આપણે સાહિત્યમાં જીવન વિશેની વાતો કરી રહ્યા છીએ તો એના સંદર્ભમાં જ વાત કરીશ. પપ્પા સાહિત્યકાર(કવિ જયંત પંડ્યા) અને મમ્મી શિક્ષક. બંને ગુજરાતી ને અંગ્રેજી વિષય ભણાવે, આથી આનાયાસે જ ભાષા માટેની જાગ્રતિ નાનપણથી આવી. બાળપણમાં પપ્પા લંડન ગયેલા, ત્યાંથી ત્યાંના કવિઓની કવિતાઓ રેકોર્ડ કરીને મોકલે, ત્યારે અંગ્રેજી તો ખાસ ન આવડે, છતાં સાથે ગુજરાતી કવિતાઓ પણ હોય એટલે મજા આવતી. ઘરમાં અખબારો, ઝગમગ, ફૂલવાડી, રમકડું, ચાંદામામા, બકોર પટેલ, મિંયા ફૂસકી વગેરે વાંચવામાં આવતું, એમાં કોણ પહેલું વાંચે એની હોડ જામતી, પછી પરબ, શબ્દસૃષ્ટિ, ઓળખ, કુમાર જેવાં સામયિકો પણ માનસ પર છાપ છોડતાં થયાં. સાહિત્યકાર હોવાનો દાવો તો નથી કરતી પણ મને લેખનમાં મળેલી સાર્થકતામાં પપ્પાનો ફાળો મોટો ગણાય. શિક્ષણ ઉપરાંત સાહિત્યલેખન, અનુવાદો, સમાજિક આગેકદમી સાથેસાથે પપ્પાએ પરિષદમાં ઉપપ્રમુખથી લઈ, ‘નિરીક્ષક’ના તંત્રી સુધીની વિવિધ જવાબદારીઓ દાયકાઓ સુધી નિભાવી, એમનું સાહિત્યવર્તૂળ વિશાળ, પ્રતિષ્ઠિત સાહિત્યકારોની નિયમિત ઘરે આવ-જા રહે, આ બધાં પરિબળોને લીધે સાહિત્ય માટેનો પ્રેમ આપોઆપ જન્મ્યો. પત્રકારત્વ કે લેખન વિશે સ્પષ્ટ વિચારો નહોતા, પણ મૂળ રસનો વિષય તો સંગીત. કોલેજમાં યશવંત શુક્લ જેવા મોટા દરજ્જાના કેળવણીકાર, કોલેજની અધધધ ઈત્તર પ્રવૃત્તિઓનો પણ પ્રભાવ. એ દરમિયાન સાહિત્ય અને નાટક સાથે વધુ ઊંડો પરિચય થયો. એ સમયે પપ્પાના ‘નિરીક્ષક’ મેગેઝિનના લેખોમાં પોકેટમનીની લાલચે પ્રૂફ રીડીંગ કરતી, એના ભારેભરખમ લેખોને લીધે બાહ્ય જગતના અનેકવિધ જ્ઞાન વિષે આકર્ષણ જામ્યું. ત્યાંથી જ રાજકારણના વિષયમાં રસ પડ્યો, જે કોલેજમાં પોલિટિકલ સાયન્સને વિષય તરીકે ભણવા તરફ લઈ ગયો. સમાજજીવન વિશે વધુ ને વધુ જાગ્રતતા કેળવાતી ગઈ.
સાહિત્યની વાત પર પાછા ફરીએ તો, મારું માનવું છે કે સાહિયને સારી રીતે ગ્રહણ કરવામાં આવે તો એ જીવન પર અસર કરે છે. એવાય લોકો હોય છે જે માત્ર વાંચે છે, એને ગ્રહણ નથી કરતા, પણ મારા કિસ્સામાં તો કહીશ જ કે સાહિત્યએ મને ખૂબ જ સમૃદ્ધ કરી છે. બકોર પટેલની વાર્તાઓ હોય કે સ્ટીવ જોબ્સની આત્મકથા ! વાંચનને હંમેશાં મદદ કરી છે. હૃદય અને સમાજ જીવનમાંથી મળતા સહિત્ય ગમે છે એટલે જ મને આત્મકથાઓ વધુ ગમી જાય છે.
પ્રવાસ વિશે એક જ વાક્યમાં કહેવાનું હોય તો કહીશ કે પ્રવાસ જ મારું જીવન છે. રખડવાનો શોખ તો મૂળથી જ સીંચાયેલો, પણ સંસાર ને વ્યવસાયની કડીઓ જોડવામાં ખાસ સમય ન મળતો. ભારતમાં ઠીકઠીક ફરી. સૌથી પ્રિય પ્રવાસન લદાખનું ને પ્રિય સ્થળ પેનગોન્ગ લૅક, ત્યાં જુદું જ એકત્વ, જુદું જ જોડાણ અનુભવાયું છે. હિમાયલ તો હિપ્નોટાઈઝ કરનારો મણિ ! એવું જ આકર્ષણ ગંગા નદીનું… વહેણનાં એ ભવ્ય સ્પંદનોની અનુભૂતિ આહલાદક. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પાસે થયેલી અનુભૂતિ પૂર્ણપણે વર્ણવી શકાય એમ નથી. તાજેતરમાં વિયેતનામ ફરી આવી. પ્રવાસ એ માત્ર ફરવાનું માધ્યમ નથી પણ એક આખા સમાજ, સંસ્કૃતિ, ત્યાંના લોકોને-પ્રકૃતિને જાણવાનો એક સમુચિત પ્રયાસ છે. મને પોતાની રીતે પ્રવાસ કરવો ગમે. ત્યાંની જનસંસ્કૃતિ, જનસ્વભાવને જાણવું ખૂબ જ ગમે. પ્રવાસ-અનુભવોની એકંદરે વાત કરું તો સ્વિત્ઝરલેન્ડનાં લોકો ખૂબ જ હૂંફાળા, જર્મન થોડા અકડું, અમેરિકન્સ ખુલ્લા દિલવાળા તો બ્રિટીશરો અહંભાવ ધરાવતા, છતાં શિસ્તબદ્ધ ! જોકે દરેક સંસ્કૃતિની પોતાની આગવી મોહિની છે. એ દરેક સંસ્કૃતિ પાસે જે સારું છે એ પ્રવાસ દ્વારા આપણી પાસે આવી શકે છે. એ આપણને પણ જુદી અવસ્થામાં લઈ જાય છે. પ્રવાસવાંચન માટે કાકાસાહેબ કાલેલકર અને ભોળાભાઈ મને હંમેશાં ગમ્યા છે. આપણા જે નવોદિત લેખકોએ પ્રવાસવર્ણનો લખવા હોય એમણે આ બેને અનિવાર્યપણે વાંચવા જ રહ્યા. હવે તો ઘણા લેખકો અને કોલમિસ્ટસ પ્રવાસ વિશે લખે છે. સારું પણ લખે છે, કારણ કે અત્યારે લોકોમાં હરવાફરવાનું વધ્યું છે અને આવું લખાણ લોકોને સ્વાભાવિક રીતે ગમે પણ છે.
અનુભવોની યાદી બનાવું તો ટોચ પર કમ્બોડિયાની વાત આવે. ત્યાં કિલિંગ ફિલ્ડ છે, જ્યાં ભારે હત્યાકાંડ થયેલો. ત્યાં એક સ્કલ મ્યુઝિયમ પણ છે. એ કિસ્સા, એ વાતો… વગેરે રૂંવાડા ઊભા કરી દેતી અનુભૂતિઓ ! ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું આખું ગામ છે, જ્યાં ફરી વળ્યાં પછી એમના પ્રેમમાં પડી જવાય. એ જ રીતે વિદેશોમાં ફરીએ એટલીવાર આપણો દેશ સ્મરણપટ પર પડઘાતો રહે. સરખામણી ને મનનચિંતન થયા જ કરે. ભારત દેશ ભૌગોલિક રીતે એટલો વિશાળ અને સાંસ્કૃતિક રીતે એટલો સમૃદ્ધ છે કે શક્તિશાળી દેશો માટે પણ ભારતની અવગણના શક્ય નથી. આપણી પાસે જે સાંસ્કૃતિકતા છે, જે ઈતિહાસ છે, જે ધાર્મિક વિભાવના છે, એના વૈવિધ્યનો સમન્વય છે, એ બીજે ક્યાંય નથી. આજના રાજકારણમાં ધર્મનાં વિવિધ અર્થઘટનો થાય છે, એને લીધે ભારતની સામાજિક અને રાજકીય છબી બગડે છે. શૈક્ષણિક સ્તરે ઘણું કામ કરવાની જરૂર છે એ માટે… અલબત્ત, ભારતની સમૃદ્ધિને એના સાચા સ્વરૂપે વિશ્વ સુધી પહોંચાડે એવા યુવાનોની જરૂર છે. આ સંદર્ભે અત્યારની પેઢી ઘણી ઓપન-માઈન્ડેડ છે. એમની પાસે ઘણી આશાઓ બંધાય છે. પ્રવાસની વાતમાં એટલું જ ઉમેરવાનું કે ભારતમાં પ્રવાસન સ્થળોની ભરમાર છે પણ રસ્તા ને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના થાય છે એ જોઈ કયા પ્રવાસપ્રેમની દુઃખ ન થાય?
અંતે, આજના સાહિત્યની વાત પણ કરવી રહી. સોશિયલ મિડિયાને લીધે સ્વાભાવિક રીતે જ પોતાને કવિ કે લેખક કહેનારાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. નિઃશંકપણે સોશિયલ મિડિયા એક ઉત્તમ પ્લેટફોર્મ છે, પણ લોકો સાચા સાહિત્ય અને સાચી સાહિત્ય-શૈલીને સમજે એ પણ જરૂરી છે. માત્ર લખી લીધું એટલે લેખક બની ગયા એવું નથી એ વાત સમજાવે એવા માર્ગદર્શકોની જરૂર છે. અહીં ચર્ચા વ્યક્તિની નહીં વિચારની થવી જોઈએ, લોકપ્રિયતા હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય કે સારો કસબ હોય, પણ અંતે એ કલાકસબ દ્વારા તમે સમાજને શું આપો છો એ મહત્વનું છે. હવે લોકો વાંચતા નથી, લાંબું વાંચી શકતા જ નથી એ ગંભીર બાબત છે. સાહિત્યની આવતીકાલ વિશે ચિંતા થાય પણ પેલી ‘માસ’ અને ‘કલાસ’ની થીયરી ફરી આંખ સામે આવી ઊભી રહે છે.
-પછી આશા જાગે છે, કે લોકપ્રિયતા અને પ્રશિષ્ટતાનો ભેદ તો હંમેશાં રહ્યો છે ને રહેવાનો ! સદીઓથી આમ જ ચાલતું આવ્યું છે એટલે સાહિત્યવાચન માટે એક ચોક્કસ વર્ગ તો રહેશે જ ! મોટાભાગે જેમ ઉત્તમ સંગીત બધે નથી પહોંચતું, એ નાનકડા સભાગૃહમાં જ જીવંત રહે છે, ઉત્તમ નાટકો પૃથ્વી જેવાં વિશિષ્ટ થિયેટરમાં જ આવે છે, બધે જ નથી ભજવાઈ શકતા, એમ પ્રશિષ્ટ સાહિત્ય પણ, અમુક લોકો સુધી જ ભલે, પણ જીવંત રહેશે. અંગત રીતે મને એમ થયા કર્યું છે કે અગાઉના સાહિત્યકારોમાં જેમ એકથી એક આગવી શૈલી અમને વાંચવા મળેલી એની હવે વ્યાપક ખોટ વર્તાય છે, એટલે હમણાં તો આપણે નવા યુગમાં ‘માસ’ અને ‘ક્લાસ’ની વિશેષતાને ભેગી કરીને અભિવ્યક્ત કરી શકે એવા સમર્થ સાહિત્યકારની રાહ જોવી રહી…

(ચર્ચા: સમીરા પત્રાવાલા, તુમુલ બુચ)