મૃત્યુનું રહસ્ય પૂછતાં એક વાર ગુરુજી મારા બોલ્યા તત્કાળ: એ જન્મમાં હું એક ખ્યાતનામ ગણિતજ્ઞ હતો. મારી આંગળીઓ પરના બાર વેઢા ઘસાઈ જવા આવ્યા હતા. વેઢાની રેખાઓ ઝાંખી પડતી ગઈ તેમ મારી આંખમાં રહેલા બે દીવા તેજ થવા લાગ્યા. હું સતેજ અને સતર્ક બનતો ચાલ્યો. અને એ સતર્કતામાં માલૂમ પડ્યું કે મારી અંદર કોઈ અજ્ઞાત રોગે ઘર કરવાનું આરંભ્યું છે. મેજના ખાના નીચે એક ગરોળી દોડાદોડ કરતી હતી. દાક્તરો આવે છે ને જાય છે. ફ્લેપ ડોર ખૂલે છે ને હું ચોંકી પડું છું. સ્ટેથોસ્કોપ ઝુલાવતાં મદરીઓથી ત્રાસી ગયો છું. કશું જ નક્કી થયું નથી કે શું છે. માત્ર ધીમા અવાજે આટલી સૂચના આપાય છે, આરામ કરો ને શ્વાસ ગણો. મધપુડાનો ગણગણાટ વધી જાય છે. મારે આરામ નથી કરવો. અને શ્વાસ ગણવાની શી જરૂર છે મારે? ભારે વિચિત્ર સૂચના છે. રજાઈ ફેંકી દઈને બેઠો થાઉ છું. “મારે સુવું નથી. હવે હું તો ફરતો જ રહેવાનો. હરતોફરતો ચાલતોમહાલતો – પરિવારના લોકો પરેશાન, ચિકિત્સકો હેરાન. હું ચાલવાનું આરંભુ છું. સૂરજ ઊગ્યો છે સૂરજ આથમ્યો છે. આંખમાં કરોળિયા આક્રોશ કરે છે. ઘેનનાં જાળાંને હું મનથી તોડી શકું છું. ભલે ચાંદ ઊગે. ભલે ચાંદની આથમે. હું તો મારા ખંડમાં કંટાળીને મારા પલંગની જ પરિક્રમા કરતો’તો. અંગાંગમાં અંગારા બળબળે ગુણાકાર ભાગાકારમાં આંકડા ઝળહળે. એક ડગ દેવાની તાકાત નથી. ડગલામાં અભિનવ એવરેસ્ટની અનુભૂતિ. એક જ બીક. બેહોશીમાં બેઠાં બેઠાં ના મરું ! નીંદમાં સૂતાં સૂતાં ના મરું ! અને મને કો’ક અજ્ઞાત પદધ્વનિ સંભળાય છે. મારી ચાલની તો મને જાણ છે. પણ આ શાના ભણકારા…….? હું ડૂબી રહ્યો છું જળ વગર. જમીનનો પ્રત્યેક અંશ મારાં પગલાંને ક્યાંક તાણી જઈ રહ્યો છે. અને હું ઊંઘ્યો નથી. હું જાગું છું ! આંગળીના વેઢા અદ્રશ્ય ! દાંત નીચે આંગળીને મૂકું છું તો પેઢાનો જ અનુભવ મળે છે. ત્યાં બારીના એકરંગી પરદા અસ્ખલિત ગતિએ ઓકળીઓને સંચારિત કરે છે. ને હું-બીજા જન્મે સત્તરેક વર્ષનો હુષ્ટપુષ્ટ નવયુવક. આંબાવાડીયામાં વાંચું છું ‘પેરિય પુરાણ’, અને તદ્દન વિશ્રામની સ્થિતિમાં છું ત્યાં અચાનક મને ડર લાગ્યો કે હું મરી જવાનો છું. મને લાગ્યું કે હું મારી જઈ રહ્યો છું. શરીર હતું તદ્દન નિર્વિકાર: સામેના ઘટાદાર આમ્રવૃક્ષ સમું. પવન ના આવે તો જાણે પાંદડા જ નથી. લહેરખી આવી જાય તો ખડખડ ખડખડ. ખિસકોલીના નખક્ષતની સ્પૃહા નથી, છતાં મુખમુદ્રા ફિક્કી પડી ગઈ ને શ્વાસ રૂંધાવા લાગ્યો. ઓષ્ઠ બિડાઈ ગયા, આંગળાં ઝાંપાને વખાઈ રહ્યાં. પવન પડી ગયો. આંબો જેમ ને તેમ ઊભો છે. હું એમ ને એમ પડ્યો છું, સમૂળા કપાયેલ એક મોટા થડની જેમ. લાકડાને લોકો લઇ જાય તેમ મસાણમાં મને લઇ જાય. છોને લઈ જાય. મને અગ્નિ હવાલે કરશે. છોને કરે. હું કાંઈ રાખ તો થવાનો નથી. પીંછાં ખરી જાય તોયે પંખી પંખીપણામાંથી જાકારો પામતું નથી. કારણ કે પૂર્વ પ્રતિ પવન વહેતો ત્યારે પંખીને પૂર્વ તરફ ઊડી જવામાં બાધા નહોતી નડી. પશ્ચિમ પ્રતિ તો પશ્ચિમ તરફ. પંખીને થતું પોતે પંખી નહી. પણ પવન પોતે જ છે. પવન અને પક્ષી ભિન્ન નહોતાં. પાંખ કે પીંછાંની પરવા એટલા માટે નહીં કે અગાઉના કોઈક જન્મમાં જાતે એક વાર તણખલાની તોલે આવી રહી ચૂક્યું છે. વહી ચૂક્યું છે. નદીમાં પુષ્કળ પૂર. એમાં ફક્ત બે તણખલાંનો સૂર. એક કહે, હું નહીં વહું પણ લડું. બીજું કહે, હું નહીં લડું પણ વહું. સરિતાને મન સર્વ સમાન. અહીં નથી કોઈ ગુણ કે ગુમાન. ઉપાડ્યાં ઉભયને જાણે વિમાન. ગણિત કે અગણિત સર્વને વહેવું જ રહ્યું. ચાહે વહો, ચાહે લડો, ચાહે રડો, ચાહે પાડો. ઊંઘમાં જાગતાં ઊંઘમાં વેઢાવિહોણી આંગળીઓને ગણી શકો છો ? અને આંગળાં વગરના વેઢાને!?

[‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વાર્તાઓ’માંથી]