(આ કાવ્યકથાનું વસ્તુ ‘કેટ ઈન ધ હેટ’ પરથી લેવાયું છે.)
*

હું ને રંજન બારી પાસે બેસી વાતો કરતાં’તાં,
‘ગરમી આવી, ગરમી આવી’ એવી આહો ભરતાં’તાં
કેમ કરીને જાવું રમવા, ઉનાળાના તાપમાં?
ઈસ્ત્રી જેવો લાગે તડકો, ઘરમાં રહેવું બાફમાં.
મમ્મી ગ્યાં છે નાના ઘરે, પપ્પા ગ્યા છે ઓફિસ,
ચાલને ભાઈ કાંઈ ગમ્મત કરીએ, ક્યાં સુધી આમ બેસીશ?
ભાઈને ગમતું ક્રિકેટ રમવું, મને તો સાયકલ વ્હાલી,
તાપ નામના સાપે જોને, રમ્મત પાછી ઠાલી.
પેટ ભરીને ખાધું પછી, ટીવી જોઈનેય થાક્યાં,
રમતાં-ભમતાં-હસતાં-બોલતાં બધું કરીને પાક્યાં.
રવિવારનો દિવસ શું કરવું, એમ વિચારે બેઠાં,
દરવાજે કોઈ ઠકઠક કરતું, કાન થયા સરવા.
ધણધણ કરતી ધરતી બોલી, એવા ટકોરા વાગ્યા,
ચુલબુલ તો પાણીમાં ધ્રુજે, હું ને રંજન ભાગ્યાં.
ભરી બપોરે કોણ આવશે કાકા-મુન્ની-ચુન્નુ?
ચુલબુલ બોલી સાવધ રે’જે, મમ્મી વિણ ઘર સૂનું.
*
હું અને રંજન તો ડરી ગયા. હવે કરવું શું? મચ્છીઘરમાં ચુલબુલ (માછલી) પણ ધ્રુજે છે. આ બહાર જે કોઈ પણ છે એ એટલા જોરથી દરવાજો ખખડાવે છે કે આખું ઘર ધ્રુજે છે. મેં તો કહી દીધું કે દરવાજો જ નથી ખોલવો. રખે ને કોઈ ચોરલૂંટારું હોય, પણ રંજન કહે ચોરલૂંટારું એમ કઈ દરવાજો ખખડાવી થોડા આવે? અને જે રીતે આ કોઈ દરવાજો ખખડાવે છે એ જોતા તો લાગે છે કે કદાચ પપ્પા જ હોય. તને ખબર છે ને પપ્પાને કોઈ મોડો દરવાજો ખોલે તો ગુસ્સો આવે છે? મમ્મી પણ હોઈ શકે કદાચ, વહેલાં આવી ગયાં હોય. રંજને તો દરવાજો ખોલ્યો. અને જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે…
*
સામે એક બિલાડી છે…
જે ઊંચી-લાંબી-કાળી છે….

*
બાપ રે ! આ ભરબપોરે કોણ આવ્યું? મને તો ડર લાગવા માંડ્યો અને આ બિલાડી તો દેખાવે પણ સાવ અલગ જ હતી.
*
લાલ ટોપી પહેરી એણે, ગળે બાંધી ટાઈ,
ચુલબુલ ત્યાંથી ડરતી પૂછે, કોણ આવ્યું છે ભાઈ?
(કોણ આવ્યું છે ભાઈ? બોલો કોણ આવ્યું છે ભાઈ?)
ટોપી ઊંચી કરતા બિલ્લી બોલી હેલ્લો હાય-વાય,
મારું નામ છે ટીંગર ટોપી, સ્વાગત કરો ભાઈ-ભાઈ.
*
બિલ્લી તો ઘરમાં આવી ગઈ. દરવાજા જેવી ઊંચી અને માથે પહેરેલી હેટથી તો એનો ઠાઠ જ અલગ લાગતો હતો. હું ને રંજન તો એને જોતાં જ રહી ગયાં. અને ચુલબુલ એના મચ્છીઘરમાં ડુબુક-ડુબુક કરતાં-કરતાં બૂમાબૂમ કરવા લાગી કે આને ઘરમાં ન આવવા દો. મમ્મી ઘરે નથી અને આમ કેમ કોઈ ઘરમાં આવી શકે? આને બહાર કાઢો. મારી વાત માનો બંને. આમ થોડું ચાલે? મમ્મીની ગેરહાજરીમાં કોઈ ઘરે આવે એને ઘરમાં થોડું ઘુસવા દેવાય? (સવાલ:મમ્મીની ગેરહાજરીમાં કોઈને ઘરમાં ઘુસવા દેવાય?) ત્યાં તો બિલ્લીએ જવાબ આપ્યો…
*
મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે રંજન-ટીના,
ઘરમાં બેઠી થાક્યાં બન્ને, ચાલો રમીએ રંજન-ટીના.
ઘરની બહાર જઈશું નહિ પણ ઘરમાં ગમ્મત કરીશું રે,
ટીંગરટોપી ઘરમાં આવ્યો, પેટ પકડીને હસીશું રે,
ચુલબુલની વાતો ન માનો, એ તો બીક્કણ બચ્ચી રે,
હું તો તમારો દોસ્ત છું પ્યારો, દોસ્તી બડી અચ્છી રે.
*
ચુલબુલને તો ગુસ્સો આવી ગયો. આ બિલ્લી એને જરાય નહોતી ગમતી. એને થયું કે મને બીક્ક્ણ કહે છે આની હિમ્મત તો જો. ટીંગરટોપીએ તો ઘરમાં અહિયાં-તહિયા, આજુબાજુ બધે જ તપાસ કરીને અમુક વસ્તુઓ ભેગી કરવા લાગી. હું અને રંજન કંઈ બોલીએ એ પહેલાં જ એ તો જાણે સરકસનો જોકર હોય એમ ખેલ દેખાડવાની તૈયારી કરવા લાગ્યો. અમે પણ રાહ જોવા લાગ્યા કે આ હવે શું કરશે?
*
મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,
(મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,)
ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.
(ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.)
હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી
(હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી)
ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.
(ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.)
*
કરતબ કરવામાં ટીંગરે પોતાનેય સામેલ કરી છે એ જોઇને ચુલબુલ તો ધુંવાપુવા થઈ ગઈ. એમાં પાછું પોતાની મચ્છીઘરને ટિંગરે ઝૂંપડી કહ્યું એટલે એનો ગુસ્સો તો સાતમે આસમાને જતો રહ્યો. પણ ખૂબ ચડ્યો. એની બૂમાબૂમ ચાલુ થઈ, એલા કોઈ તો આ મૂરખને બોલો કે મને નીચે તો ઉતારે. એલા હું પડી જઈશ, મને વાગી જશે, હું મરી જઈશ…
*
તું બિલ્લી છે કે બંદર, તું બિલ્લી છે કે બંદર?
નથી જોઈતી ગમ્મત તારી, કેમ આવ્યો છે અંદર?
(કેમ આવ્યો છે અંદર? કેમ આવ્યો છે અંદર?)
નીચે ઉતારી દે તું પહેલાં, પછી હું તને જોઉં છું.
છલ્લક છલ્લક પાણી થતું, જોતો નથી હું રોઉં છું?
*
હું ને રંજન તો ગભરાઈ ગયાં. ચુલબુલ રડે છે અને ટીંગર તો એની મસ્તીમાં જ છે. અમે બંને એને કહી છીએ કે…
*
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને…
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને…
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને…
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને…
*
પણ ટીંગર તો એની મસ્તીમાં જ હતો. એણે તો વાત જ ન માની. ચુલબુલને ગુસ્સો આવ્યો અને એણે એક ઊંચી છલાંગ મારી અને સીધા ટેંકમાંથી લોંગ જંપ (ઊંચો કુદકો) કરીને ટીંગરટોપીનું નાક ખેંચતી પાછી પોતાની મચ્છીઘરમાં જ ડૂબકી મારી… ટીંગરનું તો નાક ખેંચાયું અને પછી…
*
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક…
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક…
*
ટીંગરને એકાએક છીંક આવી એટલે ગડબડ થઈ ગઈ.
*
હાથેથી કપ છૂટયો, ચોપડી પડી,
રંજને ટેંક ઝીલ્યું, બોલ ગયો દડી,
બેલેન્સ ટળ્યું ને બધાં પડ્યાં ધડામ,
ટીંગરે ભોય તળે કર્યા પ્રણામ.
છત્રી આવી મારા માથે ધસી,
ડરી ગઈ હું, થોડી આઘી ખસી,
આઘુ ખસવામાં પગે નીચે બોલ આવ્યો દડી,
-ને પગ તો લપસ્યો… હું ગઈ બારીએ ચડી.
*
હાશ… બચી ગયાં. ચુલબુલના તો જીવમાં જીવ આવ્યો. મારું તો બારી સાથે માથું ભટકાતા રહી ગયું. પણ આ શું? બારી બહાર જોયું તો મમ્મી આવતાં દેખાય છે. આ બિલ્લી ખતરનાક છે મારે કઈક કરવું જ પડશે હવે. મમ્મી પણ આવી રહ્યાં છે અને એમાં પણ આ ઘરમાં વેરવિખેર જોશે તો અમારું તો આવી જ બનશે. મેં તો જઈને સીધો ટીંગરને ભોયતળેથી ઉઠાવ્યો અને કહ્યું…
*
નીકળો હવે, નીકળો હવે, ગમ્મત હવે પૂરી થઈ,
મમ્મી ઘરમાં આવે છે, રમ્મત હવે પૂરી થઈ.
રંજન ચાલ શરૂ કર, બધી વસ્તુઓ સમેટીશું રે,
મમ્મી બધું જોઈ જશે તો મેથીપાક જમીશું રે.
*
મમ્મીનું નામ સાંભળી રંજન પણ સાવધ થયો. ટીંગરને હાથ ખેંચીને બહાર કાઢ્યો અને પછી અમે ઘરમાં બધું ઠીક કરવાં લાગ્યાં, પણ આ બધું એટલું વેરવિખેર થયેલું કે અમને સૂઝ નહોતી પડતી. એવામાં ડોરબેલ વાગી અમારા તો મોતિયા મરી ગયા અને થયું નક્કી મમ્મી આવ્યાં. હવે કોઈ રસ્તો નથી. જે બન્યું એ કહી દઈશું શું કરીએ? અમે ડરતાં-ડરતાં દરવાજો ખોલ્યો અને નીચું જોઈ ગયા. ત્યાં તો…
*
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
*
અમને નવાઈ લાગી આમ કેમ થયું. વળી પાછો કેમ આવ્યો? અમે કંઈ પૂછીએ એ પહેલા જ ટીંગરે એક બટન દબાવ્યું અને જીપના ત્રણેય હાથ કામે લાગી ગયા અને આખું ઘર એક મિનિટમાં જ ઠીક કરી નાખ્યું. અમે તો ખુશ થઈ ગયાં. ટીંગરે ગાડી પાછી વાળતા કહ્યું…
*
આવજે રંજન, આવજે ટીના, આવજે ચુલબુલ પ્યારી રે,
ગમ્મત કરશું ફરી કયારેક, પાક્કી આપણી યારી રે.
મમ્મી ઘરમાં હોય નહિ તો કોઈને ઘરમાં લાવશો ના,
ટીંગરની વાત અલગ છે યારો, સાવધ રહી સાચવશો હા…
*
હું, રંજન અને ટીના તો ખુશ થઈ ગયાં. ટીંગર તો જતાં-જતાં બધું જ ઠીક કરી ગયો અને આમ પણ અમારો સમય પસાર થઈ ગયો હતો. ડર લાગ્યો પણ મજા પણ કરી ને?
થોડીવારમાં મમ્મી આવી ગયાં અને ઘરની સાફસફાઈ જોઈને અમને શાબાશી આપવા લાગ્યા. પછી પૂછ્યું શું કર્યું આખો દિવસ રમ્યાં કે કંટાળ્યાં? હું ને રંજન એક્બીજા સામે જોતાં હતાં અને ચુલબુલ પ્યારી તો… મચ્છીઘરમાં હસતી હતી!

***