‘કાવ્યપદારથ પીધું પટપટ…’
‘વળગણ થયું દિશાનું ને મારગ છૂટી ગયો.’
એકલતાના સાત કિનારે કોઈ નથીના મારગ પર ક્યાંય નથીનું જીવન લઈને ક્યાંય નહીં જવાનો મુસલસલ વિચાર કવિના મનમાં ચાલે છે. જ્યારે જીવતરની ડાળી પકડે છે ત્યારે કવિની નસનસને વાણી ફૂટે છે. સુનીલ ગુજરાતી કવિતાની કેડી પર ચાલતી વખતે વ્યક્તિગત વેદનાને વાચા આપે છે. એક તરફ પુરાતન યુગના કવિઓની શૈલીનો પ્રખર પ્રભાવ તેની કવિતાઓને આજના કવિઓથી અલગ તારવે છે. વ્યક્તિ તરીકે આનંદી, મોજીલો સ્વભાવ ધરાવતા કવિને પ્રણય-પથ હચમચાવી નાખતો હોય એમ જણાય છે. જિંદગીનું સ્વરૂપ જ એવું છે કે વિરોધાભાસી તત્ત્વોની વચ્ચેથી આપણે સૌ પસાર થતા હોઈએ છીએ.
એકલપંથ રાહી રહેવાની વાત લઈને પોતાના પોચા પોચા જીવના પોલાદી જીવનથી કવિ અવારનવાર થાકી જતો જણાય છે. ક્યારેક તો કવિ દ્રવી ઊઠે છેઃ
‘હવે પછીથી મળજો ન કોઈ
રહી ન સંબંધની એક ઈચ્છા’
તો બીજી તરફ માગણી કરે છેઃ
‘સુક્કી ભવની ડાળી પર શણગારી આપો પંખી રે
રોજ ટહુકતી ઈચ્છા ત્યાં લીલપને રહે છે ઝંખી રે’
ને વળી કહે છેઃ ‘પાંસળીઓમાં પરોવી લાવ્યા ઈચ્છાઓનો રોગ’
કવિ શબ્દોના નગરમાં વસે છેઃ અરંગ શબ્દો… અઢંગ શબ્દો… અને એમાંથી બ્રહ્મને જડી જાય છે.
નરસિંહ મહેતાની કરતાલને વખાણતા કવિને ઝળહળ તિરાડો દૃશ્યમાન થાય છે. એવી એકાદ રોમાંચક પળને છેટે કવિના મુખમાંથી સરી જાય છેઃ ‘ચલો, ખભે અંધાર ઉપાડો !’
પ્રેમથી શરૂ થયેલાં કાવ્યત્વ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ તરફ ધસમસે છે. કવિના હૃદયમાં ઝાંખી જોઈએ તો, અંદર ‘દૃશ્ય ફાટફાટ થાય’ છે.
સુનીલને હૃદયપૂર્વકની અઢળક શુભેચ્છાઓ.