વાર્તાસંગ્રહ ‘ઉત્તરજીવી’માં સાવ નજીક આવી પહોંચેલા એક બહુ જ સારા વાર્તાકારનો પગરવ સંભળાય છે. સુનીલે પોતાની વાર્તાઓમાંથી આંગળીને વેઢે ગણી શકાય એટલી જ વાર્તાઓ સંગ્રહ માટે પસંદ કરી ને એમાં અલગ અલગ શૈલીમાં લખાયેલી વાર્તાઓનું વૈવિધ્ય જાળવવાનો ઉપક્રમ રાખ્યો છે. પ્રયોગશીલ અભિગમથી પ્રેરાઇને લખાયેલી ‘હું વિનીત નથી’ કે ‘એક નિષ્ફળ વાર્તાની વાર્તા’ કૃતિઓથી લઇને ‘પકડેલો હાથ’ કે ‘શણગારેલું હાર્મોનિયમ’ જેવી પરંપરાગત વિષયવસ્તુ સાથેની પરંતુ હ્રદયના તાર ઝણઝણાવી દેતી રચનાઓ સુનીલની એક સક્ષમ વાર્તાકાર તરીકેની ઓળખ આપે છે.
સુનીલે હજી થોડા વખત પહેલાં જ અભ્યાસ પૂરો કર્યો છે. પોતાની આસપાસના વાતાવરણને એણે સાહજીકપણે જ વાર્તાઓમાં મૂક્યું છે. એક વિચારશીલ તરૂણના દ્રષ્ટિકોણથી કૌટુંબિક અને સામાજિક સંબંધોની અભિવ્યક્તિ અહીં રસપ્રદ અને તાજગીભરી બની રહી છે. બાળપણથી જ આસપાસની કૌટુંબિક, સામાજિક ઘટનાઓ તરફની નિસબત અને સંવેદનશીલ મન મળ્યા હોવાને કારણે એનો માતૃભાષાપ્રેમ એને સર્જનાત્મક અભિવ્યક્તિ તરફ ખેંચી ગયો છે. સુનીલ શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું ઉત્તમ લખાણ વાંચી સંભળાવવાની અને એને વિશે બાળકો સાથે વાતો કરવાની પાયાની પ્રવૃત્તિ પણ નિયમિતપણે કરે છે. આ સામાજિક સરોકારે એના શબ્દમાં તેજ પૂર્યું છે, પરંતુ ક્યાંક ક્યાંક દેખાયા કરતું પ્રયોગશીલતા તરફનું કૃત્રિમ ખેંચાણ દૂધિયા દાંતની જેમ થોડા વખતમાં જ ખરી પડશે એ પછી જે ચોવીસ કેરેટની વાર્તાઓ સુનીલ પાસેથી મળશે એની પ્રતિક્ષા કરવા જેવી છે. ત્યાંસુધી ઉત્તરજીવીની વાર્તાઓને હ્રદયપૂર્વક આવકારું અને વધાવું છું.