ટૂંકી વાર્તાનું સ્વરૂપ વાર્તાકારની સર્જકતાને ચકાસે એવું હોય છે. નાના ફલકમાં એક-બે(કે ક્યારેક ત્રણ) ઘટનાની આસપાસ વાર્તાનું શિલ્પ ઘડાતું જાય. બહુ મુખર થયા વગર પાત્રો વાચકની આંખ સામે ઉઘડતાં રહે. આધુનિક વાર્તાકારે જે લખ્યું છે એના કરતાં જે નથી લખ્યું એ વાચકના મનઃચક્ષુ સમક્ષ ખુલતું રહે. નવી શૈલી, ભાષા પાસેથી આગવું કામ લેવાની વાર્તાકારની સજ્જતા વાચકને પણ જલસા કરાવી દે. જરૂરી હોય એટલો જ કરેલો વાર્તાનો વિસ્તાર વાચકને હૈયે ટાઢક પ્રસરાવે.
એક સારી વાર્તા લખવા માટેની સજ્જતા યુવા મિત્ર સુનીલ મેવાડાએ કેળવી છે, એનો આનંદ છે. બહુ થોડા શબ્દોમાં વાર્તાને અનુરૂપ વાતાવરણ સુનીલ સર્જે છે. એનાં પાત્રો સાથે વાચક પોતાપણું અનુભવે છે. સુનીલની શૈલીમાં તાજગી છે અને વિષયનું નાવિન્ય પણ છે. હું વિનીત નથી, એક નિષ્ફળ વાર્તાની વાર્તા, શણગારેલું હાર્મોનિયમ, નાગાત્મકતા, પકડેલો હાથ જેવી વાર્તાઓ નોંધનીય છે અને પાત્રોના માનસશાસ્ત્રીય સ્તરે આલેખાયેલી વાર્તાઓ છે.
પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ લઈને આવતા સુનીલ મેવાડા ઘણી બધી અપેક્ષા જન્માવે છે. ગુજરાતી વાર્તાસાહિત્યના એક વળાંક પર એમની વાર્તાઓની ધજાઓ લહેરાતી રહે એવી સુકામનાઓ!