અંગ્રેજી માધ્યમની પર્વતકાય માર્કેટિંગ અને માતૃભાષાના માધ્યમની પદ્ધતિસર અવગણનાને લીધે માતૃભાષા જૂનવાણીઓનો આગ્રહ તથા અંગ્રેજી આધુનિકોની ફેશન બની ગઈ છે, જે બેનો સંઘર્ષ કશું પરિણામ લાવી શકે એમ નથી.
અંગ્રેજી ભાષા અને માધ્યમને આધુનિકતા સાથે એ રીતે જોડી દેવામાં આવ્યા છે કે એનો વિરોધ કરનારા કે માતૃભાષા માધ્યમની તરફેણ કરનારાને પળનો વિચાર કર્યા વગર જૂનવાણી ઠેરવી દેવામાં આવે છે. લોકોના માનસ પર પણ એવો જ ચિતાર ઘડી દેવામાં આવ્યો છે કે આ ભાઈ નરસિંહમીરાંની વાતો કરે છે, માતૃભાષામાં ભણાવવાના આગ્રહી છે, એનો અર્થ એવો કે તે જૂનીપૂરાણી વિચારધારા ધરાવનારા છે. વિશ્વસ્તરની ભાષાઓ જેટલી જ મહાન ને સમૃદ્ધ હોવા છતાં આપણી ભાષાઓ બીજા ને ત્રીજા દરજ્જાની ભાષાઓ હોય એવો આપણો વ્યવહાર થઈ ગયો છે, અરે વ્યવહાર માત્ર નહીં, આપણને હવે તો વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બીજા દરજ્જાના જ છીએ, પહેલા દરજ્જાના તો વિદેશીઓ જ, આ વલણનું શું થઈ શકે? અનેક મહાનુભાવોએ વારંવાર કહ્યા કર્યું છે કે આપણે ભારતીયોએ આપણી પોતિકી માતૃભાષાઓને મહત્વ આપવું જોઈએ. ગાંધીજીએ તો બે ભારતીયો અંગ્રેજી કે વિદેશી ભાષામાં વાત કે પત્રવ્યવહાર કરે તો એમને સખ્ત-સશ્રમ સજા થાય એવી જોગવાઈ ઉમેરવાનું કહ્યું હતું, પણ અગાઉ કહ્યું એમ, આ બધી વાતો જૂનાજોગીઓની છે, આધુનિકો માટે નહીં, આધુનિક વિશ્વ અને આધુનિક પરિસ્થિતિને આ ગાંડાઘેલા જૂનવાણીઓ ક્યાંથી સમજે? માતૃભાષામાં તે કંઈ વળી બાળકને ભણાવાતો હશે? કેવી મૂર્ખતાભરી વાત? અરે, આ જૂનવાણીઓને તો કંઈ ભાન પડે કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી છે?
આપણે તો બાળકને ટનાટન-ચકાચક શોપિંગ મોલ જેવી ઝગમગતી સ્કૂલોમાં જ મોકલીશું અને લાખોની ફીઝ આપીને અમારા બાળક પ્રત્યે અમને કેટલોબધો પ્રેમ છે એ દર્શાવીશું, બાકી બાળકને ઘરે બેસાડી, એને વહાલ કરવાનો, એની સાથે ગપ્પા મારવાનો, એને જાતે કખગઘ-એકડે એક્કો શીખવવાનો, ઉંદરમામા કે સસલામામાની વાર્તા-કવિતાઓ કહેવાનો, એવોબધો ટાઈમ કોને છે ભાઈ? તો અમે અમારો બાળક પરનો પ્રેમ કેવી રીતે દર્શાવીએ? સિમ્પલ, આવી મોંફાટ મોંઘી સ્કૂલો અને ખિસ્સાફાટ એક્સ્ટ્રા એક્ટિવિટીઝના ક્લાસીસો કરાવી, એની પાછળ ચાર હાથે પૈસા ખર્ચીને જ તો અમે બાળકને કહી શકીશું કે જો અમે તને કેટલોબધો પ્રેમ કરીએ છીએ, ફલાણામાસાએ તો એમના બાળકને પાંચ લાખ રૂપિયાનો જ પ્રેમ કર્યો, પણ અમે તો આ એક જ વર્ષમાં તને સાત લાખ રૂપિયાનો પ્રેમ કરી દીધો જોયુંને તે… અમે કેટલાં સારાં માતાપિતા છીએ.
બસ, આ ને આવું જ આપણું વલણ થઈ ગયું છે, આવી વિચારધારામાં મોટા થઈ ભણીગણી સેટ થયેલાં બાળકો પણ ભવિષ્યમાં એમનાં માતાપિતાને કહેશે કે અરે પપ્પા ચિંતા શું કરો છો, આપણા કઝીને તો એમનાં માતા-પિતાને એક કરોડનો જ પ્રેમ કર્યો, એટલે જ તો એક જ વીમો ઉતરાવ્યો ને સાદા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો એમને… હું તો તમને દસ કરોડનો પ્રેમ કરું છું જુઓ, મેં તમારા બંનેના બે-બે વીમા અને બે-બે મેડિક્લેમ પણ કરાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં તમને ન ફાવ્યું એટલે અહીં આ ફ્લેટમાં બે નોકર સાથે રાખ્યાં છે, છુંને હું એક આદર્શ પુત્ર !
બસ, આવા ‘આદર્શ પુત્રો’થી જ પછી આપણો સમાજ ભરેલો હશે ત્યારે પણ કદાચ આપણને અક્કલ નહીં આવે કે મૂળને અવગણીને કોઈ છોડ પાંગરતો નથી, કોઈ ખેતર પાકતું નથી, કોઈ ફૂલ ખીલતું નથી, બહારથી મળતા પવન-સૂર્યપ્રકાશ ત્યારે જ અસર કરે છે જ્યારે છોડના મૂળ જમીનમાં પૂરતા ઊંડાણ સુધી ઊતરેલા હોય. જગતમાં કોઈ આવી મૂર્ખતાભરી રીતે ફૂલ ખીલવવાની મથામણ નથી કરતું, પણ આપણે એવી મથામણ કરીએ છીએ ને પાછી એ મથામણની માર્કેટિંગ પણ કરીએ છીએ કે જુઓ, મૂળ ગયું મોસાણમાં, મૂળ વગર પણ આ છોડ આભને આંબશે જુઓ, તમારે ફક્ત આટલી ફીઝ ભરવાની છે ને આટલા અસાઈમેન્ટ પૂરાં કરવાનાં છે.
-અને બીજી મહત્વની વાત એ કે આપણે જો આ જ કર્યા કરવું હોય તો પછી ફરિયાદો બંધ કરી દેવી જોઈએ. જ્ઞાનમંદિરોને બદલે ફેશનક્લબો જેવી સ્કૂલોને પસંદ તો આપણે જ કરીએ છીએ, આપણને એ જ જોઈએ છે, તો પછી એમાં વ્યાપેલા દૂષણોની ફરિયાદ શું કામ કરવાની? અરે, જે જ્ઞાનમંદિરોમાં પાંચપચ્ચીસ વિદ્યાર્થીઓને ભણવાની ને એવા વાલીઓને ભણાવવાની ઈચ્છા હોય છે એવા જ્ઞાનમંદિરોની ઈમારતોને આપણે ક્કડભૂંસ કરાવી નાખી છે, તાળા મરાવી દીધા છે અને બાકી રાખી છે બસ આવી મહાકાય ફેશનક્લબો, અને પછી કહીએ છીએ આ તો નરક છે નરક… આ ફેશનક્લબમાં જ્ઞાનના દેવતા કેમ નથી આવતા, આવા બેધ્યાન શિક્ષકો, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા આળસુ કર્મચારીઓ… આવું દૂષણ…
અરે પણ ભાઈ, જ્ઞાનની પૂજા કરવાને તો મહત્વ જ નથી આપવું. ખૂણેખાંચરે કેટલીક શાળાઓ મિશ્ર ધર્મના વિદ્યાર્થીઓ હોવાથી દાયકાઓથી ચાલતી આવતી સરસ્વતીની વંદના કરવાનું કે શ્લોકો ગવડાવવાની મનાઈ કરી રહી છે, કેટલાકને તો વળી વંદે માતરમ ગવડાવવા સામે પણ વાંધો છો ને એ બધાની સામે કોર્ટમાં પડ્યા છે તો બીજી તરફ અંગ્રેજીની બહુમતી કોન્વેન્ટ સ્કૂલો સદીઓથી બેરોકટોક મધર મેરીની બ્લેસિંગ્સ ગવડાવતી આવી છે એ આપણને ખૂંચતું નથી, ન ખૂંચે છે ધર્મઆધારિત શિક્ષણસંસ્થાનો. ચોવીસે કલાક ને ચારેબાજુ ધર્મપ્રચારની ફેક્ટરી ચલાવતી એ બધી સ્કૂલો આપણને આદર્શ લાગે છે, ને માનવપ્રેમ-પ્રકૃતિપ્રેમ-સર્વધર્મ સમભાવનાં ગુણગાન ગાતી આપણી જ શાળાઓ પછાત છે, કારણ કે ફીઝ વધારે નથી લેતી, બાળકો પર શિસ્તના નામે આદતો નથી લાદતી, બાળકોને મુક્તમને વિકસવા દેવો એ તો જાણે ગુનો થઈ ગયો હોય એમ એને ખાંસી ને છીંક ખાવાની એટિકેટ પણ સ્કૂલો શીખવીને આપે એવું આપણે ઈચ્છીએ છીએ.
આ બધું જ આપણે ચલવી લીધું છે ને આપણી શાળાઓની પડખે હજી આપણે નથી ઊભા રહેવું, આપણી ભાષાઓનો પક્ષ હજી આપણે નથી લેવો, ભાષા વગર સંસ્કૃતિ પણ નહીં ટકી શકે એ નક્કર સત્યને હજી આપણે નથી સ્વીકારવું. હજી બાળકોને આ ઘેટાકંપનીઓમાં જ ઘેટું બનવા મોકલવા છે તો આપણે હસતે મોઢે બધું સ્વીકારી લેવું જોઈએ કે સાહેબ, રાઈટ જ છે બધું, ઓલરાઈટ. ફી વધારાની ફરિયાદો ન કરવી જોઈએ, બાળકોમાં વધેલા સ્ટ્રેસની ચિંતા ન કરવી જોઈએ, ગધેડાની જેમ કામ કર્યા કરવું જોઈએ ને દર મહિને ગૌણ ભરીભરીને સ્કૂલમેનેજમેન્ટની કેબિનમાં પૈસા ઢાલવી આવવા જોઈએ. આ જ આપણી, આપણે સ્વીકારેલી નિયતિ છે.
દુનિયાનો કોઈ દેશ આવી મૂર્ખતાભરી સ્થિતિ-વ્યવસ્થાને વળગી નથી રહ્યો, એને બદલી શકાય છે, લોકોએ બદલ્યો છે, અરે ઘણે ઠેકાણે તો એક-એક વિદ્યાર્થી માટે એની માતૃભાષાના શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આપણને હજી ઈન્ટરનેશનલ લેન્ગવેજ, અરે યુનિવર્સલ લેન્ગવેજમાં જ બાળકને ભણાવવાના અભરખાં છે તો પરિણામો, ભોગવટાની યાદી પણ સાથે રાખવી જોઈએ, એ યાદીને દરરોજ વાંચતા રહેવું જોઈએ, ને એમાંનું કંઈક ઘટે તો ફરિયાદ કરવાના વલણને, બીજા સેંકડો આક્રોશો પી જઈએ છીએ એ જ રીતે, પી જવો જોઈએ, ચૂપચાપ !
– મુંબઈ ગુજરાતી સંગઠન