યુવાનોમાં આજે ગઝલનું ખૂબ ઘેલું છે અને એટલે જ ગઝલ લખવી એ ફેશન પણ છે. એવા વાતાવરણમાં યુવાપ્રતિભા સુનીલ મેવાડા એક કાવ્યસંગ્રહ લઈને આવે છે જેમાં એક પણ ગઝલ નથી. એવું નથી કે એમને ગઝલલેખનનું જ્ઞાન નથી પણ એમણે એમના હૃદયની વાત સાંભળીને, ગઝલો તરફ ન વળતા, જેમાં શબ્દોની રમત ન હોય પણ હૃદયના ભાવોનો શબ્દાલેખ હોય એવાં કાવ્યો તરફ પોતાની જાતને વાળી ત્યારે આનંદ તો થાય જ.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સ્થાયી થયેલા વ્યવસાયે પત્રકાર એવા સુનીલ મેવાડા સાથે મિત્રતાનો સંબંધ. એ મુંબઈ હતા ત્યારે સાહિત્યના કાર્યક્રમોમાં મોટે ભાગે એમને મળવાનું થતું. એ કાર્યક્રમ પતે પછી અમારો ‘ચહાનો કાર્યક્રમ’ થાય જેમાં સતીશ વ્યાસ, સંદીપ ભાટિયા વગેરે મિત્રો પણ હોય. ઘણી વાર એ કાર્યક્રમ રાતના બાર વાગ્યા સુધી પણ ચાલે. સાહિત્ય વિશે વિસ્તૃત ચર્ચા થાય. વિચારોનું આદાનપ્રદાન થાય, જે ઘણું જ સમૃદ્ધ હોય.
સુનીલ મેવાડા જેટલા પ્રતિબદ્ધ પોતાના વ્યવસાય પત્રકારત્વ પ્રત્યે એટલા જ પ્રતિબદ્ધ કવિતા ક્ષેત્રે પણ. કવિતા ક્યારે ‘શબ્દોની રમત’ થઈ જાય એ વાત તે સારી રીતે જાણે છે અને એટલે જ એમની કવિતા એ ‘શબ્દોની રમત’ નથી. કોઈ પણ જાતના બીબામાં નથી ઢળી પડ્યા એટલે તેઓ એમની કવિતામાં વિવિધતા લાવી શક્યા છે. એમની કવિતામાં મૃદુતા છે તો સાથે સાથે શબ્દોની સાથે રમત કરનારાઓ સામે આક્રોશ પણ છે. એમની કવિતામાં અનુભવનું ભાથું છે ને કવિતા સાથેનો ભારોભાર પ્રેમ છે. જીવનને જોવાની આધ્યાત્મિક દૃષ્ટિ પણ એમની પાસે છે જે એમની કવિતામાં નજરે ચડે છે. ગુજરાતી માધ્યમમાં ભણતર અને એમ.એ.ના શિક્ષણને લીધે એમની પાસે શબ્દોને જોવાની એક સાહિત્યિક નજર પણ છે, જે એમની કવિતાને રસસભર બનાવે છે. મહત્ત્વની વાત એ પણ છે કે યુવાનોની કવિતામાં ભાગ્યે જ જોવા મળતાં સંસ્કૃત છંદોનો એમણે અહીં સફળ ને સરસ પ્રયોગ કર્યો છે.
આજના સાહિત્યજગત પર નજર કરતા સ્પષ્ટ રીતે જણાય કે રાહ ભૂલેલા, નવયુવાન સર્જકોને માર્ગદર્શન કરવાવાળું કોઈ નથી, એટલે શાળાકીય સ્તરે વિદ્યાર્થીઓને સાહિત્યની સાચી સમજ આપવાનું એમણે અને ડૉ. વર્ષા પટેલ (વલસાડ) એ બીડું ઝડપ્યું અને વલસાડમાં 2017માં ‘ડૉ. વર્ષા સાહિત્યશાળા’ની શરૂઆત કરી છે. હેતુ પણ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં એ શાળામાંથી જે વિદ્યાર્થીઓ બહાર આવે એ તમામ સાહિત્યની એક સમજ લઈને આવે. જો એ વિદ્યાર્થીઓમાં કોઈ સર્જક હોય તો એનું સર્જન એક ચોક્કસ રાહનું હોય. જો એ સર્જક ન હોય તો પણ સારો ભાવક તો બની જ શકે. મુંબઈમાં ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ના એક સ્થાપક તરીકે પણ સુનીલ ગુજરાતી ભાષા, માધ્યમ અને સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા છે. એમણે અંતરંગ મિત્રો સાથે મળીને ‘આર્ષ’ નામે એક ઓનલાઈન સાહિત્યિક માસિક પણ એક વર્ષ ચલાવ્યું. જેમાં જૂની સાહિત્યિક કૃતિઓને ફરી જીવંત કરી.
આ સંસ્થાઓનો ઉલ્લેખ કરવો અહીં એટલે જરૂરી લાગ્યો કે સાહિત્ય પ્રત્યેનું એમનું વલણ સ્પષ્ટ છે, એમની સમજ સ્પષ્ટ છે અને એથી એ વાત પણ સ્પષ્ટ છે કે એમણે લખવા ખાતર કે પ્રસિદ્ધિ ખાતર નથી લખ્યું પણ લખ્યા વિના નથી રહેવાયું એટલે લખ્યું છે. સાહિત્ય પ્રત્યે આવી સૂઝ, સભાનતા અને દાઝ ધરાવનાર કોઈ પોતાના સાહિત્ય સાથે આવે તો એ ચોક્કસ વિશેષ આનંદનો વિષય બને. ભવિષ્યમાં સુનીલ મેવાડા એ ગુજરાતી સાહિત્યનું મોટું નામ બની શકવાની શક્તિ ધરાવે છે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.
વારંવાર વાંચવી ગમે એવી કવિતાઓ લઈને આવતા સુનીલ મેવાડાનું આખું આકાશ ભરીને શુભેચ્છાઓ સાથે સ્વાગત છે.