સુનીલ મેવાડાને આઠેક વર્ષથી જાણું છું. થોડું-ઘણું ઓળખી પણ શકી છું સાહિત્યના આ જીવને. સુનીલે એનાં પુસ્તકોના ડ્રાફ્ટ મૂલવવા માટે મને મોકલી આપ્યાં પરંતુ એ પુસ્તકો વિશે થોડું અને એના પુસ્તકપ્રેમ વિશે ઝાઝું લખીશ. સુનીલનાં એક સાથે ચાર પુસ્તકો-નવલકથા, નિબંધ, વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ-પ્રગટ થઈ રહ્યાં છે એ બદલ સૌપ્રથમ તો અભિનંદન. નાની વયમાં સાહિત્યના આ ચાર પ્રકારોમાં ખેડાણ કરવું એ જ મોટી વાત છે. શબ્દયાત્રાની હજુ તો શરૂઆત છે છતાં ક્યાંક ક્યાંક પીઢતા દેખાય છે એ દર્શાવે છે કે સુનીલની આ શબ્દયાત્રા ભાષાકીય મૂલ્ય ધરાવતી સાહિત્યિક યાત્રા સુધી જરૂર વિસ્તરશે. મુંબઈ સમાચારની ઑફિસમાં પહેલી વાર મળી ત્યારે મૂછનો દોરોય ફૂટ્યો ન હોય એવા આ ઊગતા યુવાનમાં ભાષા પ્રત્યેનો અપાર પ્રેમ, દાહક જુસ્સો જોઈને આનંદ અને આશ્ચર્ય થયાં હતાં. ભાષાના સંવર્ધન માટે સુનીલ સતત મથી રહ્યો છે. પંદરેક વર્ષનો તેનો શબ્દસંઘર્ષ હવે પુસ્તકાકારે આકારાઈ રહ્યો છે એનો આનંદ તો છે જ પરંતુ, સ્વ-ખર્ચે પ્રકાશિત થઈ રહેલાં આ ચાર પુસ્તકોનાં વેચાણ દ્વારા ‘સાહિત્યશાળા’ માટેનું ભંડોળ ભેગું કરવાનો ઉમદા ઉદ્દેશ વિશેષ સરાહનીય છે.
વાર્તાઓ નોખા વિષયની છે. અમુક કવિતામાં ખાસ્સા ચમકારા દેખાય છે. સુનીલના કહેવા મુજબ, માતૃભાષા, સાહિત્યશાળા, મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા બહેતર જગત નિર્માણ કરવાની, મળ્યું છે એમાં કશુંક ગુણવત્તાયુક્ત ઉમેરી જવાની આ તેની મથામણો માત્ર છે. લેખક માટે આવી મથામણો જરૂરી છે જેના દ્વારા શબ્દરૂપે અથવા કર્મરૂપે સાહિત્યપ્રેમ ને કલાસાધનાની સાર્થકતા લેખક પોતે અને વાચક બન્ને અનુભવી શકે. ભાષા, સમાજ પ્રત્યેનું દાયિત્વ સ્વેચ્છાએ સ્વીકારનારાં તરવરિયાં યુવક-યુવતીઓ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે માતૃભાષાને જિવાડવાની ચિંતા કરવાની જરૂર નથી. સુનીલ મેવાડાને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન.