ધોળું નામે એક બટકા ભાઈ. એક વાર એને થયું કે પોતાના જૂના મકાનને રંગરોગાન કરીને વેચી નાખે, પણ એને ખબર નહોતી કે ત્યાં તો બીજું કોઈ રહેવા લાગ્યું હતું.

એનું નામ ગંગુ ગુલાબી!

ગંગુ એક ઘર પાસેથી પસાર થતો હતો. એણે જોયું કે ધોળુ ત્યાં ભૂરો રંગ કરી રહ્યો છે. ગંગુએ એના ડબ્બામાં જોયું. બાપ રે આ શું છે? ગંગુએ તો રંગને જોયો એટલે કશું સમજાયું નહિ. હિંમત કરી એને ચાખી જોયું. બાપ રે આ તો રંગ છે… -પણ આમ કેમ ચાલે મારા ઈલાકામાં કોઈ ભૂરો રંગ કેમ કરે? અહી તો ગંગુ ગુલાબીનું રાજ ચાલે છે તો બધે ગુલાંબી રંગ જ કરવાનો હોય. ધોળુ તો રંગ કરવામાં મશગૂલ ને એવામાં ગંગુ હળવેકથી ભૂરા રંગનો ડબ્બો લઈને એને સ્થાને ગુલાબી રંગ મૂકી ગયો… પડી મજ્જા!

ધોળુ ભાઈ તો પોતાના કામમાં તલ્લીન. જ્યારે રંગ લેવા પાછો પીંછડો રંગમાં બોળ્યો અને દીવાલે ફેરવ્યો તો દીવાલ ગુલાબી થવા લાગી એ જોઈ ધોળુ ગુસ્સે થયો ને આજુબાજુ જોયું. એને સમજાયું કે આ તો ડબ્બો કોઈ બદલી ગયું. કોણે કર્યું આ? એ શોધવા જતાં ધોળુને ખબર પડી કે કોઈકના ભૂરા રંગના પગલા છે, જે એક દરવાજા તરફ જાય છે. દરવાજો ખોલતાં ખુલતો નહોતો. ધોળુભાઈ તો થોડા પાછા ખસ્યા અને જોરથી દરવાજાને ધક્કો મારવા જતા હતા એવામાં જ દરવાજો એની મેળે ખુલી ગયો. ધોળુએ જોયું કે દરવાજા પર જ કોઈકે એના રંગનો ડબ્બો મૂક્યો છે. એણે તો બસ વિચાર્યા વગર હાથમાં રંગ લીધો અને હજી તો કઈ કરે એ પહેલા જ ગંગુએ આવીને દરવાજો એટલા જોરથી ખોલ્યો કે ધોળુ દબાઈને સીધો દીવાલથી જડાઈ ગયો અને ભૂરા રંગનો આખ્ખો ડબ્બો રંગ એના પર ઢોળાઈ ગયો. ઓય રે માડી… આ તો મને આખેઆખું સ્ટીકર બનાવી દીધું. દીવાલ પરથી ધીમે ધીમે સરકતા જતા ધોળુ પાછો એના મૂળભૂત રૂપમાં આવી પટકાયો.

કોણ છે આ જે ધોળુને પડકારે છે? પણ અત્યારે ધોળુને કોઈ દેખાયું જ નહિ. એણે બાંયો ચડાવી, પોતાનો ડબ્બો લઈને દોડી ગયો પોતાનું કામ કરવા… મનમાં ત્રાડુકતો કે હવે જોઉં છું કોણ આડું આવે છે? ધોળુએ તો રંગવા માંડી દીવાલને ભૂરા રંગથી. આ બાજુ ધોળુ ઉપરથી ભૂરો રંગ કરે અને ગંગુ નીચેથી ગુલાબી રંગ રંગતો જાય. છેડે આવીને ધોળુએ નીચે જોયું તો પાછો ગુલાબી રંગ. વિચારે કે આ તો ગડબડ થાય છે ભાઈ. એણે તો માથું નીચું કરી નીચે ભૂરો રંગ કરવા માંડ્યો. પાછો છેડે આવી હાશ કરે છે ત્યાં તો ઉપર ગુલાબી રંગ? હવે તો એને રંગ પર શંકા ગઈ. એણે વધેલો રંગ બહાર ફેંક્યો અને નવા રંગથી બહારનો થાંભલો રંગવા માંડ્યો. આ બાજુ ધોળુ ભૂરો રંગ ઝપટે અને બીજી બાજુએથી રંગ ગુલાબી ચિતરાતો જાય… એકવાર… બેવાર… બંને ગોળ ગોળ ફરી થાક્યા ત્યાં તો ગુલાબી અને ભૂરા રંગની કેન્ડી ઊભી હોય એવા રંગોની સુંદર મજાની ભાત પડી. પણ ધોળુ ગંગુને જોઈ જ ન શક્યો. એ પાછો થાક્યો. ઊભો રહી વિચારે છે કે કોઈક તો છે અહી.

એની નજર અચાનક ગુલાબી રંગના પગલાંની છાપ પર પડી. ધોળુ પગલાનો પીછો કરતો ચાલ્યો તો એને થયું કે આ તો કોઈ ઉંદરનું જ કામ છે. એ જે તરફ આવતો હતો ત્યાં ગંગુ દીવાલને ગુલાબી રંગથી રંગી રહ્યો હતો. ધોળુને જોતાં જ એ દીવાલમાં સ્ટીકરની જેમ ચોંટી ગયો. ગુલાબી દીવાલ અને ગંગુ ગુલાબી – ગંગુ ગુલાબી અને ગુલાબી દીવાલ – કેમ ખબર પડે કોણ શું છે? કોણ ક્યાં છે? ધોળુ ત્યાં ઊભો રહી વિચારતો રહ્યો. પાછો ફરીને જુએ છે તો ગંગુ એને પાછળથી રંગ કરીને જતો રહ્યો હતો. ધોળુને હવે શંકા થઈ આ તો નાનો નહિ, પણ મોટો ઉંદર લાગે છે. એને પકડવા કશુક કરવું જ પડશે. ધોળુ ઉંદર પકડવાનું ટ્રેપ લાવ્યો, પણ એમાં ઉંદર તો ન આવ્યો ને ધોળુભાઈ પોતે જ ફસાઈ પડ્યા. વળી, ટ્રેપ પર મૂકેલી ચીઝ પણ ઉંદર લઈ ગયો.

ધોળુએ બધું છોડી પાછુ રંગવા માંડયું. આ બાજુ ભૂરો દરવાજો કરે ને બીજી બાજુથી ગુલાબી થતો જાય. ભૂરા દાદર રંગે ને નટખટ ગંગુ એના પર ગુલાબી રંગ ઢોળી નાખે. ધોળુએ આખો ઓરડો ભૂરો રંગ્યો તો ગંગુ આવીને ત્યાં ગુલાબી ફુવારો મૂકી ગયો અને આમ ઘર આખું ગુલાબી-ગુલાબી.

હવે ધોળુ ખિજાયો. એક મોટી બંદૂક કાઢી અને દોડ્યો ગંગુ પાછળ. ધાડ-ધાડ ગંગુ આગળ ને ધોળુ પાછળ… ધોળુ માથે ડબ્બો ફેંકી ભાગ્યો અને છેક આવ્યો હવેલી પર જ્યાં ગંગુ સંતાયો હતો. આ હવેલીને ધોળુએ મહામહેનતથી ભૂરી રંગી હતી. છાપરે ચડીને ગંગુએ નીચે પોતાની રાહ જોતા ધોળુને જોયો એટલે એની ખભાને ટેકે રાખેલી બંદૂકનાં નાળચામાં ગુલાબી રંગ નાખી દીધો. હવ ધોળુ જ્યાં પણ ગોળી છોડે ત્યાં બસ ગુલાબી રંગ જ ફેંકાતો જાય… ગંગુભાઈનો પડી ગઈ મજ્જા જ મજ્જા… આખેઆખી હવેલી ગુલાબી રંગાઈ ગઈ. ધોળુએ યુક્તિ કરી. આ ગુલાબી રંગને જ છૂપાવી દઉ તો કેમ થાય? વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે.

ધોળુને આ વિચાર ગમી ગયો. એણે તો ઊંડો ખાડો ખોદ્યો અને બધા જ ગુલાબી રંગનાં ડબ્બા એમાં દાટી દીધા… હાશ! હવે નિરાંત થઈ. ધોળુ ચાલવા માંડ્યો ત્યાં તો આસપાસથી ઘાસ-પાંદડા અને જોતજોતામાં આખેઆખો બગીચો ગુલાબી ઊગી નીકળ્યો. ગંગુ તો આવીને ખૂબ જ ખુશ થયો અને ધોળુનું માથું ચૂમી લીધું. એને શાબાશી આપી. ધોળુએ ઘરબહાર ‘વેચવા માટે’ જે બોર્ડ મૂકેલું, એને પણ ખસેડી દીધું. અંતે,  જતાં-જતાં એણે ગુલાબી પીંછી લીધી અને ધોળુને રંગ લગાવ્યો…. તમે જ કહો એ કયો રંગ હશે?

 

(રૂપાંતર – સમીરા પત્રાવાલા)

***

(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં -www.youtube.com/watch?v=59lKdaXX6Eo )