રસિકે શૈલાને પૂછ્યું, “તારાં બા-બાપજી ના પાડે તોપણ તું મારી સાથે લગ્ન કરે ખરી?”
શૈલાએ કહ્યું કે, “મારી ના નથી, હમણાં આ વાત કોઈને કરતો નહીં.”
સ્વાભાવિક છે કે રસિકે એના ખાસ મિત્ર મહેશને કહ્યું કે શૈલાનાં બા-બાપુજી મનાઈ કરશે તોપણ શૈલા તો મારી જોડે પરણશે જ. મહેશે પૂછ્યું, “શી ખાતરી?” ત્યારે રસિકે કહ્યું ખુદ શૈલાએ મને કહ્યું છે, પણ આ વાત કોઈને કરતો નહીં, કારણ શૈલાએ મને કહ્યું છે કે આ વાત કોઈને જ હમણાં કરવાની નથી.
મહેશે તો ચિત્રા પાસેથી પહેલેથી જ વચન લઈ લીધું કે હું તને એક વાત કહું પણ એ શરતે કે તું એ કોઈને કહે નહીં. ચિત્રાએ વચન આપ્યું પછી જ મહેશે ચિત્રાને કહ્યું કે શૈલા રસિક જોડે ચોક્કસ પરણવાની છે એવું ખુદ શૈલાએ રસિકને કહ્યું છે પણ વાત હમણાં કોઈને કહેવાની નથી એવું શૈલાએ રસિક પાસેથી વચન લીધું છે એટલે જ હું પણ તારી પાસેથી વચન લઉં છું કે આ વાત તું કોઈને કહેતી નહીં. ચિત્રાએ તે આપ્યું (વચન).
જો કે પછી ચિત્રાએ બીજે દિવસે મહેશને કહ્યું કે પોતે કોઈ પણ વાત પોતાની મધરથી છુપાવતી નથી એટલે શૈલા અને રસિકવાળી વાત પણ એણે પોતાની મધરને(એટલે કે ગિરિજાબહેનને) કરવી પડશે. મહેશે કહ્યું કે એ વાત કોઈનેય નહીં કહેવાનું તેં મને ખાસ વચન આપ્યું છે એનું શું? ત્યારે ચિત્રાએ કહ્યું કે મેં એ વચન આપ્યું છે એ ખરું, પણ મેં એ વચન આપ્યું ત્યારે હું આ વાત તો તદ્દન ભૂલી જ ગયેલી કે મારાં મધરથી કોઈ જ વાત નહીં છુપાવવાનો મારો નિયમ છે. ‘હવે શું કરવું?’ એ સમસ્યા મહેશ અને ચિત્રા આગળ આવીને ઊભી રહી. પણ એનો ઉકેલ છેવટે મહેશે એ રીતે કાઢ્યો કે ચિત્રાએ રસિક અને શૈલાવાળી વાત એનાં (એટલે કે ચિત્રાનાં) મધરને કરવી ખરી, પણ એ વાત મહેશ પાસેથી આવી છે એ એમને કહેવું નહીં. વળી મધર પાસેથી વચન પણ લઈ લેવું કે એ આ વાત કોઈને કહે નહીં.
ચિત્રાનાં મમ્મીએ આ વાત સાંભળ્યા પછી એ ખાનગી રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો જ હતો, પણ બન્યું એવું કે એક વાર એ (એટલે કે ચિત્રાનાં મમ્મી ગિરિજાબહેન) અને સુભદ્રાબહેન તથા ચારુલતાબહેન વચ્ચે ચર્ચા ઊપડી કે આજકાલ દીકરીઓ શું કરતી હોય છે તેની માતાઓને પણ ખબર પડતી નથી. આ ચર્ચા ઊપડી ત્યારે ખરેખર આવું નથી અને પોતાને ઘેર તો દીકરી(એટલે કે ચિત્રા) પોતાને (એટલે કે ગિરિજાબહેનને) રજેરજ વાત કરે છે. એના ઉદાહરણ તરીકે ગિરિજાબહેને સુભદ્રાબહેન અને ચારુલતાબહેન આગળ આ વાત કહી-કે શૈલા રસિક પરણવાનાં છે એ તદ્દન ખાનગી વાત મહેશે ચિત્રાને કહી ત્યારે કોઈનેય નહીં કહેવાનું ચિત્રાએ વચન આપેલું છતાં એણે વાત પોતાને (એટલે કે ગિરિજાબહેનને) કહી જ. આ બતાવે છે કે દીકરીઓને એમની માઓમાં વિશ્વાસ હોય છે જ અલબત્ત, માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો જ.
આ છેલ્લા વાક્યથી એટલે કે દીકરીઓ માઓનો વિશ્વાસ કરે જ, જો માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો, એ વાક્યથી સુભદ્રાબહેન અને ચારુલતાબહેનને એવી ચાટી ગઈ કે ઘેર જઈને ગુસ્સામાં ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને (અનુક્રમે) ગિરિજાબહેનના અભિમાનની વાત કરી. અલબત્ત, ગિરિજાબહેનને સુભદ્રાબહેનને અને ચારુલતાબહેનને સૂચના આપેલી કે શૈલા અને રસિકવાળી વાત બહાર જાય નહીં એટલે એ બંનેએ ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને પણ (અનુક્રમે) એ સૂચના આપેલી, અને ખરેખર, ચંદ્રવદનભાઈ અને રમણિકરાયે એ વાત ખાનગી રાખી જ.
પણ થયું શું કે ચારુલતાબહેને જ્યારે રમણિકરાયને ગિરિજાબહેનની બડાશની વાત કરી ત્યારે રમણિકરાયે ચારુલતાબહેનને સંભળાવ્યું કે ગિરિજાબહેનનો મુદ્દો ખોટો તો નથી જ અને તેમણે (એટલે કે ચારુલતાબહેને) આપણી દીકરી એટલે કે (રમણિકરાય અને ચારુલતાબહેનની દીકરી) રેખાને એવા સંસ્કાર આપ્યા છે ખરા કે એ કોઈ વાત માતાપિતાથી છુપાવે નહીં જ. એ બાબત રમણિકરાયને શંકા છે. આથી ઉશ્કેરાઈને ચારુલતાબહેને તરત જ રેખાને પૂછ્યું કે એવી કોઈ વાત છે – દાખલા તરીકે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત – કે જે એને (રેખાને) ખબર હોય અને એણે ચારુલતાબહેનને ન કહી હોય. રેખાએ કહ્યું કે ના મમ્મી, મને એવી કોઈ વાતની ખબર નથી જ, પણ શું એ વાત ખરેખર સાચી છે કે શૈલા રસિક જોડે પરણવાની છે? ત્યારે ચારુલતાબહેને કહ્યું કે એ વાત ખરી છે, પણ તું કોઈને કહેતી નહીં.
રેખાએ કોલેજમાં જે જે બહેનપણીને આ વાત કરી એ બધીજને કડક સૂચના આપવામાં આવેલી કે આ વાત તેમણએ કોઈને કહેવી નહીં. અને વનલતા સાંજે ટેલિફોન પર સુનંદાને એ વાત કરતી હતી ત્યારે જયંતીલાલ એ સાંભળી ગયા એ તો અકસ્માતે જ બન્યું. પછી જયંતીલાલે દબડાવી ત્યારે જ વનલતાએ કબૂલ કર્યું કે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત ખાનગી હોવાથી જ એણે ઘરમાં કોઈને કહી નહોતી, માત્ર સુનંદાને જ ટેલિફોન પર એણે વાત કરેલી, કારણ એને એમ કે કદાચ સુનંદાને એ વાત ખબર હશે.
જયંતીલાલ એ શૈલાના પિતાના (એટલે કે વિનોદરાયના) મિત્ર હોવાથી અને શૈલા એમને (જયંતીલાલને) કાકા કહેતી હોવાથી ભત્રીજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને એમણે વિનોદરાયને કહ્યું કે શૈલા રસિકને પરણવાની છે એવી વાત આવી છે, પણ આ વાત એમણે શૈલાને કરવી નહીં એવું જયંતીલાલે વચન લીધું અને ઉમેર્યું કે શૈલા જાણશે કે જયંતીકાકા પાસેથી આ વાત વિનોદરાય પાસે આવી છે, તો શૈલા એમને (એટલે કે જયંતીકાકાને) કદી માફ નહીં કરે. વિનોદરાયે કહ્યું કે પોતે જયંતીલાલનું દ્રષ્ટિબિંદુ સમજે છે.
હવે કે, સુજ્ઞ વાચકો, મારે તમને ત્રણ જ પ્રશ્નો પૂછવાના છેઃ (એક) વિનોદરાયે હવે શું કરવું? એમણે શૈલા જોડે ખુલાસો કરી નાખવો કે પછી વચનપાલક બની મૌન રહેવું? (બે) વનલતાબહેન મારફત શૈલાની મા યમુનાબહેન સુધી પણ આ વાત આવી છે, પણ વનલતાબહેને વચન લીધું છે કે યમુનાબહેને વિનોદરાયને કે શૈલાને આ વાત નહીં કરવી. આ સંજોગોમાં યમુનાબહેને શું કરવું? (ત્રણ) સુનંદા મારફત શૈલાને ખબર મળી ગયા છે કે વિનોદરાય તથા યમુનાબહેન સુધી આ વાત પહોંચી ગઈ છે પણ શૈલાને આ માહિતી આપનાર સુનંદાએ પ્રોમીસ લીધું છે કે શૈલાનાં ફાધર-મધર આ વાત જાણે છે એ વાત તો જાણે શૈલા જાણતી જ નથી, એમ એણે વર્તવું ! કારણ, નહીં તો વચ્ચે સુનંદાનું અને વનલતાબહેનનું નાહક નામ આવે અને એમની ફ્રેન્ડશીપ બગડે ! આ સંજોગોમાં શૈલાએ હવે શું કરવું?
પ્રિય વાચકો,
આ ત્રણ પ્રશ્નો વિષે ચિંતન કરતાં કરતાં આપના જીવનના દિવસો, માસો અને વર્ષો સુખમય વીતે એ જ શુભેચ્છા ! દરમ્યાનમાં કદાચેય ઉત્તર સૂઝે તો અમને અવશ્ય લખશો. અમે આભારી થઈશું- ઉત્તર ખાનગી રાખવાનો હોય તો અમને ખાસ જણાવશોજી.
(‘હાસ્યાયન’ પુસ્તકમાંથી.)