સાહિત્યનો અર્થ જ છે, સહિત અથવા સાથે જનારું. જે સાહિત્ય અમુકની સાથે જ જતું હોય, સહુની સાથે ન જતું હોય, તે એટલું સંકુચિત બને છે. જેના માટે સહુના દિલમાં પ્રીતિ ન જન્મતી હોય, તે ‘સાહિત્ય’ નથી, ‘રાહિત્ય’ છે – તે સર્વ જનની પ્રીતિથી રહિત છે. સાહિત્ય સર્વ જનોને બદલે વિશિષ્ટ જનો માટેનું જ થઈ ગયું, તો તે કાંઈ સાહિત્યની પ્રગતિ નહીં, સંકુચિતતા જ મનાશે.
*
મનુષ્ય દેખાવમાં તો સાવ નાનકડો છે. બીજાં પ્રાણીઓ સાથે સરખાવીએ, તો મનુષ્ય તદ્દન નિર્બળ ને કમજોર જણાશે. પરંતુ તેના નાનકડા દિમાગમાં ને દિલમાં જે કીમિયો છે તે અદભુત જ છે ! મનુષ્યને હમદર્દ દિલ એવું મળ્યું છે કે પ્રાણીમાત્ર સાથે તે એકરૂપ થઈ જાય છે. સકળ સૃષ્ટિ સાથે એકરૂપ થઈ શકવાની મહાન શક્તિ ભગવાને મનુષ્યના નાનકડા દિલમાં મૂકી છે. અને એ જ મનુષ્યની વિશેષતા છે. અને દિમાગ પણ એવું દીધું છે કે તે દુનિયા આખીની સેર કરી શકે છે, દ્રષ્ટા બની શકે છે. આ દ્રષ્ટા બનવાની શક્તિયે બીજાં પ્રાણીઓમાં નથી. આ બેઉ શક્તિ કેવળ મનુષ્યને મળી શકે છે, અને તેને જાગૃત કરવાનું કામ સાહિત્યકારનું છે.
સાહિત્યકારની વાણી સચોટ ક્યારે બને? શંકરાચાર્ય પૂછે છે, ‘કેષામ્ અમોઘ વચનમ્’ – કોની વાણી અમોઘ નીવડે છે? ‘યે ચ પુન: સત્ય-મૌન-શમશીલા:’ – જેનામાં સત્ય હોય છે, જે મૌન રહે છે, જે શાંતિ રાખે છે, એની વાણી અમોઘ હોય છે.
વાણી તો રામબાણ જેવી હોવી જોઈએ. ‘રામો દ્વિશરન્ નાભિસંદ્વત્તે’ રામ બે વાર બાણ નથી છોડતા. રામ બે વાર નથી બોલતા – ‘રામો દ્વિરનાભિભાષતે.’ આ શક્તિ સાહિત્યકારની છે.
સાહિત્યકારમાં અલિપ્તતા જોઈએ, અનાસક્તિ જોઈએ. તેના વિના તે દુનિયાને પામી નહીં શકે. સાહિત્યકારે આ સંસારના ખેલમાં દ્રષ્ટા થવાનું છે. જો તે ખેલનું પાત્ર બની ગયો, તો યથાર્થ ચિત્ર નહીં આલેખી શકે. સૃષ્ટિને સંસારથી અલિપ્ત રહેવાની શક્તિ જેનામાં હશે, તે જ ઉત્તમ સાહિત્યકાર બની શકશે.
પરંતુ આ અલિપ્તતા એટલે વિમુખતા નહીં. સાહિત્યકાર નિર્વિકાર રહેવાની સાથોસાથ વિશ્વ તરફ અભિમુખ પણ રહેવો જોઈએ. સંસારાભિમુખ હોવા છતાં નિર્લિપ્ત. જે આવો રહેશે, એ જ સાચા અર્થમાં સાહિત્યકાર બની શકશે.
એટલે હું કહીશ કે સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બધાંનો તાવ માપે છે. જો થર્મોમીટરને પોતાને તાવ આવતો હોત, તો તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી ન શકત. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજા બધાનો તાવ માપી શકે છે. સાહિત્યકારનુંયે તેવું જ. પરંતુ આની સાથોસાથ બીમાર પ્રત્યે હમદર્દી દાખવનારા વૈદ્યનાંયે લક્ષણ સાહિત્યકારમાં જોઈએ. તાવ છે તે જાણ્યું, તાવ કયો છે તે ઓળખ્યો, પછી તેના નિવારણ માટે તેણે દવા પણ બતાવવાની છે. સાહિત્યકારમાં આવી બેવડી શક્તિ જોઈએ.
*
મારી બા કોબી સમારતી, ત્યારે ઉપરનું પડ કાઢી નાખતી. એક વાર મેં જોયું કે ઉપરનું પડ કાઢ્યું તે સારું જ હતું. કાંઈ બગડ્યું નહોતું. એટલે મેં કહ્યું, આ તો સારું છે, છતાં શું કામ કાઢી નાખ્યું? તો એ બોલી કે તેના પર હવાની અસર થઈ છે એટલે તેને કાઢી નાખવું સારું ! પછી તેણે કહ્યું, મન ઉપર પણ આવાં જ પડ હોય છે ઉપરનું પડ કાઢી નાખવાથી અંદરનું સ્વચ્છ રૂપ દેખાય છે.
મને માનું આ વાક્ય બરાબર યાદ રહી ગયું છે. મનના ઉપરના પડ ઉપર હવાની અસર થતી રહે છે. ચારે કોરના વાતાવરણની તેના પર અસર થાય છે. તેને દૂર કરીને જોવાથી અંદરના મંગળ દર્શન થાય છે. ક્યારેક ક્યારેક આવી રીતે ઉપરનાં બે-ત્રણ પડ કાઢી નાખવાં પડે છે. આવી રીતે ઉપરનાં પડળ દૂર કરી અંતરનાં મંગળ દર્શન કરવાની શક્તિ પણ સાહિત્યકારમાં હોય.
સાહિત્યકાર શબ્દનો ઉપાસક છે, અને તેણે શબ્દને કદી નીચે નથી પડવા દેવાનો. તેણે શબ્દનો ઉપયોગ એવી જ રીતે કરવો જેથી શબ્દ ઉન્નત થાય. ખોટા શબ્દોના ઉપયોગથી અવનતી થાય છે. શબ્દોના અર્થ ઉપર ચઢાવવાથી સમાજ ઉપર ચઢે છે અને શબ્દોના અર્થ નીચે પાડવાથી સમાજ નીચે આવે છે, પતિત થાય છે. એટલે આ બધું શબ્દની ઉપાસના કરનારાઓના હાથમાં છે.
*
રામદાસનું એક કથન છે – ‘નબળી તબિયતવાળાને વિનોદ ગમે છે.’ એકવાર આ કથનને લઈને કેટલાક સાહિત્યકારો રામદાસ ઉપર તૂટી પડ્યા. રામદાસના કથનના ભાવાર્થ ઉપર ધ્યાન આપીને તેમાંથી ઉચિત સાર ગ્રહણ કરી લેવાને બદલે તે લોકોએ એમ પ્રસ્થાપિત કરવા માગ્યું કે રામદાસ વિનોદનું જીવનમાં તેમજ સાહિત્યમાં જે સ્થાન છે, તે જ નહોતા સમજી શક્યા. ઉપહાસ, વ્યંગ, મર્મભેદ વગેરે પ્રત્યે પ્રત્યે જ્ઞાનદેવે અરુચિ દર્શાવી છે, તેનેય આપણા સાહિત્યકારો એમની સાહિત્યની પરિભાષા અનુસાર જ્ઞાનદેવના અજ્ઞાનનું જ દ્યોતક માનશે! મૂળમાં વાત એ છે કે જ્ઞાનદેવ ને રામદાસને રાષ્ટ્ર-કલ્યાણની તડપન હતી, જ્યારે આપણા વિદ્વાનોને ચટપટી ભાષાની ફિકર હોય છે – પછી ભલે ને તેનાથી રાષ્ટ્રઘાત કેમ ન થયો હોય ! બંને વચ્ચે આ મુખ્ય ભેદ છે. આપણી સાહિત્યનિષ્ઠા એવી છે કે સત્ય ભલે મરી જાય, પણ સાહિત્ય જીવતું રહે !
(‘ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ’ પુસ્તકમાંના લેખોમાંથી.)