* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે?
* સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ અંશ સાહિત્ય સાથે જોડાયેલો હોય જ છે. વીસમી સદીના ત્રીજાથી નવમા દાયકા સુધી ફિલ્મોએ સાહિત્યને લોકો સાથે જોડાયેલું રાખ્યું છે, ત્યાર પછી આ કામ ટી.વી.ની સિરિયલોએ કર્યું છે. એમ કહેવાય છે કે બાળક જન્મીને હાલરડું સાંભળે કે એનાં મરણ પછી મરશિયાં ગવાય એમાં બધે સાહિત્ય કોઈને કોઈ રીતે જોડાયેલું હોય છે. હવે સાહિત્યને આપણે રૂઢ અર્થમાં લઈએ કે શિક્ષિતો નવલકથા કે કવિતા વાંચે એને જ સાહિત્ય કહેવાય તો એવું પણ વત્તા ઓછા અંશે આપણી આસપાસ જોઈએ છીએ, એ રીતે એક યા બીજા સ્વરૂપે માણસના જીવનમાં સાહિત્યની હાજરી હોય છે. આખરે તો માણસને સૌંદર્ય(aesthetics)નો સંસ્પર્શ જોઈએ છે. પછી એ લોકગીત, ભજન, કહેવત, ફિલ્મ અને એનું સંગીત, મુશાયરો, છાપામાં આવતી કોલમ કે નવલકથા અને ‘સરસ્વતીચન્દ્ર’ કે ‘પૂર્વાલાપ’ હોય, એનાં વાંચનમાંથી પણ માણસ પોતાની સમજણ અને રુચિ મુજબ એ મેળવી લે છે.
* તમારી શબ્દસાધનાને જીવન સાથે કેવી રીતે જોડો છો?
* આ સવાલનો જવાબ આપવા માટે મારે કેટલીક અંગત વાતો કહેવી પડશે, એને મારી કોઈ સિદ્ધિ તરીકે કે સ્વ-પ્રશંસા તરીકે ન જોતા, આ પ્રશ્નના જવાબમાં જોવા વિનંતી… તો, મારો જન્મ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં થયા જ્યાં ખેતી સિવાયના કોઈ વ્યવસાયની તકો નહોતી. પિતાજી અમદાવાદની એક મિલમાં સામાન્ય કારીગર. દસમા પછી હું અમદાવાદ આવ્યો અને મિલ મજૂરોની વસાહતોમાં રહ્યો, ત્યાં પણ મિલમાં કામદાર તરીકે નોકરી મળે એ જીવનની મોટી સિદ્ધિ ગણાતી. વળી ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સગવડ આવાં કુટુંબોમાં ન હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ હું વાંચતા શીખ્યો ત્યારથી સાહિત્ય મારી રોજિંદી જિંદગીમાં સતત વણાયેલું રહ્યું છે. મારા વડવાઓ જે જિંદગી જીવ્યા એનાથી પણ વધુ સારી આંતરિક ને બાહ્ય જિંદગી તેમ જ દુનિયા છે એ વાતનું સતત ભાન મને સાહિત્યના કારણે થયું. એવી જિંદગી જીવવા અને મેળવવા મેં પ્રયત્નો કર્યા જેમાં થોડાક અંશે તો થોડાક અંશે હું સફળ થયો. આ બધું મેં એકલા હાથે નથી કર્યું. મારાં નાના-નાની, માતા પિતા, મારાં શિક્ષકો અને મિત્રોના અડગ ટેકા સિવાય આ શક્ય ન જ થયુ હોત, પણ હું જ્યાં જન્મ્યો હતો અને જ્યાં પહોચ્યો છું એમાં સાહિત્ય મને દીવાદાંડીની જેમ સતત દોરતું રહ્યું છે એ મારા પૂરતું તો સત્ય છે જ…
* આજના સમાજમાં સાહિત્યની જીવંતતા ક્યાં જુઓ છો?
* આજના સમયમાં સાહિત્યની જીવંતતા મને મારી આસપાસ ખાસ દેખાતી નથી. માણસો આજકાલ ઓછું વાંચે છે, જેના કારણે એક બીજા પ્રત્યેની સહિષ્ણુતા ઘટતી જતી હોય એમ લાગે છે, પરંતુ માનવસંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્યને ભૂતકાળ કરતાં વર્તમાન અને ભવિષ્ય હંમેશાં નિરાશાજનક જ લાગે છે. એ રીતે તટસ્થપણે વિચારતા મારી આ માન્યતા માણસમાં રહેલા એ સ્વાભાવિક દોષદર્શન જેવી જ લાગે છે. હવે પછીની દુનિયા આજના કરતાં ભૌતિક રીતે બહેતર હશે, પણ એમાં સાહિત્ય માણસને માણસ બનાવી રાખવામાં બળ પૂરું પાડશે એની મને ખાતરી નથી. પચાસ વરસ પહેલાં આપણી જિંદગીમાં સાહિત્ય જેટલું ચાલકબળ હતું એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એ રીતે આપણા સમાજમાં સાહિત્યની જીવંતતા ઓછી થતી જતી હોય એમ લાગે છે.
(વાતચીતઃ સમીરા પત્રાવાલા)