રશ્ન થશે કે અહીં પાત્રો ખાસ કરીને પુરુષપાત્રો ચોક્કસ મૂલ્યો અને સલામતીભરી જિંદગીમાં નથી માનતાં અને પોતાના અભિપ્રાય બેબાકીથી રજૂ કરે છે પણ એમનાં પ્રેમ વિશેનાં મૂલ્યો અને માન્યતાઓ સાવ પરંપરાગત છે એ વિરોધાભાસ કહેવાય કે નહીં? જેમ કામુની ‘Outsider’ નવલકથામાં નાયક માતાના મૃત્યુ પછી એક છોકરી સાથે ફિલ્મ જોવા અને ફરવા જાય છે ત્યારે છોકરી એને પ્રશ્ન પૂછે કે ‘તું મને પ્રેમ કરે છે?’ ત્યારે નાયક જવાબ આપે છે કે ‘કદાચ હા કે ના, પણ મને ચોક્કસ ખાતરી નથી.’ અહીં વાચકને આવું વલણ માન્ય હોય કે નહીં, પણ માતાનું મૃત્યુ અને એનો તુરંત સ્ત્રીમિત્ર સાથેનો સહવાસ કે ખૂનનો આરોપ હોવા છતાં સમાજને માન્ય ન હોય એવી, પણ પોતાને જે લાગે છે તે કહેવાનું કે કરવાનું નિશ્ચિત વલણ આપણે પ્રમાણ્યા વગર રહેતા નથી. એવાં વધુ બૌદ્ધિક ખુમારીવાળા અસ્તિત્વવાદી કે બીજી કોઈ પણ વિચારસરણીવાળાં પાત્રોની સુનીલ પાસે અપેક્ષા રાખીએ તો એ પૂરી કરવાની એનામાં ક્ષમતા છે. એટલે કોઈ લેખક વાસ્તવિક પાત્રો, પ્રમાણભૂત લોકાલ અને સતત ચાલતો રહે એવો કથારસ એની પહેલી નવલકથામાં લઈને આવે તો એનું સ્વાગત જ હોય એ રીતે ગુજરાતી નવલકથામાં સુનીલ મેવાડા અને એની પહેલી નવલકથાનું હું સ્વાગત કરું છું.