પત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા માત્ર અને માત્ર જાત સાથે સંવાદ કરે છે. એ સંવાદમાં ભારોભાર અકળામણ ભરી છે. ચારે બાજુ ચાલતા વિવિધ ખેલોમાં એમને પોતાના વ્યક્તિત્વનો હ્રાસ થતો દેખાય છે. અહીં સમજી શકાય નહીં તેવી મૂંઝવણ છે અને અસ્તિત્વનો અર્થ પામવાની મથામણ છે. ભીડથી ઊભરાતા મહાનગરમાં આ નિબંધકાર જાણે અનેક વનમાંથી પસાર થઈ પોતીકી વેલ શોધવા મથે છે, પરંતુ તે વેલ ક્યાંક ગૂંચવાઈ ગઈ છે. ગૂંચ ઊકેલવી સહેલી નથી તે પણ એમને સમજાયું છે. મા સાથે જોડી રાખતી નાળ મુંબઈની લોકલ ટ્રેનોના પાટા સાથે જોડાઈ ગઈ છે. વેદના ક્યારે ઊબકો બની જાય છે તે સમજાતું નથી. આ સર્જક ભાષાની વિડંબના અને સંસ્કૃતિની મૂંઝવણ વચ્ચે પોતાના ખાલીપાને માપવા મથે છે. જીવનની આવી અનેક વિડંબણા વચ્ચે ટકી જવાની મથામણમાંથી શબ્દો જન્મે છે. આ વિડંબણા માતાના ગર્ભમાંથી બહાર નીકળવાની ક્ષણે જ સામે ઊભેલી કાતરની છે. સંવેદન પણ દ્વિધા બને છે. સુનીલ અનુભવે છે ‘કોઈના વગર જીવી શકતો નથી તેમ હું કોઈની માટે પણ જીવતો નથી.’ આ સર્જકને ‘સંભવામિ યગેયુગે’નો સંદેશ અફવા જેવો લાગે છે. પોતાની આગવી કેડી શોધતો આ એવો નિબંધકાર છે, જેના સપનામાં એક ન જન્મેલા કળાકારનો આત્મા છાતી કૂટીને રડે છે. અકળાયેલા – મૂંઝાયેલા સર્જકના ચિત્તમાં જડ થઈ ગયેલી વ્યવસ્થાઓ સામે વિરોધનો સૂર પ્રગટે છે. વિરોધના તારસ્વરે પ્રાગટ્યની વેળાએ જ જુદા જ પ્રકારનો આશાવાદ પણ જન્મે છે. તેથી જ એ કોઈ કાલ્પનિક ક્ષણપ્રદેશની શોધમાં નીકળી પડે છે – એક એવો પ્રદેશ જેની ભોંય ક્ષણિક હોય, છતાં તેમાં કશુંક નવું બનવાની શક્યતા હોય. સુનીલના ક્ષણપ્રદેશમાં ‘પાંખો હશે, નહોર નહીં હોય.’
રૂઢિઓ અને વ્યવસ્થાઓથી ઊબેલો આ સર્જક શબ્દો સાથે ઊભો રહીને પોતાને આગળ લઈ જનારા વાક્યની રાહ જુએ છે. એવાં અનેક વાક્યો સુનીલ મેવાડાને મળે તેવી શુભેચ્છા.
Wah 👌👍✌️