આખા દિવસના ભણતરથી કંટાળેલા ચિન્ટુને હવે ઘરે આવીને લેશન કરવાનો કંટાળો આવતો હતો. પરંતુ મમ્મી સામે તેની એક પણ દલીલ ન ચાલી. અંતે તેણે બળવો પોકાર્યો અને પોતાના હાથમાં રહેલાં પુસ્તકો હવામાં ઉડાડી દીધાં. ધોળા કબૂતરની માફક ચોપડાઓ ઉડ્યાં. ચિન્ટુનો આ વિદ્રોહ રોજનો હતો. બાલીશ વિરોધપક્ષ જેવું તેનું મન ક્યારેય પણ એક સમાધાનથી સંતુષ્ટ હતું જ નહીં. ચિન્ટુના વિદ્રોહે મમ્મીનો પારો ચઢાવ્યો અને રસોડામાંથી બેલેસ્ટિક મિસાઈલસમું વેલણ ઊડતું ઊડતું ચિન્ટુના છાતી પર જઈને લેન્ડ થયું.
અમેરિકાએ પહેલો હુમલો કરી દીધો અને મધ્યપૂર્વના નાનકડા દેશની જેમ નિઃસહાય ચિન્ટુએ પોતાનો વિલાપ શરૂ કર્યો. આ વિલાપ સાંભળીને ચિન્ટુના પપ્પા અકળાયા, રશિયાની જેમ તેઓ પણ આ મધ્યપૂર્વના દેશની મદદે આવ્યા. રશિયા સમા પપ્પાએ મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુ પાસે સહાનુભૂતિ દર્શાવી. અમેરિકા પર હુમલો કરવાની જગ્યાએ તેઓ શાંત રહ્યા. આમ પણ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો અશાંત ઈતિહાસ હજી શીત નથી થયો એટલે કે ઠંડો નથી પડ્યો… આ ઉકેલ વાતચીતથી જ શક્ય છે એવા શાંતીપ્રિય વલણ ધરાવતા લોકોને યાદ કરીને શું થયું તેની પૃચ્છા કરવા ચિન્ટુના પપ્પાએ રસોડા તરફ પ્રયાણ કર્યું. દર વખતની જેમ અમેરિકાએ રશિયા પર આક્ષેપ કર્યો કે, ‘તમારા લાડને કારણે જ આ જ બગડી ગયો છે(દેશ કે ચિન્ટુ તે પૂછવું અસ્થાને)’ અન્ય સામે સારું દેખાડવાનો પ્રયત્ન કરવા પપ્પાએ થોડો વિરોધ કર્યો, પરંતુ અમેરિકાનો ગુસ્સો ચરમ સીમાએ હોય, તેમણે વધુ વાદવિવાદ માંડી વાળ્યા.

જોકે પોતાના થયેલા અપમાનનો બદલો ક્યારે વાળવો એ વિચાર સાથે તેમના મગજમાં ગોળમેજી પરિષદો ભરાવવા લાગી. રોજ રાત્રે ઘરના ડાઈનિંગ ટેબલ પર થતી સંયુક્ત રાષ્ટ્ર સમી બેઠકોમાં જ આનો નિવેડો લાવવો એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો. રશિયાને કોઈ પણ દેશ વગર સ્વાર્થે ટેકો આપતો નથી અને રશિયા પોતે પણ વગર સ્વાર્થે કોઈને ટેકો કરતું નથી એટલે આ બેઠકમાં કોઈનો ટેકો મળે કે નહીં તે અંગે પણ રશિયા સમા પપ્પા થોડા ચિંતામાં મૂકાયા.
ટેબલ પર ભોજન સમયે સંયુક્ત રાષ્ટ્રમાં થતી ચર્ચાઓ શરૂ થઈ અને તેમણે ચિન્ટુના વિદ્રોહ પર થયેલા હુમલાનો પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકા મધ્યપૂર્વના દેશ પાસે માફી માગે તેવી માગણી કરી. અમેરિકાએ કહી દીધું કે આ હુમલો મધ્યપૂર્વના દેશના ભલા માટે જ હતો, નહીં કે પોતાના સ્વાર્થ માટે, તરત જ ચિન્ટુનાં દાદી બ્રિટન બની ગયાં અને અમેરિકાની હામાં હા પાડવાં લાગ્યાં. તેમણે આવા હુમલાને યોગ્ય ઠેરવ્યો, જ્યારે ફ્રાંસ-જર્મનીસમા ચિન્ટુના દાદાએ સ્વાયત્તાનો મુદ્દો સામે ધરીને આ અંગે કાંઈપણ બોલવાની નકાર ભણી દીધી.
રશિયા પર પોતાની જ વ્યુહરચના બૂમરેન્ગ થઈ. આખરે તેમણે અમેરિકા પર આક્ષેપોનો વણઝાર કરી દીધો. કોઈપણ પ્રકારની મંજૂરી રશિયાને અમેરિકા દ્વારા મળતી ન હોવાનો આક્ષેપ તે વણઝારોમાં મોખરે હતો. રશિયાએ બે વાર કરતાં વધારે ચા નહીં માગવી-નહીં પીવી એવો પ્રતિબંધ લાદવાની વર્ષો જૂની વાત પણ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી. તો અમેરિકાએ ફરી એકવાર રશિયાએ પોતાની સંધિભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો અને પોતાની મનમાની કરતું હોવાના પુરાવાઓ પણ આ ચર્ચામાં સહુની સામે ધરવામાં આવ્યા…
અલબત્ત, એ જણાવવાની જરૂર નહીં હોય કે આ આખી ચર્ચામાં મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુની છાતી પર થયેલા હુમલા અને તેના દર્દ વિશે તમામ ભૂલી ગયા હતા…
***