ઘણે દૂરદૂર એક ટાપુ પર નાનકડી ટેકરી હતી. એકદમ દરિયાની લગોલગ ! સોનેરી સરસ મજા રેતીથી બનેલી એ ટેકરી પર રહે એક લાલચટક કેકડાભાઈ. નાનાનાના ધારદાર ચાકુ જેવા આઠ-આઠ પગ, બે મોટી વીંટી જેવી આંખો અને થોડું ઘૂઘરા જેવું લંબગોળ ને થોડું સમોસા જેવું ત્રિકોણઆકાર એમનું શરીર. કેકડાભાઈને તો જમીનમાં પૂરાઈ રહેવાનું કામ. કીડામકોડા ખાવાના ને મજાથી રહેવાનું. એમને એમ કે એમની આ ટેકરી જ આખો ટાપુ છે, જેના એ પોતે માલિક છે. ટેકરી પરથી અવાજ કરીને પવન પણ ફૂંકાય કે જરીક ચહલપહલ થાય કે કેકડાભાઈ ટપટપ કરતા આડા પગે દોડી આવે દરની બહાર… આસપાસ નજર નાખે, પણ બધું શાંત-સ્વચ્છ જુએ એટલે ગાયઃ
કેકડાભાઈનો પ્યારો…
આ ટાપુ આખો મારો…
સાફસુથરો સારો !

ઘણીવાર કેકડાભાઈ પોતાના દરમાંથી બહાર આવી જુએ કે પાનપાંદડા કે શંખલા-છીપલા તણાઈ એમના દર પાસે આવી પડ્યા છે, એમની ટેકરીને ખરાબ કરે છે, એટલે કેકડાભાઈને એ ન ગમે. ટેકરીને ચોખ્ખીચણાક રાખવાની એમની હઠ. એ તણાઈ આવતા જાતજાતના ‘કચરા’ને ધકેલીધકેલી ટેકરી પરથી નીચે ગબડાવે ને દરિયામાં વહાવી દે. પછી ‘હાશ.’ અનુભવે ને મજાથી ગાયઃ
કેકડાભાઈનો પ્યારો…
આ ટાપુ આખો મારો…
સાફસુથરો સારો !
-પણ એક દિવસે તો જબ્બર થયું. બન્યું એમ કે કેકડાભાઈના દર પાસે એક નારિયેળીનું ઝાડ ઊગ્યું હતું. નારિયેળી જેમજેમ મોટી થતી ગઈ એમ હવે એના પર નારિયેળ પાકવા લાગ્યા હતા. એક દિવસ કેકડાભાઈના દરની બરાબર પાસે જ એક નારિયેળ પાકીને પડ્યું નીચે… ભડડમમમ ! ટેકરી ધ્રુજી ગઈ. કેકડાભાઈ તો હાંફળાફાંફળા થઈને બહાર આવ્યા ને જુએ છે કોઈ રાક્ષસી સામાન એમની ટેકરી પર આવી પડ્યો છે. આ છે શું? પહેલાં તો એ જબ્બર મુંઝાયા. આવું પહેલાં કદી બન્યું ન હતું. આવડોમોટો આ કચરો હતો શાનો? આકાશમાંથી પડ્યો કે જમીનમાંથી ફૂટી નીકળ્યો? એ કોઈ રાક્ષસ કે જનાવર તો નથીને? મને મારી ખાવા આવ્યો હશે તો?
કેકડાભાઈ તો કેટલાય વિચારોમાં ગુંચવાયા, પણ એમનો નિયમ તે નિયમ. ટેકરી સાફસુથરી રાખવી. એમના દરની આસપાસ કંઈ ન ખપે. હિંમત કરીને એ તો આડા પગે હળવે-હળવે ગયા નારિયેળ પાસે. પહેલા એને એક પગની અણીથી અડ્યા. કંઈ ન થયું. જોયું કે આ ચીજ છે તો બહુ કડક ને મજબુત. નારિયેળની આસપાસ ફર્યા ને બધે ઠેકાણે અડી જોયું. થોડું ખસેડ્યું તો નારિયેળ ડાળી પરથી જે સ્થાને તૂટ્યું હતું એ સ્થાને થોડાં નિશાન હતાં. એ નિશાન બે આંખ ને એક નાક જેવાં લાગતાં હતાં. તે જોઈને તો કેકડાભાઈને થયું, ‘નક્કી આ તો કોઈ રાક્ષસ જ છે ને આકાશથી નીચે પડીને બેહોશ થઈ ગયો લાગે છે.’ એ હોશમાં આવે એ પહેલાં જલદીજલદી એને દરિયે ધકેલી દેવો પડશે. ભયમાં અને ઉતાવળમાં કેકડાભાઈ તો ફટાફટ પગ હલાવવા માંડ્યા ને નારિયેળને ધકેલવા મથ્યા. ઢાળને લીધે થોડું ધકેલાઈ નારિયેળ એકવાર એમના તરફ પાછું સરકી આવ્યું, ત્યારે તો કેકડાભાઈને થયું, પત્યું, હવે તો મર્યા, પણ નારિયેળ એમનું એમ પડ્યું રહ્યું. કેકડાભાઈ ફરી હિંમત ભેગી કરી ઊભા થયા ને નારિયેળરૂપી રાક્ષસને ટેકરીની ટોચથી દરિયે ફંગોળવામાં લાગ્યા. ધીમેધીમે કરી નારિયેળ ગબડ્યું દરિયાની વાટે… સરરરર… બુડૂક !
દરિયાના પાણીમાં પડતાં જ નારિયેળ પાણીની સપાટી પર તરતું તરતું પ્રવાહ સાથે આગળ વધવા લાગ્યું. કેકડાભાઈ એમના ધારદાર પગને આંખ પર માંડી ગભરામણ અને ઉત્સુકતાભરી આંખે દૂર સુધી નારિયેળને વહી જતું જોઈ રહ્યા. નારિયેળરૂપી રાક્ષસ ન જાગ્યો. કેકડાભાઈના જીવમાં જીવ આવ્યો. બે ક્ષણ શાંતિ છવાઈ એટલે એમણે ફરી રાજી થઈને ગાયુઃ
કેકડાભાઈનો પ્યારો…
આ ટાપુ આખો મારો…
સાફસુથરો સારો !
હજી કેકડાભાઈ એમનું ગીત પૂરું કરે ન કરે ત્યાં તો ધરતી ફરી ધૂણી ઊઠી… ભડડમમમ ! કેકડાભાઈના આપણી મુઠ્ઠી જેવડા નાના પેટમાં મોટી ફાળ પડી કે ફરી શું થયું? એમણે પાછળ ફરીને જોયું ને ડોળા પહોળા થઈ ગયા. બીજો એક એવો જ મોટો ‘રાક્ષસ’ કેકડાભાઈની ટેકરી પર, એમના દર પાસે જ પટકાઈ પડ્યો હતો.
એમણે તો ચીસ પાડીઃ અરે! આ પાછો આકાશથી પડ્યો કે ધરતીમાંથી ફૂટી નીકળ્યો? કોઈ કહેશે મને આ શું થઈ રહ્યું છે?
આપણને એવું મન થાય કે કેકડાભાઈને કહીએઃ અરે ઓ અમારા સહુના વહાલા કેકડાઓમાં શ્રેષ્ઠ કેકડાભાઈ, સ્વચ્છતાના આગ્રહી, પોતાના ઘરના નીડર રક્ષક, તમે તમારું ઘર નારિયેળના ઝાડ નીચે કર્યું છે તો આ નારિયેળો તો પાક્યાં કરશે અને પડ્યાં જ કરશેને?
-પણ એ નારિયેળ છે રાક્ષસ નથી એવું એમને કોણ સમજાવશે? છે કોઈ ઉપાય?
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં – https://www.youtube.com/watch?v=am5lKJMibr0)