આ તબક્કે પણ મને પાક્કો ખ્યાલ નથી આવતો કે જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ચોક્કસપણે શો છે? કેવો છે? અને કેટલો છે? પહેલાં હું વાંચતો ત્યારે મને જે થતું તે પરથી હું એવું માનતો કે સાહિત્યની લોકોના જીવન પર અને સામાજિક પરિસ્થિતિ પર ઘણી અસર થાય છે, પણ પછી હું લખવા માંડ્યો તો બહુ નિરાશ થયો છું.

અંગત વાત કરું, ‘તત્વમસિ’ને મળેલો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ લેવા ગયો. 2002નું વર્ષ. ત્યારે મેં એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, ‘મારા કાર્યને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે હું એ લઈ જાઉં છું, પણ આ પુરસ્કારને હું ઘરમાં પ્રદર્શિત નહીં કરી શકું, મારે એને પેટીમાં છૂપાવીને મૂકી દેવો પડશે. કારણ કે સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય એવી બિનાઓ ગુજરાતમાં બની છે.’

જ્યારે બીજી તરફ, આનાથી સાવ ઊંધું પણ અનુભવાયું છે. ઘણા બધા ભાવકોના ફોન-મેસેજ-મેઈલ-પત્રો આવતા રહે છે, સંવેદનશીલ પ્રતિભાવો મળતા રહે છે. ‘સમુદ્રાન્તિકે’ વિશે “મને જીવવા માટે નવું બળ મળ્યું તેવું કહેતા ઘણાં પ્રતિભાવો મળ્યા”. બીજી એક વાત, 2001ના કચ્છભૂકંપ સમયની છે. રોયલ્ટીની બહુ મોટી રકમનો ચેક ઘરે આવી ગયો, મને થયું કંઈક ભૂલ થઈ લાગે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ ભાઈએ ‘સમુદ્રાન્તિકે’ની સામટી 7૦૦૦ નકલ ભૂકંપ પીડિતોમાં વહેંચી છે, જેથી લોકો એ વાંચીને પોતાની હામ ટકાવી રાખે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના એક 84 વર્ષી વડીલે ‘તત્વમસિ’નો મરાઠી અનુવાદ વાંચીને મને લખી જણાવ્યું હતું કે, પોતે તો આજ સુધી નર્મદા જોઈ નથી શક્યા, પણ એમના અસ્થિવિસર્જન નર્મદામાં જ કરવા ઈચ્છે છે.

આ રીતે, વિચારતાં લાગે કે, એકાદ-બે પ્રસંગો એવા બને છે કે જે સાહિત્યના જીવન સાથે ઘનિષ્ઠ અને જીવંત સંબંધ ઉજાગર કરતા લાગે ! પણ આખા સમાજ પર સાહિત્યની વ્યાપક અસરને ધ્યાનમાં લઉં, ત્યારે હું સ્પષ્ટ નથી થઈ શકતો.

જોકે હા, સાહિત્યસર્જનને તો જીવન સાથે સીધો જ સંબંધ છે. મારા સાહિત્યમાં તો એવું છે કે જે લખાયું છે એ મારા જીવાતા જીવન દરમિયાન મને મળ્યું છે. મેં જે જોયું, તળના લોકો પાસેથી જે મેળવ્યું, એ બધું સીધી લીટીમાં સાહિત્ય થઈ અવતર્યું. સમુદ્રાન્તિકે, તત્વમસિ, અકૂપાર, તિમિરપંથી વગેરે નવલકથાઓ જોયેલા-જાણેલા-અનુભવેલા પ્રસંગો પરથી જ સીધેસીધી લખાઈ છે. અને હા, જીવનના આ પ્રસંગો-અનુભવો-અનુભૂતિઓને એકતાંતણે બાંધવાનું વાર્તા કહેવાની કળા દ્વારા સિદ્ધ થાય છે.

મારા પર વાંચનની જે અસર રહી છે તે જોતાં લાગે છે કે, આજના જીવનમાં સાહિત્યની પ્રસ્તુતતા ઘણી છે, પરંતુ સાથે સાથે એમ પણ લાગે છે કે આજનું સાહિત્ય બહોળી સામાજિક અસર કરી શકવા સમર્થ નથી. હા એવું નથી બનતું-નથી સર્જાતું.

ઉદાહરણ તરીકે, દેશના ભાગલા વખતે પંજાબ સરહદેથી આવતા-જતા હિજરતીઓમાં હિંસાનું પ્રમાણ ઊંચું હતું, જ્યારે સિંધ સરહદેથી આવતા કે જતા માણસોમાં તેવા બનાવોનું પ્રમાણ નગણ્ય રહેલું. આવું થવા પાછળનાં કારણો ઈતિહાસકારો તપાસે તો સમજાય કે એક મહત્વનું કારણ તે સિંધ-કચ્છ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયેલી સૂફી વિચારધારાની અસર હતી. ત્યાં ભિન્ન ધર્મના લોકો પણ એક સાથે રહી, સુમેળભર્યુ જીવન જીવી શકે તેવાં સાહિત્ય, ભજનો અને વાતો થતી રહેતી. ત્યાંની એ એકતા સાહિત્ય-કલાથી પોષણ પામેલી હતી. બન્ને કૌમના પીર-દેવતા એક હોય એવાં ઘણાં સ્થાનકો ત્યાં હતાં અને હજી છે !

આજનું સાહિત્ય એવી પ્રબળ અસર સરજી નથી શકતું તેનું કારણ શું તે હું નથી જાણતો, પણ જો એવી વ્યાપક અસર પાડવા સક્ષમ સાહિત્ય આજે સર્જાય, તો લોકો એને વાંચે જ નહીં, એવું બનવાની શક્યતા હું નથી જોતો. કારણ કે આજે પણ લોકો વાંચે છે અને વિચારે છે. પહેલાં હું એમ માનતો કે લોકોને વાંચવું નથી, પણ એવું નથી. હકીકતમાં લોકો બહુ જ વાંચે છે ને આજના યુવાનો પણ વાચનપ્રેમી છે. ભાષા જુદી હોઈ શકે, ગુજરાતી-અંગ્રેજી કે બીજી કોઈ, પોતે જાણતા હોય એ ભાષામાં, પણ લોકો વાંચે છે.

જેમ જીવનના અનુભવો પરથી લખવાનું થયું છે એમ લખવાને લીધે જીવન ઘડાયું હોય એવું પણ બન્યું છે. સમુદ્રાન્તિકેમાં ‘એકલીયા હનુમાનની વિદેશી સાધ્વી’નો એક પ્રસંગ છે, એની મારા પર એવી તો ઊંડી અસર થઈ છે કે, ‘ચોરી એ ખરેખર ચોરી છે જ નહીં.’ એ વાત હજી પણ મારી કથાઓમાં પુનરાવર્તન પામ્યા કરે છે.

સાહિત્યને લીધે બીજી એક અસર ચોક્કસપણે થાય છે તે એ કે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પ્રભાવિત થાય છે. જીવવાની રીતને જુદી રીતે જોવાની ટેવ પડે છે. અગાઉ કહ્યું તેમ, લોકાભિમુખ સાહિત્યની વાચકોના જીવન પર પણ અસર પડે છે.

મને મળતા પ્રતિભાવો પરથી આ બધું કહું છું. મારા વાચકોમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓથી માંડી વયોવૃદ્ધ સુધીના છે. પત્રો, ઇ-મેઇલ, ફોનકોલ કે વ્હોટ્સએપ દ્વારા મને સતત એમના પ્રતિભાવો મળ્યા કરે છે. અમુક વાચકો તો આપણને નવાઈ લાગે એવું એવું કરે છે. અકૂપાર વાંચીને કેટલાક લોકોએ ટીશર્ટ પર ‘ખમ્મા ગયરને’ છપાવ્યું છે. ગીરનાં જંગલોમાં ફરવા જનારા લોકોની ત્યાંનું વાતાવરણ જોવાની દ્રષ્ટિ બદલવામાં પણ અકૂપાર નિમિત્ત બની છે. ‘તિમિરપંથી’ની એક બહેન પર એટલી બધી અસર થઈ કે એમને પોતાના જન્મ-કૂળ પર રંજ થઈ આવ્યો, અને પાછાં એ કોઈ લાગણીશીલ તરુણી નહોતાં, ૬૦-૭૦ વર્ષનાં, શિક્ષિત બહેન હતાં. જોકે આવી ઘટનાનો યશ લેખક કરતાં વધુ તો વાચકને થયેલી અનુભૂતિને અને તેની જીવંત સંવેદનાઓને હોય.

ટૂંકમાં, સાહિત્યની વ્યાપક અસર ઝીલનારા લોકોની સંખ્યા તો ઘણી મોટી છે એ પૂરવાર થયું છે, પણ સમાજમાં એવા સરેરાશ લોકો કેટલા કે એમની ટકાવારી કેટલી? એ નક્કી કરવું મુશ્કેલ છે.

સાહિત્યવાચનનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે આવનારી પેઢીઓ પણ વાંચશે તો ખરી. કદાચ હવે પુસ્તકોને બદલે ઈ-બૂક વંચાશે કે કંઈક નવું શોધાશે. નવી પેઢીને કયા માધ્યમથી સાહિત્ય આપવામાં આવે છે એ બાબત પર ઘણો મોટો આધાર છે. એમને પસંદ પડે એવી સામગ્રી હોય તો તે જરૂર વાચશે. કેમ ન વાચે? વાચન, માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક બની ગઈ હોય એવું લાગે છે. સાતમા ધોરણમાં ભણતી મારી પૌત્રી આયાંએ ઘરમાં જ લાઇબ્રેરી શરૂ કરી છે. એની સાથે ભણતા પાંચમા-છટ્ઠા-સાતમા ધોરણના વિદ્યાર્થીઓ પુસ્તકો બદલાવવા આવે. પુસ્તકો વંચાઈ જાય તો કહે કે, ‘બીજાં પુસ્તકો લાવી દો, આ બધાં તો વાંચી લીધાં.’ એ પુસ્તકો એ બાળકો જેવાં જ હોય. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપર-નીચે લખ્યું હોય એવી દ્વી-ભાષી-ડ્યુઅલ લેન્ગવેજની ચોપડીઓ પણ એ બાળકો માટે ત્યાં રાખી છે. જ્યારે થોડાં મોટાં બાળકો નવલકથા ને ચિંતન લેખોનાં પુસ્તકો પણ વાંચે, ઘરે મમ્મી માટે પણ લઈ જાય. આ બધા પ્રત્યક્ષ અનુભવો સાહિત્યની જીવંતતાના પૂરાવા આપે છે. એના પરથી કહી શકું છું કે આવનારાં વર્ષોમાં પણ લોકો સાવ નહીં વાંચે એવું તો નહીં બને, હા, આધુનિક માધ્યમો વધી ગયા છે એટલે મોબાઈલસ્ક્રીન પરના વાંચન પછી બીજું વાંચવાનો સમય ન રહે એવું થાય, પણ એનો અર્થ સાહિત્ય-વાંચન બંધ થઈ જશે એવો નથી.

(ચર્ચા- તુમુલ બુચ)

***